સાથિયા પુરાવો દ્વારે, દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી

08 October, 2024 07:58 AM IST  |  Mumbai | Mukesh Pandya

સ્ત્રી જો મા નથી તો તે કંઈ જ નથી. જેનો ખોળો સૂનો છે એવી સ્ત્રીને સમાજમાં એટલી હદે અનેક મહેણાંટોણાં સાંભળવાં પડે છે કે તે ખુદ માનવા માંડે કે મા બન્યા વિના તેનો જન્મારો અધૂરો છે.

પ્રતીકાત્મક તસવીર

વાંઝિયાનું મે’ણું ટાળી રમવા રાજકુમાર દે મા, ખોળાનો ખૂંદનાર દે

આ પ્રકારની આજીજી માતાજીના ઘણા ગરબાઓ અને લોકકથાઓમાં જોવા મળે છે. આજનો સમય હવે સાયન્સને સમજતો થયો છે. કોઈ યુગલને સંતાનપ્રાપ્તિ ન થાય એમાં પુરુષ પણ જવાબદાર હોઈ શકે એવું હવે સમજવામાં આવે છે, પરંતુ પહેલાંના સમયમાં સંતાન માટે સંપૂર્ણપણે સ્ત્રીને જ જવાબદાર ઠેરવવામાં આવતી. યુગલ સંતાનહીન હોય તો એ માટે પત્નીમાં જ ખામી હોય એવું ધારી લેવાતું. અનેક કિસ્સાઓમાં તો પતિમાં ખામી છે એવું જાણવા છતાં સમાજમાં એની કોઈને ખબર ન પડે એ માટે તમામ સાવધાની રખાતી.

વર્ષો પહેલાં મહિલાઓને દહેજપ્રથાનો ભોગ બનવું પડતું હતું. કન્યા એટલે સાપનો ભારો એવી કહેવત ખૂબ પ્રચલિત હતી. કન્યાના પિતાએ હંમેશાં નમીને રહેવું પડતું. આકરા કરિયાવર ચૂકવ્યા બાદ પણ કન્યા તેના સાસરે સુખી રહે એની કોઈ ગૅરન્ટી નહોતી. જો એને સંતાન ન થાય તો ઘણાં મહેણાંટોણા સાંભળવા પડતાં હતાં. હાલનું સંશોધન કહે છે કે જો દંપતીને સંતાન ન થાય તો પુરુષ પણ જવાબદાર હોઈ શકે. માત્ર સ્ત્રીમાં જ ખામી હોય એવું નથી, પરંતુ જૂના સમયમાં તો સંતાન ન થાય તો બધો દોષનો ટોપલો વહુને માથે ઢોળી દેવાતો. સાસરીથી લઈ ગામ આખામાં તેને વાંઝણી કહીને મહેણાં મારવામાં આવતાં. સંતાન માટે ઘણી વાર તો પતિને બીજી કન્યા જોડે પરણાવવામાં આવતો. એ પુરુષપ્રધાન સમયમાં દીકરીઓને ભણવા પણ મોકલવામાં આવતી નહોતી. અભણ મહિલાઓએ સાસરે ઓશિયાળા થઈને દુખિયારું જીવન વિતાવવું પડતું હતું. પિયરમાં જાય તો પણ દીકરી તો સાસરે જ શોભે એમ કહીને પાછી વળાવી દેવાતી. આવા સંજોગોમાં વહુઓ પોતાને મહેણાંટોણા ન સાંભળવાં પડે એ માટે થઈને પણ માતાજીને સંતાન માટે કાકલૂદી કરતી હતી.

વહુઆરુઓ રાંદલમાને પ્રાર્થના કરતી હોય એ શબ્દો નીચેના લોકગીતમાં પણ વણાઈ ગયા છે. 

 

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે

લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું રે

પગલીનો પાડનાર દ્યોને રન્નાદે

વાંઝિયા મે’ણાં માતા દોહ્યલાં

 

દળણાં દળીને હું ઊભી રહી

કુલેરનો માગનાર દ્યોને રન્નાદે

વાંઝિયા મે’ણાં માતા દોહ્યલાં

 

મહીડાં વલોવીને હું ઊભી રહી

માખણનો માગનાર દ્યોને રન્નાદે

વાંઝિયા મે’ણાં માતા દોહ્યલાં

 

પાણીડાં ભરીને હું તો ઊભી રહી

છેડાનો ઝાલનાર દ્યોને રન્નાદે

વાંઝિયા મે’ણાં માતા દોહ્યલાં

 

રોટલાં ઘડીને હું તો ઊભી રહી

ચાનકીનો માગનાર દ્યોને રન્નાદે

વાંઝિયા મે’ણાં માતા દોહ્યલાં

 

ધોળો ધફોયો મારો સાડલો રે

ખોળાનો ખૂંદનાર દ્યોને રન્નાદે

વાંઝિયા મે’ણાં માતા દોહ્યલાં

 

દરેક કડીને અંતે વાંઝિયા મહેણાંનો પુનઃ પુનઃ ઉલ્લેખ થાય છે એ જ બતાવે છે કે એ સમયે આ મહેણાંનો વહુઓમાં કેવો ખોફ હશે. આ મહેણાં તેમના અંતરને કઈ હદે કોરી ખાતાં હતાં એ તો તેમનો માંહ્યલો જ જાણે.

આ વાતનો ચિતાર માત્ર પ્રાચીન ગીતોમાં જ નહીં, નવરચિત ગીતોમાં પણ જોવા મળે છે.

વહુઓની આવી મનઃસ્થિતિને પ્રખ્યાત ગુજરાતી ગીતકાર સંગીતકાર અવિનાશભાઈએ પણ પોતાના રચેલા એક ગરબામાં વણી લીધી છે. આ ગરબો નવરાત્રિમાં ખૂબ ગવાય છે.

સાથિયા પુરાવો દ્વારે,

દીવડા પ્રગટાવો રાજ

આજ મારે આંગણે

પધારશે મા પાવાવાળી

 

વાંઝિયાનું મે’ણું ટાળી

રમવા રાજકુમાર દે મા,

ખોળાનો ખૂંદનાર દે

કુંવારી કન્યાને માડી

મનગમતો ભરથાર દે મા,

પ્રીતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે,

 રાખે માડી સૌની લાજ

આજ મારે આંગણે

પધારશે મા પાવાવાળી

 

કુમકુમ પગલાં ભરશે

માડી સાતે પેઢી તરશે

આદ્યશક્તિ મા પાવાવાળી

પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ

વાજિંત્રો વગડાવો રાજ

આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી...

આ ગરબામાં પણ સૌપ્રથમ માગણી વાંઝિયા મહેણું ટાળવાની જ છે એ એ સમયની વહુઓની સ્થિતિ દર્શાવે છે.

navratri Garba culture news festivals life and style columnists