નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

11 October, 2024 07:33 AM IST  |  Mumbai | Mukesh Pandya

પ્રથમ નજરે આ લોકગીત યશોદા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમભાવને દર્શાવતું હોય એવું લાગે, પણ આ ગીત પાછળની લોકકથા સાંભળો તો ખ્યાલ આવે કે આ ગીતની વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે

પ્રતીકાત્મક તસવીર

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

ફૂલકુંવર નાનો રે ગેડીદડો છે તેના હાથમાં

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

 

ક્યો તો ગોરી ચિત્તળની ચૂંદડી મંગાવી દઉં,

ચૂંદડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં...

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

 

ક્યો તો ગોરી નગરની નથડી મંગાવી દઉં,

નથડીનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં...

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

 

ક્યો તો ગોરી ઘોઘાના ઘોડલા મંગાવી દઉં,

ઘોડલાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં...

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

 

ક્યો તો ગોરી હાલારના હાથીડા મંગાવી દઉં,

હાથીડાનો વહોરનાર રે કાનો રમે છે મારી કેડમાં...

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

 

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં

 

હવે આ ગીત પાછળની કથા સાંભળીએ.

એક ગામમાં ચેપી રોગને કારણે એક નવજાત શિશુની માતા મરણપથારીએ પડી હોય. તેના બધા  ઘરવાળા પણ આ રોગને કારણે મૃત્યુ પામ્યા હોય છે. તેના નાનકડા બાળનું ધ્યાન હવે કોણ રાખશે એ ચિંતાને કારણે માનો જીવ દેહમાંથી છૂટતો નથી. આ કણસતી અને ડૂસકાં ભરતી માતાનો દર્દભર્યો અવાજ સાંભળી પાડોશની દસ વર્ષની કુંવારિકા ત્યાં દોડી આવે છે અને તેના દુઃખનું કારણ પૂછે છે. 

‘માસી, તમે કેમ રડો છો? તમને શેની ચિંતા છે?’

જવાબમાં પેલા શિશુની માતા દર્દભર્યા અવાજમાં કહે છે, ‘હું તો આ બીમારીમાંથી બચવાની નથી એની ખબર છે. મને એનો શોક પણ નથી, પરંતુ મને મારા આ નાનકડા બાળની ચિંતા થાય છે. તેને કોણ ઉછેરશે? તેનો હાથ કોણ ઝાલશે? મારું આખું ઘર આ બીમારીમાં હોમાઈ ગયું છે.’

પેલી કન્યા પણ આસપાસ ભરડો લઈ રહેલા રોગચાળાથી વાકેફ હોય છે. એ વખતે ભારતમાં પ્લેગ જેવી જીવલેણ અનેક બીમારીઓ હતી જેની કોઈ દવા શોધાઈ નહોતી. આખાં ને આખાં ઘર  આવા રોગમાં માનવવિહોણાં થઈ જતાં હતાં. નાનપણમાં જોયેલી મુસીબત વ્યક્તિને પોતાની ઉંમરમાં હોય એના કરતાં વધુ પાકટ બનાવી દે છે. પેલી દસ વર્ષની કન્યા પણ પુખ્ત વયની હોય એ રીતે વર્તે છે. માતાની પાસે સૂતેલા શિશુને ઉઠાવી પોતાની કાંખમાં લે છે અને મરતી માને વચન આપે છે,

‘જા, આજથી આ છોકરાને હું ઉછેરીશ. તેને જ મારો ધણી માનીશ. તેની સાથે જ લગ્ન કરીશ. તું લગીરે ચિંતા કરીશ નહીં.’

પેલી મરતી મા એક પરમ સંતોષ અને સ્મિત સાથે દેહ છોડે છે. તેને તેના બાળકનો રખેવાળ મળી ગયો હોય છે.

મરનારને વચન આપ્યા પ્રમાણે પેલી કન્યા બાળકને ઉછેરે છે. આ સુંદર કન્યા જ્યારે યુવાવસ્થામાં આવે છે ત્યારે ઘણા લોકો તેની સાથે પરણવા ઉત્સુક હોય છે. મારી જોડે લગ્ન કરીશ તો ચૂંદડી, નથણી, હાથી-ઘોડા જે માગીશ એ લાવી દઈશ એવી ઘણી લાલચો અપાય છે પણ પેલી કન્યા ટસની મસ નથી થતી.

કહે છે, ‘મેં તો હવે આ કેડમાં રાખ્યો છે તેને જ પતિ તરીકે માન્યો છે. અત્યારે ભલે મેં તેને તેડી રાખ્યો છે, પણ મોટો થઈને એ જ મારે માટે ચૂંદડી હોય કે નથણી હોય, સઘળું જ વહોરી લાવશે.’

અંતે આ કન્યા મરણ પર્યંત પોતે મરતી માને આપેલું વચન નિભાવે છે. આ કથામાં જરાય અતિશયોક્તિ લાગતી નથી. અગાઉના સમયમાં કન્યા વર કરતાં મોટી હોય એવું ઘણી વાર બનતું. આજે પણ તમને આવાં ઘણાં દૃષ્ટાંત જોવા મળશે.

આ ગીતની શરૂઆતમાં એમ લાગે કે જશોદામૈયા કાનુડાને કેડમાં લઈને તેની સાથે રમતી હશે, પણ પછીની પંક્તિઓ પરથી ખ્યાલ આવે કે કન્યાએ જેને કેડમાં રાખ્યો છે એ તો તેનો થનારો ધણી છે. કોઈ લાલચને વશ ન થાય એ નારી. પતિનો પડછાયો બની રહે એ નારી. પ્રાણ તજે, પણ વચન ન તજે એવી સમજશક્તિ અને સહનશક્તિ રાખે એ નારી.

આવી શક્તિને નવરાત્રિના આ શક્તિપર્વના અંતિમ દિવસે શત-શત પ્રણામ.

navratri Garba festivals culture news life and style columnists