એક વણજારી ઝૂલણાં ઝૂલતી’તી, મારી અંબેમાનાં ઝૂલણાં ઝૂલતી’તી

06 October, 2024 09:46 AM IST  |  Mumbai | Mukesh Pandya

દરેક નવરાત્રિમાં ગામડે-ગામડે અને શેરીએ-શેરીએ આ ગરબો અચૂક ગવાય છે. આ ગરબો સાંભળતાં જ ખેલૈયાઓના પગ થિરકવા માંડે છે. જોકે આ ગરબો કરુણારસથી ભરેલી પ્રખ્યાત લોકકથા અને લોકગીતમાંથી અપભ્રંશ થયેલો છે. પ્રથમ ૧૩મી સદીમાં રચાયેલા મૂળ લોકગીત વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

એક લોકવાયકા પ્રમાણે સૌરાષ્ટ્રના વઢવાણ ગામમાં જ્યારે કર્ણદેવ વાઘેલાનું શાસન ચાલતું હતું એ સમયગાળામાં માધવાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાર-બાર વર્ષથી આ વાવ ખોદવામાં આવી રહી હતી, પણ એમાં પાણી નહોતું આવતું. ગામના રાજવીએ જાણીતા જ્યોતિષીને તેડાવી એનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે કોઈ બત્રીસલક્ષણો પુરુષ પરણ્યાનાં વસ્ત્રોમાં વહુ સહિત બલિદાન આપે તો પાણી ભરાય. ઠાકોરનો જ વચલો પુત્ર આ કામ માટે યોગ્ય ગણાયો. તેણે તેની પત્ની સાથે હોંશે-હોંશે આ કામ માટે સંમતિ પણ આપી. ગામના બોલતા-અબોલ દરેક જીવના ભલા માટે તેઓ પોતાના જીવ અર્પણ કરે છે અને આ વાવમાં પાણી ઊભરાઈ આવે છે.

આ કથા પરથી એ પણ શીખવા મળે છે કે રાજ્યમાં યુદ્ધની નોબત આવે કે બીજી કોઈ પણ આફત આવે ત્યારે પ્રજાવત્સલ રાજાઓ પ્રજાને બચાવવા પોતે જીવનું જોખમ ખેડતા. આજે તો નેતાઓ પોતાને માટે જડબેસલાક સિક્યૉરિટી રાખે છે અને પ્રજાને મોતના મુખમાં હોમી દેતાં અચકાતા નથી. આ રાજવી દંપતીના બલિદાનની ગાથા પછી તો લોકગીતમાં વણાઈ ગઈ એ અહીં પ્રસ્તુત છે.

 

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે

તેડાવો જાણતલ તેડાવો જોશી, જોશીડા જોશ જોવડાવો જી રે

 

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’

થોડા ખીલવતા વીર અભેસંગ! દાદાજી બોલાવે જી રે

 

શું રે કો’છો મારા સમરથ દાદા, શા કાજે બોલાવ્યા જી રે

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, દીકરો ને વહુ પધરાવો જી રે

 

એમાં તે શું મારા સમરથ દાદા, પારકી જણીને પૂછી આવો જી રે

બેટડો ધરાવતા વહુ રે વાઘેલી વહુ, સાસુજી બોલાવે જી રે

 

શું રે કો’છો મારાં સમરથ સાસુ, શા કાજે બોલાવ્યાં જી રે?

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, ‘દીકરો ને વહુ પધરાવો જી રે’

 

એમાં તે શું મારાં સમરથ સાસુ, જે કે’શો તે કરશું જી રે

ભાઈ રે જોશીડા, વીર રે જોશીડા, સંદેશો લઈ જાજો જી રે

મારી માતાને એટલું જ કહેજો, મોડિયો ને ચૂંદડી લાવે જી રે

ઊઠો ને મારાં સમરથ જેઠાણી, ઊનાં પાણી મેલો જી રે

 

ઊઠો ને મારાં સમરથ દેરાણી, માથાં અમારાં ગૂંથો જી રે

ઊઠો રે મારા સમરથ દેરીડો, વેલડિયું શણગારો જી રે

 

ઊઠો રે મારાં સમરથ નણદી, છેડાછેડી બાંધો જી રે

ઊઠો રે મારા સમરથ સસરા, જાંગીડા ઢોલ વગડાવો જી રે

 

આવો, આવો મારા માનસંગ દીકરા, છેલ્લાં ધાવણ ધાવો જી રે

પુતર જઈ પારણે પોઢાડ્યો, નેણલે આંસુડાંની ધારું જી રે

 

પહેલે પગથિયે જઈ પગ દીધો, પાતાળે પાણી ઝબક્યાં જી રે

બીજે પગથિયે જઈ પગ દીધો, કાંડે તે બૂડપાણી આવ્યાં જી રે

 

ત્રીજે પગથિયે જઈ પગ દીધો, કેડ સમાં નીર આવ્યાં જી રે

ચોથે પગથિયે જઈ પગ દીધો, છાતી સમાં નીર આવ્યાં જી રે

 

પાંચમે પગથિયે જઈ પગ દીધે, પરવશ પડિયા પ્રાણિયા જી રે

એક હોંકારો દ્યોને અભેસંગ, ગોઝારાં પાણી કોણ પીશે જી રે

 

પીશે એ ચારણ, પીશે એ ભાટો, પીશે અભેસંગ દાદોજી રે

એક હોંકારો દ્યોને વાઘેલી વહુ, ગોઝારાં પાણી કોણ પીશે જી રે

 

પીશે એ વાણિયા, પીશે એ બ્રાહ્મણ, પીશે એ વાળુભાના લોકો જી રે

તરી છે ચૂંદડી ને તર્યો છે મોડિયો, તરિયા અભેસંગના ખોળિયા જી રે

 

ઉપરોક્ત ગીતમાં જે કુંવર અને વહુ છે તેની જગ્યાએ માતાજીનાં પગલાં મૂકીને નીચેનો ગરબો રચાયો હશે.

પ્રજાના હિત માટે જાતને ઓગાળી દેનાર રાજવી યુગલ દૈવી કક્ષાથી ઓછું થોડું હોય ભલા?

ચાલો, આ ખૂબ ગવાતો ગરબો માણીએ અને સાથે એના ઇતિહાસથી નવી પેઢીને પણ વાકેફ કરીએ.

એક વણજારી ઝૂલણાં ઝૂલતી’તી, મારી અંબેમાંનાં ઝૂલણાં ઝૂલતી’તી

 

માએ પહેલે પગથિયે પગ મૂક્યો

માની પાની સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

માએ બીજે પગથિયે પગ મૂક્યો

માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત

વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ ત્રીજે પગથિયે પગ મૂક્યો

માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ ચોથે પગથિયે પગ મૂક્યો

માનાં સાથળ સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ પાંચમે પગથિયે પગ મૂક્યો

માની કેડ સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ છઠ્ઠે પગથિયે પગ મૂક્યો

માની છાતી સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ સાતમે પગથિયે પગ મૂક્યો

માના ગળા સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ આઠમે પગથિયે પગ મૂક્યો

માના કપાળ સમાણાં નીર મોરી માત

વણજારી ઝૂલણાં ઝૂલતી’તી

એક વણજારી...

 

માએ નવમે પગથિયે પગ મૂક્યો

માના માથા સમાણાં નીર મોરી માત

એક વણજારી ઝૂલણાં ઝૂલતી’તી એક વણજારી...

navratri Garba life and style culture news columnists