09 October, 2024 07:10 AM IST | Mumbai | Mukesh Pandya
પ્રતીકાત્મક તસવીર
કેટલાક માવડિયા પુત્રો માતાના કહેવાથી પત્નીને ત્રાસ આપતા કે મારી નાખતા જેનો ઉલ્લેખ ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં...’માં કર્યો છે. આથી ઊલટું, દીકરાની ગેરહાજરીમાં માતાએ વહુનું કાસળ કાઢી નાખ્યું હોય કે નિમિત્ત બની હોય એેવા દાખલા પણ ભૂતકાળમાં બન્યા છે અને લોકકથા તેમ જ લોકગીતરૂપે પ્રચલિત થયા છે
પાતળી પરમારની કથા અને લોકગીત વર્ષો જૂનાં અને પ્રચલિત હતાં. અલબત્ત, હવે એ ભુલાઈ રહ્યાં છે. આગળ કહ્યું એમ દરેક લોકગીતની રચના એ સમયે થતી સામાજિક પરંપરાઓ કે ઘટનાઓનું નિરૂપણ કરે છે. આજે જાણીએ પાતળી પરમારની કથા વિશે.
એક જમાનામાં ગામોમાં બહુ સીમિત કામ મળતું. વધુ કમાવા માટે યુવાનો નજીકનાં શહેરોમાં જતા. કુંવારો છોકરો બીજા શહેરમાં જાય અને ભટકી જાય એના કરતાં તેને વહેલો પરણાવી દેવાતો જેથી તે પરદેશ જાય ત્યારે તેનું મન બીજે ક્યાંય ભટકે નહીં. જોકે એને કારણે લગ્ન પછી પતિ વિના એકલી સાસરે રહેતી યુવતીના જીવનમાં જે અડચણો આવતી એનું નિરૂપણ કરતી ઘણી લોકકથાઓ રચાઈ છે.
એક ગામના યુવકને પરણ્યાના થોડા દિવસોમાં જ રાજ્યના કામ અર્થે પરદેશ જવાનું થાય છે. પોતાની વહાલસોયી પત્નીને છોડી જવાનો જીવ તો ચાલતો નથી પરંતુ મજબૂરી હોય છે. માતાને પત્નીનું ધ્યાન રાખવાનું કહી એે તો સિધાવે છે, પણ વિરહમાં ઝૂરતી પત્નીને પડ્યા પર પાટુ પડતું હોય એમ સાસુનો સખત ત્રાસ સહન કરવો પડે છે એટલે સુધી કે પત્ની સ્વર્ગે સિધાવે છે. પુત્ર પરદેશથી આવી પોતાની પત્નીને શોધે છે અને સાચી વાતની જાણ થતાં પોતાની માને જ જવાબદાર ગણીને હત્યારણ ઘોષિત કરે છે.
ભૂતકાળમાં આવું ઘણી વાર બનતું. પરણ્યા પછી કમાવા ઘણા પતિ પત્નીને સાસરિયાના ભરોસે મૂકીને કમાવા જતા. એ વખતે કાર કે વિમાન તો નહોતાં, વહાણમાં બેસીને દરિયાપાર કમાવા જવું હોય અને કમાઈને પાછા આવવું હોય તો વર્ષોનાં વહાણાં વાઈ જતાં હતાં. આજે તો પુત્રને વિદેશમાં કમાવાની તક મળે તો પુત્રવધૂને પણ સાથે લઈ જાય છે. પણ અગાઉના સમયમાં તો પત્નીને ભરયુવાનીમાં પતિ લાંબા સમય સુધી પરદેશ જાય તો વિયોગ સહન કરવો પડતો અને સાસરી તરફથી અત્યાચાર તેમ જ ગામના ઉતારોની બૂરી નજર સહન કરવી પડતી હતી એ અલગ. આજે તો છોકરીઓ શિક્ષિત થઈ રહી છે અને પિતાની મિલકતમાં ભાગ અપાવતો કાયદો પણ છે, પરંતુ અગાઉના સમયમાં પરણ્યા પછી દીકરી પારકી થઈ જતી અને તેને પૈતૃક સંપત્તિમાં પણ કોઈ હિસ્સો નહોતો મળતો. ભણતરના અભાવે દીકરીઓ પોતાની રીતે કમાઈ શકતી નહોતી અને ગમેતેટલા દુ:ખમાં પણ સાસરે ઓશિયાળા બનીને રહેવું પડતું. શક્તિ રૂપેણ માતાજીના ગરબા તો ગવાતા હતા પરંતુ એ પુરુષપ્રધાન અંધકાર યુગમાં સ્ત્રીઓને અશક્ત રાખી ગુલામની જેમ કામ કરાવીને જુલમ ગુજારવામાં આવતો એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય.
બાર વર્ષે પાછો ફરેલો પતિ પોતાની પાતળી પરમારને જોતો નથી ત્યારે કેવી વ્યથા ઉદ્ભવે છે એમાંથી તૈયાર થયેલું આ લોકગીત અત્રે પ્રસ્તુત છે.
માડી હું તો બાર બાર વરસે આવિયો
માડી મેં તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો
શગ બળે રે લોલ
દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, પાણી ભરીને
હમણાં આવશે
માડી હું તો કૂવા ને વાવ્યું જોઈ વળ્યો
માડી મેં તો નવ દીઠી
પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો
શગ બળે રે લોલ
દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, દળણું દળીને હમણાં આવશે
માડી હું તો ઘંટી ને રથડાં જોઈ વળ્યો
માડી મેં તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ
બળે રે લોલ
દીકરા, હેઠો બેસીને હથિયાર છોડ રે
કલૈયા કુંવર, ધોણું ધોઈને હમણાં આવશે
માડી હું તો નદીયું ને નાળાં જોઈ વળ્યો
માડી મેં તો નવ દીઠી પાતલડી પરમાર રે
જાડેજી મા, મોલ્યુંમાં દીવડો શગ
બળે રે લોલ
એની બચકીમાં કોરી બાંધણી
એની બાંધણી દેખીને બાવો થાઉં રે
ગોઝારી મા, થાઉં રે હત્યારી મા
મોલ્યુંમાં આંબો મોરિયો
એની બચકીમાં કોરી ટીલડી
એની ટીલડી દેખીને તિરશૂળ તાણું રે
ગોઝારી મા, તાણું રે હત્યારી મા
મોલ્યુંમાં આંબો મોરિયો ...