કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી

10 October, 2024 07:01 AM IST  |  Mumbai | Mukesh Pandya

ભાઈ-બહેન વચ્ચેનો ગાઢ પ્રેમસંબંધ દર્શાવતું આ ગીત અવિનાશભાઈએ રચીને ઘણું જ સકારાત્મક કાર્ય કર્યું છે, પણ ગુજરાતના આદિવાસી સમાજમાં ડાંગી તરીકે ઓળખાતું આ ભાઈ-બહેનનું લોકગીત ઘણું જ ચોંકાવનારું અને કરુણ છે

પ્રતીકાત્મક તસવીર

ભાઈ-બહેન વચ્ચેનો ગાઢ પ્રેમસંબંધ દર્શાવતું આ ગીત અવિનાશભાઈએ રચીને ઘણું જ સકારાત્મક કાર્ય કર્યું છે, પણ ગુજરાતના આદિવાસી સમાજમાં ડાંગી તરીકે ઓળખાતું આ ભાઈ-બહેનનું લોકગીત ઘણું જ ચોંકાવનારું અને કરુણ છે. સૌપ્રથમ અવિનાશભાઈનું રચેલું આ ગીત માણીએ અને પછી મૂળ શબ્દો સાથેનો આને મળતા-જુળતા ગીતનો કલંકિત ઇતિહાસ જાણીએ

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે ડાળખી

 

લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલાં ખાય,

હીંચકો નાનો બેનનો એવો,

આમ ઝુલણ્યો જાય,

લીલુડી લીંબડી હેઠે,

બેનીબા હીંચકે હીંચે.....કોણ...

 

પંખીડાં, પંખીડાં,

ઓરાં આવો પંખીડાં,

બેની મારી હીંચકે હીંચે, ડા

ળીઓ તું ઝુલાવ,

પંખીડાં ડાળીએ બેસો,

પોપટજી પ્રેમથી હીંચો.....કોણ...

 

આજ હીંચોળું બેનડી,

તારાં હેત કહ્યાં ના જાય,

મીઠડો વાયુ આજ બેની તારા હીંચકે બેસી જાય

કોયલ ને મોરલા બોલે,

બેનીનો હીંચકો ડોલે...

 

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

ભાઈની બેની લાડકી ને ભઈલો ઝુલાવે... બેનડી ઝૂલે... ભઈલો ઝુલાવે ડાળખી

 

જોકે મુંબઈ યુનિવર્સિટીનાં પ્રોફેસર ડૉ. મોનિકા ઠક્કરે જે વાત કરી એ ખરેખર દુઃખદ અંત દર્શાવે છે. તેમણે આ ગીતના અસલ શબ્દો કહ્યા એમાં તો ભાઈ બહેનની હત્યા કરે છે એનું વિવરણ છે. પ્રથમ આ ગીતની કડી વાંચો પછી એની પાછળ છુપાયેલી કથા વિશે જાણીએ.

 

ભઈની મારેલ બેનડી,

ભોજાઈની રંગેલ ચૂંદડી

ભઈ વાદીડા મોરલી વગાડ...

લીંબડીની તું વાટે આઈ લીંબડી બોલાબોલ...

ભઈ વાદીડા મોરલી વગાડ...

આ ગીત પાછળ છુપાયેલી કથા કંઈક આવી છે.

એક ગામમાં માતાપિતા, દીકરો-વહુ અને દીકરી રહેતાં હોય છે. એક દિવસ માબાપ લાંબી તીરથ યાત્રાએ જાય છે. દીકરાને ભલામણ કરે છે કે બહેનનું ધ્યાન રાખજે. જોકે દીકરાની વહુને આ નણંદ બહુ ખટકતી હોય છે. આ કાંટો કાયમ માટે મારગમાંથી હટી જાય એવું ઇચ્છતી હોય છે. એક વાર તેને તક મળી જાય છે. દીકરો નજીકના શહેરમાં જતો હોય છે ત્યારે પત્નીને પૂછે છે, ‘તારા માટે શું લાવું?’

પત્ની કહે છે, ‘મારે  જે જોઈએ છે એ તમે નહીં અપાવી શકો.’

પતિ કહે, ‘માગી તો જો.’

‘ચૂંદડી જોઈએ છે.’ પત્નીએ ઠાવકાઈથી કહ્યું, ‘પણ મારે જે રંગ જોઈએ છે એ તમે નહીં લાવી શકો.’

પતિએ કહ્યું કે ત્યાં તો બધા રંગની ચૂંદડી મળે. તારે કયો રંગ જોઈએ છે? બોલ પીળો, વાદળી, લીલો, લાલ? પત્ની કહે, મારે તો મારી નણંદના લોહીથી રંગેલી ચૂંદડી જોઈએ. લાવી શકો તો લાવી આપો.’

પ્રેમવાસનામાં અંધ ભાઈ શરૂઆતની આનાકાની પછી પોતાની બહેનને મારવા તૈયાર થઈ જાય છે. વગડામાં લઈ જઈ તેની હત્યા કરે છે. સફેદ ચૂંદડીને તેના લોહીથી રંગીને પત્નીને આપે છે. એ વખતે ક્લોઝ્ડ સર્કિટ ટીવી નહોતાં પણ કહેવાય છે કે આ ઘટનાનું સાક્ષી એક લીમડાનું વૃક્ષ હોય છે.

ભાઈએ બહેનની હત્યા કરી એ વાતમાં તથ્ય હોઈ પણ શકે. આવી જ એક બીજી વાર્તા આપણે ત્યાં પ્રચલિત છે જેમાં પત્ની પોતાની સાસુને મારીને સાબિતી રૂપે કાળજું લેતા આવવાનું પતિને કહે છે. પતિ માનું કાળજું લઈને પાછો ફરતો હોય છે ત્યારે રસ્તામાં તેને ઠોકર લાગે છે. એ વખતે તેના હાથમાં રહેલું કાળજું પોકારી ઊઠે છે, ‘ખમ્મા બેટા, તને વાગ્યું તો નથીને?’

કથામાં કલ્પના હોય કે હકીક્ત, પરંતુ એટલું નક્કી છે કે ભૂતકાળમાં સાસુ-વહુ  કે નણંદ-ભોજાઈ વચ્ચે ઘણા ઝઘડા-કંકાસ થતા રહેતા હતા ત્યારે એક નારી જ બીજી નારીનો જાન લેવા દુશ્મન બની જતી હતી અને હત્યા-આત્મહત્યા જેવી કરુણાંતિકાઓ બનતી રહેતી, જે લોકકથા અને લોકગીતોના માધ્યમથી આપણને જાણવા મળી રહી છે.

life and style culture news navratri Garba columnists