12 October, 2024 08:39 AM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક તસવીર
પીડામુક્તિ આપવાનું શ્રેષ્ઠ કામ જો કોઈનામાં કરવાની ક્ષમતા હોય તો સૌથી પહેલાં મહામૃત્યુંજય આવે અને બીજા નંબરે પ્રચંડ અહંકારી એવા રાવણ દ્વારા રચવામાં આવેલું શિવ તાંડવ આવે. બહુ ઓછા લોકો જાણે છે કે શિવ તાંડવનું સર્જન પણ એવી જ અવસ્થામાં થયું હતું.
જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે
ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ ।
ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં
ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્
આવી અન્ય ૧૪ ઋચા ધરાવતું આખું શિવ તાંડવ સ્તોત્રમ તો અહીં રજૂ કરવું થોડું કઠિન છે ત્યારે સ્તોત્રમ કેવા સંજોગોમાં રચાયું એની વાત કરીએ.
વાત અહંકારી રાવણની...
રાવણના પિતાનું નામ વિશ્રવા હતું જેમણે પોતાની સુવર્ણનગરી લંકા સાવકા દીકરા કુબેરને આપી અને સાથોસાથ એ જ્ઞાન પણ તેમણે કુબેરને આપ્યું જે જ્ઞાન તેમણે તપ દ્વારા અને શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કર્યું હતું. કુબેરને એ જ્ઞાનમાં વધુ રસ પડ્યો અને પિતાએ અધૂરા રાખેલા જ્ઞાનના વધુ અભ્યાસાર્થે તેણે હિમાલયમાં જઈને તપ કરવાનું નક્કી કર્યું. પરિણામે લંકાનું શાસન રાવણના હાથમાં આવ્યું. શાસન હાથમાં આવતાની સાથે જન્મજાત અહંકારી એવા રાવણનો ઘમંડ વધ્યો અને તેણે લંકાના જ્ઞાન-પ્રતાપી લોકો પર અત્યાચાર કરવાનો શરૂ કર્યો. રાવણે રાક્ષસ સેના પણ ઊભી કરવાની શરૂ કરી. વાત છેક હિમાલય પહોંચી એટલે કુબેરે રાવણને સમજાવવા માટે દૂત મોકલ્યો, જેની રાવણે હત્યા કરી.
વાત અહીં અટકી નહીં, રાવણે નક્કી કર્યું કે હવે તે કુબેરને પણ બંદી બનાવશે.
કુબેર પર કર્યો હુમલો...
રાવણે કુબેર જ્યાં રહેતા હતા એ હિમાલય વિસ્તારમાં આવેલી અલકાપુરી નામની નગરી પર આક્રમણ કર્યું. આ યુદ્ધમાં કુબેર ઘવાયા અને સેના કુબેરને લઈને ત્યાંથી નંદનવન આવી ગઈ પણ પાછળથી રાવણે અલકાપુરી પર કબજો કરી લીધો. રામાયણમાં જે પુષ્પક વિમાનની વાત છે એ પુષ્પક હકીકતમાં કુબેરનું હતું અને અલકાપુરીમાં હતું. રાવણે આ પુષ્પક પર પણ કબજો કરી લીધો. પુષ્પક વિમાનની અનેક ખાસિયતો પૈકીની એક ખાસિયત એ હતી કે એ વિચારો સાથે વમન કરતું. ચાલક જે વિચારે એ દિશામાં આગળ વધે. એક સવારે રાવણ પુષ્પકમાં રવાના થયા અને શારવન તરફ આગળ વધતા હતા પણ અચાનક એક જગ્યાએથી પુષ્પકની ગતિ મંદ પડી અને એણે ટર્ન લીધો. રાવણને અચરજ થયું કે આવું કેવી રીતે બને અને રાવણની નજર મહાકાય નંદીશ્વર પર પડી. નંદીશ્વરે નમ્રતા સાથે રાવણને કહ્યું કે ભગવાન શંકર શયનમાં છે એટલે અહીંથી આગળ નહીં જઈ શકાય.
રાવણનો અહંકાર ઘવાયો કે મને કેવી રીતે કોઈ રોકે?
રાવણે નંદીશ્વર પર હુમલો કર્યો અને નંદીશ્વર ઘાયલ થયા.
કૈલાસ પર મારો હક...
મહાકાય નંદીશ્વરને ઘાયલ કર્યા પછી રાવણ જીતના મદમાં આવી ગયો અને તેણે નક્કી કર્યું કે આરસ જેવા શ્વેત બરફાચ્છાદિત એવા આ કૈલાસ પર શું કામ કોઈનું રાજ હોય. આ કૈલાસ તો હવે મારી લંકામાં રહેશે અને રાવણે કૈલાસ પર્વત ઊંચકવાનું શરૂ કર્યું. રાવણ માત્ર દશાનન જ નહોતા, પણ તેની પાસે એક હજાર ઐરાવતની તાકાત પણ હતી. રાવણે કૈલાસને મૂળ સમેત ઉખેડવાનું શરૂ કર્યું અને ભગવાન શિવની નિદ્રામાં ખલેલ પડી. તેમણે જોયું કે માતેલા સાંઢ સમાન રાવણે કૈલાસ ઉપાડવાનું શરૂ કર્યો એટલે તેમની નિદ્રા ભંગ થઈ છે.
ગુસ્સામાં મહાદેવે જમણા પગના અંગૂઠાનું વજન પર્વત પર વધાર્યું અને ભાર વધતાં કૈલાસ ફરી મૂળ સ્થાને ગોઠવાઈ ગયો. જોકે પર્વતની સાથે રાવણના હાથ પણ કૈલાસ તળે દબાયા અને રાવણ ચિલ્લાયો. રાવણની એ ચીસ એવી પ્રચંડ હતી કે એને લીધે આજુબાજુના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોવાનું શાસ્ત્રો કહે છે.
મહાદેવને એનાથી કોઈ ફરક પડ્યો નહીં અને તે તો ફરી પોતાની નિદ્રામાં જતા રહ્યા.
મહાદેવ બન્યા ભોળાનાથ...
રાવણ પીડા સાથે કણસતો રહ્યો, મદદ માટે દેવીદેવતાઓને પોકારતો રહ્યો પણ કોઈએ તેની મદદ કરી નહીં. જોકે તેની પીડા એ સ્તરની હતી કે એ અવાજમાં પૃથ્વી પર કોઈ સૂઈ શકતું નહોતું. ગરુડ પુરાણમાં કહ્યું છે કે તેર વર્ષ સુધી એવી અવસ્થા રહી અને છેલ્લે ભગવાન ઇન્દ્રએ આવીને રાવણને સૂચન કર્યું કે મહાદેવ જ તને આમાંથી મુક્તિ આપશે અને રાવણે સામવેદમાં ઉલ્લેખ થયો છે કે મહાદેવના તમામ સ્તોત્રોનું ગાન શરૂ કર્યું જેનાથી પ્રસન્ન થઈને મહાદેવે પોતે કૈલાસ પરના પોતાના અંગૂઠાનું વજન ઓછું કર્યું અને રાવણના હાથ મુક્ત થયા. એ સમયે રાવણે સામવેદના જે સ્તોત્રનું ગાન કર્યું એ સ્તોત્ર રાવણ સ્તોત્ર કે શિવ તાંડવ સ્તોત્ર તરીકે ઓળખાયા.
સ્તોત્રના કારણે બન્યો રાવણ....
રાવણે જે સ્તોત્રનું ગાન કર્યું હતું એ ભયાનક પીડા અને ચિત્કાર સાથે કર્યું હતું. એ જે પીડા છે એને સંસ્કૃતમાં રાવઃસુશરુણઃ કહેવામાં આવે છે. ભગવાન મહાદેવે રાવણને મુક્ત કર્યા પછી રાવણને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે હવે તને જગત રાવણ (એટલે કે એવો લાચાર શત્રુ જે ભીષણ ચિત્કાર કરે) તરીકે ઓળખશે.