વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં સાસરિયામાં મ્હાલવું રે પિયરિયામાં છૂટથી રહ્યાં

04 October, 2024 10:23 AM IST  |  Mumbai | Mukesh Pandya

જાણીએ ખૂબ ગવાતાં લોકગીતો અને ગરબા પાછળની કથા અને વ્યથા : વરસતા વરસાદમાં જ્યારે તળાવો ઓવરફ્લો થઈને ગામમાં પાણી ઘૂસી રહ્યું હોય ત્યારે પણ બહેનના સાસરિયાને સારું લગાડવા ભાઈ પહેરામણી ખરીદવા માટે નીકળે ત્યારે રાહ જોતી બેનડી ચિંતામાં આ ગીત ગાતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

જે લોકગીતોની પાછળ જે-તે સમયે સ્ત્રીઓની મનોવ્યથા છુપાયેલી હતી એ ગીતો પર આજે આપણે મસ્ત ગરબે ઘૂમીએ છીએ. નવરાત્રિના શક્તિપર્વમાં માતાજીની આરાધના કરતા ગરબા ઉપરાંત જે લોકગીતો પર ગરબા

રમાય છે એની પાછળ કેટલીયે કુપ્રથાઓને કારણે સતત દબાણ અનુભવતી મહિલાઓની સ્થિતિનો ચિતાર અપાયો છે. ગુજરાતના મોટા ભાગનાં લોકગીતો મહિલાઓને અનુલક્ષીને જ રચાયાં છે. પર્ફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટ્સમાં માસ્ટર અને લોકસાહિત્ય અને લોકકળા પર ઊંડું રિસર્ચ કરનારાં મુંબઈ યુનિવર્સિટીના લેક્ચરર ડૉ. મોનિકા ઠક્કર વધુ એક લોકગીતની પાછળનો ઇતિહાસ શૅર કરે છે.

એક સમય હતો જ્યારે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પોતાના પિતાનું ઘર છોડી જોજનો દૂર સાસરિયે જઈ પોતાનું સર્વસ્વ ભૂલી જઈ સાસરિયાની સેવા કરતી હતી. ગુણવાન કન્યા મળે તોયે તેની ઉપેક્ષા કરીને તે પિયરમાંથી દહેજ કેટલું લાવી છે એ જોવામાં સહુને રસ પડતો. કંઈ કેટલીયે ગરીબ કન્યાઓ આવા દહેજના ખપ્પરમાં હોમાઈ ગઈ હશે. કેટલીક જ્ઞાતિઓમાં તો એવો રિવાજ હતો કે જેટલી વાર વહુ સાસરિયેથી પિયર જાય એટલી વાર કંઈ ને કંઈ ચીજવસ્તુ પિયરથી લેતી આવે.

એક વાર એક દીકરી પિયર રહેવા આવી હોય છે અને થોડા દિવસોમા પાછા સાસરે જવાનું હોય છે ત્યારે તેનો ભાઈ બહેન માટે ઘરેણાં ખરીદવા બીજે ગામ જાય છે. વચ્ચે નદી આવતી હોય છે. ચોમાસાના દિવસો ચાલતા હોય છે. અચાનક ગર્જના કરતાં વાદળાં વરસવા લાગે છે ત્યારે બહેનના મુખેથી ગીત સરી પડે છે. એ સમયે પદ્ય (કવિતા) નું ખૂબ ચલણ હતું. ગદ્ય તો મર્યાદિત પ્રમાણમાં હતું. આ બહેનના મુખમાંથી જે પદ્યવાણી સરી પડે છે એ આજે પણ ગરબામાં અચૂક ગવાય છે.

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં,

સાસરિયામાં મ્હાલવું રે પિયરિયામાં છૂટથી રહ્યાં

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં,

મારા પગ કેરાં કડલાં રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

સાસરિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી બંગડી રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

સાસરિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

સાસરિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે

વીરો મારો લેવા હાલ્યો

વીરા લઈને વેલો આવજે રે

સાસરિયા મારે ઘિરે બેઠા

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં

આ કન્યાને એટલો ડર છે કે સમયસર આણું લઈને એ સાસરિયે નહીં જાય તો તેના ભાઈ અને પિયરિયાની મજાક ઉડાવાશે. વીરો વરસાદમાં બહેન માટે થઈને ખરીદી કરવા નીકળે છે. બહેનને સાંભળવું ન પડે એ માટે ભાઈ ભરચોમાસેય બહાર નીકળવાનું જોખમ લે છે. શું સમય હશે ત્યારે કે  જ્યાં વહુઆરુઓને જરાક ચૂક થાય તો મહેણાં-ટોણા સાંભળવા મળતાં હતાં. પોતાના પિયરિયાઓનું અપમાન સાંખી લેવું પડતું હતું.

ખરેખર, આજે નવરાત્રિમાં  આપણે જે ગીતો પર પગ થરકાવતાં નાચી ઊઠીએ છીએ એ ગીતોના મૂળમાં તો ઘણી વાર વ્યથાથી ભરેલી કથા જ હોય છે એ કેટલા યુવાનોને ખબર હશે?

રાસ અને ગરબા વચ્ચેનો તફાવત સમજો

રાસ અને ગરબા બે અલગ-છે. બન્ને વચ્ચે ઘણો તફાવત પણ છે.

રાસ એ કૃષ્ણ અને રાધા-ગોપીઓ વચ્ચે રચાતો નૃત્યનો એક પ્રકાર છે તો ગરબા શક્તિ સ્વરૂપ જગદંબાની આરાધના અર્થે ગવાતાં ગીતોનો સંપૂટ છે.

રાસમાં પ્રેમરસ છે તો ગરબામાં ભક્તિરસ છે. રાસ પ્રેમ દ્વારા પરમ શક્તિનો યોગ કરે છે એટલે એને પ્રેમયોગ ૫ણ કહી શકાય, જ્યારે ગરબામાં ભક્તિ દ્વારા પરમશક્તિનો યોગ થાય છે એટલે એને ભક્તિયોગ કહી શકાય. રાસ રાધા-કૃષ્ણ કે ગોપ-ગોપીઓની જેમ જોડીમાં રમાય છે. મહિલા-પુરુષ જોડી બનાવીને રમી શકે છે, જ્યારે ભક્તિભાવથી ભરપૂર ગરબા એકલા પુરુષ કે એકલી મહિલાઓ પણ રમી શકે છે. પહેલાંના સમયમાં તો પુરુષોની અલગ ગરબી રચાતી તો મહિલાઓના અલગ ગરબા રમાતા. આજે પણ અમુક ઠેકાણે આ પ્રથા પાળવામાં આવે છે. રાસ પ્રેમનું પ્રતીક છે. રાસ ચંદ્રની, ખાસ કરીને પૂનમના ચંદ્રની સાક્ષીએ રમવામાં આવે છે. જ્યારે શુદ્ધ ઘીનો દીવો ભક્તિનું પ્રતીક છે. ગરબા દીવાની સાક્ષીએ રમાતા હોય છે. રાસમાં રાજસિક અને શૃંગારિક ભાવ પ્રગટ થતો હોય છે પણ ગરબામાં ધાર્મિક અને સાત્ત્વિક ભાવ રાખવાનો હોય છે.

રાસ બે જણ કે ચાર જણ ચોકડીમાં રમી શકે છે, પણ ગરબા માતાજીનો ગર્ભદીપ (ગરબો) કે ગરબીની આસપાસ વર્તુળાકારે રચાતું નૃત્ય છે.

રાસમાં વિવિધ સાધનોનો ઉપયોગ સ્વીકાર્ય છે. જેમ કે દાંડિયા, લાકડી, ટિપ્પણી, તલવાર, વાંસળી  કે છત્રીઓનો ઉપયોગ કરી શકાય છે; જ્યારે ગરબા ફક્ત તાળીઓના તાલે રમાતા હોય છે. રાસ બે વિજાતીય વ્યક્તિ વચ્ચે રમી શકાય છે એટલે એમાં સાજશણગારનું અનોખું મહત્ત્વ છે, જ્યારે ભક્તિભાવથી તરબોળ ગરબામાં સાજશણગારનું રાસ જેટલું મહત્ત્વ નથી. 

રાસમાં કૃષ્ણ-રાધા વચ્ચેના નિર્મળ પ્રેમ કે બન્ને વચ્ચે થતી મીઠી રકઝક અને વિરહની વેદનાની વાતો આવે છે તો ગરબામાં આદ્યશક્તિનાં ગુણગાન ગાવામાં આવે છે.

navratri Garba culture news festivals life and style columnists