05 October, 2024 07:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિ સ્ત્રીશક્તિનો ઉત્સવ કહેવાય છે પણ આ શક્તિપર્વમાં જે લોકગીતોની ધૂન પર આપણે ઝૂમીને રાસગરબા રમીએ છીએ એ ગીતો એક સમયે સ્ત્રીઓની પોતાની કથા અને વ્યથા ઠાલવવાનું માધ્યમ હતાં. ઉલ્લાસથી ગવાતા આ ગરબાઓની પાછળ મોટા ભાગે જે-તે સમયે સ્ત્રીઓનાં મન-હૃદયની છૂપી પીડા છે.
આ દેશમાં સૌથી વધારે સહન કરવાનું મહિલાઓના ફાળે આવ્યું છે એ પણ એક હકીક્ત છે. રાસમાં કૃષ્ણ-રાધા તો ગરબામાં જગદંબાના ગુણોનું વર્ણન અને તેમની સ્તુતિ-આરાધના કરતાં ગીતોનો વૈભવ છે તો એની સાથે જૂના સમયમાં પુરુષપ્રધાન સમાજમાં મહિલઓની પરિસ્થિતિ કેવી હતી એનો ચિતાર મહિલાઓ દ્વારા જ રજૂ થતો હતો, જે લોકગીતોના રૂપમાં પેઢી-દર પેઢી ગવાતો ગયો; સંભળાતો ગયો. ગુજરાતના મોટા ભાગનાં લોકગીતો મહિલાઓને અનુલક્ષીને જ રચાયાં છે.
પર્ફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટ્સમાં માસ્ટર અને લોકસાહિત્ય અને લોકકળા પર ઊંડું રિસર્ચ કરનારાં મુંબઈ યુનિવર્સિટીના લેક્ચરર ડૉ. મોનિકા ઠક્કર કહે છે કે ‘લોકગીતો એના છંદ અને તાલને કારણે સાંભળવા સારાં લાગે છે, પણ ઘણાં ગીતો પાછળ કોઈ ને કોઈ કથા છુપાયેલી હોય છે. જાતઅનુભવવાળી વ્યથા ધરબાયેલી હોય છે. ઉદાહરણ તરીકે આપણે ત્યાં વરસોથી એક ગીત નવરાત્રિ ગરબામાં અચૂક ગવાય છે અને આ લોકગીત પછી તો પ્રખ્યાત લોકગાયિકા દિવાળીબહેન ભીલ દ્વારા ખૂબ પ્રસિદ્ધ થયું. એ ગીત પાછળ પણ એક ઇતિહાસ છુપાયો છે.’
ગીતના શબ્દો
મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે
ક્યાં બોલે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે... મારે ટોડલે બેઠો...
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચૂંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે
લોકવાયકા શું કહે છે?
પહેલી નજરે આપણને એમ લાગે કે કોઈ ગામની મહિલાઓ મોરનો કેકારવ સાંભળીને ખુશખુશાલ થઈને નાચતાં-નાચતાં ગાતી હશે અને પોતાનો આનંદ વ્યક્ત કરતી હશે. જોકે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ ગીતમાં એક રાણીની મોર સાથેની કથા અને વ્યથા છુપાઈ છે. વાત એમ છે કે એક રાણીને
પશુપંખીઓ પ્રત્યે અપાર સ્નેહ હતો. રાજા દરબારમાં કે શિકારમાં વ્યસ્ત હોય ત્યારે આ રાણી પોતાનાં પાળેલાં પશુપંખી સાથે વાતો કરીને સમય પસાર કરતી હતી. એમાં એક કળા કરંતો મોરલો પણ હતો. રાણી હોંશે-હોંશે પોતાની વાતો કહે ત્યારે આ મોર પણ હોંકારો ભરતો હતો. રાણી મહેલના કોટ પર બેઠેલા મોરને જોઈ પોતાની વાતો કહેતી અને મોર
આ વાતો અને સંદેશ પોતાને પિયર પહોંચાડશે એવી આશા રાખતી હતી. એક દિવસ રાજા પોતાની પત્નીને મોર સાથે વાતો કરતાં જોઈ જાય છે. તેને થયું કે રાણી નક્કી તેના પિયરના કોઈ પ્રિયતમને મોરના માધ્યમથી સંદેશો મોકલે છે. આ તો રાજા, વાજા ને વાંદરા. તેમણે તો ગુસ્સામાં વગર વિચાર્યે ઈ મો૨લાને જ મારી નાખ્યો. ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.
સાંજે રાજા મહેલમાં પધારે છે અને રાણી સાથે ભોજન કરવા બેસે છે, પણ રાણી આજે ઉદાસ છે. ઉદ્વેગમાં છે. રાજા કહે છે, કેમ પ્રિયે ઉદાસ છો? આજે તો તમને પ્રિય મોરલાનું માંસ રાંધ્યું છે. અને ત્યાં જ રાણીને હૈયામાં ફાળ પડે છે. બપોરે મોરલો દેખાયો નહીં, મોરલા સાથે વાત કરવા ન મળી એનું કારણ હવે સમજાયું. રાજાએ જ મોરલાનું કાસળ કાઢી નાખ્યું હતું. રાણી ચોધાર આંસુએ રડી પડે છે. તેમણે રાજાને કહ્યું કે મને એક વાર પૂછવું તો હતું. એ તો મારા ભાઈ સમાન હતો. એ બોલતો હતો અને મારી દરેક વાતમાં ટાપસી પુરાવતો હતો. તમારી ગેરહાજરી વખતે મને સાથ આપતો હતો.
રાજાને પણ સાચી વાત જાણવા મળતાં પસ્તાવો થાય છે. તે તરત જ ચાંદીનો મોર ઘડાવે છે. અંદર હીરા જડાવે છે અને મહેલના ટોડલા પર આ મોરને પ્રસ્થાપિત કરે છે. રાણીને કહે છે કે હવે આ મોરને જોઈને મનને શાંત કરજે, પણ એમ મન શાંત કેવી રીતે થાય? ગમે તેટલો કીમતી હોય પણ એ પેલા સાચા મોર જેવું ક્યાં બોલી શકશે? આ વ્યથા હેઠળ દડ-દડ વહેતાં આંસુડાં સાથે રાણીના મુખેથી ગીત નીસરી પડે છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે... આ મોર ચાંદીનો ભલે હોય પણ એ ક્યાં બોલે છે? મારે પહેરવાને ચૂંદડી છે, ઘરેણાં છે, લીલા લહેર છે; પણ જીવતાં જનાવરને ઝાલવામાં (મારી નાખવામાં) આવ્યાં છે. એની વાણી વિના મને ચેન કેવી રીતે મળે? મોર ક્યાં બોલે...