નવરાત્રિ સ્પેશ્યલ: `દાદા હો દીકરી, દાદા હો દીકરી` પાછળની કથા અને વ્યથા

05 October, 2024 08:52 AM IST  |  Mumbai | Mukesh Pandya

પહેલાંના સમયમાં સાસરિયામાં અસુખ અનુભવતી દીકરી માટે મોટી મૂંઝવણ એ થતી કે દુઃખનો સંદેશો પિયરિયાને મોકલવો શી રીતે? ટેલિફોનનો જમાનો નહીં. વહુ-દીકરીઓને બે અક્ષર પાડતાંયે ન આવડે.એવામાં પંડની પીડા કોને કહેવી? આવાં લોકગીતો થકી દીકરીઓ પોતાની દિલની પીડા ગાતી

પ્રતીકાત્મક તસવીર

દાદા હો દીકરી, દાદા હો દીકરી

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં ના દેજો રે સૈ

વાગડની વઢિયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ

પાછલે તે પરોઢિયે પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ

સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

ઘડો બુડે મારો, ઘડો બુડે, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ

ઊગીને આથમિયો દી કૂવા કાંઠડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ

દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

કહેજો દાદાને રે, કહેજો દાદાને રે, મારી માડીને નવ કહેજો રે સૈ

માડી મારી આંસુ સારશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

કૂવે પડજો દીકરી, કૂવે પડજો દીકરી, અફીણિયાં નવ ઘોળજો રે સૈ

અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

કાકાના કાબરિયા, કાકાના કાબરિયા, મારા મામાના મૂંઝડિયા રે સૈ

વીરાના વઢિયારા વાગડ ઊતર્યા રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી

દાદા હો દીકરી, દાદા હો દીકરી

 

ભૂતકાળમાં દીકરી જ્યારે વહુ બનીને સાસરે જાય ત્યારે તેને સાસરિયા તરફથી કેવો ત્રાસ પડતો એનું આલેખન પ્રખ્યાત કવિશ્રી ઉદયન ઠક્કરે આ લોકગીતના વિશ્લેષણ દ્વારા કર્યું છે એ તેમના જ શબ્દોમાં જાણીએ.

‘કચ્છ-વાગડ પ્રદેશ એવો સૂકો કે તળાવેથી પાણી સુકાઈ જાય અને તાળવેથી વાણી. આ લોકગીતમાં સખીઓ (સૈયો) જોડે હમચી ખૂંદતાં (તાલ સાથે ફુદરડી ફરતાં) દીકરી દાદાને (પિતાને) ફરિયાદ કરે છે : મને વાગડમાં કેમ પરણાવી?

‘દોહ્યલી’ શબ્દ ‘દુખ’ પરથી આવ્યો છે. વઢકણી સાસુ કેવાં દુખ દે છે? ગીતકારે શબ્દો કાળજીપૂર્વક પ્રયોજ્યા છે. ‘દળાવે’ શબ્દથી દીકરી દળાતી જતી હોય અને ‘કંતાવે’ શબ્દથી તેની કાયા કંતાઈ ગઈ હોય એવા સંકેત મળે છે.

સૂરજ ઊગે એ પહેલાં પાણી સીંચવા નીકળવું પડે છે. (બેડું માથા પર જેને ટેકે મુકાય એ ઈંઢોણી. કૂવામાં સીંચવાનું દોરડું એ સીંચણિયું. પથારીનો પગ તરફનો ભાગ એ પાંગત.) ઓશીકે ઈંઢોણી અને પાંગતે સીંચણિયું હોય તો નીંદરમાં બિહામણાં સપનાં જ આવેને? પગથી માથા સુધી કામ જ કામ. બીજી ઓરડીએ જાય તો ત્યાંય બેડલું પડ્યું હોય. ઘર કેટલું તરસ્યું હશે!

સીંચણિયું ટૂંકું છે, ઘડો બુડે શી રીતે? કેટલાક એવું સમજાવે છે કે સાસુ જાણી જોઈને દોરડું ટૂંકું આપતી, જેથી વાંકી વળવા જતાં વહુવારુ કૂવે પડી જાય.

લોકગીતોમાં એવા પ્રસંગો નોંધાયા છે ખરા, જેમાં કુળનો વંશજ જન્મ્યા પછી વહુનો ઘડોલાડવો કરી નખાય. (જુઓ ‘પાતળી પરમાર’ કે ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં.’) પરંતુ આ ગીતમાં એવા સંકેત મળતા નથી.

વાગડ સૂકોભઠ વિસ્તાર હતો. જળની સપાટી ઠેઠ ઊંડે ઊતરી જતી. ઘેરથી કૂવા સુધી એટલા આંટાફેરા કરવા પડતા કે દિવસ આખો (કહો કે જન્મારો આખો) પૂરો થઈ જતો.

દુખનો સંદેશો પિયરિયાને મોકલવો શી રીતે? ટેલિફોનનો જમાનો નહીં. વહુ-દીકરીઓને બે અક્ષર પાડતાંયે ન આવડે. લગ્ન દૂરના ગામે થયાં હોય. વિવશતા જુઓ કે પંખીને ભાઈ માનીને સંદેશો મોકલવો પડે છે. (આપણામાં કહે છે - વાત ઊડતી ઊડતી આવી, અંગ્રેજીમાં કહે છે - અ લિટલ બર્ડ ટોલ્ડ મી.)

દીકરી સંદેશો મોકલે છે, ‘હું જિંદગી ટૂંકાવી દઈશ! દાદા કહે છે - થોડા દિવસ ખમી ખાઓ, અમે આણાં લઈને આવીએ છીએ. ત્યારે ઘટસ્ફોટ થાય છે કે પિયરિયા પાસેથી કરિયાવર કઢાવવા દીકરીને ત્રાસ અપાતો હતો.’

પ્રશ્ન જેટલો સામાજિક એટલો આર્થિક પણ છે. લગ્ન પછી દીકરી બાપીકી સંપત્તિ પરથી હક ખોઈ બેસતી હતી. જે સ્ત્રીધન મળ્યું એ ખરું.

ગીત કરુણરસનું હોવા છતાં દરેક કડીમાં ‘સૈયો કે હમચી, સૈયો કે હમચી’ એવું ઉમંગે હમચી ખૂંદવાનું પદ મુકાયું છે. આવા વિરોધ (કૉન્ટ્રાસ્ટ)થી કરુણરસ ઘેરો ઘુંટાય છે. ‘અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે’ - અંધારી રાતો હવે પૂરી થઈ, આઠમ પછી અઠવાડિયામાં પૂનમ આવશે એવા આશાવાદ સાથે ગીત પૂરું થાય છે.’

ઉદયનભાઈએ બહુ જ સરસ રીતે આ લોકગીતનું અર્થઘટન કર્યું છે.

પણ અહીં એક વાત ઉમેરવાની કે આ કોઈ એક ગામ કે પ્રદેશની નથી, ગુજરાત કે ભારતના ગામડે-ગામડે તમને આવા સાસરિયા જોવા મળ્યા હશે. પોતાની ફરિયાદ કરવા કે દિલનાં દુખડાં રોવા માટે નવરાત્રિની રાતોમાં સખીઓ જોડે ગરબા રમવાનું સ્થળ એક પ્લૅટફૉર્મ પૂરું પાડતું. ક્યાંક સખી સહિયરો દ્વારા એની વાત પિયરિયાને પહોંચે એવી આશામાં તેઓ દુખી હૃદયે પણ ગરબે ઘૂમવા જતી અને એ આશામાં જન્મારો કાઢી નાખતી.

culture news life and style navratri Garba