06 October, 2024 11:42 AM IST | Mumbai | Aashutosh Desai
ફાઇલ તસવીર
દુનિયામાં ક્યાંય પણ માતાજીની આરતીમાં ‘જય આદ્યા શક્તિ’ આરતી જ ગવાય છે. ૩૬ પંક્તિની આ આરતીમાં અંબામાને ૩૮ નામથી સંબોધવામાં આવ્યાં છે. ૪૨૩ વર્ષ પહેલાં આ આરતીની રચના કરનાર સ્વામી શિવાનંદ કોણ હતા? સુરતમાં આજે આ રચયિતાની લગભગ બારમી પેઢી આવી ચૂકી છે ત્યારે જાણીએ આ આરતીની રચના ક્યારે અને કેવી રીતે થઈ, એનો અર્થ શું થાય એ બધેબધું
સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને ગાથા એટલી મહાન છે કે દરેક કથાનું કોઈ ને કોઈ માહાત્મ્ય છે, અર્થ છે અને તર્ક છે. કોઈ પણ પૂજા, યજ્ઞ, અનુષ્ઠાન કે ધાર્મિક પ્રવૃત્તિના પ્રારંભમાં અને પૂર્ણાહુતિએ આપણે ત્યાં ઈશ્વરની આરતી કરવાની પ્રથા છે. અગ્નિદેવને સાક્ષી રાખીને કરવામાં આવતી આરતી વાસ્તવમાં ઈશ્વર પ્રત્યેના સમર્પણની ભાવનાનું પ્રતીક છે. વળી ઈશ્વર આપણી હારોહાર હોવાનું જાણતા આપણે તેમના ઋણસ્વીકારથી લઈને નજર ઉતારવા સુધીની અનેક ભાવનાઓ સાથે આરતી કરીએ છીએ.
એ જ રીતે વર્ષમાં આવતી ચારેચાર નવરાત્રિમાં પણ પૂજન પહેલાં કે પૂજનના અંતે આપણે ‘જય આદ્યા શક્તિ’ આરતી ગાઈએ છીએ. હમણાં જે શારદીય નવરાત્રિ ચાલી રહી છે એમાં ગરબાની રમઝટ જામે એ પહેલાં અથવા ઘણી જગ્યાએ ગરબાના અંતે પણ આપણે માતાજીની આરતી કરીએ છીએ. આ આરતીમાં જે છેલ્લી પંક્તિ આવે છે એમાં આરતીના રચયિતાના નામના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે ‘ભણે શિવાનંદ સ્વામી, સુખ-સંપત્તિ થાશે!’ તો ક્યારેક આપણને એવી જિજ્ઞાસા થતી હશે કે આટલી સુંદર આરતીના રચયિતા સ્વામી શિવાનંદ કોણ હતા? અને સાચું કહું તો સનાતન ધર્મના અનુયાયી તરીકે તો આપણને એ વિશે ખબર હોવી જ જોઈએ. વળી ગુજરાતી હોવાને કારણે તો આપણે માટે એ ગૌરવની પણ વાત છે, કારણ કે વિશ્વભરમાં આટલી પ્રખ્યાત થયેલી એ આરતીના રચયિતા ગુજરાતી હતા.
મજાની વાત એ છે કે મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલી એવી આ આરતીનો ભાવાનુવાદ હિન્દી અને બંગાળી ભાષામાં પણ થયો છે. ગુજરાતીમાં આ આરતી જેટલી પ્રસિદ્ધ અને લોકપ્રિય બની છે એટલી જ કે કદાચ એથીય વધુ હિન્દી ભાષામાં પ્રસિદ્ધ થઈ છે અને કદાચ એ જ કારણથી એના રચયિતા વિશે ખોટી માહિતી અને માન્યતાઓ પણ ફેલાઈ છે. મહદંશે જ્યારે આ આરતી કોણે રચી હતી એવો પ્રશ્ન કરવામાં આવે ત્યારે એના અંતમાં આવતા ‘શિવાનંદ સ્વામી’ના નામને કારણે જવાબ એવો મળે છે કે વીસમી સદીના મહાન સંત અને હૃષીકેશમાં આવેલી ‘ડિવાઇન લાઇફ સોસાયટી’ના સ્થાપક સ્વામી શિવાનંદ સરસ્વતી દ્વારા એની રચના કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં આ જવાબ ખોટો છે.
આ આરતી મૂળ ગુજરાતના અને એમાંય દક્ષિણ ગુજરાતના સુરતના એક સંત દ્વારા રચાઈ હતી! ૧૬મી સદીમાં જન્મેલા આ રચયિતાનું મૂળ નામ હતું શિવાનંદ વામદેવ પંડ્યા. પણ તેમના વિશે કેટલીક માહિતી જાણતાં પહેલાં આપણે એ વિશેની પૂર્વભૂમિકા જાણી લઈએ. આપણે જાણીએ છીએ કે નવરાત્રિ દરમ્યાન દેવી ભાગવત અને દેવી ભાગવતનો એક અંશ, દુર્ગા સપ્તશતીથી લઈને ચંડીપાઠનું અનુષ્ઠાન કરવાનું, પૂજન કરવાનું ખૂબ માહાત્મ્ય છે. હવે દક્ષિણ ગુજરાતના અંકલેશ્વર નજીક આવેલા માંડવબુજુર્ગ ગામમાં ઋષિ માર્કંડેયનો આશ્રમ છે. સાલ હતી ૧૬૦૧ની, એટલે કે આજથી અંદાજે ૪૨૩ વર્ષ પહેલાં. નવરાત્રિના મહોત્સવ દરમ્યાન એ માર્કંડેય આશ્રમમાં માતાના યજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ પૂર્ણ થતાં નવદુર્ગાની આરતી કરવાની હતી. એ દિવસે ત્યાં માતાના શરણે જે આરતી ગવાવાની હતી એ આરતી પહેલી વાર ગવાવાની હતી અને એની રચના કરી હતી શિવાનંદ વામદેવ પંડ્યા નામના એક ભક્તિરસથી રંગાયેલા ગુજરાતીએ.
મા અંબાની એ ‘આરતી’ના સર્જક સ્વામી શિવાનંદના પૂર્વજો મૂળ સુરતના વતની. સ્વામી શિવાનંદનો જન્મ વામદેવ હરિહર પંડ્યા નામના એક બ્રાહ્મણને ત્યાં ઈ. સ. ૧૫૪૧માં થયો હતો. એ સમયે વામદેવ તેમના પરિવાર સાથે સુરતના આજના અંબાજી રોડ પર નાગર ફળિયામાં રહેતા હતા. બાપાની છત્રછાયા શિવાનંદે ખૂબ નાની ઉંમરમાં ગુમાવી દીધેલી, પરંતુ સંયુક્ત કુટુંબમાં રહેતા બ્રાહ્મણ પરિવારમાં વામદેવના ભાઈ એટલે કે શિવાનંદના કાકા સદાશિવે બાળકને બાપાની ખોટ મહેસૂસ ન થવા દીધી. પોતાના સગા દીકરા તરીકે જ તેમનો ઉછેર કર્યો. શિવાનંદજી માટે એમ કહી શકાય કે તેઓ વિદ્વાન કાકાના વિદ્વાન ભત્રીજા સાબિત થયા. કાકા સદાશિવ પંડ્યા એ સમયે એક વિદ્ધાન શાસ્ત્રી હતા. તેમની વિદ્વત્તા કાશીના વિદ્વાન બ્રાહ્મણો સમાન માનવામાં આવતી હતી. ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર અને પુરાણોથી લઈને બીજાં અનેક શાસ્ત્રો અને કર્મકાંડના અભ્યાસાર્થે તેમના નિવાસસ્થાને પાઠશાળા ચાલતી હતી.
હવે જ્યારે કાકા સદાશિવનો અંતસમય નજીક આવ્યો ત્યારે તેમણે તેમના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને પૂછ્યું, ‘જીવનમાં તમને કઈ ચીજની ઇચ્છા છે? લક્ષ્મી કે સરસ્વતી?’ દૈવયોગે તેમના બે પુત્રોએ કહ્યું ‘લક્ષ્મી.’ પણ શિવાનંદજીએ ઉત્તર આપ્યો કે ‘કાકા આપને જે યોગ્ય લાગે એ આપો!’ શિવાનંદજીનો જવાબ સાંભળીને કાકા સદાશિવ ખૂબ ખુશ થયા અને તેમણે ભત્રીજા શિવાનંદને પંચાક્ષરી મંત્રનો ઉપદેશ આપતાં કહ્યું, ‘તું પ્રસિદ્ધિના માર્ગે આગળ વધશે. ભક્તિમાર્ગને પ્રશસ્ત કરતાં જીવન વ્યતીત કરજે, દીકરા! આપણા ઇષ્ટદેવનું સ્મરણ ક્યારેય ભુલાય નહીં, તેમનું પૂજન કરતો રહેજે.’ શિવાનંદ કાકાનો આદેશ સ્વીકારીને શિવની આરાધના કરવા માંડ્યા અને ભાગવતકથાઓમાં પણ પ્રવૃત્ત થયા.
એવું કહેવાય છે કે સ્વામી શિવાનંદના કાકા સદાશિવ ૩૫ વર્ષના થયા ત્યાં સુધી તેમને કંઈ આવડતું નહોતું. સમાજ તરફથી અણઆવડતનાં મહેણાંથી કંટાળીને સદાશિવ પંડ્યાએ નર્મદાતટે રામનાથ ઘેલા મંદિરમાં ભક્તિ કરવાની શરૂઆત કરી. એ સમયે એક દિવસ ત્યાં એક સંત આવ્યા અને સદાશિવની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે વરદાન આપ્યું. પરિણામે સરસ્વતી સદાશિવજીની જીભે વસ્યાં અને તેમણે સંસ્કૃતમાં ગ્રંથોની રચના કરવાથી લઈને મંત્ર-તંત્ર અને વિદ્યામાં પણ સિદ્ધિ મેળવી. આવા વિદ્વાન પરિવારનાં કુળદેવી માતા અંબિકા. કાકા સદાશિવે કુળદેવીની ભક્તિમાં આદ્યશક્તિ અંબાજીની આરતીની તો રચના કરી જ હતી અને સાથે જ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતીમાં શિવસ્તુતિ, ઢોળ, વસંતપૂજા, હિંડોળાનાં પદ, ભોજન સમયના શ્લોકો અને પદ વગેરે જેવાં બીજાં અનેક સાહિત્યની રચના કરી હતી. અર્થાત્ ભક્તિ અને સાહિત્યસર્જનનો વારસો શિવાનંદજીને ગળથૂથીમાં મળ્યો હતો.
આ તરફ શિવાનંદ હવે મોટા થઈ રહ્યા હતા અને બ્રાહ્મણકુળમાં જન્મેલા સુપુત્ર હોવાને કારણે કર્મકાંડ અને વક્તા તરીકે કથા કરવાનું તેમણે શીખી લીધું હતું. શિવાનંદજીના પરિવારનું મૂળ અંકલેશ્વર નજીક નર્મદા કિનારે આવેલું માંડવબુઝુર્ગ. જોકે શિવાનંદજીના દાદાના સમયથી પરિવાર માંડવબુઝુર્ગથી સ્થળાંતર કરીને સુરત આવીને વસી ગયેલો. યુવાન થઈ ચૂકેલા શિવાનંદજીએ આર્થિક ઉપાર્જન માટે અલગ-અલગ શહેરોમાં કથા કરાવી અને પૂજા કરાવવી વગેરે કર્મકાંડની પ્રવૃત્તિ સ્વીકારી લીધી હતી.
એવામાં એક વાર ખંભાતના એક મંદિરમાં માતા લક્ષ્મીની પ્રાણપ્રતિષ્ઠાની પૂજા કરાવી શિવાનંદજી પોતાના વડવાઓના જૂના ગામ માંડવબુઝુર્ગ જઈ રહ્યા હતા ત્યારે દૈવયોગથી તેમને જગદંબાની આરતી રચવાની પ્રેરણા થઈ. આ વાત થઈ રહી છે સાલ ૧૬૦૧ની, જ્યારે શિવાનંદજીની ઉંમર અંદાજે ૬૦ વર્ષ જેટલી થઈ ચૂકી હતી. એક સાંજે તેઓ અંબામાના મંદિર નજીક નર્મદા નદીના કિનારે ધ્યાનમાં બેઠા હતા ત્યારે સૂર્યદેવ અસ્તાચળે હતા. ધ્યાનમાં બેઠેલા શિવાનંદજીના અંતઃવિશ્વમાં જાણે માડીનું કંકુ આકાશથી ખર્યું હોય એમ ચાર ભુજાવાળાં મા લક્ષ્મી પ્રગટ થયાં. માવડીનાં દર્શનથી અભિભૂત થયેલા સ્વામી શિવાનંદે એ જ સમયે નર્મદા નદીના તટે માતાની એક આરતીની રચના કરી, જે આરતી આજે આપણે ભાવથી ગાઈએ છીએ, ‘જય આદ્યા શક્તિ...’ એ પછી ૮૫ વર્ષની જૈફ વયે ૧૬૨૬ની સાલમાં સ્વામી શિવાનંદજીએ સમાધિ લીધી હતી.
ઈશ્વર પ્રત્યેની સમર્પણભાવના અને ભક્તિને કારણે પછીથી શિવાનંદજી સ્વામી શિવાનંદ તરીકે પ્રખ્યાત થયા. અધ્યાત્મની સાથે-સાથે તેમને કવિતાઓ અને સાહિત્યમાં પણ ઊંડો રસ હતો. નર્મદા નદીને કિનારે રહેવું તેમને અત્યંત પસંદ હતું. નર્મદાના કિનારે જ તેમણે અનેક સ્તોત્ર અને આરતીઓની રચના કરી, જેમાંની એક આરતી એ ‘જય આદ્યા શક્તિ...’ સૌથી મોટી કરુણતા એ છે કે શિવાનંદજી દ્વારા રચિત એ અનેક અમૂલ્ય સાહિત્ય પુસ્તક તરીકે પ્રકાશિત નહીં થયાં અને આજે તેમની કેટલીય રચનાઓ તો ભુલાઈ પણ ચૂકી હશે. જો તેમની દરેક રચનાઓ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ શકી હોત તો કદાચ આજે એ બધું સાહિત્ય સચવાયેલું હોત.
આજે આપણી પાસે શિવાનંદ સ્વામી રચિત જેકાંઈ થોડું ઘણું સાહિત્ય સચવાયું છે એનું શ્રેય નર્મદા પ્રોજેક્ટના મુખ્ય એન્જિનિયર શ્રી જી. ટી. પંચીગરને આપવું પડે. પંચીગર જ્યારે નર્મદા પ્રોજેક્ટના મુખ્ય ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે સ્વામી શિવાનંદનાં કાર્યોને ખૂબ ઝીણવટપૂર્વક જોયાં હતાં અને ‘સ્વામીજીનાં એ રચનાકાર્યોનો અમૂલ્ય વારસો સચવાવો જોઈએ’ એવો વિચાર તેમને આવ્યો અને તેમણે ‘સ્વામી શિવાનંદ રચિત આરતી’ નામનું એક પુસ્તક પ્રકાશિત કરાવ્યું.
સ્વામી શિવાનંદ રચિત ભજનો અને આરતીઓ વર્ષોથી જનસામાન્યમાં લોકપ્રિય રહ્યાં છે. એવાં અનેક ભજનો અને આરતીઓ આજે પણ હશે જે આપણાં હિન્દુ ઘરોમાં અને મંદિરોમાં ગવાતાં હશે, પણ એની રચના સ્વામીજીએ કરી હશે એની આપણને ખબર પણ નહીં હોય. એટલું જ નહીં, ગરબામાં પણ અનેક પંક્તિઓ કે ગરબા સ્વામી શિવાનંદ દ્વારા રચાયાં હશે જેની આપણને જાણ પણ નહીં હોય.
પ્રથમ પંક્તિ
‘જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ દીપાવ્યાં, પડવે પ્રગટ થયાં...’
એટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે એવાં મા શક્તિ અંબાનો જય હો.
બીજી પંક્તિ
‘દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર મા...’
બે સ્વરૂપ એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બન્ને તારાં જ સ્વરૂપ છે. હે મા! બ્રહ્મા, ગણપતિ અને શિવ પણ તમારો મહિમા ગાય છે.
ત્રીજી પંક્તિ
‘તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણી મા...
ત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી. આપ ત્રણ ભુવન - પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતીના સંગમની જેમ જ આપ (માતા) જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
ચોથી પંક્તિ
‘ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચાર ભુજા ચહુ દિશા, પ્રગટ્યાં દક્ષિણમાં...’
એટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યાં છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચાર ભુજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.
પાંચમી પંક્તિ
‘પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાં...’
થોડા ઊંડાણપૂર્વકના અભ્યાસ અને તાર્કિક સમજ દ્વારા આ પંક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ તો એવી ધારણા મૂકી શકાય કે અહીં
રચયિતાએ કદાચ પ્રથમ પંક્તિ સાથે પ્રાસ બેસાડવા માટે કેટલીક છૂટ લીધી હશે, કારણ કે હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સપ્તર્ષિ હોવું જોઈએ. એ જ રીતે ગુણ પણ પાંચની જગ્યાએ ત્રણ હોવા જોઈએ; સત્ત્વ, રજસ અને
તમસ (શક્ય છે સ્વામી શિવાનંદે રચેલી મૂળ આરતીમાં કદાચ આ જ પ્રમાણે સપ્તર્ષિ અને ત્રણ ગુણોનો જ ઉલ્લેખ હોય, પણ કાળક્રમે આરતીના પ્રાસ અનુસાર એ બદલાયું હોય). હે મા! પાંચ તત્ત્વો - પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.
છઠ્ઠી પંક્તિ
‘ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીના રૂપે, વ્યાપ્યાં સઘળેમાં...’
મહિષાસુર રાક્ષસને મારનારી મા, તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.
સાતમી પંક્તિ
‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા...’
સાતેય પાતાળમાં આપ બિરાજમાન છો. પ્રાતઃસંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાનાં સ્વરૂપો - ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.
આઠમી પંક્તિ
‘અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુરનર મુનિવર જન્મ્યા, દેવ દૈત્યોમાં...’
(અહીં માતાનું અષ્ટભુજા સ્વરૂપ, દૈત્યોને હણનારી મહાકાળી આઠ ભુજાવાળી ગણાવાય છે) હે મહાકાળી, તારી જ કુખે દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટ્યાં છે (આ પંક્તિમાં કાળક્રમે અપભ્રંશ થયો અને આજે આપણે અજાણતાં જ સુનિવર-મુનિવર ગાઈએ છીએ).
નવમી પંક્તિ
‘નવમી નવ કુળ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિનાં અર્ચન, કીધાં હરબ્રહ્મા...’
નવેનવ કુળના નાગ આપને ભજે છે, નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.
દસમી પંક્તિ
‘દસમી દસ અવતાર જય વિજયાદસમી, રમાએ રામ રમાડ્યા રાવણ રોળ્યો મા...’
દશેરાના દિવસે રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો એથી જ એ દિવસને આપણે વિજયાદશમી કહીએ છીએ. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંસ કરેલો (અહીં પણ આપણે ‘રમાએ’ને બદલે ‘રામે’ રામ રમાડ્યા એવું ગાઈએ છીએ).
અગિયારમી પંક્તિ
‘એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા કાલિકા શ્યામા ને રામા...’
નોરતાંની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે (શ્રીમદ ભાગવતમાં એવો ઉલ્લેખ મળે છે કે શ્રીકૃષ્ણને પતિ સ્વરૂપે મેળવવા માટે ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું જ વ્રત કર્યું હતું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવવા માટે આશીર્વાદ અર્પે છે). શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બન્ને આપ જ છો.
બારમી પંક્તિ
‘બારસે બાળારૂપ બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહિયે, તારા છે તુજ મા...’
બહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટ્યાં હોવાનું મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધા તારા સેવકો છે, જે તમારા અડખે-પડખે શોભે છે.
તેરમી પંક્તિ
‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતા...’
હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે (તુળજા ભવાની મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં બિરાજ્યાં છે જે છત્રપતિ શિવાજી મહારાજનાં કુળદેવી છે). જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે (કાળક્રમે આ પંક્તિનો અપભ્રંશ થતો ગયો અને સામાન્ય જન દ્વારા એવું ગાવામાં આવે છે, ‘તેરસે તુળજારૂપ તમે ત્યાં ઋણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણ તારા ગાતા...’ પણ વાસ્તવમાં આ પંક્તિ ઉપર જણાવ્યા અનુસાર છે).
ચૌદમી પંક્તિ
‘ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, ભાવભક્તિ કંઈ આપો ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની માતા...’
શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે, જે ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડા ભક્તિભાવ આપો, અમને ચતુરાઈ આપો.
પંદરમી પંક્તિ
‘પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા...’
પૂનમ એટલે પૂર્ણતા. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરુણા ધરીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ પણ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.
સોળમી પંક્તિ
‘સંવત સોળ સત્તાવન સોળસે બાવીસમા, સંવત સોળે પ્રગટ્યાં રેવાને તીરે...’
૧૬૫૭ના સંવતમાં માએ સોળ વર્ષની કુંવારિકાના રૂપમાં મા રેવા એટલે કે નર્મદાના કાંઠે પ્રગટ્યાં અને દર્શન આપ્યાં હતાં
‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળ સહસ્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’
અહીં નગરીનાં નામ તો પ્રતીકમાત્ર છે. વાસ્તવમાં રચયિતા માતાને પ્રાર્થે છે કે હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપીસ્વરૂપ પણ આપનાં છે. પૂજાભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.
અંતિમ પંક્તિ
‘શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત થાશે, હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે...’
આ આરતી જેકોઈ પ્રેમ-ભાવથી ગાશે તે સુખ અને સંપત્તિ પ્રાપ્ત કરશે, સર્વનું સુખ-દુઃખ હરશે સ્વર્ગનું સુખ મળશે. શિવ-પાર્વતીના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.
શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. માતાજીની ભક્તિ અને આરાધના સાથે શક્તિ એટલે ઊર્જા કે ચેતના-ચૈતન્ય પ્રગટ કરવા માટેનો ઉત્તમ સમય. માતાજીની આરાધનાની શરૂઆત આરતી ગાઈને કરવામાં આવે છે. ઈશ્વરભક્તિમાં અનેક મંત્રો, સ્તુતિ, શ્લોક, પદોનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો આપેલા મંત્રો કે સ્તુતિનું ભાવપૂર્વક ગાન કરતા હોય છે, પરંતુ એ મંત્ર કે સ્તુતિના અર્થને જાણતા નથી. મંત્ર કે સ્તુતિનો અર્થ જાણતા હોઈએ તો ભક્તિની ભાવનામાં વધારો થાય. નવરાત્રિ પર્વમાં ગવાતી માતાજીની પ્રસિદ્ધ આરતી ‘જય આદ્યા શક્તિ’નો અર્થ બહુ ઓછા લોકો જાણતા હશે.
અહીં માતાજીની આરતીનો અર્થ પ્રસ્તુત કર્યો છે. માતાજીની આ આરતી ‘જય આદ્યા શક્તિ’ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડ્યાએ કરી હતી. તેઓ ૮૫ વર્ષ જીવ્યા હતા અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે કેટલાક ફેરફાર આવ્યા હતા. મુખ્યત્વે આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળ્યા છે. જોકે એક આશ્વાસન એ ખરું કે એનો અર્થ ખાસ બદલાયો નથી, પણ અભ્યાસ કરતાં માલૂમ પડે છે કે મહદંશે જે ફેરફાર જોવાય છે એ પૂનમ પછીની પંક્તિઓમાં થયા.
સ્વામી શિવાનંદની છઠ્ઠી પેઢીના જમાઈ હતા કવિ નર્મદ. શિવાનંદ સ્વામી ગૃહસ્થ હતા. તેમને ત્રણ પુત્ર હતા. શિવાનંદ સ્વામીની છઠ્ઠી પેઢીએ ત્રિપુરાનંદ થયા, જેમને બે સંતાન હતાં પુત્ર ચંદ્રવિદ્યાનંદ અને દીકરી ડાહીગૌરી. ડાહીગૌરીનાં લગ્ન કવિ નર્મદાશંકર સાથે થયેલાં. જી હા, કવિ નર્મદ, નર્મદનાં આ બીજાં લગ્ન હતાં. ચંદ્રવિદ્યાનંદને બ્રિટિશ સરકાર તરફથી રાવબહાદુરનો ઇલકાબ મળેલો. તેમના પુત્ર પુષ્પેન્દ્ર પંડ્યાએ ભારતની આર્મ ફોર્સ ઇન્ડિયન આર્મીમાં ઑફિસર તરીકે સેવા આપી હતી.
કેવી સૌભાગ્યની વાત કહેવાય કે સ્વામી શિવાનંદજીના વંશજોને આ લખનાર રૂબરૂ ઓળખે છે. તેમની સાથે અનેક વાર કામ કર્યું છે, સમય વિતાવ્યો છે. આજે તો હવે શિવાનંદજીની દસમી, અગિયારમી અને બારમી પેઢી આવી ચૂકી છે ત્યારે મને ખાતરી છે કે જો તેમનાં નામની ઓળખાણ કરાવીશું તો કદાચ વાચકમિત્રોમાંના મોટા ભાગના તેમને ઓળખતા હશે. સ્વામી શિવાનંદજીની દસમી પેઢી એટલે ગુજરાતનાં જાણીતાં નાટ્યકર્મી પલ્લવી વ્યાસ. જો મને કોઈ પલ્લવીઆન્ટીની ઓળખાણ પૂછે તો હું તરત એમ કહું કે કપાળે મોટો ચાંદલો કર્યો હોય અને અવાજમાં એક અલગ જ ખુમારીવાળી કોઈ ઠસ્સાદાર સ્ત્રી સામે દેખાય તો જાણવું કે તે પલ્લવી વ્યાસ છે.
પલ્લવી વ્યાસના દીકરા એટલે હિન્દી-ગુજરાતી સિનેમા, ટેલિવિઝન શ્રેણી અને નાટકોના અત્યંત જાણીતા કલાકાર ધર્મેશ વ્યાસ. ધર્મેશભાઈનાં બહેન એટલે જાણીતાં નાટ્યકાર કપિલદેવ શુક્લનાં પત્ની શ્રીમતી હેમા શુક્લ. હેમાબહેન પણ એક અદના કલાકાર છે.