સાચાને સાચું કહેવાની હિંમત ન હોય તો મા કાત્યાયનીની આરાધના કરો

20 October, 2023 05:06 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

વીરરસનાં પ્રતિનિધિ સમાન મા કાત્યાયનીની આરાધના કરવાથી નકારાત્મકતા પણ દૂર થાય છે અને આજ્ઞાચક્રમાં બિરાજમાન માની પૂજા કરવાથી સંતાનો પણ કહ્યામાં રહે છે

પ્રતીકાત્મક તસવીર

નવ દુર્ગા પૈકીનું છઠ્ઠું સ્વરૂપ મા કાત્યાયની છે, જેમનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોથી લઈને બૌદ્ધ શાસ્ત્રો સુધ્ધાંમાં જોવા મળે છે. મા કાત્યાયની યુદ્ધભૂમિની મા તરીકે પણ વિખ્યાત છે. રામાયણમાં જ્યારે રામ અને રાવણનું યુદ્ધ શરૂ થયું ત્યારે ભગવાન શ્રી રામે શિવલિંગની સ્થાપના કરવા ઉપરાંત સાગરકિનારે મા કાત્યાયનીનું યંત્ર બનાવી એની પણ સ્થાપના કરી હતી અને તેમની સમક્ષ યુદ્ધભૂમિ પર જીતની આરાધના કરી હતી.

મા કાત્યાયનીને વીરરસનાં પ્રતિનિધિ માનવામાં આવે છે, જે વ્યક્તિને જીવનમાં વીરતા આપે છે તો સાથોસાથ સત્ય માટે લડવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ પણ આપે છે. મા કાત્યાયનીની બીજી પણ એક ખાસિયત છે. જીવનમાં પ્રસરેલી નકારાત્મકતા દૂર કરવાનું કામ તે કરે છે. મા કાત્યાયનીની આરાધના કરવાથી મનની નેગેટિવિટી દૂર થાય છે અને મનમાં નવેસરથી લડતની ભાવના જન્મે છે.

નામ શું કામ કાત્યાયની? | કત નામના મહર્ષિ હતા. તેમના સંતાનનું નામ કાત્ય. ઋષિ કાત્યની ઇચ્છા હતી કે તેમને ત્યાં પુત્રીનો જન્મ થાય, જેની માટે તેમણે તપ કર્યું અને મા ભગવતી પરામ્બાનું અનુષ્ઠાન કર્યું. અનુષ્ઠાનના અંતે મા ભગવતીનો સાક્ષાત્કાર થયો અને તેણે વચન આપ્યું કે સમય અને સંજોગો જોઈને તે ઋષિ કાત્યના ઘરે તે જ જન્મ લેશે. થોડા સમય પછી રાક્ષસ મહિષાસુરનો સૃષ્ટિ પર હાહાકાર મચ્યો અને તમામ ઋષિવરોએ ઈશ્વરને પ્રાર્થના કરી કે મહિષાસુરના વધ માટે તે આવે; જેને લીધે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતપોતાના અંશમાંથી દેવીમાનું સર્જન કર્યું, જેની સૌપ્રથમ પૂજાનો હક ઋષિ કાત્યને આપવામાં આવ્યો. આ જે દેવીનો જન્મ થયો એ દેવી એટલે કાત્યાયની.

કાત્યાયનીને મા પાર્વતીનું બીજું રૂપ માનવામાં આવે છે. માનવ શરીરમાં મા કાત્યાયનીનું સ્થાન આજ્ઞાચક્રમાં હોવાથી યજુર્વેદના તૈત્તિરીય આરણ્યકમાં મા કાત્યાયનીને આજ્ઞાદૈવી શક્તિ તરીકે પણ ઓળખવામાં આવ્યાં છે. આજ્ઞાચક્રના આધિદેવી એવાં કાત્યાયનીની આરાધના કરવાથી વ્યક્તિના શબ્દોમાં આજ્ઞાકારી ભાવ આવે છે અને તેમના શબ્દોનું ઉલ્લંઘન કરવાનું ઓછું થતું જાય છે. આ જ કારણે કહેવાયું છે કે જે માબાપ સંયુક્ત રીતે મા કાત્યાયનીની નિયમિત પૂજા કરે એમનાં સંતાનો તેમના કહ્યામાં રહે છે.

મા કાત્યાયની  શું આપે? | સીધો જવાબ છે, મા કાત્યાયનીની આરાધના કરવાથી બળ, શક્તિ અને એવી તમામ ગુણવત્તા જે એક વીરાત્મામાં હોય. આ ઉપરાંત મા કાત્યાયની જીવનમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરી જીવનમાં સકારાત્મકતા ભરવાનું કામ પણ કરે છે તો મા કાત્યાયની  સાચા-ખોટાનો ભેદ સમજવાની ક્ષમતા પણ માણસમાં કેળવે છે.

મા કાત્યાયનીનું પૂજન કરવાની વિધિ પણ બહુ સરળ છે. તેમની માટેના શ્લોકના રટણ સાથે જો કેરીના ફળનું દાન કરવામાં આવે તો મા કાત્યાયની સહજ રીતે જ પ્રસન્ન થાય છે. મા કાત્યાયનીને જ્ઞાનની પણ દેવી કહેવામાં આવે છે એટલે જો અભ્યાસને લગતી સામગ્રીનું દાન પણ કરવામાં આવે તો મા કાત્યાયનીની પ્રસન્નતા અકબંધ રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે પણ લગ્ન માટે પણ મા કાત્યાયનીની પૂજા અત્યંત મહત્ત્વની છે. લગ્ન થવામાં વિલંબ થયો હોય તો યોગ્ય જીવનસાથી આપવાનું કામ પણ મા કાત્યાયની કરે છે.

navratri 2023 navratri culture news life and style columnists