07 October, 2021 04:15 PM IST | Mumbai | Karan Negandhi
અતુલ પુરોહિત
મા દુર્ગાની આરાધના અને ભક્તિના પર્વ, નવરાત્રિની આજથી શરૂઆત થઈ છે. ગુજરાતમાં જાહેર નવરાત્રિ પર પ્રતિબંધ મુકાયો છે, ત્યારે હવે કલાકારોએ પોતાના ગરબા વીડિયો યુટ્યુબના માધ્યમે લોકો સુધી પહોંચાડ્યા છે. વડોદરાની યુનાઇટેડ વેની નવરાત્રિ માટે જાણીતા અતુલદાદાએ પણ આ વર્ષે ખેલૈયાઓને રાસની ધૂનમાં રંગવા યુટ્યુબનું માધ્યમ પસંદ કર્યું છે અને રંગરસીયા વીડિયો રિલીજ કર્યો છે.
નવરાત્રિના પહેલા દિવસે અતુલદાદાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરી હતી. ગુજરાતમાં ૪૦૦ લોકો સાથે શેરીઓ અને સોસાયટીમાં ગરબાની પરવાનગી વિશે વાત કરતા અતુલ પુરોહિતે જણાવ્યું કે “શેરી ગરબા આપણું મૂળ છે. છેલ્લા ઘણા સમયથી આ મૂળને પાણી નહોતું મળતું, હવે આ વર્ષે લોકો ફરી શેરી ગરબાની મોજ માણશે અને શેરી ગરબાનું જે મૂળ છે તે નવપલ્લવિત થશે.”
રંગરસીયા વિશે વાત કરતાં અતુલ દાદાએ કહ્યું કે “રંગરસીયા રાસની સિક્વન્સ છે, સામાન્યપણે વડોદરામાં રાસ થતો નથી. આ વખતે જ્યારે લોકો શેરી ગરબનો લાહવો લેવાના છે ત્યારે અમે આ નોનસ્ટૉપ રાસ રજૂ કર્યો છે. અમે એ રીતે સિક્વન્સ બનાવી છે કે ખેલૈયાઓ રાસ અને ગરબા બંને રમી શકે અને તેમાં લગભગ તમામ પ્રાચીન રાસગીત જે વિસરાય ગયા છે તે ઉમેર્યા છે.” રંગરસીયામાં પરંપરાગત વાદ્યો સાથે કૃષ્ણ ભગવાનના રાસનો સમાવેશ કરાયો છે. માણો રંગરસીયા.
સાંસ્કૃતિક ૨૨ રાસગીત સાથે રંગરસીયાની રજૂઆત કરવામાં આવી છે, જેમાં દાંડિયા પણ છે. ગરબાની જગ્યાએ આ વર્ષે રાસ કેમ પસંદ કર્યો? તે સવાલના જવાબમાં દાદાએ જણાવ્યું કે “આજના સમયમાં ગરબામાં થતાં ધુમધડાકામાં રાસ કયાંક વિસારાય ગયો છે, આપણા સંગીતનો આત્મા ખોવાઈ ગયો છે અને મારા ગરબા ડિજિટલ પ્લેટ્ફોર્મ ઉપલબ્ધ છે, તેથી આ વર્ષે રાસ મૂકવાનો નિર્ણય કર્યો હતો.” ડિજિટલ પ્લેટફોર્મ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું કે “ડિજિટલ પ્લેટ્ફોર્મ સારું છે, પરંતુ લાઈવ ગરબા સામે એ અચૂક ફીકું લાગે છે.”
દર્શકો અવારનવાર પૂછતા હોય છે કે અતુલદાદાનો મોસ્ટ ફેવરેટ ગરબો કયો? તો આ સવાલનો જવાબ આપતા દાદાએ ઉમેર્યું કે “આમ તો મને દરેક ગરબો પ્રિય છે અને ખેલૈયાઓ પણ દરેક ગરબાને ઉત્સાહથી વધાવે છે. જોકે, પ્રિય ગરબાની વાત કરીએ તો `તારા વિના શ્યામ` મને ખૂબ ગમે છે.” દાદાએ યુનાઇટેડ વેમાં તેમના ‘હોવે હોવે’ પર મળતા પ્રતિસાદને પણ યાદ કર્યો હતો.
અતુલદાદાએ દર્શકો અને ખાસ દર વર્ષે તેમના ગરબા પર ડોલતા ખેલૈયાઓ માટે છેલ્લે ઉમેર્યું હતું કે “શેરી ગરબો પણ માની ભક્તિ જ છે. ગ્રાઉન્ડ અને શેરીનો ફરક ભૂલી આણંદ કરજો અને પ્રાર્થના કરજો કે આવતા વર્ષે આપણે ખૂબ ધુમધામથી આ મહોત્સવ ઊજવી શકીએ.”
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ્યારે સોસાયટીઓમાં ૪૦૦ લોકો સાથે નવરાત્રી કરવાની પરવાનગી આપવામાં આવી છે, ત્યારે બીજી તરફ મુંબઈમાં આ વર્ષે પણ ગરબા અને દાંડિયા રાસ રમવાની પરવાનગી સત્તાવાર રીતે મળી નથી.