સુન લે ચૌથ માત બરવાડા કી, નૈયા પાર લગા દે, મારા અટક્યા ગાડા કી

20 October, 2024 08:41 AM IST  |  Mumbai | Alpa Nirmal

બૉલીવુડે ફેમસ કરેલો કરવા ચૌથનો તહેવાર આજે જ છે. આજે એ નિમિત્તે જઈએ સમગ્ર ભારતના એકમાત્ર ચૌથ માતાના મંદિરે. અલબત્ત આ માતાના મઢમાં કરવા ચૌથ સહિત દરેક હિન્દુ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ સેંકડો મહિલાઓ માઈને મત્થા ટેકવા આવે છે

ચૌથ માતા મંદિર

આપણી ભાષામાં કહેવત છે, બાર ગાઉએ બોલી બદલાય.

યસ, ભારતમાં દરેક પ્રાંતના હરેક વિસ્તારમાં બોલી સાથે સંસ્કૃતિ, ખાણીપીણી, રહેણીકરણી, રીતરિવાજો તેમ જ પૂજાઅર્ચનામાં પણ વિવિધતા જોવા મળે છે. વેલ, આપણા દેશનું આ જ ફીચર તો ઇન્ડિયાને ઇન્ક્રેડિબલ બનાવે છે.  

પૂજાઅર્ચનાની જ વાત કરોને તો બૉલીવુડે પ્રખ્યાત કરેલો કરવા ચૌથનો ઉત્સવ રાજસ્થાનથી લઈ ઉત્તરાંચલ સુધીના ઉત્તરના દરેક રાજ્યમાં ભિન્ન-ભિન્ન રીતે ઊજવાય છે. હિન્દી ફિલ્મોમાં બતાવાય છે કે પરિણીત સ્ત્રીઓ પોતાના પતિની દીર્ઘ આયુ અર્થે ઉપવાસ રાખે છે પણ રાજસ્થાનના સવાઈ માધોપુરની આસપાસના વિસ્તારની મહિલાઓ તો સુહાગની રક્ષા સહિત સારો ભરથાર મેળવવા, ભાઈની ઉન્નતિ કાજે, સંતાનસુખ અને બાળકોના ભણતર, આરોગ્ય, દીર્ઘાયુ અર્થે તેમ જ વિવિધ માન્યતાઓ સાથે વર્ષના બારેય મહિનાની વદ ચોથે ઉપવાસ કરે છે, ચૌથ માતાના મંદિરે દર્શન અને પૂજા કરવા આવે છે. તેમ જ કથા કરી ચંદ્રોદય પછી વ્રતનાં પારણાં કરે છે. ઇન ફૅક્ટ, દરેક ચોથનો ઉપવાસ પર્ટિક્યુલર વ્યક્તિ માટે કરાય છે. જેમ કે આપણા આસો મહિનાની વદ ચોથ (ઉત્તર ભારત અને રાજસ્થાનની કારતક સુદ ચોથ) સુહાગની સુખાકારી માટે તો નૉર્થ ઇન્ડિયન માઘ માસની ચોથે સંતાનના વેલબીઇંગ માટે ચોથ વ્રત થાય છે. એ રીતે બીજી ચતુર્થીઓએ અલગ-અલગ આલંબને ઉપવાસ કરવામાં આવે છે. અને અહીં તો ચોથ માતા સાથે ગણેશજીનું પૂજન પણ બહુ મહત્ત્વનું છે. શા માટે? એની કથા જાણીએ અહીંના મુખ્ય પૂજારી પાસેથી.

સવાઈ માધોપુરથી સાડાચાર કિલોમીટરના અંતરે આવેલા બરવાડા ચોથ ગામે આવેલા ચૌથ માતા મંદિરના પૂજારી કહે છે, ‘ચાઅથ માતા પાર્વતી માતાનું જ એક સ્વરૂપ છે. ગોરાંદે સુહાગ, સંતાન, સુખાકારી આપનારી માતા છે. તેમની સાથે ગણેશજીના પૂજનની કથાનાં મૂળિયાં છેક લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનના લગ્ન સમયને અડે છે. કહે છે કે વિષ્ણુ ભગવાને તેમનાં લગ્નમાં દરેક ભગવાન, દેવ, દેવી, ઋષિમુનિને નોતર્યા બસ, ગણપતિજીને આમંત્રણ ન આપ્યું. દેવો આપસમાં વાતો કરવા લાગ્યા કે ગજાનન મહારાજ કેમ દેખાતા નથી. અને તેમણે ડાયરેક્ટ વિષ્ણુ ભગવાનને જ પૂછ્યું કે એકદંત કેમ મિસિંગ છે પ્રભુ? ત્યારે લક્ષ્મીપતિએ જવાબ આપ્યો કે ‘મેં ભોલેનાથને આમંત્રણ આપ્યું જ છે, તેમનો પુત્ર તેમની સાથે આવી શકે છે. બીજું, ગણેશને મોટી માત્રામાં ભોગ જોઈએ છે. આપણે જાન લઈને જઈએ અને તેઓ ત્યાં આટલુંબધું ભોજન ખાય એ સારું ન લાગે. આથી તેમને ઇન્વાઇટ નથી કર્યા.’

ત્યારે એક દેવતાએ વિષ્ણુ ભગવાનને સુઝાવ આપ્યો કે બાપ્પાને બોલાવી લ્યો. તેમને આપણે તમારા ઘરના દ્વારપાલ બનાવીને બેસાડી દઈશું. આમેય તે તેમના વાહન મુષક પર બેસીને આવશે, એ મુષક થોડી ઝડપથી ચાલી શકશે? એ દરમિયાન તમારી જાન તો ક્યાંય આગળ નીકળી જશે. વિષ્ણુ ભગવાનને આ આઇડિયા ગમી ગયો. અને તેમણે વક્રતુંડને પોતાના ભવનની બહાર બેસાડી દીધા. મહાકાયને બહુ ખરાબ લાગ્યું, પણ ભગવાનનો આદેશ માની ત્યાં બેસી રહ્યા. થોડી વારમાં નારાયણ-નારાયણનો પાઠ કરતા નારદ મુનિ ત્યાં આવ્યા અને દુંદાળા દેવને જાનમાં ન જવાનું કારણ પૂછ્યું. ગણેશજીએ તેમને આખી વાત કહી ત્યારે નારદજીએ તેમને કહ્યું કે તમે એક કીમિયો અજમાવો, એથી વિષ્ણુ ભગવાને આપને સન્માનપૂર્વક બોલાવવા પડે. નારદજીના કહેવા પ્રમાણે ગણપતિએ જાન જતી હતી એ રસ્તે આગળ પોતાની મુષક સેના મોકલી દીધી. સેનાએ દંપતીના આદેશ મુજબ આખી જમીન ખોતરી-ખોતરીને એ માર્ગ પોલો કરી નાખ્યો. વિષ્ણુ ભગવાનની બારાત અહીં પહોંચી ને તેમના રથનાં પૈંડાં એ પોકળ ભૂમિમાં ધસી ગયાં તે કેમેય કરીને બહાર નીકળે જ નહીં. અનેક દેવતાઓએ આ પૈડાંઓ કાઢવાના પ્રયત્નો કર્યા પણ બધું વ્યર્થ. ત્યારે નારદજીએ ટહુકો કર્યો કે તમે પાર્વતીપુત્રનું અપમાન કરીને સારું નથી કર્યું. હવે ગૌરીપુત્રને મનાવીને લાવો તો આ સંકટ ટળી જશે. પુત્રને લેવા મહાદેવે પોતાના નંદીને મોકલ્યો ને બાપ્પા પધાર્યા. તેમનો આદરસત્કાર થયો, ત્યાર બાદ જમીનમાં ધસી પડેલો રથ બહાર નીકળ્યો. દુલ્હે રાજાનો રથ તો બહાર નીકળ્યો પણ એનાં પૈડાં તૂટી ગયાં હતાં. હવે એને સમારે કોણ? ત્યારે નજીકના જંગલમાં કામ કરતો એક કઠિયારો દેખાયો અને તેને બોલાવાયો. કઠિયારાએ કામ શરૂ કરવા પૂર્વે મનોમન ગણપતિ બાપ્પાનું સ્મરણ કર્યું ને પૈડાં રિપેર કરી આપ્યાં. સાથે ટકોર પણ કરી કે આ શુભ પ્રસંગે શરૂ કરતાં પૂર્વે તમે ગણેશનું પૂજન નહીં કર્યું હોય, આથી તમને આવું સંકટ આવ્યું. અમે તો સાવ અજ્ઞાની મનુષ્યો છીએ, અમનેય એટલી ખબર છે તો તમે જ્ઞાની પુરુષોએ કેમ આવી ભૂલ કરી?’’

અને દરેક દેવતા ગણને પોતાની ચૂક સમજાઈ અને ગણપતિબાપ્પાની જય બોલાવી સહુ આગળ વધ્યા. રંગેચંગે લક્ષ્મી સંગ વિષ્ણુના વિવાહ સંપન્ન થઈ ગયા.’

આ કહાનીના સંદર્ભે સ્થાનિકો હજીયે ભજન ગાય છે. ‘સુન લે ચૌથ માત બરવાડા કી..., નૈયા પાર લગા દે, મારા અટક્યા ગાડા કી...

અલબત્ત, આ આખાય પ્રસંગનું કોઈ પ્રમાણ નથી. પરંતુ ચૌથ માતાના વ્રતમાં એક ચોથના વ્રતમાં આ કથા બોલાય છે. એટલે દરેક ચતુર્થીના માતાજી સાથે અહીં બાપ્પાને પૂજવા મસ્ટ છે.

પિન્ક સિટી જયપુરથી ૧૭૦ કિલોમીટરના અંતરે આવેલું ચૌથ કા બરવાડા અરવલ્લીની શૃંખલામાં વસેલું એક ગામ છે. બરવાડા નામે જાણીતું આ ગામ ૧૪મી સદીની મધ્યથી ચૌથ કા બરવાડા નામે પ્રસિદ્ધ થયું છે. ૧૧૦૦ ફીટની ઊંચાઈ પર સ્થિત આ મંદિરની સ્થાપના ત્યાંના મહારાજ ભીમસિંહ ચૌહાણે ઈ. સ. ૧૪૫૧માં કરાવી હતી અને ત્યારથી આ મંદિર હજારો ભાવિકોનું શ્રદ્ધેય સ્થાન બની રહ્યું છે.

ચૌથ માતાની વાર્તા પણ ઇન્ટરેસ્ટિંગ છે. કિંવદંતી અનુસાર પ્રાચીન કાળમાં આ વિસ્તારના ચૌરૂ જંગલોમાં એક અગ્નિપુંજ પ્રગટ થયો અને એ અગ્નિ દ્વારા પ્રગટ થયેલી મૂર્તિએ આદિવાસીઓના શત્રુ દારુદ ભૈરોનો નાશ કર્યો. આથી એ ચૌરુ કુલના આદિવાસીઓ તેમની પૂજા કરવા લાગ્યા અને દેવીનું નામ પડ્યું ચૌરુ માતા. અપભ્રંશ થઈ આ ચૌરુ માતા ચૌથ માતા થઈ ગયાં ને ચૌરુ જાતિ બાદ કંજર, મીણા જાતિનાં કુળદેવી તરીકે પણ પુજાતાં થયાં. અચાનક જેમ આ મૂર્તિ પ્રગટ થઈ હતી એ રીતે વિલુપ્ત થઈ ગઈ અને વર્ષો બાદ બરવાડા ક્ષેત્રના મહારાજા ભીમસિંહ ચૌહાણને સ્વપ્નમાં દેખાવા લાગી. જોકે રાજવીએ ત્યારે એ સ્વપ્ન પર બહુ ધ્યાન ન આપ્યું પણ ત્યાર બાદ તેમને શમણામાં દેખાયું કે તેમની શિકાર કરવાની ક્ષમતા ખતમ થઈ રહી છે. યૌદ્ધા મહારાજ આ સંકેતથી ડરી ગયા અને મહારાણી પત્નીના મના કરવા છતાં સેના સાથે શિકાર પર ગયા. ઘનઘોર જંગરમાં રાજા અને સૈનિકો અલગ થઈ ગયા. ત્યાં રાજાને એક હરણ દેખાયું અને તેઓ હરણ પાછળ જતાં-જતાં રસ્તો ભટકી ગયા ને હરણ પણ ગાયબ થઈ ગયું. થાકેલા, હારેલા, ભૂખ્યાતરસ્યા રાજા ભર જંગલે મૂર્છિત થઈ ગયા. ત્યાં અચાનક વરસાદ પડવા લાગ્યો. પાણીના છાંટા પડવાથી રાજાને ભાન આવ્યું ને તેમને અડાબીડ જંગલમાં એક પ્રકાશમય બાલિકા રમતી નજરે ચડી. રાજાએ તેને પૂછ્યું, તું અહીં એકલી શું કરે છે? તારાં મા-બાપ ક્યાં છે? ત્યારે બાળકીએ કહ્યું કે તમારી તરસ છીપી? તમે પાણી પીધું? અને અચાનક તે ભગવતીના રૂપમાં આવી ગઈ. રાજા આદિશક્તિ મહામાયાનાં ચરણોમાં પડી ગયા અને વિનંતી કરીકે આપ હંમેશાં મારા ક્ષેત્રમાં નિવાસ કરો. પરાશક્તિ તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઈ ગયાં અને મૂર્તિરૂપે ઊભરી આવ્યાં.

 રાજાએ (રાજસ્થાની પંચાંગની) માઘ વદ ચોથે બરવાડાના પહાડની ચોટી પર આ મૂર્તિને વિધિવિધાન સહિત પ્રતિષ્ઠિત કરી. રાજાના આધિપત્ય હેઠળનાં અઢારે ગામોના રહેવાસીઓ તો આ ચૌથ માતાને પૂજવા લાગ્યા, પરંતુ ત્યાર બાદ અનેક શાસકોને અવારનવાર માતાના પરચા મળતાં ને જે-તે રાજવીઓના પ્રદેશોના પ્રજાજનો પણ ચૌથ માતાના ભક્તો બની ગયા. ઇન્દોર ઘરાનાના હોળકર રાજવીઓએ અહીં ચઢાઈ કરી તેમને ચૌથ માતાએ ચમત્કાર બતાવ્યો. બુંદીના નરેશ સૂરજન હાડાની બીમારી ઠીક કરી. ઈવન દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં માતાના સ્મરણ માત્રથી બીજા સવાઈ માનસિંહ યુદ્ધના માહોલમાંથી સલામત રીતે નીકળ્યા. આમ રાજસ્થાનના દરેક વિસ્તારમાં માતાનો જયજયકાર થયો અને હવે તો હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશનાં થોડાં ક્ષેત્રો, મધ્ય પ્રદેશના અમુક પ્રાંતોમાં પણ ચૌથ માતાજી એટલાં પ્રચલિત છે કે બારે મહિના અહીં સ્ત્રી-પુરુષ ભક્તોનું આવાગમન રહે છે અને હજારો મહિલાઓ ચોથનું વ્રત કરે છે. ડાયરેક્ટ્, કરવા ચૌથના વ્રત સાથે માતાજીનું કોઈ કનેક્શન ભલે નથી, પરંતુ ચૌથ માતા નામ હોવાથી કરવા ચૌથે દૂર-દૂરથી માઈભક્તો ચૌથ માતાના દરબારમાં આવે છે. ભાવિકોના દરેક પ્રકારનાં સંકટ હરનારી માતા અને ગણપતિ બાપ્પાની ‘ખ્યાતિ દિન બ દિન બઢ રહી હૈ’ એથી હવે ફક્ત રાજસ્થાનના જ લોકો નહીં, આ વિસ્તારમાં પ્રવાસન અર્થે આવતા દેશી- વિદેશીઓ અહીં મોટી સંખ્યામાં આવતા થયા છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
રાજસ્થાનમાં ટૂરિઝમની ગુલાબી મોસમ શરૂ થઈ ગઈ છે અને એમાંય સવાઈ માધોપુર વિસ્તાર વાઇલ્ડલાઇફ, હિસ્ટોરિકલ, હેરિટેજ સ્થળોને કારણે ખ્યાતનામ છે જ. વળી સમસ્ત દેશના રેલવે નેટવર્કથી આ સ્થળ સંકળાયેલું છે. તો રાહ શેની જુઓ છો? આકાશ માર્ગે જાઓ તો નિયરેસ્ટ ઍરપોર્ટ જયપુર છે અને આ વિસ્તારમાં આવવા ત્યાંથી સેંકડો ખાનગી, સરકારી પરિવહન ઉપલબ્ધ છે. વિદ્યાનગરી કોટાથીયે ચૌથ કા બરવાડા ઝાઝું છેટું નથી. ઓન્લી ત્રણ કલાકની જર્ની. રહેવા માટે મંદિરની ધર્મશાળા છે પરંતુ સવાઈ માધોપુરની આસપાસ આવેલી હોટેલ કે ઈકો-હટ્સમાં રહેવું વધુ સુગમ અને યાદગાર રહેશે. અહીં જમવાનો કોઈ પ્રૉબ્લેમ નથી, પરંતુ માતાનાં બેસણાં સુધી પહોંચવા ૭૦૦ પગથિયાં ચડવાનાં રહે છે. બટ નૉટ વરી, એ સહેલાં અને સરળ છે.
 મંદિર માર્ગ પર રાણા બિજલની છત્રી (સમાધિ) તેમ જ સુંદર તળાવ છે તથા બરવાડા ગામનું મીન ભગવાનનું ભવ્ય મંદિર તેમ જ દેવનારાયણ શિવાલય પણ દર્શનીય છે.

અખાત્રીજ વણપૂછ્યું મુરત કહેવાય. આખા દેશમાં આ દિવસે લાખો યુગલો પ્રભુતામાં પગલાં પાડે છે પરંતુ ફતેહસિંહના સમયમાં રાઠોડ વંશના એક રાજકુમારની જાન બરવાડા આવી અને રાણાના શત્રુએ જાન પર હુમલો કર્યો. કુંવર અને જાનના સર્વે સભ્યોને લડતાં-લડતાં વીરગતિ પ્રાપ્ત થઈ. ત્યારથી બરવાડા ક્ષેત્રને આધીન ૧૮ ગામોમાં આજે પણ અક્ષયતૃતીયાએ કોઈનાં લગ્ન થતાં નથી. તેમ જ એ દિવસે સોમવાર હોવાથી હજી પણ સોમવારે ગામની વહુ-દીકરીઓને સાસરે કે પિયર મોકલવામાં આવતી નથી.

culture news religious places life and style gujarati mid-day