29 September, 2024 01:49 PM IST | Mumbai | Alpa Nirmal
નાભા માતા શક્તિપીઠ
ભારતના તાજ સમા રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો ઇતિહાસ ઉખેડીએ તો એના છેડા છેક સતયુગને અડે. અરે, અમુક વિદ્વાનોના મતે તો આ સંપૂર્ણ ક્ષેત્ર ઇન્દ્રનું હતું (એટલે જ એ સ્વર્ગ સમાન હશે). કહે છે કે ત્યાર બાદ જમ્બુદ્વીપના આ ક્ષેત્ર પર રાજા અગ્નિદ્રનું આધિપત્ય રહ્યું. સતયુગની વાત કરીએ તો પુરાણોમાં ઉલ્લેખ છે કે સતયુગ દરમ્યાન આ ભૂમિ સપ્તર્ષિમાંના એક કશ્યપ ઋષિનું નિવાસસ્થાન હતું અને આથી જ આ પ્રદેશને કાશ્મીર નામ મળ્યું. પૃથ્વીના ગોળા પર છેક કૅસ્પિયન સાગરથી લઈ કાશ્મીર સુધીની સમસ્ત ધરતી, સમુદ્ર, પર્વતો, દ્વીપો કશ્યપ વંશજોનાં હતાં. કશ્યપ ઋષિની એક પત્ની કદ્રના ગર્ભથી નાગોની ઉત્પત્તિ થઈ, જેમાં ૮ પ્રમુખ નાગ હતા; અનંત (શેષ), વાસુકિ, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, શંખ અને કુલિક. અહીંથી નાગવંશની સ્થાપના થઈ. આમ મૂળે આ પ્રદેશ તેમનું રાજ્ય કહેવાય છે, જેની પાકી સાબિતી આપે છે આ રાજ્યમાં આવેલું અનંતનાગ.
ખેર, અનેક યુગો દરમ્યાન દરેક જગ્યાએ થાય છે એમ આ ધરાતલમાં પણ અસંખ્ય ભૌગોલિક ઊથલપાથલ થઈ છે. કાળક્રમે રાજવીઓ બદલાયા અને સત્તાઓનું પરિવર્તન થયું. ભારતની તવારીખમાં આલેખાયેલું છે કે ઈસવી સનની શરૂઆતમાં પણ અહીં હિન્દુવંશીય રાજાઓનું સામ્રાજ્ય હતું. પહેલી, બીજી, ત્રીજી... છેક પંદરમી સદી સુધી સનાતનધર્મીઓએ જ અહીં રાજ્ય કર્યું. પંદરમી સદીના મધ્યમાં મોગલો, ૧૯મી સદીમાં અફઘાનો આવ્યા અને રાજ્યમાં ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ. જોકે એ પછી પણ હિન્દુ રાજાઓની સલ્તનતમાં દરેક ધર્મ-જાતિના મનુષ્યો અહીં અમન અને ભાઈચારાથી રહેતા હતા. એટલે તો દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદી મળી, ભારતના ભાગલા થયા, ખોટા રાજકીય દસ્તાવેજો લખાયા અને ધીરે-ધીરે જમ્મુ-કાશ્મીરની તાસીર બદલાઈ.
વેલ, આ કયા રાજકીય નેતાની ભૂલ હતી, કોનું દબાણ હતું એ પૉલિટિકલ પંચાત કરવા માટેનું આ પાનું નથી. આ પાનું તો છે તીર્થાટનનું. જ્યાં વાચકો પૌરાણિક-પ્રાચીન, અર્વાચીન તીર્થો, મંદિરોની માનસયાત્રા કરે છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના ઇતિહાસને ટચ એટલે કર્યું કે ફક્ત નાભા માતા મંદિર જ નહીં, આ પ્રદેશમાં સેંકડો એવી રિલિજિયસ સાઇટ્સ છે જ્યાં પૂર્વકાળે પરમેશ્વરનાં પગલાં પડ્યાં છે.
સો, લેટ્સ ડ્રાઇવ ટુ જિન્દ્રાહ. યસ, આ વિસ્તારમાં જવા ટૅક્સી જ કરવી પડશે. ચાહે, જમ્મુથી કરો કે કટરાથી. કારણ કે સરકારી પરિવહનની બસ અહીં બહુ જૂજ પ્રમાણમાં આવે છે. હા, એક ઑપ્શન છે કે જો તમે જમ્મુથી કટરા જવા માટે પ્રાઇવેટ વાહન કરો ત્યારે ડ્રાઇવરને કહી દેવાનું કે અમને નાભા માતાના દેવસ્થાનકે જવું છે. બટ, જો તમારી ટ્રેન કટરા જ ઊભી રહે કે અહીંથી જ રિટર્ન થવાના હો તો તમારે ત્યાં જવા માટે સ્પેશ્યલ કાર કરવી જ પડે, પરંતુ પ્રૉમિસ કરો કે વૈષ્ણોદેવી જતાં કે પાછા ફરતાં નાભા મંદિરે અચૂક જશો. વૈષ્ણોદેવીની તળેટીથી મંદિરનું ડિસ્ટન્ટ ૩૪ કિલોમીટર છે અને જમ્મુથી ૪૬ કિલોમીટર. ઍક્ચ્યુઅલી જમ્મુ-કટરા-નાભા મંદિરનો ત્રિકોણ થાય છે. જમ્મુથી કટરા જતાં જિન્દ્રાહ ચોકથી કિશનપુર ડોમેલ રોડનો ફાંટો પડે છે. બસ, આ રૂટ પર ૧૭ કિલોમીટર આગળ વધતાં શક્તિસ્થળ તમારી જમણી કોરે દેખાશે.
જમ્મુ શહેરને સુરક્ષિતતા બક્ષતી હિમાલયન પહાડીઓમાંથી પસાર થતો આ સ્ટેટ હાઇવે અન્ય ડુંગરાળ રસ્તા જેવો જ સર્પાકાર છે. કભી ફિઝા કભી વાદિયાં, કભી બાદલ કભી પાની દેખતે દેખતે આગળ વધો એટલે ફટાફટ ૧૭ કિલોમીટર પાસ થઈ જાય. આ રૂટ કાશ્મીરની સુંદરતાનું ટ્રેલર સમાન છે અને અહીંના રસ્તા તો ક્યા કહને! એક્સ્ટ્રીમ વાતાવરણ અને પથરાળ ડુંગરાઓ હોવા છતાં આ ઑલ વેધર રોડ એવા સ્મૂધ છે કે દરેક ટ્રાવેલરને અહીંનો વિકાસ નજરે ચડે જ.
હવે મંદિરની વાત કરીએ તો અહીં દર્શનાર્થીઓનાં વાહનો માટે સ્પેસિફિક પાર્કિંગ લૉટ બનાવાયો હોવાથી આવવા-જવાના મેઇન રોડ પર કોઈ કન્જક્શન નથી થતું. હા, તમે આર્મીમેનની નિગરાનીમાં હો છો એટલે કોઈ રૂલ તો બ્રેક કરવાના જ નથી. અહીં સેનાનો જાપ્તો છે, કારણ કે મંદિરની નજીકમાં જ આર્મીનો શસ્ત્રભંડાર છે. ચાલો, મંદિરમાં તો પહોંચ્યા અને સામાન વગેરેનું ચેકિંગ કરાવ્યા પછી, જરૂર હોય તો હાથ-મોઢું ધોઈને, પાણી પીને આગળ વધો એટલે સૌથી પહેલાં ભૈરવબાબા નજરે ચડે. ત્યાં મત્થા ટેકીને મંદિરે જતાં જાળીદાર સ્પેસિફિક પાથ પર નીચે ઊતરતા જવાનું રહે છે. ૫૦૦ મીટર જેટલું ચાલ્યા બાદ એક લંબચોરસ પરસાળ આવે જેમાં શંકર-પાર્વતી, હનુમાનજી, ગણપતિ, દુર્ગામાતાનાં બ્લૅક સ્ક્લ્પ્ચર દેખાય. આ રચનાઓ અર્વાચીન છે. અહીં દર્શન કરો, હૉલમાં જ રાખેલા નાભા માતાના ઇતિહાસનું બોર્ડ વાંચો અને માતાનાં દર્શન કરવા આગળ વધો.
ઍક્ચ્યુઅલી, અહીં ટિપિકલ મંદિર કે દેરી નથી. નૅચરલી, બનેલી ગુફા છે. એમાં રાખેલી નાની પાર્વતીમાતાની મૂર્તિ પણ દર્શનીય છે. ઓરિજિનલ છે, ગુફામાં કુદરતી રીતે બનેલા ૩ ફુટના ઓટલા પર ૧૦થી ૧૨ ઇંચ ડાયામીટર ધરાવતો અગાધ ઊંડો ખાડો. ઍન્ડ ધિસ ઇઝ નાભિ ઑફ સતીદેવી.
સતીદેવીની સ્ટોરી તો દરેક જાણે જ છે, પરંતુ એક શૉર્ટ રીકૅપ કરીએ તો પરાક્રમી અને પૉપ્યુલર દક્ષ રાજાનાં સુંદર અને સુશીલ પુત્રી સતી અઘોરી શંભુનાથ પર મોહી પડ્યાં અને પિતાની ઇચ્છા વિરુદ્ધ શિવજી સાથે લગ્ન કરી લીધાં. પ્રજાવત્સલ દક્ષ રાજા નારાજ થઈ ગયા અને દીકરી સાથે બધા સંબંધ તોડી નાખ્યા. થોડા સમય બાદ દક્ષ રાજાએ પોતાના રાજ્યમાં બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું અને એમાં ત્રણેય લોકનાં સમસ્ત દેવી-દેવતા, ઋષિ-મુનિઓ, રાજા-મહારાજાઓને તેડ્યાં. બસ, દીકરી સતી અને જમાઈ શંકર નિમંત્રિત નહોતાં. સતીદેવીને આ ધાર્મિક અનુષ્ઠાન વિશે ખબર પડી એટલે તેઓ તો વગરઆમંત્રણે પિયર જવા તૈયાર થઈ ગયાં. ભોલેનાથે ના પાડી પણ સતીદેવીનો ઉત્સાહ એટલો ઊંચાઈ પર હતો કે તેઓ પણ પત્ની સાથે ત્યાં પહોંચી ગયા.
પ્રસંગમાં ગયા તો ખરાં, પણ પિયરમાં નહીં કોઈ આવકાર, નહીં કોઈ સત્કાર. પતિનું આવું અવમાન થવાથી સતીમાતાને બહુ ખરાબ લાગ્યું અને તેઓ ત્યાં થતા યજ્ઞના અગ્નિમાં જ કૂદી પડ્યાં. પત્નીના આવા પગલાથી કૈલાશપતિ રૌદ્ર સ્વરૂપમાં આવી ગયા અને ભાર્યાનું અર્ધબળેલું શરીર લઈને આખી પૃથ્વીને ધમરોળવા લાગ્યા. સમસ્ત સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો અને એ સમાવવા વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શનચક્રથી સતીમાતાના શરીરના ૫૧ ટુકડા કર્યા. એ ટુકડા ધરતી પર જ્યાં-જ્યાં પડ્યા એ થઈ શક્તિપીઠ.
કહેવાય છે કે જમ્મુથી નજીકના આ પ્રદેશમાં માતાની નાભિ પડી છે. આથી અહીં નાભિ જેવો ગોળ ખાડો છે, જેનું તળ અગાધ છે. આ પવિત્ર સ્થળની પ્રાકૃતિક રચના પણ બહુ અનન્ય છે. ડુંગરાના પોલાણમાં પાણીના સતત પ્રવાહથી પર્વતનો એક ભાગ ડિટ્ટો શેષનાગના આકાર જેવો થઈ ગયો છે અને એની આજુબાજુ પાતળી લાંબી પથ્થરોની પટ્ટીઓ પરથી સતત પાણી ઝરતું રહે છે. કહેવાય છે આ નીલકંઠની જટાઓ છે અને એના પરથી પડતું પાણી ગંગાજી છે. હજારો ભક્તો આ પાણીનું આચમન કરે છે. બાજુમાં એ જ જળનું કુંડ છે અને એની નજીક બાથરૂમ છે. ભક્તો માને છે કે નિઃસંતાન પરિણીત સ્ત્રી આ જળમાં સ્નાન કરે તો શીઘ્ર તેની ગોદ ભરાય છે (બાથરૂમ સ્ત્રીઓને સ્નાન કરવા માટે જ છે). આ શેષનાગની નીચેની ભૂમિ પર પ્રાકૃતિક રીતે ત્રિશૂલ, શિવલિંગ વગેરે બન્યાં છે, જ્યાં ભાવિકો એ જટાઓમાંથી પડતું જળ ચડાવે છે. અહીંનું આખું વાતાવરણ એટલું શાંત અને શાતાદાયક છે કે તમે તન-મનથી ભીના-ભીના થઈ જાઓ.
મુંબઈથી જમ્મુ જવા માટેની સગવડની વાત આપણે અહીં કરી જ ચૂક્યા છીએ એટલે રિપીટ નથી કરતા, પરંતુ નાભા દેવી ટેમ્પલ જવું હોય તો સ્પેશ્યલ વાહન કરવું પડે છે. અહીં રહેવા કે જમવાની સગવડ નથી. ઈવન મંદિરની આજુબાજુ ચા કે કાવાની ટપરી પણ નથી અને ઈવન પૂજાપો વેચતી કોઈ હાટડીઓ પણ નથી. આથી જ મંદિર અને આજુબાજુનો આખો વિસ્તાર નીટ ઍન્ડ ક્લીન છે. ઍન્ડ રહેવા-જમવા માટે જમ્મુ કે કટરા ક્યાં આઘાં છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
માતાને શૃંગાર કે પુષ્પો ચડાવાતાં નથી એથી ત્યાં કાંઈ લઈ ન જતા. હા, પ્રસાદ તરીકે સૂકા ટોપરા લઈ જઈ શકાય, મિલિટરીના સઘન ચેકિંગ બાદ. આ સેન્સિટિવ એરિયા હોવાથી કોઈ શંકાસ્પદ વસ્તુ અલાઉડ નથી. મંદિરે પહોંચવાના આખા પાથવેને ત્રણેય બાજુથી જાળીથી કવર કર્યો છે. પહેલી નજરે એમ લાગે કે આર્મી-એરિયા હોવાથી સૈન્યએ આ વ્યવસ્થા કરી હશે જેથી કોઈ સામાન્ય માણસ આમ-તેમ ચાલ્યો ન જાય અથવા કાંઈ નાખી ન દે. જોકે હકીકત એ છે કે અહીં વાનરોનું મોટું સૈન્ય છે. તેઓ યાત્રાળુઓને હેરાન ન કરે એ માટે જાળી બેસાડવામાં આવી છે.
સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લા રહેતા મંદિરમાં નવરાત્રિ, શિવરાત્રિ તેમ જ અન્ય તહેવારોમાં ખાસ્સી ભીડ હોય છે, પણ બાકીના દિવસોમાં સહેલાઈથી દર્શન થાય છે.
એક માન્યતા પ્રમાણે ઉત્તરાખંડના ટનકપુર સ્થિત અન્નપૂર્ણા શિખર પર સતીમાતાનો નાભિનો ભાગ પડ્યો હતો. આ સ્થાને મહાકાલી માતાની પીઠ છે, એ જ રીતે ભુવનેશ્વરમાં બિરાજ ખાતે પણ દેવીની નાભિ પડી હોવાનું મનાય છે એટલે કયું સ્થળ ઑથેન્ટિક એ વિવાદમાં આપણે પડવું નથી. આપણે તો અહીંનાં સ્વર્ગીય સ્પંદનો ઝીલવાં છે, મહેસૂસ કરવાં છે.