માનસ-પરિવર્તન કરીને સુખી કરે એવી સાત વાતો કઈ છે?

12 November, 2024 04:57 PM IST  |  Mumbai | Morari Bapu

સુખી થવા માટે વ્યક્તિએ સાત ચીજો કેળવવી જોઈએ. જો એટલું પણ કરી શકે તો સમજો તે સુખી થયો. કઈ છે એ સાત વાત, ચાલો જોઈએ. પહેલા નંબરે આવે છે અતૂટ શ્રદ્ધા.

પ્રતીકાત્મક તસવીર

ક્યારેય ભૂલવું નહીં, જેને ઊગવું જ હોય એને કોઈ અવરોધ નડતો નથી. સિમેન્ટની સડકમાં પણ ઘાસ ઊગે છે.

આ તો થઈ સ્થૂળ વાતો, પણ સુખી થવા માટે માનસ-પરિવર્તન થવું જરૂરી છે. એ માટે શું કરવાનું? સંતોએ એના પણ રસ્તા બતાવ્યા છે. તે કહે છે સુખી થવા માટે વ્યક્તિએ સાત ચીજો કેળવવી જોઈએ. જો એટલું પણ કરી શકે તો સમજો તે સુખી થયો. કઈ છે એ સાત વાત, ચાલો જોઈએ. પહેલા નંબરે આવે છે અતૂટ શ્રદ્ધા.

શ્રદ્ધા વગર બધું જ ખોઈ નાખ્યું માનવું. આપણે રાતે સૂઈ જઈએ છીએ ત્યારે શંકા કરીએ છીએ કે શ્વાસ ચાલશે કે નહીં? પરમાત્માની પ્રાપ્તિ માટે પ્રથમ અનને અંતિમ વાત એક જ છે, શ્રદ્ધા. બીજા નંબરે આવે છે ભરોસો. ગુરુના વચન પર ભરોસો એટલે કે વિશ્વાસ રાખો. જેને પોતાના ગુરુની બોલી પર ભરોસો નહીં હોય તે પરમ સુધીની યાત્રા નહીં કરી શકે. જ્યાં તમારો આત્મા સમર્પિત થઈ ચૂક્યો છે, તેની બોલી પર ભરોસો.

ત્રીજા નંબરે આવશે પ્રતીક્ષા.

પરમાત્મા મળશે. મને કોઈ જ ઉતાવળ નથી. હું પ્રતીક્ષા કરીશ અને ક્યારેક ને ક્યારેક તો મેળવીશ જ. આવી અનંત પ્રતીક્ષા ક્યારેક આપણામાં અતૂટ શ્રદ્ધા લાવી દે છે. ગુરુના વચનમાં ભરોસો હોય છે, પણ આપણે પ્રતીક્ષા નથી કરતા. થોડી વાર લાગે તો ધૈર્ય ખોઈ બેસીએ છીએ. અકબંધ રાખો ધૈર્ય. પ્રતીક્ષા તમારી ફળશે.

ચોથા નંબરે છે પરીક્ષા.

ગમે એટલી કસોટીઓ આવે, સારા લોકોએ ક્યારેય ડરવાની જરૂર નથી. પોતાની વાત પર અટલ રહેવાનું છે. જો અટલ રહેશો તો જોઈતા અંત સુધી અચૂક પહોંચશો.

એ પછી પાંચમા નંબરે આવે છે નિરપેક્ષતા.

ગમે એટલાં પ્રલોભનો આવે, છતાં આપણને શિવ સિવાય કશું જ ન જોઈએ. આખી દુનિયા મળી જાય, વૈકુંઠ મળી જાય છતાં પરમાત્મા સિવાય કોઈ જ વાત નહીં.

છઠ્ઠા નંબરે છે જડતાનો ત્યાગ.

તપમાં ક્યારેક-ક્યારેક જડતાનો ભય છે. મન કોઈ હઠ પકડી લે છે કે આમ જ કરીશ પણ માતા-પિતા, ગુરુ, પ્રભુની વાણી સાંભળી આ જડતા છોડી દો. સાધક તો સરળ હોય, જડ ન હોય.

સૌથી છેલ્લે સાતમા નંબરે આવે છે જિજ્ઞાસા.

પરમાત્માની કથાની જિજ્ઞાસા રાખો. પરમાત્માનાં દર્શનથી પણ વધારે કથાશ્રવણને મહત્ત્વ આપો.

Morari Bapu columnists culture news gujarati mid-day mumbai