માત્ર બાહ્ય શાંતિ કે કલહનો અભાવ જ તમને સંપૂર્ણ શાંતિ આપી શકતાં નથી

06 June, 2024 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વાત સૌએ સમજી લેવા જેવી છે કે શાંતિ કદાપિ બાહ્ય સાધનો દ્વારા મેળવી શકાતી નથી. શાંતિ એક એવી અમૂલ્ય વસ્તુ છે જેમાંથી સંપૂર્ણ અનિષ્ટ તત્ત્વો નાબૂદ થયેલાં હોય

પ્રતીકાત્મક તસવીર

મનુષ્ય સવારથી લઈને રાત સુધી જેકોઈ કાર્યો કરે છે એ સુખ અને શાંતિ શોધવા માટે કરે છે. સુખ અને શાંતિ શોધવાના માણસ કેટકેટલા પ્રયત્ન કરતો હોવા છતાં તેના મનમાં હંમેશાં અશાંતિ રહ્યા જ કરે છે અને દુ:ખના જ અનુભવ થયા કરે છે. સારું ભોજન કરવા ગયા, પણ પછી અકળામણ શરૂ થઈ ગઈ; રહેવા માટે સુંદરમજાનો બંગલો બનાવ્યો, પણ વ્યાપાર માટે બહાર ફરવાનું વધી ગયું; મોંઘાદાટ દાગીના બનાવ્યા પણ સાચવવાની ચિંતા વધી ગઈ. આવાં બધાં કારણોથી માણસ નિરાશ થઈ જાય છે અને પછી છેલ્લે સમજાય છે કે આ બધામાં સાચું સુખ કે શાંતિ હાથ લાગતાં જ નથી.

એક વાત સૌએ સમજી લેવા જેવી છે કે શાંતિ કદાપિ બાહ્ય સાધનો દ્વારા મેળવી શકાતી નથી. શાંતિ એક એવી અમૂલ્ય વસ્તુ છે જેમાંથી સંપૂર્ણ અનિષ્ટ તત્ત્વો નાબૂદ થયેલાં હોય.

જો સાધુ પણ હિમાલયની નિર્જન ગુફામાં રહેતા હોય પરંતુ તેમના હૃદયમાંથી દ્વેષ, ઘૃણા તથા વૈમનસ્યની ભાવના નિર્મળ ન થઈ હોય તો તેઓ સ્થાનના શાંત વાતાવરણને પણ અશાંત બનાવશે, કારણ કે શાંતિ બહાર નહીં, ભીતર છે.

 ધનવાનો પાસે અઢળક ધન હોય છે. તેમની પાસે સુંદર બંગલો અનેક નોકરચાકર વગેરે હોય છે. તેઓ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ ભોજન આરોગે છે તથા ગરમીના દિવસોમાં હવા ખાવા પર્વતીય સ્થાનોમાં નિવાસ કરે છે છતાં તેમના મનમાં શાંતિ હોતી નથી, કારણ કે તેમની અંદર સમતાનો અભાવ હોય છે. લોભ, સ્વાર્થ, અભિમાન, કામ, મદ, ઘૃણા, ક્રોધ, શોક, આદિને લીધે તેમના હૃદયમાં સંઘર્ષ ચાલતો હોય છે. માત્ર બાહ્ય શાંતિ કે કલહનો અભાવ જ તમને સંપૂર્ણ શાંતિ આપી શકશે નહીં. અલૌકિક શાંતિ તો અંતરની વસ્તુ છે, પૈસા તથા બાહ્ય સુખસગવડ વિના પણ તમે એને પ્રાપ્ત કરી શકશો.

શ્રીમહાપ્રભુજી સમજાવે છે કે સાચાં સુખ અને શાંતિ બહારથી મળતાં નથી. સુખ અને શાંતિ અંતઃકરણમાંથી મળે છે. પહેલાં આપણે તપાસવું પડે કે મન શાંત છે ખરું? ધારો કે શાંત નથી તો કેમ નથી? એનો વિચાર કરો. મનનું એક લક્ષણ છે કે જ્યાં જાય ત્યાં ચોંટી જાય. મન સૌથી વધારે ચંચળ અને અસ્થિર છે. માણસને રોજ નવા-નવા ભોગ ભોગવવાના વિચાર આવે છે. નિત્ય નવી વસ્તુઓમાં આસક્ત થાય છે.

 

- વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય  દ્વારકેશલાલજી મહારાજશ્રી (લેખક શ્રીમદ્ વલ્લભાચાર્ય પ્રાગટ્યપીઠ-ચંપારણ્યના ગૃહાધિપતિ તથા કાંદિવલીની દ્વારકાધીશજી હવેલીના ગાદીપતિ છે)

life and style culture news columnists