મંદિરોની નગરી મેલુકોટે

20 July, 2023 03:12 PM IST  |  Mumbai | Alpa Nirmal

જો પુરુષોત્તમ મહિનામાં તમારો કર્ણાટક જવાનો પ્રોગ્રામ બને તો માનજો કે વિષ્ણુ ભગવાને તમને જાતે નિમંત્રણ મોકલ્યું છે

ચેલુવનારાયણ સ્વામી મંદિર

મેલુકોટેની સો વર્ષ જૂની સુબન્ના મેસ (રેસ્ટોરન્ટ) તેમની સૉફ્ટેસ્ટ થાટ ઇડલી માટે પ્રસિદ્ધ છે. એનો ટેસ્ટ કર્યા વગર આવ્યા તો તમને અમારા સમ. 

દક્ષિણના રાજ્ય તામિલનાડુની જેમ કર્ણાટકમાં પણ સેંકડો મંદિર છે, જે સનાતન ધર્મની ધરોહર સમાં છે. હજારો વર્ષ પ્રાચીન મંદિરો જેટલાં ઐતિહાસિક છે એટલાં સુંદર પણ છે. છતાંય મહાદેવ, વિષ્ણુ, રામ-લક્ષ્મણનાં ચરણોથી પાવન થયેલી આ ભૂમિ સાથે આપણું કનેક્શન સીમિત છે, કારણ કે દક્ષિણી રાજ્યોની પૂજા પદ્ધતિ આપણા કરતાં ભિન્ન છે. પ્રભુના શણગાર, ઉત્સવોની ઉજવણી, પ્રસાદમ્ ઉત્તર ભારતનાં શંકર, રામ, કૃષ્ણ મંદિરો કરતાં અલગ પડે છે. વળી ભાષા અને ઉચ્ચારો ડિફરન્ટ હોવાથી આપણે એ પૌરાણિક ટેમ્પલો, કહાણીઓથી વધુ અવગત થતા નથી.

ખેર, જાગ્યા ત્યારથી સવાર. આજે આપણે ઊપડીએ મંદિરોની નગરી મેલકોટે (મેલુકોટે) આપણા માટે આ ટાઇની ટાઉન અને એનો જાહોજલાલીભર્યો ઇતિહાસ નવો છે પણ મેલકોટેનું ચેલુવાનારાયણ સ્વામી મંદિર ભવ્યતમ છે. કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલું મેલકોટે યદુગીરીની પહાડીઓમાં વસેલું છે. જે મૈસૂરથી ફક્ત ૪૮ કિલોમીટર અને બૅન્ગલોરથી ૧૫૬ કિલોમીટર દૂર છે. એટલે તમે આ બેઉમાંથી કોઈ પણ શહેરમાં જાઓ, મેલકોટેની વન ડેની વિઝિટ કરી જ શકો છો.

ઓકે, તો શું સ્ટોરી છે અહીંના ચેલુવાનારાયણ સ્વામી મંદિરની? વાત છે લગભગ ૧૦મી સદીમાં અહીં જ્યારે હૌશાલા એમ્પાયર સ્થપાયું ત્યારે રામાનુજાચાર્યને આ રાજ્યના રાજ્યગુરુની પદવી અપાઈ. એક રાત્રિએ રામાનુજાચાર્યને સ્વયં વિષ્ણુ ભગવાને મેલકોટે જવાનો આદેશ આપ્યો અને પવિત્ર ભૂમિની ખોજ કરવાનું કહ્યું. થોડા દિવસના પ્રવાસ બાદ તેમને એક જગ્યાએથી પૉઝિટિવ સ્પંદનોનો અનુભવ થયો. અને જમીનમાંથી અત્યંત પ્રભાવક વિષ્ણુની પ્રતિમા પ્રાપ્ત થઈ. રામાનુજાચાર્યએ એ થિરુનારાયણ (વિષ્ણુ) ભગવાનને પોષ મહિનાની શુક્લ પક્ષની ૧૪ તિથિએ પંચતંત્ર આગમમાં દર્શાવેલી વિધિથી અહીં પ્રતિષ્ઠિત કર્યા. રામાનુજાચાર્યએ પોતે અહીં ૩ દિવસ મંત્રોચ્ચાર સહિત કુંભાભિષેક કર્યો અને એ સ્થાનની જાળવણી માટે યદુગિરિ યધિરાજ મઠની સ્થાપના કરી.

આજે કમનીય કાર્વિંગ ધરાવતા અનેક પિલર્સથી શોભતા આ મંદિરમાં એ થિરુનારાયણ કે ચેલુવાનારાયણ સ્વામી બિરાજે છે. આ ધાતુની ઉત્સવ મૂર્તિ સાથે અહીં બ્લૅક પથ્થરમાંથી નિર્મિત મોટી પ્રતિમા પણ છે. કહેવાય છે કે એ આચાર્ય રામાનુજે જ બનાવડાવી છે. એક સમયે અહીંના મંદિરની એવી બોલબાલા હતી કે એ વિસ્તારના શાસકો સહિત પ્રજાજનો વિષ્ણુનાં ચરણોમાં ઢગલાબંધ રત્ન-સુવર્ણનાં કીમતી આભૂષણો ચડાવતા. જોકે આજે એ બધા શણગારનો અતો પતો નથી પણ એમાંથી ભગવાનના ત્રણ મુગટો સરકારી લૉકરમાં સુરક્ષિત છે. સેંકડો દુર્લભ હીરા, પન્ના, માણેકયુક્ત સંપૂર્ણ સોનાના આ મુગટો ખાસ ઉત્સવોના દિવસોમાં ભગવાનને પહેરાવાય છે. એનાં દર્શન કરવા મોટી સંખ્યામાં દૂર-દૂરથી ભક્તજનો અહીં પધારે છે.

ચેલુવાનારાયણની જે ધાતુની મૂર્તિ છે એ વિશે કહેવાય છે કે એ મૂર્તિ તો વેદિક કાળથી પુજાય છે. રામાનુજાચાર્યને પણ એ જમીનમાંથી દટાયેલી મળી હતી. અહીં મુગલોના સામ્રાજ્ય બાદ ફરી એ ધાતુની મૂર્તિ મંદિરમાંથી ચોરાઈ ગઈ અને ખૂબ શોધખોળને અંતે ખબર પડી કે એ પ્રાચીન મૂર્તિ સુલતાનના મહેલમાં છે. રામાનુજ આચાર્યની પરંપરાના તત્કાલીન આચાર્ય પહોંચ્યા એ રાજાના નિવાસે અને જોયું કે તેમણે વિષ્ણુના આ સ્વરૂપને શોભાની મૂર્તિ તરીકે સજાવી છે. ત્યારે તેઓ અત્યંત ક્રોધિત થઈ ગયા અને ત્યાંથી મૂર્તિ લઈ પરત મંદિર આવી ગયા. મંદિર આવ્યા બાદ તેમને જાણ થઈ કે મુગલ રાજાની દીકરીને એ મૂર્તિ ખૂબ પ્રિય હતી. એ મૂર્તિ તેના માટે ઢીંગલી હતી. આખો દિવસ તેને સજાવતી, તેની સાથે ખેલતી, રમતી. આચાર્ય જ્યારે એ મૂર્તિ લઈ ગયા ત્યારે નવાબજાદી મૂર્તિ લેવા તેમની પાછળ- પાછળ મેલુકોટે જ આવતી હતી પરંતુ લાંબી અને અડચણભરી પદયાત્રાને લીધે રાજકુંવરી મેલુકોટે પહોંચતાં જ મરણ પામી. રાજકુમારીના પોતાની ઢીંગલી પ્રત્યેના અનકન્ડિશનલ લવ અને ડિવોશનની જાણ થતાં રામાનુજાચાર્યએ હાલના મુખ્ય મંદિરની બાજુમાં જ બીબી નચિયાર નામે મંદિર બનાવ્યું છે.

વૈકુંઠ એકાદશી, રામનવમી, ગોકુલ અષ્ટમી, દીપાવલી જેવા પર્વના દિવસોમાં સજી-ધજી ઊઠતા આ વૈષ્ણવ મંદિરમાં તામિલિયમ વૈષ્ણવ પરંપરાથી પૂજા-અર્ચના થાય છે. અને એ સમયની આરતી, પ્રભુનો શણગાર જોવા હજારોની સંખ્યામાં ભાવિકો અહીં આવે છે. જોકે બૅન્ગલોર, મૈસૂરથી ઢૂંકડું હોવાથી સ્થાનિકો માટે મેલુકોટે વીક-એન્ડ ગેટવેઝ છે. વોડયાર ડાયનેસ્ટીના કાળમાં સમુદ્ધ વૈષ્ણવ મંદિરોમાં સ્થાન પામતું હાલનું આ મંદિર ૧૨મી સદીમાં બન્યું છે, જે આગળ કહ્યું એમ યદુગિરિની પહાડીઓમાં સ્થિત છે. ભાવિકો ૩૦૦ પગથિયાં ચડીને ઉપર આવી શકે છે અન્યથા પાર્કિંગ બેઝમાં વાહન પાર્ક કરીને આવો તો ૧૬૦-૧૭૦ પગથિયાં જ ચડવાં પડે છે. થિરુનારાયણપુરમ તરીકે પણ જાણીતું આ ગામ વૈષ્ણવ ધર્મના સ્થાપક સ્વામી રામાનુજાચાર્યનું સેકન્ડ હોમ કહેવાય છે. જોકે એથીયે પુરાણ કાળમાં જઈએ તો આ ભક્ત પ્રહ્લાદની તપોભૂમિ છે અને કહે છે વનવાસ દરમ્યાન રામ, લક્ષ્મણ અને સીતાજી અહીં પધાર્યાં હતાં. અને સ્થાનિક સમુદાય માને છે કે સીતાજીને તરસ લાગતાં રામે ધરતી પર બાણ મારી પાણીનો ઝરો વહેવડાવ્યો અને એ ઝરો અહીં સરોવર રૂપે છે જે મેલુકોટે કલ્યાણી નામે જાણીતું છે અને ભાવિકો માને છે એ સરોવરની એક ભૂગર્ભ શાખા છેક રામેશ્વર પાસે ધનુષકોટી સુધી જાય છે. મેલુકોટે કલ્યાણીની બીજી એક વાર્તા પણ પ્રચલિત છે. પદ્મ પુરાણમાં લખેલું છે કે જ્યારે શ્રી કૃષ્ણના વારાહ અવતારે બ્રહ્માંડમાંથી પૃથ્વીને ઊંચકી ત્યારે તેમના પરસેવાનાં થોડાં બિંદુ અહીં પડ્યાં, જે બન્યું કલ્યાણી પૉન્ડ. આ તળાવની આજુબાજુનું લોકેશન ફિલ્મ લોકેશન જેવું બ્યુટિફુલ છે. પીળા, કથ્થઈ પથ્થરો ધરાવતી યુદુગિરિ હિલ્સ, કાવેરી નદીનો ફળદ્રુપ ખીણ પ્રદેશ, પંખીઓથી ચહેકતું આકાશ અને મંદિરોના ઘંટારવથી ગુંજતી ગિરિકંદરાઓ. જસ્ટ વિઝ્યુઅલાસઝ તો કરો કે આખુંય વાતાવરણ કેવું મેસ્મેરાઇઝિંગ હશે.

કર્ણાટકી છાંટ ધરાવતા મેલુકોટે નગરનું યોગ નરસિંહા સ્વામી મંદિર પણ અત્યંત પ્રાચીન અને અદ્ભુત. એ સાથે જ અહીં વેંકટેશ્વરા સ્વામીનું દેવાલય પણ છે. આ વિસ્તારનાં શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી, શ્રી સૌમ્ય કેશવા સ્વામી, ઇસ્કૉન ટેમ્પલ પણ દર્શનીય. બટ, ડોન્ટ મિસ રાયા ગોપુરા. ઇન્સ્ટા રીલ મેકર્સ માટે મોસ્ટ સ્ટનિંગ બૅકગ્રાઉન્ડ ધરાવતા આ સ્થળેથી તમને હટવાનું મન નહીં થાય એ વાત પાકી.

મુંબઈથી મેલુકોટે પહોંચવાનું સાવ સરળ છે. બૅન્ગલોર કે મૈસૂર બેઉ સિટીથી મેલુકોટે માટે અનેક વાહન સુવિધા છે. એ જ રીતે રહેવા માટે પ્રૉપર મેલુકોટેમાં ખાસ હોટેલ કે ગેસ્ટહાઉસ નથી પણ મૈસૂર સિટીના આઉટ સ્કર્ટ્સમાં એક સે બઢકર એક રિસૉર્ટ છે જ્યાં જમવાની પણ ફૅન્ટૅસ્ટિક સગવડો મળી રહેશે.

પૉઇન્ટ બ્લૅન્ક 
કન્નડ ભાષામાં ચેલુવા મીન્સ બ્યુટિફુલ. ચેલુવાનારાયણ એટલે જે સ્વામીને શણગાર સજવાનો શોખ છે, જે હંમેશાં સુંદરતમ કપડાં, ફૂલો, ઘરેણાંથી સજેલા રહે છે. મેલુકોટેના ચેલુવાનારાયણની પથ્થરની પ્રતિમા અને ધાતુની મૂર્તિ હંમેશાં સુંદર રીતે તૈયાર થયેલી રહે છે જે જોઈ દિલ પ્રસન્ન થઈ જાય છે.

culture news hinduism karnataka life and style columnists alpa nirmal