02 December, 2024 11:37 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણ
આજથી પવિત્ર માગશર મહિનાનો પ્રારંભ થયો છે. ભગવાન શ્રીકૃષ્ણને આ મહિનો અતિ પ્રિય છે. શ્રીમદ ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ જણાવે છે...
‘બૃહત્સામ તથા સામ્નાં ગાયત્રી છન્દસામહમ્।
માસાનાં માર્ગશીર્ષોઽહમૃતૂનાં કુસુમાકરઃ’
અર્થાત્
‘સામવેદનાં સ્તોત્રોમાં મને બૃહત્સામ જાણ; સર્વ કાવ્યમય છંદોમાં હું ગાયત્રી છું. ૧૨ મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું.
(૧૦મો અધ્યાય ૩૩મો શ્લોક)
માગશર મહિનાને વાલ્મીકિજીએ વાલ્મીકિ રામાયણમાં સંવત્સર ભૂષણ એટલે કે વર્ષનું ઘરેણું કહ્યું છે. શિવ-પાર્વતી અને રામ-સીતાના વિવાહ આ મહિનામાં થયા હતા. આજે પણ સૌથી વધુ લગ્નો અને અન્ય શુભ કાર્યો આ મહિનામાં થાય છે. આપણાં હિન્દુ ધર્મશાસ્ત્રો કહે છે કે માગશર માસમાં કરેલાં કૃષ્ણના જપ, ઉપવાસ, વ્રત ઉત્તમ ફળ આપે છે. માગશર માસ ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ ગમે છે. તેમણે ગીતાજીનો પ્રાદુર્ભાવ પોતાના પ્રિય માગશર માસમાં કર્યો છે.
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું નામ છે ‘મોક્ષદા એકાદશી’ અને એ બધાં પાપોનું હરણ કરનારી છે. આ દિવસે ગીતાજયંતી ઊજવાય છે. જન્મ-મરણના ચક્કરમાંથી મુક્ત થવાની દિશામાં આગળ વધવું હોય તો આ એકાદશી કરવી જોઈએ એવી માન્યતા છે. આ મહિનાને એટલું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે માગશર સુદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અત્રિ ઋષિ તથા માતા અનસૂયાને ત્યાં પુત્ર દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા હતા. અત્યારે કળિયુગ ચાલે છે, પણ કહેવાય છે કે સતયુગનો પ્રારંભ આ મહિનાથી જ થયો હતો. દ્વાપરયુગમાં વસંતઋતુ માગશર મહિનામાં આવતી એટલે શ્રીકૃષ્ણને આ મહિનો અને આ ઋતુ શ્રેષ્ઠ લાગતી હતી. બહુ ઠંડી નહીં અને બહુ ગરમી નહીં એવા પવિત્ર મહિનામાં શ્રીકૃષ્ણના જેટલા જા૫ થઈ શકે એટલા કરવાનું અને યમુના નદીમાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે.
આજના યુગમાં આપણે આ મહિનામાં રોજનો અડધો કલાક કૃષ્ણચિંતનમાં ગાળીએ અને આ જગદ્ગુરુની અગાધ જ્ઞાનસરિતામાં સ્નાન કરીએ તો ખરેખર જીવન અર્થપૂર્ણ બની જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી.
કોઈ MBA હોય કે MBBS, ઇજનેર હોય કે આર્કિટેક્ટ, સંસારી હોય કે સંન્યાસી, રાજકારણી હોય કે વેપારી, રાજા હોય કે પ્રજા દરેકને કંઈક ને કંઈક શીખવાડી જાય એવા કોઈ ગુરુ હોય તો અવશ્ય શ્રીકૃષ્ણને એ શ્રેણીમાં મૂકી શકાય. પોતાના જીવનકાળ દરમ્યાન જેઓ ૧૬ વિદ્યા અને ૬૪ કળાઓ શીખ્યા તેમની પાસેથી દરેક પ્રકારના મનુષ્યને શીખવા જેવું કંઈ ને કંઈ મળી જ રહે છે. એટલે જ તેમને જગદગુરુની ઉપમા આપવામાં આવી છે.
વસુદેવસુતં દેવં કંસ ચાણુરમર્દનમ્,
દેવકી પરમાનન્દં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ્.
તેમની પાસેથી કશુંક શીખીએ અને તેમનાં ગુણ-કર્મોને આજના સંદર્ભમાં મૂલવીએ.