19 June, 2024 09:19 AM IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અત્યારે પરિણામોની મોસમ છે અને પરિણામોની જાહેરખબરો જોઉં ત્યારે એમાં જો દીકરીઓના ફોટો વધારે જોવા મળે તો ખૂબ આનંદ થાય અને એ આનંદ છેલ્લા એકાદ દસકાથી તો ખાસ્સો વધી રહ્યો છે. દીકરીઓ બહુ ભણે છે અને હવે ભણવાની બાબતમાં છોકરાઓને પણ પાછળ રાખતી થઈ ગઈ છે. જો શિક્ષણના ક્ષેત્રની વાત કરીએ તો એક સમય હતો કે પૂરી પ્રજા ભણી શકતી નહીં. ઉપરના સ્તર પર રહેલા થોડાક જ લોકો ભણતા. એ સમયે ભણતરને લક્ઝરી તરીકે લેવામાં આવતું અને એટલે પોતાના સુધી એને સીમિત રાખવાનું કામ ઉમરાવોએ કર્યું હતું તો સ્ત્રીઓ તથા શૂદ્રોને તો ભણવાની જ મનાઈ હતી. એવાં અસંખ્ય ગામો હતાં જેમાં કોઈ જ ભણેલું નહોતું.
સફાઈ-કામદારથી માંડીને ખેડૂત સુધી બધા જ અભણ, માત્ર બ્રાહ્મણ-વાણિયા જ થોડું-ખપપૂરતું ભણે. જ્યાં શત પ્રતિશત પ્રજા અભણ હોય ત્યાં બૌદ્ધિક કક્ષા કેવી હોય એ સમજી શકાય છે. આવી અભણ પ્રજાનું ચારેતરફથી શોષણ થતું.
વ્યાજખાઉ વ્યાપારીઓ, શનિ-મંગળ નડાવનારા દૈવજ્ઞો, અમલદારો, જમાતો કહો કે ભણેલા, લગભગ બધા જ આ અભણ પ્રજાને ચૂસતા, પણ ભલું થાજો ભગવાનનું હવે ગામેગામ સ્કૂલો થઈ ગઈ છે. અરે, સીમમાં પણ સ્કૂલો થઈ છે.
આર્થિક શક્તિ વિનાના વિદ્યાર્થીઓ માટે છાત્રાલયો થયાં છે. પછાતમાં પછાત માણસો પણ પોતાનાં બાળકોને ભણાવી શકે છે અને ભણેલાને તે નોકરીએ રખાવી શકે છે. જે લોકોને પહેલાં જોડા આગળ પણ બેસવા ન દેવાતા તે લોકોનાં સંતાનો હવે મોટી-મોટી ખુરશીઓ પર બેસતાં થયાં છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. બી.એ. અને બી.કૉમ. થવું તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે.
હવેના સમયમાં એકલવ્યોને સ્કૂલ બહાર ગુરુજીનાં પૂતળાં બનાવીને ભણવું પડતું નથી, પણ તે સ્કૂલમાં સૌની સાથે બેસીને ભણી શકે છે. અસંખ્ય એકલવ્યો ઠેઠ દ્રોણગુરુની પદવી સુધી પહોંચ્યા છે. સદીઓથી જ્યાં શિક્ષણનું એક પણ કિરણ પહોંચ્યું ન હતું ત્યાં હવે સૂર્ય પ્રકાશવા લાગ્યો છે. બીજી તરફની વાત કરીએ તો કન્યાકેળવણી પણ વધી છે, જેની ખૂબ આવશ્યકતા હતી. આગળ કહ્યું એમ, આજના સમયમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધુ યોગ્યતાથી ભણે છે. કેટલીય કન્યાઓ ઊંચામાં ઊંચી જગ્યા પર પહોંચી છે તથા કુશળતાથી જગ્યાને દીપાવી છે જે બહુ સારી વાત છે. એક સમયે છોકરીઓને ચૂપ બેસાડી દેવામાં આવતી એ છોકરીઓ આજે મોટાં-મોટાં પદ પર પહોંચીને ભલભલા ચમરબંધીઓને ચૂપ કરતી થઈ ગઈ છે. જ્યારે એવું દૃશ્ય જોઈએ ત્યારે ચોક્કસ એનો આનંદ થાય અને થાય કે આપણે ખરેખર આગળ વધ્યા છીએ. આ જે ખુશી છે એ ખુશીમાં વધારો થતો રહે અને આપણને બહેન-દીકરીઓ ખૂબ ભણે, ભાઈઓ-દીકરાઓ પણ ખૂબ ભણે એવા આશીર્વાદ આપવાનું મન થાય. બસ, એ આશીર્વાદ ફળે એવું કાર્ય કરતા રહેજો.