11 August, 2024 01:43 PM IST | Agra | Alpa Nirmal
મનકામેશ્વર મંદિર
આગરાનો ઇતિહાસ ફંફોસીએને તો પંદરમી સદીમાં સિકંદર લોધીએ એની સ્થાપના કરી હતી અને પછી અકબરે એને ડેવલપ કર્યો હતો. એ પછી ફલાણા મુગલ શાસક ને ઢીંકણા મોગલે એના પર રાજ કર્યું. બાબર, હુમાયુ, શાહજહાં, ઔરંગઝેબ તેમજ કંઈકેટલાય મુગલ નવાબોનાં જનમ-મરણ અને સિદ્ધિઓ વર્ણવતું દુનિયાભરનું જ્ઞાન પુસ્તકોમાં, ગૂગલમાં અવેલેબલ છે, પરંતુ મુગલકુળના બાપદાદાઓ અહીં આવ્યા એ પહેલાં આગરાની ધરતીનું કનેક્શન શ્રીકૃષ્ણ સાથે, મહાભારત સાથે છે એ વિશે આપણે ભૂલી ગયા છીએ અથવા ભુલાવી દેવામાં આવ્યું છે. એમાંય હદ તો ત્યાં થઈ કે આપણે ઘેલા થઈને તાજમહલ જોવા દોડી જઈએ છીએ, હોંશે-હોંશે આગરાનો કિલ્લો જોઈએ છીએ અને ત્યાંથી સાવ ઢૂંકડા આવેલા પુરાણકાલીનથીયે પ્રાચીન આપણા શિવાલયે જતા જ નથી.
ખેર, ઢોળાઈ ગયેલા જળની પાછળ રોવાને બદલે થયેલી ભૂલ પરથી ધડો લઈએ કે હવે દેશના કોઈ પણ ખૂણે જઈએ ત્યારે ત્યાં આવેલાં જૂનાં-નવાં મંદિરોનાં દર્શન પણ આઇટનરીમાં સમાવીએ. ઍન્ડ જો એ મંદિરો વિશે પહેલાં ખબર ન હોય તો ફરવા જવાના ટાઇમમાંથી થોડો સમય કાઢી ત્યાંના દેવબાપ્પાનાં દર્શન કરવા અચૂક જઈએ. બની શકે કે એમાંથી કોઈ પ્રાચીન હોય કે પૌરાણિક પણ હોય.
lll
વેલ, શ્રાવણ મહિનાની શરૂઆત રંગેચંગે થઈ ગઈ છે. હજારો શિવભક્તો ૧૨ જ્યોતિર્લિંગો, દેશનાં પ્રાચીન, પ્રાકૃતિક તથા મુખ્ય શિવાલયોનાં દર્શને ઊપડી ગયા છે અને કેટલાક જવાની તૈયારી કરી રહ્યા છે. કેટલાક ભાવિક ખોળી-ખોળીને અવનવા અન-નૉન શિવમંદિરોની યાત્રા કરી રહ્યા છે. ઍન્ડ આવા જ અનન્ય શિવમંદિરની સૂચિમાં આવે છે આગરાના મનકામેશ્વરબાબા. જોકે આગરા અને એની આજુબાજુની સર્કિટમાં આ શંભુદેવ ફેમસ છે, પણ ગુજરાત-મુંબઈના ભક્તો તેમના વિશે અજાણ છે.
અચ્છા પ્રભુભક્તો, મહાદેવજીની પેલી કથા તો ખબર છેને, જ્યારે તેઓ બાળકૃષ્ણને જોવા અને રમાડવા છેક કૈલાશથી મથુરા આવ્યા હતા? ચાલો, એની આછેરી ઝલક જાણીએ.
વાત માંડીએ દ્વાપરયુગથી. શાસ્ત્રોના કહેવા પ્રમાણે દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો હતો અને શાસ્ત્રીઓ તેમ જ પંડિતોના મતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ આ દ્વાપરયુગના ૮,૬૩,૮૭૫મા વર્ષે થયો. વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણનું પૃથ્વી પર અવતરણ થતાં સમસ્ત સંસારમાં તો હરખની હેલી વ્યાપી જ ગઈ હતી, પણ સાથે કૈલાશની બર્ફીલી ચોટે બેઠેલા ઉમાપતિને પણ મોહનને જોવાની, મળવાની, રમાડવાની તલબ લાગી. દરેક દેવી-દેવતાઓ નંદલાલાને જોવા જઈ રહ્યાં હતાં એ જાણીને શિવજી પણ કૈલાશથી ઊપડ્યા અને હાલના આગરાના પણ પહેલાંની મથુરાનગરીના આ સ્થાને આવી રાતવાસો કર્યો, ધ્યાન ધર્યું. ઍન્ડ પ્રણ લીધું કે જો તેઓ કાનુડાને રમાડી શકશે તો તેઓ એ સ્થળે શિવલિંગરૂપે પ્રગટ થશે અને અંનતકાળ સુધી અહીં વાસ કરશે.
બીજો દિવસ થતાં ભોલેનાથ અહીંથી ઊપડ્યા ગોકુળ અને નંદજીના નિવાસસ્થાને જઈ યશોદામાને બાલગોપાલને પોતાના ખોળામાં આપવાની વિનંતી કરી. માતાને ખબર તો પડી ગઈ કે વિશ્વનાથ અહીં કાનુડાને રમાડવા માટે સાક્ષાત્ પધાર્યા છે, પરંતુ દેવકીપુત્રને શિવજીને આપતાં માતા યશોદાનું દિલ ગભરાયું. કારણ કે નીલકંઠનું આખું શરીર ભસ્મ-ભભૂતમાં રગદોળાયેલું. ઉપરથી લાંબી-લાંબી જટાઓ, ડોકમાં મુંડની માળા, ઉપરથી કંઠે સાપ વીંટાળેલો. યશોદામૈયાને થયું કે નીલકંઠનું આવું રૂપ જોઈને તેમનો લાલો ડરી જશે અને રડવા માંડશે તો. એટલે તેમણે શંકર ભગવાનની ક્ષમા માગી અને કાનુડાને આપવાની મનાઈ કરી દીધી.
એથી શિવજી થોડા અપસેટ તો થયા, પણ કાંઈ કહ્યા વિના નંદબાબાના ઘરની પાસે આવેલા વડ નીચે સમાધિ લગાવીને બેસી ગયા.
દેવકી-વાસુદેવનું આઠમું સંતાન કૃષ્ણ હતા તો નાનકડો બાળ પણ અસલમાં તો પરમાત્માનો અવતાર હતા એથી તેઓ જાણી ગયા કે તેમને મળવા ત્રિલોકનાથ પધાર્યા છે અને માઈ યશોદા તેમને મળવા નથી દેતાં એથી તેમણે જોર-જોરથી રડવાનું શરૂ કરી દીધું. માતાએ, દાસીઓએ, ગ્રામ્યજનોએ નટખટને શાંત કરવાના ખૂબ પ્રયત્ન કર્યા, પણ કેશવનું રુદન કેમેય કરીને બંધ જ ન થાય. રુદન કરતો જાય ને હાથથી મહાદેવને બતાવતો જાય. આખરે થાકીને માતાએ કાનાને ભોળેનાથના ખોળામાં મૂક્યો અને મોરપિચ્છધારી મલકવા લાગ્યો (આમ તો આ કનૈયા અને શંભુનાથની લીલા હતી, પણ એ બહાને આપણને જીવિત શિવલિંગ પ્રાપ્ત થયું).
ઍઝ પર શિવજીનું પ્રૉમિસ. ગોકુળથી પાછા કૈલાશ જતાં તેઓ મથુરામાં જ્યાં પહેલાં રોકાયા હતા ત્યાં આવ્યા અને શિવલિંગરૂપે પ્રગટ થયા એ જ આપણા મનકામેશ્વરનાથ.
જૂની આગરા મંડીની ગીચ ગલીઓમાં રાવતપાડા વિસ્તારમાં આવેલું આ મહાદેવાલય જમીનથી ૧૦ ફુટ નીચે છે એટલે બાબાને મળવા જવા, સ્પર્શવા સીડીઓ ઊતરવી પડે છે, પરંતુ સુખની વાત એ છે કે દરેક ભક્તો શિવલિંગનાં સ્પર્શદર્શન કરી શકે છે. જોકે હવે એ સ્વયંભૂ લિંગ પર ચાંદીનું પતરું જડી દેવામાં આવ્યું છે છતાં પવિત્ર લિંગમને સ્પર્શ કરતાં મનમાં દિવ્ય શાંતિનો અહેસાસ થાય છે. ભરચક બજારની વચ્ચોવચ નાનું ગર્ભગૃહ ધરાવતા આ મંદિરે કાળક્રમે ઘણો વિકાસ કર્યો છે. હવે એની આજુબાજુ અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ છે.
પ્રસાદ, ફૂલ, ગંગાજળ વેચતી નાની-મોટી હાટડીઓથી લદાયેલી સાંકડી ગલીના અંતે આવેલા આ મંદિર માટે એમ પણ કહેવાય છે કે દ્વાપરયુગમાં અહીં યમુના નદીનો કિનારો હતો અને અહીં સ્મશાનઘાટ હતો એથી જ કૈલાશપતિ અહીં રોકાયા હતા. આ પૌરાણિક કથાના એક્ઝૅક્ટ સ્થળનું કોઈ પ્રમાણ નહોતું. અમુક વર્ગને આ શિવલિંગની ખરાઈ વિશે શંકા હતી એથી ૧૯૮૦માં અહીંના મઠાધીશે પુરાતત્ત્વવિદ પાસે શિવલિંગ તરીકે પૂજાતા પથ્થરની તપાસણી કરાવી અને એનું કાર્બન ડેટિંગ કરતાં એ સાડાત્રણ હજાર વર્ષથી વધુ જૂનો હોવાનું તારણ આવ્યું. એ પછી આ શિવલિંગ અને મંદિર બેઉની ખ્યાતિ વધી અને મૂળ પથ્થર ચિરસ્થાયી રહે એ માટે એના પર ચાંદીનું આવરણ ચડાવવામાં આવ્યું. સવારના બ્રહ્મમુહૂર્તથી ખૂલી જતું આ મંદિર રાતે ૯ વાગ્યા સુધી ખુલ્લું રહે છે તેમ જ ચાંદીના મુખવટા પર ભસ્મલેપન, અભિષેક, ષોડોપચાર શૃંગાર, આરતી તેમ જ અન્ય વૈદિક અનુષ્ઠાનિક વિધિઓ થાય છે. મહાશિવરાત્રિએ બાબા દુલ્હાનો વેશ રચે છે તો જન્માષ્ટમીએ કિશનજીનો. દિવસો, તહેવાર, તિથિઓ અનુસાર દરરોજ શિવવિગ્રહની પૂજા-અર્ચના તેમ જ શણગાર કરવામાં આવે છે.
તાજ સિટી આગરાથી કોઈ ભારતીય બચ્ચો અજાણ નહીં હોય. દેશના દરેક ભાગથી અહીં આવવા ટ્રેન, ફ્લાઇટ્સ, બસો ઉપલબ્ધ છે. એ જ રીતે રહેવા માટે પણ અહીં અગણિત ઑપ્શન છે. એમ તો મનકામેશ્વર મઠની ધર્મશાળા પણ છે, પરંતુ ત્યાં રહેવા કરતાં હોટેલની પ્રૉપર્ટીઝ મુંબઈગરાઓ માટે સગવડદાયક બની રહેશે. વર્ષોથી મોટા પ્રમાણમાં દેશી-વિદેશી ટૂરિસ્ટોના આવાગમનથી શહેરને મેહમાનનવાજીનો બહોળો અનુભવ છે અને આ યજમાનીના ઉપક્રમે આગરામાં ખાવામાં રાજસ્થાની દાલબાટીથી લઈને જૅપનીઝ સુશી પણ મળે છે. અમારા જેવા ‘સ્વીટ ટૂથધારીઓ’ તો અહીંના મધથી પણ ગળ્યા પેઠા ખાવાનું ચૂકશે નહીં, પણ તમને સ્વીટનો બહુ શોખ ન હોય તોય મેડ ઇન આગરા પેઠા ચોક્કસપણે ખાજો. હવે આ પેઠામાં ઘણા પ્રયોગ થયા છે. આ ફ્યુઝન વર્ઝન ટ્રાય કરવા જેવાં છે. જો તમે ઠંડીમાં આગરા જવાના હો તો પછી મિત્રોને આપવા અહીંની ગજક લાવવાનું ભૂલતા નહીં.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
લખનઉનું મનકામેશ્વર મંદિર પણ ત્રેતાયુગનું ગણાય છે. આ સિદ્ધ મંદિર વિશેની માન્યતા છે કે જ્યારે રામજીએ સીતામાતાનો ત્યાગ કર્યો હતા અને લક્ષ્મણ ભાભીમાને વનમાં મૂકીને પાછા અયોધ્યા આવ્યા ત્યારે ખૂબ વ્યથિત હતા અને અહીં રોકાઈને તેમણે શિવ-પાર્વતીની સાધના કરી મનના અગ્નિને શાંત કર્યો હતો. અહીં ઊભેલું મંદિર ૧૦૦૦ વર્ષ પ્રાચીન મનાય છે અને ભગવાનના ગર્ભગૃહની લાદીમાં ચાંદીના સિક્કા જડ્યા છે જે મંદિરને મનોહારી બનાવે છે. આગરાની જ વાત કરીએ તો અહીં તાજમહલ, આગરા ફોર્ટ ઉપરાંત રોશન મહોલ્લા તથા કિનારી બાઝાર સ્થિત જૈન મંદિરો પણ ૫૦૦ વર્ષ પૂર્વેનાં છે અને બેનમૂન છે. મનકામેશ્વર મઠ દ્વારા વિદ્યામંદિરો, ચિકિત્સાલયો તથા ગૌશાળા ચલાવાય છે. સ્થાનિક લોકો એનો સરસ લાભ લે છે.
જટાધારીની બાળ કાનુડાને રમાડવાની કામના પૂર્ણ થઈ એટલે આ શિવલિંગને મનકામેશ્વર કહેવાય છે. અહીં આવતા ભક્તોને પણ અતૂટ શ્રદ્ધા હોય છે કે ભસ્મધારીનાં દર્શન તેમની મનોકામના પૂર્ણ કરે છે.