તમે જુઓ, દુખી થવાનાં અઢળક કારણો માણસે સહજ રીતે હાથવગાં રાખ્યાં છે

27 August, 2024 01:08 PM IST  |  Mumbai | Jainacharya shree Udayvallabhasuri

કોઈને શરીરમાં શાતા નથી એનું દુઃખ છે, કોઈને ઘરમાં માતા નથી એનું દુઃખ છે. કોઈને સમાજમાં સ્થાન નથી એનું દુઃખ છે

પ્રતીકાત્મક તસવીર

આપણી નજીકના કોઈ બગીચામાં સવારે રેગ્યુલર ચાલતાં લાફિંગ ક્લબનાં સેશન્સ જોયાં હશે. સોનું ઘણું મોંઘું લાગે અને છતાં ઘરેણાં પહેરવાના હોંશ હોય તે ઇમિટેશન જ્વેલરી ખરીદે. લાફિંગ થેરપી પણ છેવટે દુર્લભ એવા ઓરિજિનલ હાસ્યની કિંમત સમજાવે છે. હાસ્ય લાવવું એટલે જાણે ૩૦૦ ફીટ નીચેના તળથી નળમાં પાણી લાવવું!

પરિસ્થિતિ કરતાં મન:સ્થિતિ મહત્ત્વની છે. કાબૂ પરિસ્થિતિને બદલે મનઃસ્થિતિ પર રાખવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે. આજે સૌથી સસ્તી ચીજ હોય તો આપણા મુખ પરનું સ્માઇલ! ૧૦૦ રૂપિયાની નોટ બારીમાંથી ઊડીને જતી રહી એટલી ઘટના પણ આપણા મુખ પર રહેલા સ્મિતને તરત ગાયબ કરી શકે છે ત્યારે વિચાર આવે કે આપણી પ્રસન્નતાની MRP આટલી મામૂલી! ક્યારેય દુખી ન થઈ શકાય એવા સંયોગો વચ્ચે પણ દુખી થવાનાં સેંકડો કારણ આપણે જાણે હાથવગાં રાખ્યાં છે.

કોઈને શરીરમાં શાતા નથી એનું દુઃખ છે, કોઈને ઘરમાં માતા નથી એનું દુઃખ છે. કોઈને સમાજમાં સ્થાન નથી એનું દુઃખ છે. કોઈને બજારમાં નામ નથી એનું દુઃખ છે. કોઈને ઘરની તકલીફ, કોઈને ઘરનાની તકલીફ તો કોઈને ઘરખર્ચની તકલીફ. કોઈને ત્યાં દીકરો નથી, કોઈને ત્યાં દીકરો છે પણ વિનયી નથી. કોઈને દીકરો સારો છે, પણ તેનું ક્યાંય ગોઠવાતું નથી. કોઈને પ્રસંગ ઊજવાઈ ગયો પણ વહુ બરાબર નથી. કોઈને બન્ને સારાં મળ્યાં છે પણ પૌત્ર નથી.

બહોળો પરિવાર હોવા છતાં આર્થિક ભીંસમાં મન લેવાઈ જાય છે તો કોઈને પૈસાની રેલમછેલ વચ્ચે ઘરમાં સવાશેર માટીની ખોટ કોરી ખાય છે. સંપત્તિ અને સંતતિ બન્નેનું સુખ છે તો શરીરનો ત્રાસ ઘણો છે.

કોઈને પોતાનો ફેસ કદરૂપો લાગે છે, કોઈને પોતાનાં ફીચર્સ સારાં નથી લાગતાં, કોઈને પોતાનું ફ્યુચર બ્રાઇટ નથી લાગતું. કોઈને કાંઈ યાદ નથી રહેતું એટલે એ વાતની પીડા છે તો કોઈ અમુક શબ્દો ભૂલી નથી શકતો માટે દુખી છે. કોઈને પોતાનો ફિગર નથી ગમતો, કોઈને પોતાના અક્ષર નથી ગમતા, કોઈને પોતાનો સ્વર નથી ગમતો, કોઈને પોતાની સ્ટાઇલ નથી ગમતી.

કોઈને પોતાનું ઘર સાંકડું લાગે છે, કોઈને ફર્નિચર ભંગાર લાગે છે, કોઈને કપડાં ઓછાં લાગે છે, કોઈને પોતાની કાર બેકાર લાગે છે, કોઈને પરિવાર મતલબી લાગે છે, કોઈને ભાગીદાર આળસુ લાગે છે, કોઈને સ્ટાફ ક્વૉલિટી વગરનો લાગે છે.

ચાલો, દરેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાનો સંકલ્પ કરીએ. મંદિર પર ફરકતી ધજા જેમ અંદર પરમાત્મા છે એની જાહેરાત કરે છે એમ મુખ પર પ્રસરતું સ્મિત અંદર પ્રસન્નતા છે એની જાહેરાત કરે છે. ‘મિલ્યન ડૉલર સ્માઇલ’ આ શબ્દપ્રયોગમાં સ્મિતનું મૂલ્ય અને મહત્ત્વ સમજાય છે.

culture news life and style columnists