મહાપુરુષો નવા-નવા પંથોનું કાળક્રમે સર્જન કરતા રહે છે, પણ ધર્મ તો એનો એ જ રહે છે

07 November, 2024 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાયરતા કોઈ બીજાનો ધર્મ હોઈ શકે, પણ તારો કદાપિ નહીં એટલે પરધર્મ શબ્દ વપરાયો.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

મહિમ્ન સ્તોત્રમાં ગંધર્વરાજ આચાર્ય પુષ્પદંતના કહેવા મુજબ ભગવાન કપિલ કથિત સાંખ્ય દર્શન, ઋષિ પતંજલિ કથિત યોગદર્શન, શૈવ મત, વૈષ્ણવ મત આ બધાં જ ભિન્ન-ભિન્ન રીતે પ્રભુ તરફ પ્રસ્થાનના માર્ગ છે. આ માર્ગ પર આરાધક પોતપોતાની વિચિત્ર રુચિ પ્રમાણે ચાલે છે. પંથ અનેક છે. જેમાં ક્યારેક અટવાઈ પણ જવાય, પણ જેમના માર્ગ અલગ-અલગ છે એવી તમામ સરિતા સાગરને જઈને મળે છે. એમ પૃથ્વી પર આવેલા આ બધા પંથો પણ અંતે તો જીવને ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. પંથ એટલે માર્ગ છે. માર્ગ પૃથ્વી પર હોવાથી જેમ એમનો ધર્મ એક જ છે એમ તમામ માર્ગ-પંથ-સંપ્રદાયોનો ધર્મ પણ જુદો સંભવી શકે નહીં. જે પ્રમાણે પૃથ્વી પર રહેલા પ્રત્યેક માર્ગની વિશેષતા હોય છે એમ દરેક પંથ કે સંપ્રદાયની પણ અલગ-અલગ વિશેષતા હોય છે. જોકે ધર્મના મૂળ સ્વરૂપને તો પ્રત્યેક સંપ્રદાયે સ્વીકારવું જ પડે છે. પ્રત્યેક સમયે મહાપુરુષો નવા-નવા પંથોનું કાળક્રમે સર્જન કરતા રહે છે, પણ ભૂમિ તો એની એ જ રહે છે. એટલે કે ધર્મ તો એનો એ જ રહે છે. એને મિટાવી શકાતો નથી કે બદલી શકાતો નથી. ધર્મ તો નિત્ય છે, સત્ય છે, શાશ્વત છે એટલા માટે તો એને સનાતન કહેવાય છે અને જે સનાતન નથી અને બદલી શકાય, મિટાવી શકાય અને પાછું સર્જન કરી શકાય. ઉપરાંત માનવ મર્યાદાની વિરુદ્ધમાં હોય, જે માનવના જીવનને બગાડનારો છે. માનવને માનવ પ્રત્યે ઘૃણા ઉપજાવનારો છે એને જ પરધર્મ કહ્યો છે. મનુ મહારાજે મનુસ્મૃતિમાં ‘પરધર્મો ભયાવહ’ શબ્દ આપ્યો. ભગવાન કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમ્યાન અર્જુનને પણ પરધર્મો ભયાવહ સૂત્ર કહ્યું એ એટલા માટે કે અર્જુન પોતાના ક્ષત્રિય ધર્મથી ચલિત થયો હતો અને એમાં ભગવાન કૃષ્ણને કાયરતા દેખાઈ. એટલે એને સ્વધર્મપાલનની આજ્ઞા આપીને કહ્યું.

કાયરતા કોઈ બીજાનો ધર્મ હોઈ શકે, પણ તારો કદાપિ નહીં એટલે પરધર્મ શબ્દ વપરાયો. એ વખતે કૃષ્ણના માનસમાં એવો વિચાર પણ હોય કે કાયરતા ઘેટાં-બકરાં અને હરણાંનો ધર્મ છે, ત્યારે તું મનુષ્ય અને એમાં પણ ક્ષત્રિય છો. તારા જાતિસ્વભાવથી તારું વિચલિત થવું એ પરધર્મ છે અને પોતાના મૂળ સ્વભાવમાં સ્થિર રહેવું એટલે પોતાના ધર્મમાં સ્થિર રહેવું એ સ્વધર્મ છે. એટલે તો મનુષ્યની સ્વાભાવિક સાત્ત્વ‌િક પ્રવૃત્તિને ધર્મ કહેવાય છે. જડ-ચેતન કોઈ પણ પદાર્થમાં એની શક્તિ રહેલી હોય અને એના દ્વારા એની સત્તા હોય એને ધર્મ કહેવાય છે. 

- આશિષ વ્યાસ

culture news life and style columnists