આ બહેને ચોખાની મદદથી બનાવેલી ગહુલીઓ જોઈને તમે દંગ રહી જશો

12 September, 2023 06:42 PM IST  |  Mumbai | Laxmi Vanita

નાનપણથી જ ડ્રૉઇંગ અને આર્ટનાં શોખીન ૪૯ વર્ષનાં અલકા લાપસિયા પર્યુષણ સમયે જિનાલયમાં રાઇસ પોર્ટ્રેટ બનાવે છે. ગહુલી આર્ટ તરીકે જાણીતી આ આર્ટમાં માહિર અલકાબહેને ત્રીસ પ્રકારની નવી મેથડ ડેવલપ કરી છે

આ બહેને ચોખાની મદદથી બનાવેલી ગહુલીઓ જોઈને તમે દંગ રહી જશો


મુલુંડમાં રહેતાં ધાર્મિક પરિવારમાં ઊછરેલાં અને નાનપણથી જ પેઇન્ટિંગ અને ડ્રૉઇંગનાં શોખીન ૪૯ વર્ષના અલકા કમલેશ લાપસિયા વર્ષ ૨૦૦૦થી ગહુલી આર્ટ (સાદી ભાષામાં એક લાઇન શરૂ કરીએ તો તોડ્યા વગર સ્વસ્તિકની એકસાથે લાંબી ડિઝાઇનને પૂરી કરવાની કલા) કરે છે. પોતાને ડ્રૉઇંગ અને પેઇન્ટિંગમાં અપગ્રેડ કરતાં રહેવાની સાથે તેમણે રંગોળીના વર્ગો પણ કર્યા અને પોતે ગહુલી આર્ટમાં નવા એક્સપરિમેન્ટ કરીને ૩૦ પ્રકારની મેથડ ડેવલપ કરી. કોવિડ પછી તેમણે આ આર્ટવર્ક અન્યોને શીખવવાનું શરૂ કર્યું. હાલ જેમાં તેઓ માસ્ટર છે એ રાઇસ આર્ટ પોર્ટ્રેટ કરવા પાછળ કેટલી સાધના લાગે છે એ જાણીએ.

ધાર્મિક પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં રહેતાં અલકાબહેન કહે છે, ‘મને નાનપણથી જ ડ્રૉઇંગનો શોખ હતો એટલે મેં દસમા ધોરણ પછી સન્ટીરિયર ડિઝાઇનિંગ પસંદ કર્યું. અમે ત્રણે ભાઈ-બહેને પોતાની આગળની સ્ટડીનો ખર્ચો જાતે જ કાઢ્યો. મેં પણ ડિપ્લોમા કરતાં પાર્ટટાઇમ જૉબ કરીને ફીસ કાઢી લીધી. મારી મમ્મી કચ્છી ભરત કરતાં એટલે મારી આસપાસનો માહોલ કંઈક કામ કરતા રહેવાનો હતો. મારા હસબન્ડના પરિવારનું એવું હતું કે તેઓ એકનો એક દીકરો હતા અને બહુ જ ધાર્મિક હતા. એટલે તેઓ ધાર્મિક પરિવાર શોધતા હતા અને અમારા પરિવારનો મેળ બેઠો એટલે મારાં મૅરેજ થયાં. મૅરેજ પછી મેં ડ્રૉઇંગ ક્લાસ શરૂ કર્યા. પણ હું પોતાને અપગ્રેડ કરતી રહેતી. મેં રંગોળી ક્લાસ કર્યા, ગ્રાફોલૉજી (હૅન્ડરાઇટિંગ દ્વારા વ્યક્તિ કે પરિસ્થિતિનો તાગ મેળવવાનો અભ્યાસ) અને ન્યુમરોલૉજી શીખી. મારા હસબન્ડ બહારનું કંઈ જ ખાય નહીં એટલે મેં હોટેલ મૅનેજમેન્ટનો એક વર્ષનો કોર્સ કર્યો, જેમાં હું જૈન કુકિંગ શીખી એટલે હું મારા ક્લાસમાં એક અનોખી હતી કે જે કાંદા-બટાકાની સ્મેલથી પણ દૂર રહેતી. મારા હસબન્ડ છેલ્લાં સાત વર્ષથી આયંબિલ કરે છે તો કોવિડમાં હું જ તેમને આયંબિલમાં મદદ કરતી અને હું પોતે ચોવિહાર કરું છું. વૈદ્ય પાસેથી હું કપાસીની સારવાર માટે પાટો બાંધતાં શીખી, જેની છેલ્લાં બાવીસ વર્ષથી લોકોને સારવાર આપી રહી છું.’ 

 

છેલ્લાં બે વર્ષથી રાઇસ પોર્ટ્રેટ કરતાં અને આજ સુધીમાં જુદાં-જુદાં જિનાલયોમાં બાર જેટલાં પોર્ટ્રેટ બનાવી ચૂકેલાં અલકાબહેન કહે છે, ‘રાઇસ પોર્ટ્રેટ હું જાતે જ શીખી. પહેલાં હું ચિરોડીથી આઉટલાઇન બનાવતી અને પછી એમાં આગળ વધતી. તો આઉટલાઇન બનાવવામાં જ એક દિવસ જતો. જોકે હવે એ કામ સરળ થઈ ગયું છે તો મારો સમય બચે છે. એક દિવસ રંગોના શેડ્સ બનાવવામાં જાય. એમાં ૪૦ રંગના શેડ્સ બનાવવાના હોય. રાઇસને ફૂડ કલરથી તૈયાર કરવાના અને સૂકવવાના. આઉટલાઇન થયા પછી જ્યારે રાઇસથી કામ કરવાનું શરૂ કરો ત્યારે માખીઓના ઉપદ્રવથી બહુ જ બચવું પડે. એમાં રાત્રે માખીનો ઉપદ્રવ ન હોય. જેમ-જેમ દિવસ શરૂ થાય એમ માખીઓ પરેશાન કરે. જ્યારે મુખાકૃતિઓ કરવાની હોય ત્યારે આંખની કીકીમાં માત્ર એક જ ચોખાનો દાણો અને એ પણ ચોક્કસ ઍન્ગલે મૂકવાનો હોય તો જ ચહેરાના હાવભાવ કૅપ્ચર થાય. જો દાણાનો ઍન્ગલ બદલાય તો ચહેરો ઝાંખો લાગે. એ પરિસ્થિતિમાં જો માખી આવી જાય તો તમારો અડધો કલાક બગડે, કારણ કે પોર્ટ્રેટ થઈ ગયા બાદ ચહેરા સુધી પહોંચવાનું કામ બહુ જ અઘરું થઈ જાય. અત્યાર સુધીમાં થાણે, ઘાટકોપર, શાહપુર, રાજસ્થાનનાં જિનાલયોમાં હું રાઇસનાં પોર્ટ્રેટ કરી ચૂકી છું. મુંબઈની બહાર હોય તો ઓછામાં ઓછા બે દિવસ લાગતા હોય છે. જો મુંબઈમાં જ હોય તો દોઢ દિવસમાં કામ થઈ શકે. એક વાર કામ શરૂ થાય એટલે સતત ૧૪ કલાકની સાધના હોય છે. એક-એક દાણા પર ધ્યાન રાખવું પડતું હોય છે. ત્યારે તમને એ પણ સમજાય કે દરેક કામમાં પરીક્ષા હોય છે અને એમાં ઉત્તીર્ણ થવા માટે પરિશ્રમ લાગે છે.’

culture news columnists gujarati mid-day