કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૩૦ : સંસારથી લઈ સંન્યાસ સુધી, જીવનયાત્રા જન્મથી મોક્ષ સુધી

31 December, 2024 11:33 AM IST  |  Mumbai | Mukesh Pandya

શ્રીકૃષ્ણ દ્વારા ગવાયેલી ભગવદ્ગીતાનો અંતિમ અધ્યાય આજે આ લેખમાળાના અંતિમ પ્રકરણમાં માણીએ. આ અધ્યાયમાં મુખ્યત્વે શ્રીકૃષ્ણએ સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે એ આપણે આધુનિક દૃષ્ટિએ જોઈએ.

શ્રીકૃષ્ણની તસવીર

શ્રીકૃષ્ણ દ્વારા ગવાયેલી ભગવદ્ગીતાનો અંતિમ અધ્યાય આજે આ લેખમાળાના અંતિમ પ્રકરણમાં માણીએ. આ અધ્યાયમાં મુખ્યત્વે શ્રીકૃષ્ણએ સંન્યાસ અને ત્યાગ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે એ આપણે આધુનિક દૃષ્ટિએ જોઈએ.

માણસ બીજાં બધાં પ્રાણીઓથી અલગ છે. અન્ય પ્રાણીઓ પ્રકૃતિ પ્રમાણે જન્મે છે. ખાય છે, પીએ છે, જાતીય ક્રીડાઓ કરે છે, બચ્ચાં પેદા કરે છે અને વખત આવતાં મૃત્યુ પામે છે; પરંતુ માણસને વિચારવાની અદ્ભુત શક્તિ ઈશ્વરે આપી છે. આ વિચારોને કારણે માણસ પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ વિકાસના પંથે જઈ શકે છે અથવા પ્રકૃતિથી વિકૃતિ તરફ વિનાશના પંથે પણ જઈ શકે છે. અર્જુન જે પ્રશ્નો પૂછે છે એ આપણા જેવા વિચારશીલ મનુષ્યોનું પ્રતિનિધિત્વ જ કરે છે અને કૃષ્ણ પાસેથી મળેલા ઉત્તર આજના સમયમાં પણ એટલા જ ઍપ્લિકેબલ છે જેટલા એ સમયે હતા.

અર્જુનના મનમાં દ્વિધા છે કે સંન્યાસ એટલે શું અને ત્યાગ એટલે શું?

સંન્યાસ સંસાર અને સાંસારિક ક્રિયાઓ છોડવી એ અને ત્યાગ એ સંસારમાં રહીને પણ, સાંસારિક કર્મ કરીને પણ એના ફળની ઇચ્છા છોડવી, નિષ્કામ કર્મ કરવા એ.

સંન્યાસી એ છે જે સંસારમાં ન રહેતાં ઈશ્વરસાધના (અધ્યાત્મ)ના માર્ગે આગળ વધે છે. માત્ર મોક્ષ (જીવન-બીમારી-મૃત્યુના ચક્કરમાંથી છૂટવાની) ઇચ્છા રાખે છે. જ્યારે ત્યાગી પુરુષ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે, પણ કર્મોના ફળનો આનંદ માણવા વિશેની સ્વાર્થી કામનાઓને ત્યાગી દે છે. શ્રીકૃષ્ણ અર્જુન અને તેના માધ્યમથી આપણા જેવા સંસારીઓ માટે બીજા પ્રકારના ત્યાગ માટે સલાહ આપે છે. તેઓ કહે છે કે યજ્ઞ, દાન, તપશ્ચર્યા જેવાં કાર્યોનો ત્યાગ કરવો ન જોઈએ. વળી આવાં કાર્યો કોઈ બદલા કે પુરસ્કાર (ફળો) પ્રત્યેના મોહથી દૂર રહીને કરવાં જોઈએ.

જેઓ અપૂરતું જ્ઞાન ધરાવે છે તેઓ પોતાને કેવળ તેમના કર્મોના એકમાત્ર કારણ તરીકે જુએ છે. પરંતુ પ્રબુદ્ધ-પૂર્ણ જ્ઞાની જીવાત્માઓ, પોતાને ન તો તેમના કર્મોના કર્તા માને છે કે ન તો કર્મોના ભોક્તા માને છે. તેઓ જેકાંઈ કરે છે એનાં ફળોથી સદૈવ દૂર રહીને એનાથી બંધાતા નથી. આ અધ્યાય સ્પષ્ટ કરે છે કે શા માટે લોકો તેમના કહેણી-કરણીમાં ભિન્નતા ધરાવે છે. માયાવી પ્રકૃતિના ત્રણ ગુણો (સાત્ત્વિક, રાજસી અને તામસી) અનુસાર એ જ્ઞાનના, કર્મોના તથા કર્તાઓના પ્રકારનું વર્ણન કરે છે.

શ્રીકૃષ્ણ અર્જુનને યાદ અપાવે છે કે ભગવાન સર્વ જીવોના હૃદયમાં નિવાસ કરે છે અને તેમના કર્મો અનુસાર તેમની ગતિને દિશા-માર્ગદર્શન આપે છે. જો આપણે તેમનું સ્મરણ કરીને આપણા સર્વ કર્મો તેમને સમર્પિત કરી દઈએ, તેમનું શરણ ગ્રહણ કરીને તેમને આપણા પરમ ધ્યેય બનાવીએ તો તેમની કૃપા દ્વારા આપણે સર્વ વિઘ્નો તથા મુશ્કેલીઓને પાર કરી જઈશું, પરંતુ જો અહંકારથી પ્રેરાઈને આપણે આપણા તરંગો પ્રમાણે કર્મ કરીશું તો આપણને સફળતા પ્રાપ્ત થશે નહીં. અંતત: શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે સર્વ પ્રકારની ધાર્મિકતાનો ત્યાગ કરવો અને કેવળ ભગવાનને શરણાગત થવું એ અતિ ગોપનીય જ્ઞાન છે, પરંતુ આ જ્ઞાન જે લોકો સંયમી કે મારા (ભગવાન) પ્રત્યે સમર્પિત નથી, મારા પ્રત્યે ઈર્ષાભાવ રાખે છે તેમને પ્રદાન કરવું ન જોઈએ, કારણ કે તેઓ એનું ખોટું અર્થઘટન કરે છે અને બેજવાબદારીપૂર્વક કર્મોનો ત્યાગ કરવા માટે એનો દુરુપયોગ કરે છે, પરંતુ જો આપણે આ ગૂઢ જ્ઞાનને સુપાત્ર જીવાત્માઓ સમક્ષ રજૂ કરીશું તો એ ભગવાનને અતિ પ્રસન્નદાયક રહેશે.

આ સલાહ-સૂચન જ આપણને કોઈ પણ કાર્ય કરીએ એને કૃષ્ણાર્પણ કરવા પ્રેરે છે. કેટલાક સંન્યાસી એવાં કામ કરે છે કે પાછા તેમને સંસારી વાઘા પહેરવા પડે છે. જ્યારે કેટલાય સંસારી એવા હોય છે જેઓ સંસારમાં રહીને કોઈ પણ પ્રકારના મોહ કે લાલચને વશ થયા વગર પ્રભુકાર્ય કરે છે એમ માનીને નિ:સ્વાર્થ કાર્યો કરે છે અને જન્મ-મરણના બંધનથી મુક્ત થઈ ખુદ ઈશ્વરમાં સમાઈ જાય છે (આમ માણસ પ્રકૃતિથી વિકૃતિ અથવા સંસ્કૃતિ તરફ ગતિ કરી શકે છે).

તેઓ અર્જુનને એ પણ કહે છે કે તને આ પ્રકારનાં ધાર્મિક-કાર્મિક કર્મોમાં હજી પણ સમજાય નહીં કે સંશય ઉત્પન્ન થાય તો બેશક મારે શરણે આવી જા અને બધી જ ચિંતા-મોહ-માયા છોડીને માત્ર તારી જે ક્ષત્રિય પ્રકૃતિ છે અધર્મ સામે લડવાની એ જ કર. બીજાની પ્રકૃતિ (સ્વભાવ) પ્રમાણે કાર્ય કરવા જઈશ તો નિષ્ફળતા અને બદનામી સિવાય કશું જ હાથ નહીં લાગે. આજે આપણે પણ આપણાં સંતાનોને તેમની પ્રકૃતિ (સ્વભાવ) પ્રમાણે જીવનનાં અભ્યાસ (કાર્ય) કરવાની છૂટ આપવી જોઈએ. ક્રિકેટમાં પૈસા છે કે ફિલ્મમલાઇનમાં પૈસા છે એટલે કે તેને ડૉક્ટર કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ જ બનાવવો છે એવો આગ્રહ ન રાખવો, પણ એટલું શીખવાડવું કે તું જે પણ કાર્ય કરે એ ઈશ્વરને સાક્ષી રાખીને નિ:સ્વાર્થ ભાવે કરજે. એમાં સફળતા મળે કે પૈસા મળે એ તો એ નિષ્કામ કર્મની બાય પ્રોડક્ટ હોવી જોઈએ. સફળતા મળે ત્યારે છકી ન જઈ તપશ્ચર્યા, દાનધર્મ અને યજ્ઞકાર્ય કરવું. તપ એટલે મુશ્કેલ કાર્યો - બાધા, વ્રત, ઉપવાસ વગેરે નિ:સ્વાર્થ ભાવે કરવાં એ. દાન એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગર જરૂરિયાતમંદને આપવું (જૉય ઑફ ગિવિંગ) અને યજ્ઞકાર્ય એટલે ઈશ્વરને અગ્નિના માધ્યમથી સંતોષકારક તૃપ્તિ માટે ભોજન પ્રાપ્ય કરાવવું જેથી તેઓ અમીર-ગરીબ બધા પર કૃપારૂપી વરસાદ-પવન-પ્રકાશ વરસાવતા રહે. નિયતિનું ચક્ર ચાલતું રહે.

આવતી કાલે નવું વર્ષ છે અને આજે માગશરનો છેલ્લો દિવસ તેમ જ આ શ્રેણીનો છેલ્લો મણકો છે એ વાંચીને કૃષ્ણના કહેવા પ્રમાણે આપણે સંસારમાં રહીને પણ નિષ્કામ કર્મ કરવાનો સંકલ્પ લઈ શકીએ તો કેવું? કાદવ (સંસાર)માં ખૂંપીને પણ કમળ ખીલવી શકીએ તો કેવું? એ માટે સંન્યાસી બનવાની જરૂર નથી. આપોઆ૫ એક દિવસ મોક્ષ મળી જશે. ત્યાર બાદ કશું મેળવવાનું બાકી રહેતું નથી.

(સમાપ્ત)

culture news life and style religion columnists gujarati mid-day mumbai