30 December, 2024 10:47 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
શ્રીકૃષ્ણ વ્યક્તિ નહીં સમષ્ટિ હતા. તે જે કંઈ કરે એ તેમના વ્યક્તિગત લાભ માટે નહીં પણ પૂરા સમાજના ભલા માટે હોય. શ્રીકૃષ્ણએ પોતાની કિશોરાવસ્થામાં ગોકુળમાં નદીના કિનારે ગોપીઓનું વસ્ત્રહરણ કર્યું હતું એને લઈને ઘણા લોકો તેમને વિલન તરીકે ચીતરે છે, પણ તેમણે શા માટે આમ કર્યું હશે એનું ચિંતન નથી કરતા. હકીકત એ છે કે ગોપીઓ એ સમયે બાળપણ છોડીને કિશોરાવસ્થામાં પ્રવેશી હતી. આ ઉંમર મુગ્ધાવસ્થાની ઉંમર હોય છે. આ ઉંમરે છોકરો હોય કે છોકરી બન્નેના શરીર અને મનમાં અનેક હૉર્મોનલ ચેન્જિસ થતા હોય છે. આ પરિવર્તનને કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. આ ઉંમરે પૂરતું માર્ગદર્શન મળે એ માટે દરેક અખબાર કે સામયિકમાં ‘મુગ્ધાવસ્થાની મૂંઝવણ’ જેવા વિષય પર કૉલમો આવતી હોય છે. આજકાલ ડિજિટલ માધ્યમ દ્વારા પણ આ અવસ્થા આવે ત્યારે શું કરવું એને લગતી અનેક ઍડ્વાઇઝ અને ગાઇડન્સ મળતાં હોય છે.
જોકે કૃષ્ણના સમયમાં આવી કોઈ વ્યવસ્થા નહોતી. બાલ્યાવસ્થામાં ઘાઘરી-પોલકું પહેરીને રમતી બાળકી કિશોરાવસ્થામાં આવે ત્યારે તેનામાં એવાં પરિવર્તનો આવે છે કે એમ જ કહોને કે તેના ઓઢણી પહેરવાના દિવસો હવે શરૂ થાય છે. આ દિવસોમાં તે વસ્ત્રો ઉતારીને જાહેરમાં સ્નાન કરે છે ત્યારે અનેક વાસનાભરી નજરોને ઉકસાવે છે.
આજની છોકરીઓ એમ કહેતી હોય છે કે અમે ગમે એ પ્રકારનાં વસ્ત્રો પહેરીને જાહેરમાં નીકળીએ, અન્યોએ શું કામ પંચાત કરવી જોઈએ?
આના ઉત્તરમાં એટલું જ કહી શકાય કે આ અન્યોમાં બધા જ કંઈ ચોખ્ખી નજરના હોય એ જરૂરી નથી. કેટલાંક અસામાજિક તત્ત્વો તેમની જિંદગી ધૂળધાણી કરી શકે છે. બજારમાં અલ્પ વસ્ત્રો પહેરીને કોઈ યુવતી નીકળે તો હજારો લોકો તેને નિરખતા હોય છે. આમાંના કેટકેટલા લોકોને કહેતા ફરશો કે તમારી નજર અને વર્તણૂક સારી રાખો. આના કરતાં આપણે જાહેરમાં વસ્ત્રભૂષા એ રીતની રાખીએ કે ખરાબ નજરોને ખોટું પ્રોત્સાહન ન મળે એ જ યોગ્ય વિકલ્પ છે. સૌંદર્ય એ સ્ત્રીનું ઘરેણું છે, પ્રૉપર્ટી છે, મિલકત છે. એનું રક્ષણ થાય એવા પ્રયાસો જરૂરી છે. કોઈ વ્યક્તિ બૅન્કમાંથી પૈસા લઈને જાહેરમાં દેખાડતી જાય તો એ તેની પ્રૉપર્ટી છે એ બરાબર અને એને કઈ રીતે લઈ જવી એ તેની સ્વતંત્રતા છે એ પણ કબૂલ, પરંતુ ન કરે નારાયણ ને કોઈ બદમાશ તેના પૈસા ઝૂંટવી જાય તો? એ ઘટના જીવલેણ બને તો?
લોકશાહીમાં દરેકને સ્વતંત્રતા હોવી જોઈએ એ વાત બરાબર; પણ એ સ્વતંત્રતા સાથે આત્મવિવેક જરૂરી છે, શિસ્ત જરૂરી છે, સંયમ જરૂરી છે.
જાહેર જગ્યાએ પહેરેલાં લૂગડે નહાવું એ જ સાચો પર્યાય છે અને આ નિયમ માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો માટે પણ લાગુ પડે છે. અગાઉના સમયમાં કિશોરાવસ્થામાં પ્રવેશતાં છોકરા-છોકરીઓને પ્રતીકરૂપે અપાતી જનોઈ એ ઉપવસ્ત્ર તરીકે ઓળખાતું આવરણ હતું. બાળપણમાં નગ્નાવસ્થામાં ભલે રખડ્યા; પણ હવે જનોઈ અને ધોતી કે સાડી પહેરીને, ઇન્દ્રિયોને સંયમમાં રાખીને, બ્રહ્મચર્ય પાળીને શિક્ષણ મેળવવાના દિવસો આવે છે.
ગંગા-જમના નદીમાં આજે પણ સંસારી લોકો પહેરેલાં લૂગડે જ સ્નાન કરે છે. આમ કરવાથી વસ્ત્રો, તન અને મન ત્રણેય શુદ્ધ થાય છે. આ રીતે સ્નાન કરવાથી અન્યોની દૃષ્ટિમાં પણ એટલો વિકાર આવતો નથી જેટલો વસ્ત્રવિહીન વ્યક્તિને જોઈને આવે. જિતેન્દ્રિય એવા શ્રીકૃષ્ણે ગોપીઓનાં વસ્ત્રો નદીકિનારેથી હરી લઈને એ સંદેશ આપ્યો હતો કે જાહેરમાં સ્નાન કરતા હો ત્યારે વસ્ત્રો કાઢીને સ્નાન ન કરવું, કામુક નજરોથી બચવું, પાણી વડે તન જ નહીં પણ વસ્ત્રોનુંય શુદ્ધીકરણ કરવું. વસ્ત્રવિહીન દશામાં સ્નાન કરવું એ વરુણદેવ (જળદેવ)નું પણ અપમાન છે એવું અનેક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.
આ તો ઠીક છે કે કૃષ્ણે વસ્ત્રો હર્યાં. વસ્ત્રો ચોરાઈ પણ શકે છે કે વાંદરા-કૂતરા જેવાં કોઈ પ્રાણીઓ પણ વસ્ત્રો લઈને ભાગી શકે છે. આવી હાલતમાં ગામને વીંધીને ઘર સુધી કેવી રીતે જવું? પહેરેલાં લૂગડે જ સ્નાન કરવું જોઈએ એ ઠસાવવા જ કૃષ્ણે આ લીલા રચી હતી અને પછી વસ્ત્રો પાછાં સોંપ્યાં હતાં.
જોકે ઘણા કૃષ્ણવિરોધીઓએ તેમને સ્ત્રીઓની આબરૂનું અપમાન કરતા ખલનાયક જેવા ચીતર્યા છે, પરંતુ હકીકત એ છે કે તેમણે તો સ્ત્રીની આબરૂ ઢાંકી છે. ભરસભામાં અનેક શૂરવીરોની હાજરીમાં દ્રૌપદીએ પહેરેલી સાડી નરાધમો ખેંચતા હતા ત્યારે તેમણે જ તો દ્રૌપદીને વસ્ત્રો પૂરાં પાડ્યાં હતાં.
કમાલ છે! કૃષ્ણ વસ્ત્રો પૂરાં પાડે એ તો ઠીક, તે વસ્ત્રો હરી લે એની પાછળ પણ ઉદ્દેશ હોય છે. એ ઘટના પણ એક સામાજિક સંદેશ બની જાય છે.
વસ્ત્રો હરી લેતા હરિને તો એમ જ કહેવાય કે...
હરિ નારાયણ નારાયણ હરિ હરિ
તેરી લીલા સબસે ન્યારી ન્યારી હરિ હરિ...
(ક્રમશઃ)