28 December, 2024 11:16 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
૨૫ ડિસેમ્બરે નાતાલની શરૂઆત થાય ત્યારે ખ્રિસ્તી ભાઈઓ કિસમસ ટ્રી સજાવે છે તો ભારતમાં સનાતનધર્મીઓ એ દિવસને તુલસીપૂજન દિવસ તરીકે ઊજવે છે. બન્ને સંપ્રદાયો લીલીછમ વનસ્પતિની મહત્તા દર્શાવે છે. જોગાનુજોગ એ છે કે ભારતમાં ૨૫ ડિસેમ્બર આવે ત્યારે શ્રીકૃષ્ણનો પ્રિય એવો માગશર મહિનો ચાલતો હોય છે. આ મહિનામાં કૃષ્ણની પ્યારી તુલસીનો ડે ઊજવાય એ ઘણું પ્રાસંગિક કહેવાય. કડકડતી ઠંડીના આ દિવસોમાં સામાન્ય રીતે જે શારીરિક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે એનો તાત્કાલિક, ઘરગથ્થુ, નિઃશુલ્ક અને સ્વાદિષ્ટ ઇલાજ એટલે તુલસીનું સેવન. નૉર્મલ માણસ પણ રોજ તુલસીનાં પાનનું સેવન કરે તો અનેક શારીરિક અને માનસિક બીમારી સામે લડવાની શક્તિ મળે છે. આપણે ત્યાં જમતાં પહેલાં ભગવાનને થાળ ધરાવવાનો રિવાજ છે કે પછી સત્યનારાયણની કથામાં પ્રસાદ તરીકે શીરો ધરાવાય છે એમાં તુલસીપત્ર અવશ્ય ધરાવાય છે.
દરેક ઘરને આંગણે કે બાલ્કનીમાં તુલસીનો ક્યારો કે કૂંડું અવશ્ય જોવા મળે. મંદિરમાં પાણીની આચમની સાથે તુલસી અવશ્ય અપાય.
તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે. આ પવિત્ર શબ્દનો અર્થ જાણવા જેવો છે.
જે પોતે પણ શુદ્ધ હોય અને એના સંસર્ગમાં આવનાર અન્યને પણ શુદ્ધ કરે એ પ્રવિત્ર કહેવાય. હાલ કુંભમેળાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે એ પ્રયાગરાજના પ્રસિદ્ધ રાજવૈદ પંડિત અશોકકુમાર શુક્લના કહેવા અનુસાર તુલસીના સ્પર્શથી આજુબાજુનું વાયુમંડળ શુદ્ધ થાય છે અને વિષાણુઓ દૂર ભાગે છે.
આયુર્વેદમાં તુલસીને ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે.
તુલસીના પાનથી લઈને એનાં લાકડાં અને મૂળ સુધી એ ઉપયોગી છે.
તુલસીની ચા કે ઉકાળો બનાવીને પીવાથી શિયાળામાં હેરાન કરતી શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, તાવ વગેરે જેવી સમસ્યાઓથી રાહત મળે છે. તુલસીનાં પાનને રોજ સવારે નવશેકા પાણી સાથે લેવાથી મેટાબોલિઝમ વધે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. જે લોકો વજન ઓછું કરવા માગે છે તેઓએ દરરોજ સવારે લગભગ એક મહિના સુધી પાણી સાથે તુલસીનાં ચાર પાન ખાવાં જોઈએ. જોકે એ પછી તુલસી લેવાનું બંધ કરવું.
બદલાતી ઋતુમાં વાઇરલ રોગોનો શિકાર થવું સામાન્ય બાબત છે. દરરોજ તુલસીના સેવનથી વાઇરલ બીમારીઓથી બચી શકાય છે. તુલસી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
જો તમે દરરોજ સવારે પાણી સાથે તુલસીનું સેવન કરશો તો શરીરનાં વિષ દ્રવ્યો બહાર નીકળી જશે. દરરોજ સવારે તુલસીનાં પાન ખાવાથી પાચનક્રિયા સુધરે છે. પેટ સંબંધિત સમસ્યા, કબજિયાત, ગૅસ, અપચો વગેરેથી દૂર રહી શકાય છે. ડિપ્રેશનને દૂર કરવામાં પણ તુલસી ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. એક સ્ટડી પ્રમાણે તુલસીનાં પાનના સેવનથી સ્ટ્રેસ ઓછો થાય છે. મહિલાઓને પિરિયડ્સમાં અનિયમિતતાની ફરિયાદ હોય તો તુલસીનાં બીજનો ઉપયોગ લાભદાયી છે.
શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે પણ તુલસીનાં પાંદડાં ઘણાં ફાયદાકારક હોય છે અને નૅચરલ હોવાને કારણે એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી. શરીરમાં ક્યાંય ઈજા થઈ હોય તો તુલસીનાં પાંદડાંને ફટકડી સાથે મિક્સ કરીને લગાવવાથી ઘા જલદી ભરાઈ જાય છે. તુલસીમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ તત્ત્વ હોય છે જે ઇન્ફેક્શન થતું રોકે છે. આ ઉપરાંત તુલસીનાં પાંદડાને તેલમાં મિક્સ કરીને લગાવવાથી બળતરા ઓછી થઈ જાય છે. એના ઉપયોગથી ખીલ દૂર થાય છે અને ચહેરા પર રોનક આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે તુલસી વિના શ્રીકૃષ્ણની પૂજા અધૂરી માનવામાં આવે છે. અનેક વ્રત અને ધર્મકથાઓમાં તુલસીનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તુલસીનો છોડ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ છોડ વૈજ્ઞાનિક, ધાર્મિક અને જ્યોતિષીય ગુણોને કારણે મહત્ત્વપૂર્ણ છે. તુલસીના છોડનું મહત્ત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત, સ્કંદ અને ભવિષ્યપુરાણ સાથે ગરુડપુરાણમાં પણ છે. ગરુડપુરાણના ધર્મકાંડના પ્રેતકલ્પમાં કહેવામાં આવ્યું છે કે તુલસીનો છોડ વાવવો, એનું ધ્યાન રાખવું અને સ્પર્શ કરવો અને ગુણગાન કરવાથી પૂર્વજન્મનાં પાપ દૂર થઈ જાય છે.
બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિખંડમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મૃત્યુ સમયે જે તુલસીપાન સહિત જળ પિવડાવાય છે તે વ્યક્તિ પાપથી મુક્ત થઈ જાય છે.
સ્કંદપુરાણ પ્રમાણે વાસી ફૂલ અને વાસી જળ પૂજા માટે વર્જિત છે, પરંતુ તુલસીદળ અને ગંગાજળ વાસી હોવા છતાં વર્જિત નથી. આ બન્ને વસ્તુઓ અપવિત્ર માનવામાં આવતી નથી.
ઘરમાં વાવેલી તુલસી મનુષ્ય માટે કલ્યાણકારિણી હોય છે.
વનસ્પતિ વૈજ્ઞાનિક ડૉક્ટર જી. ડી. નાડકર્ણીના જણાવ્યા પ્રમાણે તુલસીના નિયમિત સેવનથી શરીરમાં ઊર્જાનો પ્રવાહ નિયંત્રિત થાય છે અને આયુષ્ય વધે છે.
ફ્રેન્ચ ડૉક્ટર વિક્ટર રેસીનના જણાવ્યા પ્રમાણે તુલસી એક અદ્ભુત ઔષધિ છે.
તુલસી મલેરિયાની વિશ્વસનીય અને પ્રામાણિક દવા છે.
ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનના વૈજ્ઞાનિકો દ્વારા કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તુલસી ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે શરીરના મૃત કોષને ઠીક કરવામાં મદદગાર સાબિત થાય છે.
તુલસીનો પ્રભાવ શરીરમાં પહોંચતા કેમિકલ અથવા અન્ય નશીલા પદાર્થોથી થતા નુકસાનને ઘટાડે છે.
ટીબી-મલેરિયા અને અન્ય સંક્રામક રોગથી છુટકારો મેળવવા માટે તુલસી કારગત છે.
તિરુપતિના એસ. વી. વિશ્વવિદ્યાલયના એક અભ્યાસ પ્રમાણે તુલસીનો છોડ ઉચ્છ્વાસમાં ઓઝોન વાયુ છોડે છે જે પર્યાવરણ માટે ઉપયોગી છે. યુનિવર્સલ સ્કૅનરના માધ્યમથી તકનિકી નિષ્ણાત કે. એમ. જૈન દ્વારા કરાયેલા સંશોધન પ્રમાણે કોઈ વ્યક્તિ તુલસીના છોડની ૯ પરિક્રમા કરે તો તેના આભામંડળ (ઑરા)નો પ્રભાવક્ષેત્ર ૩ મીટર સુધી વધી શકે છે.
રાણી સત્યભામાએ એક વાર કૃષ્ણના વજન જેટલું જ દાન કરવા એક પલડામાં કૃષ્ણને બેસાડ્યા અને બીજા પલડામાં અનેક સોનાનાં આભૂષણો મૂક્યાં હતાં પણ એ પલડું નમ્યું નહોતું. જ્યારે તુલસીનું પાન મૂકવામાં આવ્યું ત્યારે પલડું નમી ગયું. આના પરથી જીવનમાં એક વાત હંમેશાં શીખવા મળે છે કે વેલ્થ કરતાં હેલ્થનું પલડું ભારે હોય છે. સ્વાસ્થ્ય, સુખ અને શાંતિ આપતી અને જેની તુલના ન થઈ શકે એવી કૃષ્ણપ્રિય તુલસીને વંદન.
(ક્રમશઃ)