24 December, 2024 11:23 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
ગઈ કાલે આપણે જોયું કે ધ્યાન યોગ દ્વારા કેવી રીતે પરમાત્માનો યોગ થાય છે એ વિશે કૃષ્ણએ અર્જુનને કહ્યું. મનુષ્યએ તો અનેક યંત્રો બનાવ્યાં. અનેક શોધખોળ કરી, પરંતુ મનુષ્ય નામનું યંત્ર જેણે બનાવ્યું એ પરમ શક્તિની શોધમાં આ ધ્યાન યોગ જ કામ આપે છે. કોઈ નાની-મોટી શોધ કરવી હોય તો પણ એકાગ્રતાથી કામ કરવું પડે છે, તો પરમની શોધ માટે કેટલી પ્રચંડ એકાગ્રતાની જરૂર પડતી હશે. આ એકાગ્રતા કેળવવા ધ્યાન ધરવું અને વળી એ કેવી રીતે કરવું એ કૃષ્ણએ સમજાવ્યું. પણ આ માર્ગ લાંબો અને કઠણ છે એટલે જ આપણને જેવા પ્રશ્નો થાય એવા અર્જુનના મનમાં પણ ઉદ્ભવે છે. તે કૃષ્ણને પૂછે છે...
‘આપે જે ધ્યાન યોગનું વર્ણન કર્યું એ પ્રૅક્ટિકલી બહુ જ ડિફિકલ્ટ લાગે છે. અવ્યવહારુ અને અપ્રાપ્ય લાગે છે, કારણ કે...
મન તો અતિ ચંચળ છે, શક્તિશાળી છે. વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે.
શ્રીકૃષ્ણ આનો ઉત્તર આપતાં કહે છે, ‘હા, વાત તો સાચી છે. મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિમુશ્કેલ છે, પરંતુ એ અશક્ય નથી. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એને નિયંત્રિત કરી શકાય છે. જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે, પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે એ યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે.’
હવે અર્જુનના ચંચળ મનમાં બીજી દુવિધા ઊભી થાય છે. તે પૂછે છે...
‘કોઈ વ્યક્તિ આ કઠિન ધ્યાન યોગમાં અસફળ રહે તો? એ યોગીની શી ગતિ થાય છે જે શ્રદ્ધા રાખીને ધ્યાન યોગનો આરંભ કરે છે, પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી? અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે તો બાવાનાં બેઉ બગડે છે.
મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બન્ને સફળતાઓથી વંચિત રહેતો નથી?
કૃષ્ણ જવાબ આપતાં કહે છે...
‘જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. જે ભગવદ્પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેની કદાપિ અધોગતિ થતી નથી.
અસફળ યોગી મૃત્યુ પછી પુણ્યશાળીઓના લોકમાં જાય છે. ત્યાં વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુન: પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે.
આવો જન્મ પામીને તેઓ તેમના પૂર્વજન્મના જ્ઞાનને પુન: જાગ્રત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે. તેઓ તેમના પૂર્વજન્મોના આત્મસંયમના બળથી ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે.
જ્યારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની ભેગી થયેલી પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે ત્યારે તેઓ સાંસારિક ઇચ્છાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને એ જીવન દરમ્યાન સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે.’
આનો અર્થ એ થયો કે પરમ શક્તિને પામવી એ એક જન્મના અભ્યાસથી શક્ય ન પણ બને. એને માટે બીજા અનેક જન્મો સુધી રાહ પણ જોવી પડે. જોકે આગલા જન્મમાં કરેલી પ્રૅક્ટિસ જીવાત્માને પછીના જનમમાં પણ કામ આવી શકે ખરી. સ્કૂલમાં આપણે ઉપલા ધોરણમાં જઈએ ત્યારે આગલા ધોરણમાં ભણ્યા હોઈએ એનું રિવિઝન કરીએ છીએ અને આગળ વધીએ છીએ એમ એક જન્મનો અભ્યાસ બીજા જનમમાં આપણને વધુ આગળ વધવામાં મદદરૂપ થાય છે.
પેલો શ્લોક તો બધાને ખબર જ હશે...
‘વિદ્યાર્થી લભતે વિદ્યાં,
ધનાર્થી લભતે ધનમ્,
પુત્રાર્થી લભતે પુત્રાન્,
મોક્ષાર્થી લભતે ગતિમ્!’
અર્થાત્ પ્રભુકૃપાથી આપણને એક જન્મમાં વિદ્યા, ધન કે સંતાનપ્રાપ્તિ થઈ શકે, પણ મોક્ષ મેળવવો હોય તો એક જન્મમાં ન પણ મળે. માત્ર એ તરફ ગતિ બની રહે. જીવન બીમારી-મૃત્યુના ચક્કરથી બચવું હોય, પરમાત્મામાં ભળી જવું હોય તો ધ્યાનની ઊંડી પ્રૅક્ટિસ કરવી પડે. આ બધું કરતાં અનેક જન્મો લાગે.
જોકે શ્રદ્ધા અને ધીરજ રાખીએ તો એક વાર સફળતા અચૂક મળે. વિદ્યા, ધન અને સંતાન થકી ભૌતિક વિકાસ તો થાય, પણ પરમની પ્રાપ્તિ થાય ત્યારે આધ્યાત્મિક વિકાસ થયો કહેવાય.
આ વિકાસ થયા પછી જીવનમાં કોઈ ઇચ્છા બાકી રહેતી નથી. કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. ધ્યાનયોગ કરતી વેળાએ આ જ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કરોળિયાની જેમ સતત પ્રયાસ કરવાથી અંતે સફળતા તો મળે જ છે.
(ક્રમશઃ)