22 December, 2024 12:47 PM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
ગઈ કાલે આપણે જોયું કે રામ-રાવણ અને કૃષ્ણ-કંસની જેમ દરેક યુગમાં વિશ્વમાં દૈવી વૃત્તિ અને આસુરી વૃત્તિ ધરાવતા લોકો જોવા મળ્યા છે અને મળે છે. આ બન્ને વૃત્તિ ધરાવતા લોકોનાં લક્ષણો અને પ્રકૃતિ (સ્વભાવ) કેવાં હોય એ વિશે પણ શ્રીકૃષ્ણે ઘણું ઝીણું કાંત્યુ છે. ભગવદ્ગીતાના સોળમા અધ્યાયનું નામ જ ‘દૈવાસુરસંપત્તિભાગયોગ’ છે.
શ્રીકૃષ્ણ આ અધ્યાયની શરૂઆતમાં દૈવી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં કેવા ગુણો હોય એનું વર્ણન કરે છે. તેઓ કહે છે કે નિર્ભયપણું, આંતરિક શુદ્ધિ, જ્ઞાન પ્રત્યે નિષ્ઠા, ઇન્દ્રિયો પર સંયમ, દાન, યજ્ઞ, સ્વાધ્યાય, ત૫, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગવૃત્તિ, અલોલુપતા, પ્રાણીમાત્ર પર દયા, મૃદુતા, લજ્જા (શરમ-સંકોચ), તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ અને અહંકારનો ત્યાગ આ બધાં દૈવી ગુણો ધરાવતા મનુષ્યનાં લક્ષણો છે.
આથી ઊલટું દંભ, અભિમાન, કઠોરતા અને અજ્ઞાન આ બધાં આસુરી ગુણો ધરાવતા મનુષ્યનાં લક્ષણો છે. તેમનામાં કરવાંયોગ્ય કે ન કરવાંયોગ્ય કાર્યોની જાણકારીનો અભાવ હોય છે; પવિત્રતા, સદાચાર કે સત્યનો અભાવ હોય છે. તેઓ નાસ્તિક હોય છે અને એમ માનતા હોય છે કે જગત ઈશ્વ૨ વિનાનું છે, અકસ્માતે જ ઉત્પન્ન થયેલું છે તેથી કેવળ કામનાઓ ભોગવવા સિવાય આ દુનિયાનો બીજો કોઈ હેતુ જ નથી. દંભ, માન અને મદથી ભરેલા એ લોકો પૂરી ન કરી શકાય એવી ઇચ્છાઓનો આશ્રય લઈ ખોટી જીદ પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. કામ અને ભોગ જ પોતાનું સર્વસ્વ છે એમ માનીને એમાં જ તેઓ રચ્યાપચ્યા રહે છે. વિષયના ભોગો માટે તેઓ અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે. અહંકાર, કામ અને ક્રોધને વશ થઈને તેઓ મારો (પરમ શક્તિ)નો જ દ્વેષ કરે છે. પછી હું પણ તેમને વારંવાર અધમ યોનિમાં જ નાખું છું. તે મૂઢ લોકો મને ન પામીને જન્મોજનમ અધમ ગતિને જ પામતા જાય છે. કામ, ક્રોધ અને લોભ એ આત્માનો નાશ કરનાર ત્રણ પ્રકારનાં નરકનાં દ્વાર છે. શાસ્ત્રવિધિ છોડીને જે મનમાની રીતે વર્તે છે તે સુખ કે પરમ ગતિ પામતો નથી. કરવા લાયક અને ન કરવા લાયક કાર્યનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એટલે શાસ્ત્રે જે કર્મો કરવાનું નિયત કર્યું હોય એ જાણીને કર્મ કરવું એ જ યોગ્ય છે.
અહીં સોળમો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આજના યુગમાં આ વિચારો કેટલા બંધ બેસે છે એ દૃષ્ટાંત સહિત જોઈએ.
આસુરી વૃત્તિવાળા નાસ્તિક હોય છે અને ઈશ્વર નથી એમ માનીને આપખુદ બની ગયા હોય છે, આઇ ઍમ સમથિંગ એમ વિચારીને અહંકારી બની ગયા હોય છે એવું કૃષ્ણનું કથન આજે પણ સાચું પડ્યું છે. ભારતમાં અનેક રાજકારણીઓ નાસ્તિક છે. કોઈ રામને કાલ્પનિક માનીને ઈશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે. અમે જ આ દેશના નેતા છીએ, અમે જ સત્તા ભોગવવાના કાયમી હકદાર છીએ એમ માનીને અહંકારપૂર્ણ અને ક્યારેક હિંસક વર્તન પણ કરી બેસે છે. વળી કોઈ નાસ્તિક સનાતન ધર્મ ડેન્ગી-મલેરિયા જેવો છે એમ કહીને મિથ્યાભિમાનમાં રાચે છે .
કૃષ્ણે આ અધ્યાયમાં એમ પણ કહ્યું છે કે આસુરી ગુણો ધરાવતા લોકો વિષયના ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા એકઠા કરવાનો પ્રયત્ન કરે છે.
કેટલી સાચી વાત. યોગ્ય લોકોને નકારીને અયોગ્ય પણ લાંચ (કટકી) આપતા લોકોને અન્યાયી રીતે કૉન્ટ્રૅક્ટ કે કામ આપી પૈસા ભેગા કરીને સ્વિસ બૅન્કોમાં ખાતાં ખોલનાર રાજકારણીઓએ ધનના ઢગલા કર્યા જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
શ્રીકૃષ્ણે આ અધ્યાયમાં એમ પણ કહ્યું છે કે કરવા લાયક અને ન કરવા લાયક કાર્યનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે અને આજના સમયને અનુરૂપ જો કોઈ તટસ્થ લેટેસ્ટ અને જસ્ટિફિકેશન આપી શકે એવું શાસ્ત્ર હોય તો બેશક સ્વયં ઈશ્વર (શ્રીકૃષ્ણ)ના મુખેથી ગવાયેલી ગીતા જ હોઈ શકે એમાં કોઈ બેમત નથી. કદાચ એટલે જ હિન્દુઓમાં ભગવદ્ગીતાના પુરતક પર હાથ રખાવીને અદાલતમાં લોકોનાં બયાન નોંધવાનો શિરસ્તો અમલમાં આવ્યો હશે. ગીતાના સોગંદ એટલે સત્યના સોગંદ, ન્યાયના સોગંદ અને પ્રામણિકતાના સોગંદ. આ શાસ્ત્રના રચનાર ન્યાયપ્રિય શ્રીકૃષ્ણને શાશ્વત પ્રણામ.
(ક્રમશઃ)