21 December, 2024 01:27 PM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
કોઈ રમત રમાતી હોય એમાં પ્રતિસ્પર્ધી ખેલાડીઓ એકબીજાને આઉટ કરવા તલપાપડ હોય છે. એ જ રીતે રાજકારણમાં પણ સામસામે હુંસાતુંસી ચાલતી જ હોય છે.
રામ અને કૃષ્ણના પણ અનેક વિરોધીઓ હતા તો વડા પ્રધાન મોદીના વિરોધીઓ પણ હોય જ એમાં નવાઈ શી? બધા પક્ષો સત્તા માટે ચૂંટણી લડતા હોય છે ત્યારે એક વાક્ય ખાસ રટતા હોય છે કે આ તો વિચારધારાની લડાઈ છે.
હવે પ્રશ્ન એ થાય કે અલગ-અલગ વિચાર માણસને આવે છે એનું કારણ શું? રામની બુદ્ધિનો અલગ પ્રકાર હોય, રાવણની બુદ્ધિનો અલગ વિચાર હોય. જેમ પાંચે આંગળીઓ સરખી હોતી નથી એમ માણસોના વિચાર એકસરખા નથી હોતા. દરેક જીવની અલગ-અલગ પ્રકૃતિ (સ્વભાવ) હોય છે અને એ પ્રમાણે તેનું જીવન ઘડાય છે.
ભગવદ્ગીતાના ચૌદમા અધ્યાય ગુણત્રય વિભાગ યોગમાં શ્રીકૃષ્ણે માનવપ્રકૃતિ (સ્વભાવ)ને ત્રણ ભાગમાં વહેંચી છે એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તેઓ કહે છે કે પ્રકૃતિ મારી યોનિ છે, હું એમાં ગર્ભ મૂકું છું અને એમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે.
હવે મૂળ પ્રકૃતિના વિકારથી સત્ત્વ, રજ અને તમ એમ ત્રણ ગુણો ઉત્પન્ન થાય છે. સત્ત્વગુણ નિર્મળ હોવાથી એ નિર્દોષ છે. એ જ્ઞાન અને સુખ વડે જીવને બાંધે છે. રજોગુણ ઇચ્છા અને આસક્તિથી ઉત્પન્ન થાય છે. એ કર્મ વડે જીવને બાંધે છે. તમોગુણ મોહ અને અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. એ આળસ અને નિદ્રા વડે જીવને બાંધે છે.
સત્ત્વગુણ વધવાથી જ્ઞાન અને વિવેક વધે છે, રજોગુણ વધવાથી લોભ વધે છે અને ભોગની ઇચ્છા થાય છે; જ્યારે તમોગુણ વધવાથી અજ્ઞાન, નિષ્ક્રિયતા, આળસ અને મોહ ઉત્પન્ન થાય છે.
ક્રિકેટની રમતમાં ગમે એટલો સારો બૅટ્સમૅન હોય, વિરોધી ટીમના બોલરો તેને આઉટ કરવા તત્પર હોય છે એ જ રીતે સત્ત્વગુણી અર્થાત્ સદ્ગુણી (જ્ઞાની) રાજકર્તાને આઉટ કરવા તમોપ્રધાન (અજ્ઞાની) વિરોધીઓ ટાંપીને જ બેઠા હોય છે. રામના યુગમાં રાવણ હતો તો કૃષ્ણના યુગમાં કંસ, જરાસંધ અને શિશુપાલ જેવા વિરોધીઓ હતા. આજના યુગમાં પણ શાસક પક્ષને હંફાવવા વિરોધ પક્ષો તૈયાર જ બેઠા હોય છે. લોકશાહીમાં વિરોધ પક્ષ હોવો જરૂરી છે; પણ એ વિરોધ પક્ષ તમોગુણી, નિષ્ક્રિય અને ભ્રષ્ટાચારના માર્ગે ઓછી મહેનત કરી, આળસુ રહીને કાર્ય કરે તો પ્રજા ત્રાહિમામ્ પોકારી ઊઠે. જે લોકો સત્ત્વગુણી, મહેનતુ, જ્ઞાની અને અભ્રષ્ટ હોય એવા લોકો આ તમોગુણીઓને ગમતા નથી. આથી જ સત્ત્વગુણી દેવો અને તમોગુણી રાક્ષસો વચ્ચે યુગો-યુગોથી ગજગ્રાહ ચાલ્યા કરે છે. આ જાતનું યુદ્ધ પરમાત્મા માટે તો એક રમત સમાન છે. જેમ રમતમાં બે વિરોધી ટીમો ઊતરે અને એકમેકને હંફાવે એમ જિંદગીની રમતમાં આ ત્રણે પ્રકારના મનુષ્યો અંદરોઅંદર લડતા રહે છે .
આ જ અધ્યાયમાં શ્રીકૃષ્ણે એમ પણ કહ્યું છે કે સત્ત્વગુણી વ્યક્તિ મરણ બાદ સ્વર્ગમાં (સુખ અને વૈભવ)માં રાચે છે, રજોગુણી અર્થાત્ મધ્યમમાર્ગી વ્યક્તિ ફરી મનુષ્યલોક (પૃથ્વી) પામે છે અને તમોગુણી નર્ક (પીડા અને યાતના) ભોગવે છે. આ બધાને જન્મ-મરવાનાં બંધન ભોગવવાં જ પડે છે, પરંતુ જે વ્યક્તિ આ ત્રણે પ્રકારની રમત અને મમત છોડી દે છે તે મોકળી થઈ જાય છે.
ગીતામાં શ્રીકૃષ્ણે આવી વ્યક્તિને ગુણાતીત અર્થાત્ ત્રણે પ્રકારના ગુણોથી પર કહી છે. તેઓ કહે છે કે આવી વ્યક્તિ પછી મારામાં ભળી જાય છે.
(યાદ કરો કૃષ્ણનું વિરાટ સ્વરૂપ)
તેમને જન્મ-વ્યાધિ-મૃત્યુમાંથી મુક્તિ મળી જાય છે અને મોક્ષને પ્રાપ્ત થાય છે.
આ રમત પરથી આજના યુગમાં પદાર્થપાઠ લેવો હોય તો એટલો લઈ શકાય કે રામ અને કૃષ્ણની જેમ કોઈ સત્ત્વગુણી નેતા સત્તા પર બેઠો હોય તેને પણ અન્ય વિરોધીઓ દ્વારા મુસીબતો તો આવવાની જ. દેવો અને રાક્ષસો દરેક યુગમાં હોય છે. ક્રિકેટની રમતની જેમ આ એક ધરતીના પટ પર ખેલાતો મોટામાં મોટો ખેલ છે.
પરમાત્મા ચાહે છે કે આપણે આ ખેલને ઉત્કૃષ્ટ રીતે રમીએ અને સત્ત્વગુણી બની રજોગુણ તેમ જ તમોગુણ પર વિજય પ્રાપ્ત કરીએ. આ વિજયપ્રાપ્તિનો માર્ગ સરળ નથી. રસ્તામાં કેટલાંય પ્રલોભનો, લાલચ, દબાણ અને ધમકી મળતાં રહેતાં હોય છે. સત્ત્વગુણી સંત કક્ષાનો રાજવી જ આવા કાંટાળા માર્ગને પસાર કરીને પ્રજાકીય અને રાષ્ટ્રહિતનાં કાર્યો કરે છે.
આજકાલ વિપક્ષી નેતાઓ બૂમબરાડા પાડે છે કે ભગવાધારી સંન્યાસીઓએ રાજકારણમાં ન આવવું જોઈએ, પરંતુ તેમને કોણ સમજાવે કે એક સત્ત્વગુણી સંન્યાસી જ રાષ્ટ્રની નિ:સ્વાર્થ અને પરમાર્થ થકી પ્રજાની સેવા કરી શકે છે. મોટા ભાગના ગૃહસ્થો તો રજોગુણી અને તમોગુણના મિશ્રણસમા હોય છે. તેઓ મોહમાયા, લાલચ અને ભયથી પ્રભાવિત થઈ શકે છે. ભૂતકાળમાં પરશુરામ, ઋષિ વશિષ્ઠ, વિશ્વામિત્ર, ચાણક્ય અને સ્વામી રામદાસ જેવા અનેક ભગવાધારીઓએ સત્તા હાથમાં લીધી છે અથવા સત્ત્વગુણની ઝલક જેમાં દેખાઈ હોય એવા રાજવીઓનું માર્ગદર્શન કર્યું જ છે. અનેક રાજાઓના દરબારમાં તેમણે નીમેલા રાજર્ષિ (રાજ્યના ઋષિ) સલાહકાર તરીકે સિંહાસન શોભાવતા.
ભારતના સત્ત્વગુણી નેતાઓ જો પોતાના જ્ઞાન અને વિવેકથી પ્રજાવત્સલ કામ નીડરતાપૂર્વક કરે તો પછી જનતાને કોઈ ફરક પડતો નથી કે તેમના નેતાએ કપડાં કેવાં પહેર્યાં છે : શ્વેત, રંગીન કે પછી ભગવાં.
(ક્રમશઃ)