કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૧૯: સર્વના પિતા એવા જ્ઞાનપુરુષ અને વિજ્ઞાનપુરુષ શ્રીકૃષ્ણ

20 December, 2024 09:26 AM IST  |  Mumbai | Mukesh Pandya

શ્રીકૃષ્ણે જે જ્ઞાનની ઊંચાઈ હાંસલ કરી છે ત્યાંથી દરેક મનુષ્ય તેમના માટે એકસમાન હોય. કોઈ ઊંચનીચનો ભેદભાવ તેમના સ્તર પરથી તેમને પોસાય જ નહીં

શ્રીકૃષ્ણની તસવીર

અત્યાર સુધીનાં ઘણાં પ્રકરણોમાં આપણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણે નથી જાતિભેદ કર્યો, નથી રંગભેદ કર્યો. પોતાને પસંદ હોય એ સ્વરૂપે પરમ શક્તિને પામવાની છૂટ આપી છે, પસંદ હોય એ પૂજા-પદ્ધતિ પાળવાની છૂટ આપી છે. કોઈ મનુષ્ય આસ્તિક હોય કે નાસ્તિક, ભગવાનની નજરે બધા જ સરખા છે.

આપણે જમીન પર ઊભા રહીને જોઈએ તો કોઈ પહાડ ઊંચો કે નીચો દેખાઈ શકે, કોઈ મકાન મોટું કે નાનું દેખાઈ શકે, કોઈ વૃક્ષ લાંબું કે ટૂંકું દેખાઈ શકે; પરંતુ વિમાનમાંથી આપણને બધી ચીજવસ્તુઓ એકસરખી જ લાગે. શ્રીકૃષ્ણે જે જ્ઞાનની ઊંચાઈ હાંસલ કરી છે ત્યાંથી દરેક મનુષ્ય તેમના માટે એકસમાન હોય. કોઈ ઊંચનીચનો ભેદભાવ તેમના સ્તર પરથી તેમને પોસાય જ નહીં. ભગવદ્ગીતામાં કૃષ્ણ એમ પણ કહે છે કે દરેક પ્રાણીના આત્મામાં મારા જ ચૈતન્યનો અંશ ધબકે છે. પોતાનો જ અંશ દરેક મનુષ્યમાં છે એવું માનનારા કોને ઊંચા માને અને કોને નીચા માને? આ ઊંચનીચના ભેદભાવ, રંગના ભેદ, ધર્મના ભેદ સ્વાર્થી માણસોએ કર્યા છે. ભગવાનને ત્યાં આવા કોઈ ભેદભાવ નથી. શ્રીકૃષ્ણના પરમ ભક્ત અને ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા તો જેટલા ભાવથી બ્રાહ્મણોને ત્યાં ભજન કરવા જતા એટલા જ સ્નેહથી હરિજનોને ત્યાં પણ રમઝટ બોલાવવા જતા.

અત્યારે કેટલાક પક્ષો પોતાના સ્વાર્થ ખાતર જાતિઆધારિત વસ્તીગણતરી કરાવવાની માગણી કરી રહ્યા છે. તેમણે જાતિભેદ બાબતે હિન્દુ ધર્મને બદનામ કરવાની એકેય તક છોડી નથી. તેઓ સનાતની હિન્દુઓને જાતિવાદના ચક્કરમાં ફસાવીને તેમની સામૂહિક શક્તિને વેરવિખેર કરવાની નેમ રાખે છે. અંગ્રેજોની ડિવાઇડ ઍન્ડ રૂલની વર્ષો પુરાણી ફૉર્મ્યુલા તેઓ વારસાગત રીતે આગળ વધારી રહ્યા છે. અનેકતામાં એકતાનું દર્શન કરાવતા કૃષ્ણનું ચારિત્ર્ય આ સ્વાર્થી રાજકારણીઓએ અવશ્ય વાંચવું જોઈએ. જો તેમને કૃષ્ણનું અગાધ જ્ઞાન અને ચારિત્ર્ય વાંચવાનો સમય ન હોય તો આ માગશર મહિનામાં કમસે કમ ભગવદ્ગીતાનો એક-એક અધ્યાય જરૂર વાંચવો જોઈએ .

ભગવદ્ગીતાના ચૌદમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં અર્જુનને ભારતના નામે જ સંબોધીને કહે છે, ‘હે ભારત! મારી અવ્યક્ત પ્રકૃતિ સર્વ ભૂતોની યોનિ અર્થાત્ ઉત્પત્તિસ્થાન છે. એમાં હું ચૈતન્યના અંશરૂપ ગર્ભનું સ્થાપન કરું છું. હે કુંતીપુત્ર! સર્વ યોનિઓમાં જે શરીરો ઉત્પન્ન થાય છે એમનું ઉત્પત્તિસ્થાન મહદબ્રહ્મ પ્રકૃતિ છે અને હું એમાં ચેતનના અંશરૂપ બીજ સ્થાપન કરનાર સર્વનો પિતા છું.’

ભૂતપૂર્વ રશિયન કમાન્ડો ઑફિસર જેમણે હાલ વૃંદાવનને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું છે તેઓ કહે છે કે બાળપણમાં હું ખ્રિસ્તી હોવાના નાતે ચર્ચમાં જતો ત્યારે ઈશુ ખ્રિસ્તનું વાક્ય મારે કાને પડતું કે ફાધર, તેમને માફ કરો, એ લોકો શું કરી રહ્યા છે એનું તેમને ભાન નથી.

જીઝસના ફાધર અને તેમના પણ ફાધર મને કૃષ્ણમાં દેખાઈ રહ્યા છે. વિશ્વમાં કોઈ એવો દેશ નથી જ્યાંની પ્રજા શ્રીકૃષ્ણથી અને તેમના મુખેથી ગવાયેલી ગીતાથી પ્રભાવિત ન થઈ હોય. ફક્ત ભારતમાં જ ઘર કી મુર્ગી દાલ બરાબર એવી ગીતાની હાલત થઈ છે. સ્કૂલ-કૉલેજમાં ગીતાજ્ઞાન ભણાવવામાં આવે તો અમુક કહેવાતા સેક્યુલરોનાં ભવાં ઊંચકાઈ જાય છે. જો વિદ્યામંદિરોમાં ન શીખવાડી શકાય તો દરેક સમાજે કે જ્ઞાતિઓએ તેમના યુવા ધનને ભગવદ્ગીતાના પાઠ શીખવવાની વ્યવસ્થા કરવી જોઈએ. દુનિયાના મહાન વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો હજી ઍનૅટૉમી (શરીરવિજ્ઞાન) વિષય હેઠળ માણસના હાડચામના બનેલા શરીરને ચૂંથી રહ્યા છે, આત્માનું સંશોધન કરી રહ્યા છે ત્યાં શ્રીકૃષ્ણે શરીર અને આત્માનો તેમ જ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ ખૂબીપૂર્વક સમજાવ્યો છે. આજના ડૉક્ટરો શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી એને જીવંત કરી શકતા નથી, પરંતુ પરમાત્મા શ્રીકૃષ્ણે દ્રૌપદીનાં મૃત સંતાનોને જીવંત કરી બતાવ્યાં હતાં. આ કોઈ ચમત્કાર નહીં પણ ૧૬ વિદ્યા અને ૬૪ કળાઓના જાણકાર કૃષ્ણના જ્ઞાનનો સમાજના હિત માટેનો પરિપાક હતો, આ કોઈ મિરૅકલ નહીં પણ કૃષ્ણે શીખેલું એ વિજ્ઞાન હતું જ્યાં સુધી આજનું સાયન્સ હજી પહોંચ્યું નથી.

(ક્રમશઃ)

culture news life and style columnists