કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૧૮: શ્રીકૃષ્ણએ ઉપાસના પદ્ધતિમાં પણ આપણને ચૉઇસ આપી છે

19 December, 2024 10:43 AM IST  |  Mumbai | Mukesh Pandya

જેમ તમને ઈશ્વરના કોઈ પણ સ્વરૂપને પૂજવાની છૂટ છે એ જ રીતે પૂજાપદ્ધતિ અર્થાત્ ઉપાસના પદ્ધતિમાં પણ શ્રીકૃષ્ણ આપણને ચૉઇસ આપે છે

શ્રીકૃષ્ણની તસવીર

ગઈ કાલે આપણે જોયું કે ઈશ્વરના કોઈ પણ રૂપની ઉપાસના કરીને પરમ પદની પ્રાપ્તિ કરી શકાય છે એ શ્રીકૃષ્ણએ ભગવદ્ગીતામાં દૃષ્ટાંત સહિત સમજાવ્યું છે. અનેકતામાં એકતા એ સનાતન ધર્મની દેન છે. જેમ તમને ઈશ્વરના કોઈ પણ સ્વરૂપને પૂજવાની છૂટ છે એ જ રીતે પૂજાપદ્ધતિ અર્થાત્ ઉપાસના પદ્ધતિમાં પણ શ્રીકૃષ્ણ આપણને ચૉઇસ આપે છે. ગીતાના સાતમા અધ્યાયથી અગિયારમા અધ્યાય સુધી તેમણે સગુણ સાકાર પરમાત્માની ઉપાસનાનું મહત્ત્વ બતાવ્યું છે તો પાંચમા, છઠ્ઠા અને આઠમા અધ્યાયના અમુક શ્લોકોમાં તેમણે નિર્ગુણ નિરાકારની ઉપાસનાનું મહત્ત્વ પણ બતાવ્યું છે.

જોકે આ બે પૂજાપદ્ધતિમાં કઈ શ્રેષ્ઠ એવો પ્રશ્ન આપણને સહેજેય થાય. આવો જ પ્રશ્ન અર્જુનને પણ થયો હતો. ૧૨મા અધ્યાય ‘ભક્તિ યોગ’ના પ્રથમ શ્લોકમાં જ અર્જુન શ્રીકૃષ્ણને જિજ્ઞાસાવશ પૂછી જ લે છે કે ‘પ્રભુ, જેઓ આપને સગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપના અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગવેત્તા કોણ?’

શ્રીકૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે ‘જે લોકો મારા નિર્ગુણ નિરાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે, પરંતુ અવ્યક્ત અર્થાત્ અદૃશ્ય નિર્ગુણ સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને કષ્ટ અર્થાત્ મુશ્કેલીઓ વધુ રહે છે, કારણ કે મનુષ્ય જેવા શરીરધારીઓથી નિરાકારની ગતિ મુશ્કેલીથી મેળવાય છે.’

અહીં શ્રીકૃષ્ણ એ સમજાવે છે કે નિરાકારની પૂજા અર્થાત્ ધ્યાનપૂજા એ સાકારની પૂજા અર્થાત્ મૂર્તિપૂજા કરતાં વધુ અઘરી છે.

વાત તો સાચી છે. નિરાકારની પૂજામાં કોઈ એક વિચારને પકડી શકાતો નથી. એકાગ્રતા રહેતી નથી. આ ઉપાસનાને ધ્યાનપૂજા પણ કહેવાય છે જેમાં કોઈ મૂર્તિની પૂજા ન હોય. ફક્ત વિચારોની હારમાળા રોકીને પરમનો તાગ મેળવવાનો હોય. આ પદ્ધતિ અઘરી છે. કોઈ યોગી, ત્યાગી કે જ્ઞાની પુરુષ જ આ પદ્ધતિને સમજીને આચરી શકે છે, પરંતુ સંસારીજનો માટે તો સગુણ સાકાર સ્વરૂપ અર્થાત્ મૂર્તિપૂજા જ ઉત્તમ વિકલ્પ છે. અગાઉના સમયમાં જ્ઞાની ઋષિમુનિઓ અને તપસ્વી સાધુ-સંતો વનમાં ધ્યાન (મેડિટેશન) કે તપકર્મ કરીને નિરાકાર ઈશ્વરને પ્રસન્ન કરી શકતા હતા. પણ સમાજની વચ્ચે ગામ કે નગરમાં રહેતા અબુધ અજ્ઞાની સંસારીઓ માટે તો માટી કે પથ્થરની મૂર્તિ જ શ્રદ્ધાથી પૂજા કરવાનું એક માધ્યમ હતું. આ જ કારણસર ભારતમાં ગામડે-ગામડે મંદિરો નિર્માણ પામ્યાં. મૂર્તિપૂજા થવા માંડી. મંદિર સંસારી મહિલા-પુરુષો માટે એક એવું સ્થળ હતું જ્યાં સંન્યાસ લીધા વગર કે વનમાં ગયા વગર અભણમાં અભણ માનવી પણ મૂર્તિપૂજા કરીને ઈશ્વરની સમીપ હોવાનો આનંદ માણી શકતો હતો. મંદિરોમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા થતી અર્થાત્ વિશ્વની ઈશ્વરીય ઊર્જાને મૂર્તિમાં કાયમી વસવાટ માટે આમંત્રણ અપાતું.

ભક્તજનો પણ અહીં એ આસ્થાથી આવતા કે અમારી સુખદુઃખની વાતો આ મૂર્તિઓ સાંભળશે અને અમને સહાય કરશે. અમારું માર્ગદર્શન કરશે.

મંદિરમાં પ્રવેશી ભક્તો ઘંટારવના ધ્વનિમાં, પ્રાર્થનાપૂજા અર્થે ઉચ્ચારવામાં આવતા શ્લોકો અને ધૂપદીપના તેજસ્વી સુગંધિત પવિત્ર વાતાવરણમાં એવા તો મગ્ન થતા કે ઘડીભર તો ઘરબાર કે સંસારને ભૂલી જઈને ભગવાનના સ્વરૂપમાં ખોવાઈ જતા. આપણી મોટા ભાગની પ્રાર્થના, સ્તુતિ વચનો અને શ્લોકોમાં ભગવાનની મૂર્તિ, તેમનાં રૂપરંગ, તેમનાં અંગઉપાંગ અને તેમનાં વસ્ત્રો તેમ જ તેમણે ધારણ કરેલાં શસ્ત્રોની પ્રશંસા કરીને તેમને રીઝવતા મંત્રો જ છે. મૂર્તિને સ્નાન કરાવવાથી માંડીને તેમનો સાજ-શણગાર અને ભોજન-શયનની વ્યવસ્થામાં ભક્તોનું ધ્યાન કેન્દ્રિત રહે એ પણ એક પ્રકારની ધ્યાનપૂજા જ છે. મતલબ કે મૂર્તિપૂજા અને ધ્યાનપૂજા એ કંઈ અલગ નથી, પરંતુ એકબીજાનાં પૂરક છે. મૂર્તિપૂજા એ ધ્યાનપૂજા સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું કહી શકાય.

જેમ નાના બાળકને શીખવાડવા માટે મોટાં-મોટાં ચિત્રોનો ઉપયોગ થાય છે પછી એ જેમ-જેમ સમજણો થતો જાય એમ ચિત્રો ઓછાં અને અક્ષરજ્ઞાન વધતું જાય છે એમ શરૂઆતમાં ભક્તોને મૂર્તિનું સ્વરૂપ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આવશ્યક છે, પણ પછી એક સમય એવો પણ આવે કે એ મૂર્તિ વગર પણ સહજ રીતે ધ્યાન અવસ્થામાં સરી શકે છે. આવા ભક્તો માટે પછી મૂર્તિપૂજાનું આલંબન જરૂરી નથી. જોકે આવો ધ્યાનયોગ લાખોએ એક જણ કરી શકતો હશે, બાકીના લોકો માટે તો મૂર્તિનું સાકાર સ્વરૂપ જ શ્રદ્ધેય હતું, છે અને રહેશે. આથી જ જ્યારે ભૂતકાળમાં વિદેશીઓ દ્વારા મંદિરો કે મૂર્તિઓને તોડવામાં આવતાં એ તેમને તેમની આસ્થા પરના ઘા જેવો લાગતો.

ધ્યાનપૂજા હોય કે મૂર્તિપૂજા બન્ને અંતે તો એક જ જગ્યાએ પહોંચે છે. બન્નેની જરૂર છે. દરેક લોકો પોતાની શક્તિ, ક્ષમતા, અભ્યાસ, જ્ઞાન અને રુચિ પ્રમાણે પોતાની પૂજાપદ્ધતિ નક્કી કરી શકે છે અને વહેલામોડા પરમ શક્તિ (ઈશ્વર)ને પ્રાપ્ત કરી શકે છે. આમ શ્રીકૃષ્ણ ગીતાના ઉપદેશ દ્વારા ઉપાસના પદ્ધતિ માટે ભક્તોને પૂરતી પસંદગીનો અવકાશ આપે છે. ક્યાંય કશી જબરદસ્તી નથી.

(ક્રમશઃ)

culture news life and style columnists exclusive