18 December, 2024 10:37 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
મોરમુકુટ અર્થાત્ જેમણે પોતાના મુગટમાં મોરનું પીંછું ધારણ કર્યું છે એ ભગવાન શ્રીકૃષ્ણ. અનેક રંગોને એક પીંછામાં સમાવતું મોરપિચ્છ તેમને ગમે એ સ્વાભાવિક છે. તેઓ ‘અનેકતામાં એકતા’ના સૂત્રમાં માને છે.
સનાતન ધર્મમાં અનેક જાતનાં દેવ-દેવીઓની પૂજાની પરંપરા ચાલી આવે છે ત્યારે અન્ય સંપ્રદાયના લોકો મજાક પણ કરી લેતા હોય છે કે અમારે તો એક જ ઈશ્વર હોય, પણ તમારે તો અનેક ભગવાન હોય છે. ઘણી વાર સનાતનીઓને પણ મૂંઝવણ થાય કે કોને ભજવા અને કોને ન ભજવા. ભૂતકાળમાં સનાતન ધર્મમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના અનુયાયીઓ હતા; શિવમાર્ગી અર્થાત્ ભગવાન શંકરના ઉપાસકો, વૈષ્ણવમાર્ગી અર્થાત્ ભગવાન વિષ્ણુના ઉપાસકો અને શક્તિમાર્ગી અર્થાત્ શક્તિરૂપી દેવીઓના ઉપાસકો.
કાળક્રમે શિવના અનેક અવતારો, ભૈરવો અને હનુમાન તેમ જ શંકરપુત્ર ગણપતિ પૂજાવા લાગ્યા. વિષ્ણુના અવતાર એવા રામ અને કૃષ્ણ પણ પૂજાવા લાગ્યા. મા અંબા અને લક્ષ્મીદેવી પણ પૂજાવા લાગ્યાં.
આ ઉપરાંત પ્રકૃતિદત્ત સૂર્ય, ચંદ્ર, ગ્રહો, ઇન્દ્ર, અગ્નિ અને વાયુ સહિત અનેક દેવો પણ પૂજાય છે. નવી પેઢી પણ મૂંઝવણમાં પડી જાય કે આટલા બધા ભગવાન? પરંતુ અહીં જ યુવાનોના દરેક પ્રશ્નોના ઉત્તર આપતી શ્રીકૃષ્ણના મુખેથી ગવાયેલી ભગવદ્ગીતા કામ આવી જાય છે. ભગવાન ગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુનને દિવ્ય ચક્ષુ આપીને પોતાના વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવે છે એમાં સર્વ દેવ-દેવીઓ ઉપરાંત ભગવાન બ્રહ્મા અને શંકરનાં તો દર્શન થાય જ છે, ઉપરાંત અનેક ઋષિઓનાં પણ દર્શન થાય છે. આવાં અનંત મુખો, અનેક બાહુ સહિત અનેક શરી૨ આ વિરાટ સ્વરૂપમાં દેખાય છે એનાથી બે વાત ફલિત થાય છે કે આપણે જો આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખીને નિષ્કામ કર્મ કે ભક્તિ કરીએ તો આપણે પણ કાળક્રમે આ વિરાટ સ્વરૂપમાં ભળી શકીએ એમ છીએ. આ જ ખરી લોકશાહી છે જેમાં પામર મનુષ્ય પણ મહેનત કરીને પરમ પદ પર પહોંચી શકે છે. ભગવદ્ગીતામાં તેઓ જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ વગેરે અનેક યોગ વિશે વિસ્તારપૂર્વક જણાવે છે અને અંતે કહે છે કે આમાંથી કોઈ પણ માર્ગ નિ:સ્વાર્થ ભાવે અપનાવીને જીવાત્મા પરમાત્મા બની શકે છે. આમ અનેક માર્ગ એક જ મંજિલ સુધી સુધી લઈ જાય છે. અર્થાત્ અનેકતામાં એકતા એ સનાતન ધર્મની ખામી નહીં, પણ ખૂબી છે જેમાં લોકો પોતાની પસંદગી અને ક્ષમતા અનુસાર ભગવદ્પ્રાપ્તિનો અનુકૂળ માર્ગ પકડી શકે છે.
વ્યક્તિ પોતે જે ચાહે એ વિભૂતિની ભક્તિ-પૂજા-અર્ચના કરે એ અંતે તો મને જ પહોંચે છે એમ શ્રીકૃષ્ણ સ્વયં અર્જુનને કહે છે.
ભગવદ્ગીતાના દસમા અધ્યાયના ૪૧મા અને ૪૨મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે જે-જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય એ મારા તેજના અંશથી જ ઊપજેલી છે. હું એક અંશ માત્રથી સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું.
નવમા અધ્યાયના ત્રેવીસમા શ્લોકમાં તેઓ કહે છે કે જે ભક્તો શ્રદ્ધાથી યુક્ત થઈ અન્ય દેવતાઓને પૂજે છે તેઓ અંતે તો મને જ પૂજે છે. જેઓ જે રૂપમાં ઈશ્વરને ભજે છે એ જ રૂપમાં હું પ્રગટ થાઉં છું. દેવોનું વ્રત કરનારા દેવોને, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને, ભૂતોને પૂજનારા ભૂતોને અને મને પૂજનારા મને પામે છે. ભગવાન શંકરને પ્રેમપૂર્વક ભજનારા શંકરના રૂપમાં, તો રામની શ્રદ્ધાયુક્ત ભક્તિ કરનારા રામનાં દર્શન કરી શકે છે.
આમ દેખીતી રીતે ભલે આપણે આપણા અલગ-અલગ આરાધ્યદેવ કે ઈષ્ટદેવને પૂજીએ અને તેમને પ્રસન્ન કરીએ, પણ અંતે તો એ પરમાત્માને જ પહોંચે છે. કોઈને મુંબઈથી અમદાવાદ જવું હોય તો બધા પોતપોતાની રુચિ, ક્ષમતા, અનુકુળતા અને બજેટ પ્રમાણે પ્રવાસ કરે છે. કોઈ બસમાં પ્રવાસ કરે છે. જેને બસ માફક ન આવતી હોય તે પોતાની કાર કે ટ્રેનમાં પ્રવાસ કરે છે. વળી કોઈ હવાઈ માર્ગે પણ પ્રવાસ કરે છે. આ બધાના માર્ગ ભલે જુદા હોય, પણ અંતે તો વહેલા-મોડા તેઓ અમદાવાદ જ પહોંચે છે. તમને જે ભગવાનમાં આસ્થા હોય તેમને ભજીને વહેલા-મોડા આ જન્મમાં કે બીજા જન્મમાં પરમ પદ સુધી પહોંચી શકો છો.
અનેક ઈશ્વરવાદ એ મૂંઝવણ નહીં પણ પસંદગીનો અવકાશ (ચૉઇસ) મળી રહે એવી વ્યવસ્થા છે. તમે ચાહે એ માર્ગ પકડી શકો છો. વળી આ માર્ગોમાં કોઈ મોટા બજેટ કે ખર્ચ પણ નથી. નવમા અધ્યાયના છવ્વીસમા અધ્યાયમાં કૃષ્ણ કહે છે કે ‘જે મને પત્ર (પાન), પુષ્પ, ફળ કે જળ ભક્તિપૂર્વક અર્પણ કરે છે એ શુદ્ધ ચિત્તવાળાનું આપેલું હું સહર્ષ સ્વીકારું છું. અહીં ધન કે દ્રવ્યો મહત્ત્વનાં નથી, પણ ભક્તનો ભાવ મહત્ત્વનો છે.
આમ સનાતન ધર્મ સર્વોચ્ચ પદ પામવા માટે વિવિધ રસ્તાઓ ઑફર કરે છે અને એ પણ સૌને પોસાય એવા બજેટમાં.
વિવિધતામાં એકતા એ જ આ દેશની સંસ્કૃતિ છે, તાકાત છે, શક્તિ છે.
(ક્રમશઃ)