16 December, 2024 12:28 PM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
સનાતન ધર્મના રક્ષક એવા શ્રીકૃષ્ણ લોકશાહીના ચાહક અને સમર્થક પણ છે. લોકશાહીમાં જેમ પ્રજામાંથી કોઈ વ્યક્તિ રાજા બની શકે છે એમ તેઓ ગીતા દ્વારા આપણને એ પણ સમજાવે છે કે પામર મનુષ્ય પણ પરમાત્મા બની શકે છે, ભક્ત પણ ભગવાન બની શકે છે. આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ કે અન્યાય નથી. જીવાત્મા અંગત સ્વાર્થ વિના જીવે તથા ત૫, વ્રત અને યજ્ઞકાર્ય કરે. શરીરની ઇન્દ્રિયોના ગુલામ બન્યા વગર ઇન્દ્રિયોને ગુલામ બનાવીને રાખે. કામ, ક્રોધ, મોહ, લોભ, અહંકાર, આળસ પર કાબૂ રાખે તથા મન, વાણી અને વર્તન ૫૨ સંયમ રાખે. પોતે દુખી થઈને પણ અન્યને સુખી રાખવા મચી પડે એ દરેક વ્યક્તિ પરમ પદ પામવાને હકદાર છે. આવો આત્મા પછી કર્મથી બંધાતો નથી. જે કર્મથી બંધાય છે તેણે વારંવાર જન્મ લેવો પડે છે, બીમારી ભોગવવી પડે છે, મૃત્યુ પામવું પડે છે; પણ જેણે નિ:સ્વાર્થ અને નિષ્કામ કર્મો કર્યાં છે, જેણે કર્મો કર્યાં છે પણ ફળની લાલચ રાખી નથી એ કોઈ પણ વ્યક્તિ ભગવાન બની શકે છે.
શ્રીકૃષ્ણનું વિરાટ સ્વરૂપ આવા શુદ્ધ આત્માઓનું મિલન છે જે પરમાત્મામાં ભળીને આ સ્વરૂપને વધુ વિશાળ બનાવે છે.
માનવ જો કાયમ એવું વિચારતો હોય કે માણસ માણસ જ છે અને ભગવાન ભગવાન છે, એ ચમત્કાર કરી શકે છે, માણસ તો ક્યારેય એવું કરી શકે નહીં, માણસે તો ભગવાનનો આદેશ જ માનવાનો તો શ્રીકૃષ્ણ એ વિચારોનો છેદ ઉડાવી દે છે. આખી ગીતાનો ઉપદેશ સંભળાવ્યા પછી, રણમાં યુદ્ધ કરવાથી માંડીને મોક્ષ પામવાના તમામ રસ્તાઓ બતાવ્યા પછી પણ કૃષ્ણ અર્જુનને ફોર્સ નથી કરતા કે મેં કહ્યું એમ જ કરવાનું. તે તો ઊલટાનું એમ કહે છે કે મેં તો માત્ર માહિતી આપી, જ્ઞાન આપ્યું; હવે તું તારી રીતે વિચારીને, તારી વિવેકબુદ્ધિ વાપરીને તારી રીતે કર્મ કરવાને સ્વતંત્ર છે.
બીજા ધર્મોમાં તો તેમનાં ધર્મપુસ્તકોમાં લખ્યું છે એ પ્રમાણે જ વર્તન કરવાનો આદેશ છે, પણ વિશ્વના સૌથી જૂના ધર્મપુસ્તક ‘ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ પોતે સ્પષ્ટ કહે છે કે મેં જે કહ્યું છે એ પછી તમારે કેવી રીતે જીવવું અને કેવાં કર્મો કરવાં એનો અબાધિત અધિકાર તમને ને માત્ર તમને જ છે, કોઈ જબરદસ્તી નથી કે મારું કહ્યું જ કરવું. વળી તેઓ એમ પણ કહે છે કે કર્મ કરવું એ તમારો અધિકાર છે, પણ પછી એનું ફળ એ તમારો અધિકાર નથી. નિયતિ એ ફળ આપશે. બધાએ પોતપોતાના કર્મ પ્રમાણે સારાં-નરસાં ફળ ભોગવવાં પડશે. અરે, કૃષ્ણ સુધ્ધાં જેમણે માનવ તરીકે જન્મ લઈને જે કર્મો કર્યાં કે કરવાં પડ્યાં એનાં ફળ ભોગવ્યાં છે. મહાભારતમાં કૌરવોનો નાશ કરવામાં કૃષ્ણ જ નિમિત્ત છે એમ માનીને ગાંધારી તેમને શ્રાપ આપે છે એ શ્રાપને રાજા કૃષ્ણ આદરપૂર્વક માથે ચડાવે છે. પામર મનુષ્ય હોય કે શક્તિશાળી નેતા, દરેક જણે પોતાનાં કર્મો તો ન્યાયિક રીતે ભોગવવાં જ પડશે એવો સંકેત કૃષ્ણ આપે છે.
લોકશાહીના સમર્થક એેવા કૃષ્ણ પ્રજાવત્સલ પણ છે. ગરીબ પ્રજાને પૂરતું પોષણ મળે એટલા માટે માખણ ચોરે છે અને વહેંચે છે. ગોકુળની પ્રજાને કંસ અને ચાણૂર જેવા નિર્દયીઓથી બચાવવા નાની ઉંમરમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે. નાગના દમનથી પ્રજાને છોડાવવા યમુનામાં ઝંપલાવે છે. ઇન્દ્રના વરસાદી આક્રમણથી પ્રજાને બચાવવા ગોવર્ધન લીલા કરે છે. પોતાની પ્રજાને વારંવારની લડાઈ અને એનાથી ભોગવવી પડતી હાલાકીથી બચાવવા પૂરી પ્રજાને સાથે લઈને અન્યત્ર વસાવે છે. અરે, મહાભારતના યુદ્ધમાં નાના સૈનિકોનો કચ્ચરઘાણ વળી રહ્યો છે એ જોવાતો નથી અને શસ્ત્ર ઉઠાવીને પોતાની પ્રતિજ્ઞા તોડવા પણ તૈયાર જઈ જાય છે. પ્રજાનું સુખ જ મારું સુખ એવું માનનારા શ્રીકૃષ્ણ પશુ-પંખીઓની પણ એટલી જ દરકાર રાખે છે. ગાયો અને ઘોડાઓની માવજત એવી રીતે કરે છે જાણે એ પશુ નહીં પણ તેમના મિત્ર હોય. વૃદ્ધ ગાયો અને ઘોડાઓને આજના માલિકોની જેમ છોડી નથી દેતા કે કસાઈવાડે નથી મોકલતા; પણ દ્વારિકાનો રાજા પોતે તેમની સેવા કરે છે, સંભાળ રાખે છે.
આવા લોકશાહીના સમર્થક, પ્રજાવત્સલ અને પશુપ્રેમી પૂર્ણ પુરુષોત્તમને આજે પૂર્ણિમાના પર્વે પૂર્ણરૂપે પ્રણામ.
(ક્રમશઃ)