12 December, 2024 10:47 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘ધર્મયુદ્ધ ક૨વામાં પાછીપાની ન કર. તારાં શસ્ત્રોથી જે પણ હણાશે તેમનાં શરીર જ મૃત્યુ પામશે, આત્મા તો અમ૨ છે. આત્માનો વિનાશ શક્ય જ નથી. કોઈ ભૌતિક વસ્તુ હોય તો એને કાપી શકાય, અવકાશ કે વાયુમાં ગમે એટલી તલવાર વીંઝો તોય એને કાપી ન શકાય. આત્મા અવકાશમાં ભળી જતી ઊર્જા સમાન છે. કોઈ ભૌતિક ચીજ કે દૃશ્યમાન શરીર કે વસ્તુઓને કે પ્રવાહી સુધ્ધાંને બાળી શકાય, પરંતુ આ આકાશમાં ફેલાયેલી ઊર્જાને કેવી રીતે બાળી શકાય?’
એ જ રીતે આત્માને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. આજના વિજ્ઞાને જે શક્તિ સંચયનો નિયમ આપ્યો છે એ પણ એમ જ કહે છે કે ઊર્જા અર્થાત્ શક્તિ ઉત્પન્ન કરી શકાતી નથી અને શક્તિનો નાશ પણ નથી કરી શકાતો. હા, શક્તિને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલી જરૂર શકાય છે. જેમ કે વિદ્યુતશક્તિનું ધ્વનિશક્તિ કે ગરમીશક્તિમાં રૂપાંતર કરી શકાય. વીજળીશક્તિનું રૂપાંતર ઇસ્ત્રી, અવન કે ગીઝરમાં ગરમીશક્તિરૂપે થાય છે. એ જ રીતે રેડિયોમાં વીજળીશક્તિનું રૂપાંતર ધ્વનિશક્તિના રૂપમાં થાય છે.
આત્મા પણ એવી શક્તિ છે જેનું જન્મ કે મરણ નથી. એ ફક્ત શરીર બદલ્યા કરે છે. આત્મારૂપે ઊર્જા શરીરમાંથી બહાર નીકળી જાય ત્યારે આપણી માલમિલકત, બંગલા, ગાડી અને સુંદર શરીર કોઈ પણ ભૌતિક ચીજો પોતાની સાથે નથી લઈ જતો. પછી એને કપાવાનો, બળવાનો કે કશુંક ગુમાવવાનો ડર પણ શાનો. આ અદૃશ્ય આત્મારૂપી ઊર્જા એણે કોઈના શરીરમાં રહી તેની પાસે જે કર્મો કરાવ્યાં હોય એ પ્રમાણે ગતિ કરે છે.
આવું બધું કહીને શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવી શકે છે કે સામેવાળાનાં નાશવંત શરીરો અને ચહેરા જોઈને મોહ ન પામવો અને સત્યને ખાતર કે ધર્મની રક્ષાને ખાતર તેમની સાથે યુદ્ધ કરવું પડે તો સંકોચ કરવો નહીં. કોઈ યોદ્ધો રણમેદાનમાં સક્રિય થાય પછી તે સામેવાળાનાં ઢીમ ઢાળી દે તો પણ કર્મના બંધનમાં બંધાતો નથી, તેને પા૫ લાગતું નથી. પોતાના હિત કે અંગત સ્વાર્થ માટે કોઈનું ખાનગી કાસળ કાઢીએ તેને હત્યા કહેવાય, પણ જે જવાનો રાષ્ટ્રના હિતમાં જાહેરમાં લડતાં-લડતાં દુશ્મનોને સ્વધામ પહોંચાડે એ હત્યા નહીં પણ વીરતા છે.
આત્મા વિશે આવું જ્ઞાન આપીને શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધકર્મ કરવા પ્રેરે છે. જ્ઞાનયોગની વાત કર્યા બાદ શ્રીકૃષ્ણ કર્મયોગની વાત પણ કરે છે. અર્જુન મૂંઝવણમાં હોય છે કે આવું કામ કરીશ તો આમ થશે અને તેવું કામ કરીશ તો તેમ થશે. આ સમયે યોગેશ્વર શ્રીકૃષ્ણ કહે છે, ‘માત્ર કામ કરવા પર જ ધ્યાન આપ, શું થશે એ કુદરત પર છોડી દે. તેં ક્ષાત્રધર્મ ધારણ કર્યો છે. તારું કર્મ અધર્મીઓ સામે લડવાનું છે. શું થશે? કોણ હણાશે? કોણ જીતશે? એ બધું વિચારવું છોડીને યુદ્ધકર્મમાં જોતરાઈ જા.’
હાર-જીત, સુખ-દુ:ખ, હર્ષ-શોક બધી જ અવસ્થામાં જે વિચલિત થયા વિના સ્થિર રહી શકે છે એ જ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. આવી સ્થિરતા કેવી રીતે મેળવાય એની ચર્ચા કરતાં શ્રીકૃષ્ણ કહે છે, ‘આપણે આપણી કામનાઓ (ઇચ્છાઓ) ત્યજી દેવી જોઈએ. ઇચ્છાઓ પૂર્ણ થાય તો વધુ મોટી ઇચ્છાઓ જાગૃત થાય છે અને પૂર્ણ ન થાય તો ક્રોધ આવે છે. ક્રોધ વધી જાય તો મૂઢતા આવે છે. મૂઢતા આવવાથી સ્મૃતિ ક્ષીણ થવા લાગે છે અને સારા-નરસાનું ભાન રહેતું નથી. આમ થવાથી ધીરે-ધીરે બુદ્ધિનો નાશ થવા લાગે છે અને બુદ્ધિનો નાશ થવાથી મનુષ્ય સંપૂર્ણ નાશ પામે છે.’
કેટલું સરસ સમજાવે છે. ઇચ્છાઓ અંતહીન છે. એમાં રચ્યાપચ્યા રહેવાથી પૂર્ણ થવાની નથી. એને કાબૂમાં રાખવી જ રહી. દુખના મૂળમાં જ ઇચ્છાઓ અને અપેક્ષાઓ છે. કોઈ પણ જાતની અપેક્ષાઓ અને એને ઉશ્કેરતી ઇન્દ્રિયોને વશ થયા વગર એમને વશમાં રાખવાની સહજતા આપણે પ્રાપ્ત કરી શકીએ તો મનની અશાંતિ દૂર થાય.
ક્યારેક વાંસળીવાદન અને રાસનૃત્ય દ્વારા પ્રેમરસ ઢોળનારો તો ક્યારેક તત્ત્વજ્ઞાન દ્વારા અર્જુન જેવા યોદ્ધાઓમાં વીરરસ ઠાલવતો આ મહાન અવતાર પૂર્ણાવતાર કેમ કહેવાય છે એ હવે ખબર પડી. પૃથ્વી પર જેટલા રસ છે એ બધા આ પૂર્ણ પુરુષોત્તમમાં સમાયા છે. પૃથ્વી પર જેટલી શીખવાલાયક વિદ્યાઓ છે એ આ જગદ્ગુરુ પાસેથી શીખી શકાય છે. અફ્સોસ એ વાતનો છે કે આવી વિભૂતિના જ્ઞાનનો લાભ નવી પેઢી મેળવી શકતી નથી. માત્ર હિન્દુ ધર્મનું છે એવું કહીને તેમના ગીતાજ્ઞાનને આ દેશની સ્કૂલો-કૉલેજોમાં ભણાવી શકાતી નથી. મદરેસામાં કુરાન ભણાવી શકાય છે, કૉન્વેન્ટ સ્કૂલોમાં બાઇબલનું જ્ઞાન આપી શકાય છે; પણ હાય રે પ્રારબ્ધ, વિદ્યામંદિરમાં ગીતાનું જ્ઞાન આપી શકાતું નથી.
(ક્રમશ:)