કૃષ્ણનો સહવાસ- પ્રકરણ ૧૦ : પોતાના કે પારકા સામે લડવાનું નથી, અધર્મ કે અન્યાય સામે લડવાનું છે

11 December, 2024 11:03 AM IST  |  Mumbai | Mukesh Pandya

કૌરવો અને પાંડવોની સેના સામસામે ગોઠવાઈ જાય છે ત્યારે જ પાંડવોના મુખ્ય યોદ્ધા અને કૃષ્ણનો પ્રિય શિષ્ય અર્જુન પાણીમાં બેસી જાય છે.

શ્રીકૃષ્ણની તસવીર

આજે ગીતા જયંતીના દિવસે કૃષ્ણ દ્વારા ગવાયેલાં ગીતો હાલના સમયમાં પણ કેટલાં પ્રસ્તુત છે એ જોઈએ.

કૃષ્ણના કાળમાં-દ્વાપરયુગમાં મહાભારતનું યુદ્ધ નક્કી થાય છે. કૌરવો અને પાંડવોની સેના સામસામે ગોઠવાઈ જાય છે ત્યારે જ પાંડવોના મુખ્ય યોદ્ધા અને કૃષ્ણનો પ્રિય શિષ્ય અર્જુન પાણીમાં બેસી જાય છે. પોતાના દાદા, કાકા, પિતરાઈ ભાઈઓ અને ગુરુ સામા પક્ષે છે એ જોઈને અર્જુન ભાવાવેશમાં આવી જાય છે અને શસ્ત્રો હેઠાં મૂકીને બેસી જાય છે.

હવે આવી જ ઘટના આજના સમયમાં પણ ઘેર-ઘેર બનતી હોય છે અથવા બની શકે છે. પ્રથમ અધ્યાયમાં ધૃતરાષ્ટ્રના મુખેથી સ્પષ્ટપણે અને સહજપણે શબ્દો નીકળી આવે છે - ધર્મેક્ષેત્રે કુરુક્ષેત્ર.

આનો સીધોસાદો અર્થ એ થાય કે લડાઈ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે ભલે લડાતી હોય, ખરેખર તો ધર્મક્ષેત્રના મેદાનમાં સત્ય અને અસત્ય વચ્ચે લડાઈ છે, ધર્મ અને અધર્મ વચ્ચે લડાઈ છે, ન્યાય અને અન્યાય વચ્ચે લડાઈ છે.

અર્જુનને તો એવા વિચાર આવે છે કે સામેવાળા મારા પોતાના છે. તેમની સાથે લોહીની સગાઈ છે. એવા લોકો સામે મારે કેમ લડવું? એ સમયે અર્જુનને સામે એ પ્રશ્ન પૂછીએ કે ‘સામેવાળા ધર્મિષ્ઠ હોય, સત્યનિષ્ઠ હોય અને ફરજનિષ્ઠ હોય; પણ એ લોકો પોતાના નથી, પારકા છે. લોહીની સગાઈ નથી તો તેમની સામે એ માત્ર પારકા છે એટલે યુદ્ધ કરીશ?’

આ પ્રશ્નનો ઉત્તર પણ અર્જુન જેવા ઋજુ અને કોમળ હૃદય ધરાવતી વ્યક્તિ પાસેથી પણ ‘ના’માં જ આવત.

તો હવે આજના સમયમાં આપણે તો એટલું જ સમજવાનું કે માણસે પોતાના કે પારકાના ભેદ નથી કરવાના, પરંતુ ધર્મ કે અધર્મના ભેદ કરવાના છે.

સંસારમાં રહેતા આપણે પામર મનુષ્યો જાતજાતના અને ભાતભાતના સંબંધોથી ઘેરાયેલા હોઈએ છીએ.
પતિ-પત્નીનો સંબંધ, ભાઈ-ભાઈનો સંબંધ, પિતા-પુત્રનો સંબંધ, સાસુ-વહુનો સંબંધ, અન્ય સગાં-વહાલાં સાથેના સંબંધ, મિત્રો સાથેના સંબંધ અને એ ઉપરાંત નોકરીધંધામાં શેઠ (બૉસ) કે સહયોગીઓ સાથેના સંબંધ, પાડોશીઓ સાથેના સંબંધ. એ દરેક સંબંધોની કશમકશ આપણા મનોજગતમાં ચાલતી જ હોય છે. બધા જ આપણા પોતાના હોય છે. કમસે કમ આપણા
ઓળખીતા-પાળખીતા તો હોય જ છે. દરેક જણના અલગ-અલગ વિચાર અને ભિન્ન-ભિન્ન પ્રકૃતિ હોય એ પણ તદ્દન સ્વાભાવિક છે. આને કારણે આપણા મગજમાં પણ દરેક સંબંધો બાબતે ગડમથલ ચાલતી જ રહે છે, પછી એ સંબંધો સાંસારિક હોય કે વ્યાપારિક, સામાજિક હોય કે રાજકીય. આ ગડમથલ એટલે જ આપણા મનના ક્ષેત્રમાં રોજેરોજ થતી વિચારોની લડાઈ. આપણી જ અંદર સારા-નરસાના મતભેદો સાથે રોજેરોજ ખેલાતું એક ધર્મયુદ્ધ.

હવે આ સંબંધોનો વ્યાપ જેમ-જેમ વધતો જાય એમ-એમ પારકા લોકો પણ પોતાના બનતા જાય છે. ઘરના લોકો માટે પાડોશી પારકો છે, પરંતુ પૂરા મકાનના સંદર્ભમાં તે પોતાનો છે અને બાજુના બિલ્ડિંગવાળો કોઈ શખસ પારકો છે. પૂરા વિસ્તારના સંદર્ભમાં તે પણ પોતાનો બની જાય અને બીજા વિસ્તારવાળો પારકો બની જાય છે. આ જ વિસ્તારમાંથી શહેર, શહેરમાંથી રાજ્ય, રાજ્યમાંથી દેશ, દેશમાંથી ખંડ અને ખંડમાંથી દુનિયા. જેમ-જેમ ફલક વિસ્તરતો જાય એમ પારકા પોતાના બનતા જાય છે. ઘરના કુટુંબમાંથી આપણે પૂરા વિશ્વને ફુટુંબ (વસુધૈવ કુટુમ્બકમ્) બનાવવાની ભાવના રાખતા હોઈએ તો બધા જ આપણા પોતાના થયા, કોઈ પારકું ન રહે. આ પરિસ્થિતિમાં હવે આપણે આપણા જીવતરનો જંગ જીતવો હોય તો પોતાના અને પારકાનો તો છેદ જ ઊડી જાય છે. આવા સંજોગોમાં જંગ લડવો જ હોય તો કૃષ્ણના કહેવા પ્રમાણે ધર્મ અને અધર્મ વચ્ચે લડી શકાય. ન્યાય અને અન્યાય વચ્ચે લડી શકાય. સત્ય અને અસત્ય વચ્ચે લડી શકાય. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે લડી શકાય.

સંબંધોની આ વિશાળ માયાજાળમાં શું કરવું અને શું ન કરવું એવી દ્વિધા ઉત્પન્ન થાય. પતિ-પત્નીના સંબંધ હોય કે માતા અને પત્ની વચ્ચેના સંબંધ હોય કે ભાઈ-ભાઈના સંબંધ હોય, બધા આપણા પોતાના જ છે.
કોઈ-કોઈની તરફેણ કે કોઈ-કોઈનો વિરોધ કરવાનો નથી. માત્ર સત્યની તરફેણ અને અસત્યનો વિરોધ કરવાનો છે. સ્વાર્થને ‘બાય બાય’ કહેવાનું છે અને પરમાર્થને ‘વેલકમ’ કરવાનું છે.

ધર્મ સાથે સંબંધ બાંધવાનો છે અને અધર્મ સાથે છેડો ફાડવાનો છે. ન્યાયને આવકાર આપવાનો છે અને અન્યાયને જાકારો આપવાનો છે. હકની લડત પછી પહેલાં ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે. આમ કરવામાં શરીર કદાચ થાકી કે હારી જાય તોયે અંતરાત્માની જીત તો થવાની જ છે. પછીના અધ્યાયમાં શ્રીકૃષ્ણ એમ જ કહે છે કે શરીર તો આમ પણ નશ્વર છે, ગમે ત્યારે નાશ પામવાનું છે. ફક્ત આત્મા જ ઈશ્વર છે, આત્મા જ અવિનાશી છે.

(ક્રમશ:)

culture news religion hinduism life and style columnists