02 December, 2024 11:45 AM IST | Mumbai | Mukesh Pandya
શ્રીકૃષ્ણની તસવીર
પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા અને પ્રજાનું કલ્યાણ કરવા જ શ્રીકૃષ્ણએ મથુરામાં માતા દેવકીની કૂખે જન્મ લીધો હતો અને તેમનો પ્રથમ ટાર્ગેટ શું હતો? માતા દેવકીના ભાઈ અને કપટથી મથુરાનરેશ બનીને પ્રજા પર અત્યાચાર ગુજારનાર અને પોતાના પિતાને કેદ કરનાર કંસને હણવાનો. મતલબ કે પોતાના સગા મામાને પદભ્રષ્ટ કરવાનું. આ અઘરું કાર્ય તેમણે સુપેરે પાર પાડ્યું હતું. આ દ્વાપરયુગની ઘટના છે.
આજે કળિયુગમાં થાય છે એવું કે એક પક્ષનો નેતા હોદ્દા પર આવે કે તરત જ તેના કાકા-મામા, ભાઈ-ભત્રીજાઓને પણ ભાતભાતના હોદ્દાઓની લહાણી કરવા માંડે છે; પછી તેમનામાં લાયકાત હોય કે ન હોય, યોગ્યતા હોય કે ન હોય. ભારતનાં વિવિધ રાજ્યોમાં અનેક પક્ષો પરિવારની પ્રૉપર્ટી બની ગયા છે. સમાજનું કે દેશનું જે થવાનું હોય એ થાય, પણ આવા નેતાઓના પરિવાર અને સગાંસંબંધીઓને બખ્ખાં થઈ જાય છે.
એમ તો કૌરવ દુર્યોધન પણ કૃષ્ણનો વેવાઈ હતો. દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનાં લગ્ન કૃષ્ણના પુત્ર સામ્બ સાથે થયાં હતાં છતાં વાત જ્યારે ધર્મ અને ન્યાયની આવી ત્યારે કૃષ્ણએ પાંડવોનો પક્ષ લઈ સત્યનો માર્ગ પ્રશસ્ત કર્યો હતો. દુર્યોધનના મૃત્યુ સમયે શ્રીકૃષ્ણએ તેને કહ્યું હતું કે ‘તને કોઈએ હરાવ્યો નથી. તારો સત્તાનો મદ, અધર્મ, કપટ, પાંડવો પ્રત્યેનો દ્વેષભાવ તેમ જ ભરસભામાં કુળવધૂનું અપમાન કરવા જેવાં તારાં કર્મો જ તને ભારે પડ્યાં...’
બીજી બાજુ આજે અનેક રાજકારણીઓ એવા જોવા મળશે કે તેમના કોઈ સગાએ મહિલા સાથે બળજબરીપૂર્વક વ્યભિચાર કર્યો હોય તો પણ તેને છાવરવા આકાશ-પાતાળ એક કરી નાખે છે.
કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે જ્યારે-જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મ વધી જાય છે ત્યારે-ત્યારે હું જન્મ લઉં છું. કૃષ્ણએ અહીં જે ધર્મની વાત કરી છે એ ધર્મ એટલે સત્કર્મ, એ ધર્મ એટલે ફરજ, એ ધર્મ એટલે કર્તવ્ય, એ ધર્મ એટલે નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણા.
આપણા આજના રાજકારણીઓએ આ ધર્મને સંકુચિત કરીને સંપ્રદાયોના વાડામાં કેદ કરી લીધો છે. ધર્મનું શિક્ષણ સ્કૂલ-કૉલેજોમાં ન અપાય એમ કહીને કહેવાતા સેક્યુલરોએ દેશની નવી પેઢીને રામ કે કૃષ્ણ જેવા ચારિત્ર્યપુરુષોના ગુણોથી વંચિત રાખ્યા છે. આજની પેઢીને જે જ્ઞાન મળે છે એ કોઈ પુસ્તક કે સિરિયલથી મળે છે. ધર્મકથાનાં સપ્તાહોમાં કિશોરો કે યુવાનો બહુ જતા નથી અને જ્યારે આધેડ કે વૃદ્ધાવસ્થામાં જવાનું શરૂ કરે ત્યારે ખૂબ મોડું થઈ ગયું
હોય છે. સાચા અર્થમાં ધર્મનું શિક્ષણ સ્કૂલ-કૉલેજમાં મળી રહે તો ભવિષ્યમાં સારા રાજકારણીઓ અને સારા નાગરિકો દેશ અને દુનિયાને મળી રહે અને અધર્મીઓનું વર્ચસ્વ ઘટે.
આજના કળિયુગમાં માત્ર કૃષ્ણના જાપથી વાત નહીં બને, તેમના વિશે જાણવું પડશે, તેમના ગુણોનું આચરણ કરવું પડશે.
(ક્રમશ:)