પરસ્ત્રીને માતા ને પરધનને ઝેર માને તેના હૈયે ભગવાન રામ નિવાસ કરે

26 November, 2024 03:54 PM IST  |  Mumbai | Morari Bapu

વાલ્મીકિ ઋષિ પોતાના આશ્રમમાં લક્ષ્મણ અને જાનકીને લઈને પધારેલા. રામને વનવાસ દરમ્યાન રહેવા માટેનાં આદર્શ સ્થાનોનો નિર્દેશ કરે છે એમાં ઘણાં સ્થૂળ સ્થાન છે તો અમુક સૂક્ષ્મ સ્થાન છે.

તસવીર સૌજન્ય : એ.આઈ

વાલ્મીકિ ઋષિ પોતાના આશ્રમમાં લક્ષ્મણ અને જાનકીને લઈને પધારેલા. રામને વનવાસ દરમ્યાન રહેવા માટેનાં આદર્શ સ્થાનોનો નિર્દેશ કરે છે એમાં ઘણાં સ્થૂળ સ્થાન છે તો અમુક સૂક્ષ્મ સ્થાન છે. સૂક્ષ્મ સ્થાન એટલે ભક્તનાં લક્ષણો કેવાં હોય એની વાત. આ જ ચર્ચા આપણો હવે પછીનો વિષય છે અને આ વિષયમાં સૌથી પહેલાં આવે છે, સાચો ભક્ત એ જે પરસ્ત્રીને માતા અને પરધનને ઝેર માને.

અહીં વાલ્મીકિ માણસના ચારિય અને ચરિત્રની ચર્ચા કરે છે. આદિકવિ નરસિંહ મહેતાનું લખેલું એક ભજન જે રાષ્ટ્રપિતા ગાંધીજીને અત્યંત પ્રિય હતું જેમાં નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનાં લક્ષણોની વાત કરી છે એમાં પરસ્ત્રીને માતા સમાન અને પરધનને ક્યારેય હાથમાં ન ઝાલે એવા વૈષ્ણવજન વિશે લખ્યું છે.

એક ગુરુ-શિષ્ય વિચરણ કરતા હતા. તેમણે રસ્તામાં સોનાનો હાર પડેલો જોયો.

હીરા-મોતી-માણેક જડિત સુવર્ણનો હાર જોઈને શિષ્યએ હાર ઉપર ધૂળ નાખી દીધી અને તે આગળ વધી ગયો. શિષ્યનું આ વર્તન જોઈને ગુરુને હસવું આવ્યું અને ગુરુને હસવું આવ્યું એટલે સ્વાભાવિક રીતે શિષ્યને નવાઈ લાગી. તેણે થોડી વાર સુધી વાત મનમાં રાખી પણ એમ છતાં મનમાં રહેલો ઉદવેગ ઓસર્યો નહીં એટલે શિષ્યએ ગુરુના હાસ્યનું કારણ પૂછ્યું. ગુરુનો જે જવાબ હતો એ જવાબ બહુ સરસ છે, સાંભળો.

‘તને સોનાનો મોહ ન થયો એ સારી વાત છે, પરંતુ તે ધૂળ પર ધૂળ નાખી એ જોઈને મને હસવું આવ્યું. હજી પણ સોના અને ધૂળમાં તને તફાવત દેખાય છે, નહીંતર ધૂળ પર ધૂળ નાખવાની ચેષ્ઠા તે ન કરી હોત.’

કેટલી સરસ અને કેવી ઉમદા વાત.

જીવનમાં જો આ વાતને અમલીય બનાવી દેવામાં આવે તો જીવન સ્વર્ગ બની જાય અને જીવતાજીવ મોક્ષની પ્રાપ્તિનો અનુભવ થઈ જાય, પણ એની માટે ધૂળ અને સોના વચ્ચેનો જે ભેદ છે એ ભેદ ભૂલવો પડે.

પરાયા ધનને જે ધૂળ સમાન ગણે અને પરાઈ ઓરતને જે માતા સમાન માને તેવા માણસના હૃદયમાં નિવાસ કરવાનું રામને ગમે છે.

જે પોતાનામાં આ લક્ષણની પ્રાપ્તિ કરે કે પછી એ લક્ષણને જાગૃત કરી શકે તેણે માનવું કે તેના હૃદયમાં નિવાસ કરવાનું રામને ગમે છે માટે સુવર્ણનો મોહ ન રાખો એ તો સારું છે જ, પણ એ ધૂળ કરતાં કીમતી છે એ વિચાર પણ મનમાંથી કાઢે તે રામને નિવાસ આપનારો બને છે.

culture news life and style columnists mumbai Morari Bapu