પોતાને માટે તો કોણ નથી જીવતું, જીવન એનું જ સાર્થક છે જેઓ બીજા માટે જીવે

01 July, 2024 07:58 AM IST  |  Mumbai | Dr. Gyanvatsal Swami

લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એક જગ્યાએ હજારો માણસોનો મેળો ભરાયો હતો. લોકો આનંદથી મેળાનાં આકર્ષણોને નિહાળી રહ્યા હતા, પરંતુ એ આનંદ વચ્ચે એક જોઈ ન શકતી વ્યક્તિ હાથમાં દિલરુબા લઈને નિરાશ વદને બેઠી હતી. તેની આગળથી ઘણા લોકો પસાર થતા, પરંતુ કોઈને તેની મુશ્કેલી જાણવામાં રસ નહોતો. જોકે એક માણસ તેની પાસે આવ્યો. તેણે ઉદાસીનતાનું કારણ પૂછ્યું ત્યારે તે માણસે કહ્યું, ‘હું દિલરુબા વગાડીને બે-પાંચ પૈસા ભેગા કરીને પેટ ભરું છું, પણ ગિરદીમાં મારી હથેળી ચગદાઈ ગઈ એટલે હું દિલરુબા વગાડી શકું એમ નથી. માટે આજે શું ખાઈશ એની ચિંતાથી નિરાશ છું.’ પેલા માણસે કહ્યું ‘હું વગાડું?’ તેણે કહ્યું, ‘તમને આવડે છે?’  ‘થોડું ઘણું આવડે છે’ એમ કહીને તેણે સંગીત વગાડવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે ભીડ જામવા લાગી અને પૈસાનો વરસાદ થયો. છેલ્લે બધા પૈસા ભેગા કરીને તે માણસે પેલા ન જોઈ શકતા માણસને આપ્યા અને પોતાની ઓળખ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા. એ માણસ હતા મહાન સંગીતજ્ઞ ઓમકારનાથ. સામાન્ય માણસો અને મહાન પુરુષોમાં આ જ તફાવત છે. લોકો પોતાના આનંદમાં એટલા ડૂબેલા હોય છે કે બીજાનો ઉદાસ ચહેરો જોવા છતાં તેને મદદ તો નથી કરતા, પણ ન દેખ્યા જેવું વર્તન કરીને ત્યાંથી નીકળી જાય છે.

હું શું કામ મદદ કરું? તે ક્યાં મારો સગો થાય છે? હું તેને નથી ઓળખતો! મને શું ફાયદો? વગેરે વિચારોની બેડી માણસને એવી જકડી રાખે છે કે તે બેડી તોડીને બીજાનો વિચાર કરવો જોઈએ એવો વિચાર માનવીને ક્યારેય નથી આવતો. હિતોપદેશમાં કહ્યું છે કે ‘જેના જીવવાથી બધા જીવે છે તેમનું જીવન સાર્થક છે. કારણ કે માત્ર પોતાને માટે તો કોણ નથી જીવતું?’

એક વાર એક મોટા પ્રોજેક્ટ પર ૭૦ વૈજ્ઞાનિકો કામ કરતા હતા. એક દિવસ એક વૈજ્ઞાનિકે પ્રોજેક્ટના હેડ અબ્દુલ કલામ પાસે જઈને કહ્યું, ‘મેં મારાં બાળકોને આપણા શહેરમાં આવેલું પ્રદર્શન દેખાડવાનું વચન આપ્યું છે. માટે હું સાડાપાંચ વાગ્યે જઈ શકું?’ કલામસાહેબે હા પાડી. વૈજ્ઞાનિક પાછા કામે લાગ્યા, પણ કામ એટલું જટિલ હતું કે સમય ક્યાં વીતી ગયો એની તેમને જાણ ન રહી. જ્યારે તેમને બાળકો યાદ આવ્યાં ત્યારે ૮.૩૦ વાગી ગયા હતા. આથી તેઓ ઉતાવળે ઘરે પહોંચ્યા અને પત્નીને પહેલો પ્રશ્ન પૂછ્યો કે ‘બાળકો ક્યાં છે?’ ત્યારે પત્નીએ કહ્યું, ‘કલામસાહેબ તેમને ૫.૩૦ વાગ્યાથી પ્રદર્શન જોવા લઈ ગયા છે.’

પ્રમુખસ્વામી મહારાજના જીવન સાથે જોડાયેલો આ જ સંદર્ભનો એક કિસ્સો યાદ આવે છે, પણ સ્થળસંકોચને કારણે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઇમ કરીશું. જય સ્વામીનારાયણ.

culture news gujarati mid-day columnists