08 November, 2024 08:10 AM IST | Virpur | Sejal Patel
જલારામ બાપા
આજે જેમની ૨૨૫મી જન્મજયંતી છે એવા વીરપુરના સંતના કરોડો ભક્તો દેશ-વિદેશમાં છે. તેમના નામે અનેક સખાવત કેન્દ્રો ચાલે છે. કહેવાય છે કે તેમના દ્વારેથી કદી કોઈ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછું નથી વળતું. આવા સંતના જન્મ, આત્મબોધ અને ચમત્કારના પરચાની રસપ્રદ વાતો જાણીને ધન્ય થઈએ
વીરપુરના કરિયાણાના વેપારી પ્રધાન ઠક્કર અને તેમના ભાઈ વાલજી ઠક્કરનો ધંધો ધીકતો હતો. પ્રધાન ઠક્કરનાં પત્ની રાજબાઈ ઘણાં જ ધાર્મિક પ્રવૃત્તિનાં. એક વાર રાજબાઈ સાધુસંતોને જમાડી રહ્યાં હતાં ત્યારે સંત રઘુવીરદાસજીએ તેમની નિ:સ્વાર્થ સેવાથી પ્રસન્ન થઈને કહેલું, ‘તારો બીજો દીકરો તારા આ કાર્યને ઘણું જ આગળ વધારશે એટલું જ નહીં, તારા એ પુત્રને જગત આખું પૂજશે.’
એ આશીર્વાદ પછી તેમને ત્યાં ૧૭૯૯માં ૪ નવેમ્બરે એટલે કે કારતક સુદ સાતમે પુત્રરત્નનો જન્મ થયો, જેનું નામ પડ્યું જલારામ. તેઓ તેમનાં જીવનકાર્યો થકી શ્રી જલારામબાપા તરીકે આજે વિશ્વમાં ઠેર-ઠેર પૂજાય છે. જલારામ જ્યારે ખૂબ નાના હતા ત્યારથી જ માતાજીને સાધુસંતોની સેવામાં મદદ કરતા.
લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ
શ્રી જલારામબાપા જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યારે એક વાર તેમના ઘરે ગિરનારની તળેટીમાંથી એક સંન્યાસી આવ્યા અને જલારામને જોવાની ઇચ્છા દર્શાવી. પાંચ વર્ષના બાળજલારામ એ વખતે શેરીમાં રમતા હતા. સંન્યાસીને જોઈને બાળજલારામે આદરસહ નમસ્કાર કર્યા અને સંન્યાસીએ તેમના માથે હાથ મૂક્યો. સંન્યાસીએ પૂછ્યું, ‘બેટા, મને ઓળખ્યો?’
બાળજલારામ બોલી ઊઠ્યા, ‘રામ રામ રામ!’
એ સંન્યાસીને જોતાં જ બાળજલારામને પોતાનો પૂર્વજન્મ દેખાયો. પૂર્વજન્મમાં તેઓ શું હતા એ તેઓ જોઈ શક્યા અને હવે આ જન્મમાં તેમનું જીવનધ્યેય શું છે એ પણ સમજાઈ ગયું. એવું કહેવાય છે કે આવનાર સંત ભગવાનનો સંદેશવાહક હતો, કેમ કે તેમના થકી જીવનકર્મનું જે સત્ય લાધ્યું એને કારણે બાળજલારામનું જીવન આખું જ જુદી દિશામાં આગળ વધવા લાગ્યું. ત્યારથી હરહંમેશ તેમના મુખમાં ‘સીતારામ’નું રટણ શરૂ થઈ ગયું હતું.
સંસારયાત્રા
જલારામ કરિયાણાના મોટા વેપારીના દીકરા હોવાથી પિતાજી ઇચ્છતા કે તેમનો દીકરો વેપાર સંભાળે. એ માટે વાંચતાં-લખતાં શીખવું જરૂરી હતું. બાપુએ તેમને સ્કૂલમાં ભણવા મોકલ્યા, પરંતુ ભણવામાં તેમનું ચિત્ત ચોંટ્યું નહીં. જ્યાં પણ કોઈ સાધુસંત મળી જાય એટલે જલારામ તેમને ભોજન માટે ઘરે લઈ આવતા. જલારામનો સાધુસંતો તરફનો લગાવ દિનપ્રતિદિન વધતો જતો હતો. એમાંથી તેમનું ધ્યાન બીજે દોરવા માટે પિતાજીએ તેમને દુકાને બેસાડવાનું શરૂ કર્યું. જોકે ત્યાં પણ તેમણે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને મફતમાં અનાજ આપવાનું શરૂ કરી દીધું.
એક વાર બાજુની દુકાનના માલિકે જલારામના પિતાને આવીને કહ્યું કે જો આમ જ તારો દીકરો છૂટે હાથે લહાણી કરતો રહેશે તો તારી દુકાન ઊઠી જશે. તેમણે દીકરાને રંગેહાથ પકડવા માટેનો તખ્તો ગોઠવ્યો. જલારામે કોઈ ગરીબને મફતમાં અનાજની એક બોરી આપી એટલે પિતાજીએ તેમને ટોક્યા. જોકે એ પછી અંદર જઈને જોયું તો દુકાનમાં અનાજની બોરીઓનો સ્ટૉક એટલો ને એટલો જ હતો. જલારામે ખુદ બોરી કાઢીને આપી હતી, દુકાનની બહાર ઊભેલી પેલી વ્યક્તિ પાસે એક બોરી હતી અને છતાં દુકાનમાંથી સ્ટૉક ખૂટ્યો નહોતો. આ એક ચમત્કાર હતો છતાં પિતાજીની શંકા ઘટી નહીં.
લગ્નમાં લપેટ્યા
પ્રધાન ઠક્કરને કોઈકે સલાહ આપી કે દીકરાનાં દાનધરમ ઓછાં કરવાં હોય તો તેને સંસારની માયાજાળમાં લપેટો. એ વખતે બાળલગ્નો થતાં એટલે તેમનાં લગ્ન લેવાનું નક્કી કરવામાં આવ્યું. ૧૪ વર્ષની વયે તો જલારામનાં લગ્ન નક્કી થઈ ગયાં. સાંસારિક જીવનની ઇચ્છા ન હોવાથી તેમણે માબાપુને લગ્ન માટે ખૂબ ના પાડી, પરંતુ આખરે જન્મદાતાઓ પ્રત્યેની ફરજ રૂપે ૧૬ વર્ષની ઉંમરે અટકોટના પ્રાગજી ઠક્કરની દીકરી વીરબાઈ સાથે તેમનાં લગ્ન થયાં.
અઢાર વર્ષની ઉંમરે જલારામે સંપૂર્ણપણે સાધુસંતોની સેવામાં જીવન ગાળવાનું નક્કી કર્યું. એમાં તેમનાં પત્ની વીરબાઈએ પૂરેપૂરો સાથ આપ્યો. તેઓ દ્વારકાથી બદરીનારાયણ, ગોકુલ અને મથુરાની યાત્રાએ નીકળી ગયા. પાછા આવીને તેમણે અમરેલીના ફત્તેપુર ગામના ભોજલરામ એટલે કે ભોજા ભગતને ગુરુ બનાવ્યા. એ પછી લોકો તેમને જલા ભગત તરીકે ઓળખવા લાગ્યા.
સદાવ્રતની શરૂઆત
ભોજા ભગતે તેમને રામમંત્ર આપ્યો અને જલા ભગતે અલગ રહીને આધ્યાત્મિક યાત્રા શરૂ કરી ત્યારે તેઓ માંડ બાવીસ વર્ષના હતા. યુવાન જલારામે જાતમહેનત કરીને કમાયેલી રોટી વડે સાધુસંતોની સેવા કરવાનું નક્કી કર્યું. એ માટે પતિ-પત્ની બન્ને ખેતરમાં દાડિયા મજૂર તરીકે જોડાયાં. મજૂરી કરીને કમાણીરૂપે જે અનાજ મેળવ્યું એમાંથી ભોજા ભગતના આશીર્વાદથી એક સદાવ્રત ખોલ્યું. એ દિવસ પછીથી રોજ તેમને ત્યાં સાધુસંતો માટે ભોજન આપવાનું શરૂ થયું.
સદાવ્રત ખોલ્યાના થોડા જ દિવસમાં તેમને ત્યાં એક સાધુ આવ્યા. વીરબાઈએ તેમના માટે જમવાનું બનાવ્યું અને જલા ભગતે તેમને પીરસ્યું. એ વખતે સાધુએ આ પતિ-પત્નીને રામની એક મૂર્તિ આપીને કહ્યું, ‘થોડા જ દિવસમાં અહીં હનુમાનજીની પધરામણી થશે. રામ અને હનુમાનજીની અંતરથી આરાધના કરશો તો તમને જીવનમાં ક્યારેય કોઈ પણ ચીજનો અભાવ નહીં સર્જાય.’
તેમણે રામની મૂર્તિ અનાજના કોઠારમાં મૂકી રાખેલી. ખરેખર થોડા જ સમયમાં એ રામની મૂર્તિની સાથે અહીં હનુમાનજીની મૂર્તિ પણ પ્રગટ થઈ ગઈ. આ જગ્યાએ લોકોએ મંદિર બનાવ્યું અને થોડા જ સમયમાં ત્યાં આશ્રમ બની ગયો. આ આશ્રમની લોકોને જાણ થતાં ત્યાં આવનારા યાત્રીઓ અને સાધુસંતોની સંખ્યા વધતી ગઈ. આગંતુકોની સેવામાં પૈસાને કારણે કોઈ વિઘ્ન ન આવે એ માટે વીરબાઈએ તેમનું સ્ત્રીધન ગણાય એવાં ઘરેણાં એક પછી એક વેચવા માંડ્યાં. બધાં જ ઘરેણાં વેચાઈ ગયાં, પરંતુ પતિ-પત્ની બેમાંથી એકેયને એનો જરાય અફસોસ ન થયો.
ચમત્કારની શરૂઆત
જલા ભગતના આ કામના સાથીદાર રૂડા પટેલ એક વાર વીરપુરના હરજી નામના દરજીને મળ્યા. હરજીને ઘણા સમયથી પેટમાં પુષ્કળ દુખાવો રહેતો હતો. રૂડા પટેલે તેને ભક્તિભાવપૂર્વક જલા ભગતનું નામ લેવાનું કહ્યું. જલા ભગત બીમાર હરજીને મળવા આવ્યા. તેમણે પાંચ અલગ-અલગ જાતનાં અનાજ હરજીને ખાઈ જવાનું કહ્યું. બીજા જ દિવસે હરજીનો મહિનાઓ જૂનો પેટનો દુખાવો મટી ગયો.
એ પછી એક વાર જમાલ નામના મુસ્લિમનો ૧૦ વર્ષનો દીકરો ગંભીર માંદગીમાં પટકાયો. તમામ વૈદોએ હાથ ધોઈ નાખ્યા. તાવ ઉતારવામાં કોઈ ઔષધ અસર કરતું નહોતું. એવા સમયે દરજી હરજીએ જમાલને જલા ભગતને બોલાવવાનું કહ્યું. જમાલે કહ્યું, ‘જો મારા દીકરાનો તાવ ઊતરી જશે તો હું જલારામ બાપાના સદાવ્રતમાં ચાર ગાડાં ભરીને અનાજ મોકલીશ.’
એ જ રાતે તેના દીકરાનો તાવ ઊતરવા લાગ્યો. તેણે આંખ ખોલી અને સાજો થઈ ગયો. આવા તો અનેક ચમત્કારો એ પછી જલારામબાપાના સદાવ્રતમાં થવા લાગ્યા.
જલારામબાપા વિશે જાણવા જેવું
જન્મ : ૪ નવેમ્બર, ૧૭૯૯, સોમવાર, વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે, અભિજિત નક્ષત્રમાં
જનોઈ સંસ્કાર : વિક્રમ સંવત ૧૮૭૦માં
માતા-પિતા : રાજબાઈ ઠક્કર અને પ્રધાન ઠક્કર
લગ્ન : વિક્રમ સંવત ૧૮૭૨માં
પત્ની : વીરબાઈ ઠક્કર
સદાવ્રતની શરૂઆત : વિક્રમ સંવત ૧૮૭૬ મહા સુદ બીજ
( ૧૮-૧૧-૧૮૨૦માં)
બાપાનું બિરુદ : વિક્રમ સંવત ૧૮૭૭માં
સંતાન : દીકરી જમનાબહેન, કોટડાપીઠા ગામમાં લગ્ન થયાં
વૈકુંઠવાસ : ૨૩ ફેબ્રુઆરી, ૧૮૮૧, વિક્રમ સંવત ૧૯૩૭ની કારતક વદ દસમ