ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ

14 July, 2024 01:13 PM IST  |  Mumbai | Alpa Nirmal

અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. હિન્દુ ધર્મમાં આ દિવસે આધ્યાત્મિક ગુરુની પૂજા અને સન્માન કરવાનું વિધાન છે.

કાલપીનું વ્યાસ મંદિર

આ પૂર્ણિમાએ મહાભારત ગ્રંથના રચયિતા તેમ જ વેદોના સંકલનકર્તા વેદવ્યાસજીનો જન્મદિવસ હોવાનું કહેવાય છે એથી ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આવતા રવિવારે વ્યાસ પૂર્ણિમાનું પર્વ છે એ અન્વયે જઈએ કાલપીના વ્યાસ મંદિરે જે વ્યાસજીનું જન્મસ્થળ હોવાનું મનાય છે

સનાતન સંસ્કૃતિએ ગુરુને પરબ્રહ્મ કહ્યા છે. ગુરુ બ્રહ્મા, વિષ્ણુ, શિવના પ્રતિનિધિ છે. તેઓ જ્ઞાનનું સર્જન કરે છે, એનો પ્રસાર કરે છે અને મૂઢ મનુષ્યોના અજ્ઞાનનો નાશ કરે છે. સંસ્કૃત ભાષામાં ગુરુ શબ્દની સંધિ છૂટી પાડીએ તો ગુ અર્થાત્ અંધકાર, અજ્ઞાન અને રુનો અર્થ છે દૂર કરનાર. આથી જ દરેક મનુષ્ય માટે ગુરુ જીવનની સૌથી મહત્ત્વની વ્યક્તિ છે.

પાંચમી સપ્ટેમ્બરે શિક્ષકદિન મનાવવાનું અને ટીચર્સને સન્માનિત કરવાનું તો આઝાદી પછીથી શરૂ થયું, જ્યારે આપણે ત્યાં વૈદિકકાળથી ગુરુ-શિષ્યની પરંપરા તથા ગુરુપૂજનની મહત્તા છે. ચાતુર્માસ શરૂ થાય એ પૂર્વે અષાઢી પૂર્ણિમાએ ખાસ કરીને માનવના આધ્યાત્મિક પાસાને ઉજાગર કરતા ગુરુજનો, વિદ્વાનો પ્રત્યે સમર્પણ તથા આદરભાવથી દિવંગત-જીવંત ગુરુનાં વંદન, પૂજન-અર્ચન કરવામાં આવે છે.

હવે વૈદિક હિન્દુ પરંપરાની વાત કરીએ તો આપણી સંસ્કૃતિમાં ઋષિ વ્યાસ સૌથી મહાન ગુરુઓમાં ગણના પામે છે. તેઓએ સનાતન ધર્મના મુખ્ય પાયારૂપ ચાર વેદોનું સંપાદન કરી એ જ્ઞાન આપણા સુધી પહોંચાડ્યું છે. એ જ રીતે મહાન કાવ્ય મહાભારતની રચના કરી છે. તેમના આ સમર્પણ અને ઉપકારથી સમસ્ત મનુલોકમાં તેઓ પૂજનીય છે. માટે જ આ પર્વ પૂર્વે આજે યાત્રા કરીએ તેમના જન્મસ્થળની.

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં આવેલા કાલપીથી પશ્ચિમી ભારતવાસીઓ અજાણ છે, પણ યમુના નદીના કિનારે આવેલું આ શહેર ઐતિહાસિક છે. પાષાણકાળમાં પણ આ નગરનું અસ્તિત્વ હતું. ખોદકામ દરમ્યાન અહીંથી એ સમયનાં ઓજાર પ્રાપ્ત થયાં છે. પુરાતત્ત્વ એક્સપર્ટના મતે એ ૪૫,૦૦૦ વર્ષો પૂર્વેનાં છે. એ કાળની ગર્તામાં ઊંડા ન ઊતરીએ અને 
૧૫મી-૧૬મી સદીની મુલાકાત લઈએ તો એ વખતે આ ભૂમિ ચિત્તોડના રાજપૂતોના તાબામાં હતી, ‘ઇતિહાસ ગવાહ હૈ કિ રાજપૂત રાજા રાણા સાંગાને યહાં ઇબ્રાહિમ લોધી કો દો બાર હરાયા થા.’

ખેર, એ પછી અહીં બાબરના વંશજોનું રાજ્ય સ્થપાઈ ગયું અને કહે છે કે અકબરના શાસનકાળમાં કાલપી મિન્ટ સિટી હતું (જ્યાં તાંબાના સિક્કાનું ચલણ બનતું) અને એમ પણ કહે છે કે બુદ્ધિશાળી બીરબલ પણ કાલપીના બાજુના ગામમાં જન્મ્યા હતા. બ્રિટિશરોના આગમન બાદ આ શહેર તેમના તાબામાં રહ્યું અને ભારત આઝાદ થતાં એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં સમાવાયું. જોકે રાજકીય સીમા અંકાઈ એ પછી પણ આ ક્ષેત્રનો ઝાઝો વિકાસ નહોતો થયો, કારણ કે ૧૯૭૦થી ૧૯૮૦ના દાયકામાં ડાકુ રાની ફૂલનદેવી ગૅન્ગની અવારનવાર અહીં અવરજવર રહેતી હતી. બટ નાઓ, ઑલ ઇઝ વેલ... આજે અહીંનો હૅન્ડમેડ કાગળ વર્લ્ડ ફેમસ છે અને આ પ્રાચીન ટાઉન હવે ઔદ્યોગિક પ્રગતિના પંથે છે.

અરે, પણ તીર્થાટનમાં આ પંચાત ક્યાં માંડી. આપણે તો વ્યાસ મંદિરે જવાનું છે, યસ. યસ, હવે ગાડી વાળીએ મંદિર તરફ. કાલપી નગરના આઉટસ્કર્ટમાં જ્યાં દૂરથી થોડાં ખંડિયેર દેખાય છે એ વિસ્તારમાં એક સરસ ગુલાબી શિખર ધરાવતું મંદિર છે જ્યાં બાળવેદનાં બેસણાં છે. આ મંદિર ૧૯૯૮માં કાશી મઠના મઠાધિપતિ સુધીન્દ્રતીર્થ સ્વામીએ નિર્માણ કરાવ્યું છે. મંદિરમાં શ્યામરંગી શિશુવ્યાસ તેમના પિતા સાથે માતાના ખોળામાં બિરાજમાન છે. એ સાથે જ આખા મંદિરમાં વિષ્ણુના ભિન્ન-ભિન્ન નામને અનુરૂપ અન્ય બાવીસ મૂર્તિઓ પણ છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બંધાયેલા આ દેવળમાં સવાર-સાંજ પૂજા-આરતી, ભોગ વગેરે વિધિ થાય છે તેમ જ વિશેષ તહેવારોમાં વિશિષ્ટ પૂજા પણ રચાવાય છે. સવારે પાંચથી રાતે સાડાઆઠ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં સ્થાનિક લોકો ઉપરાંત દેશના વિવિધ ભાગોમાંથી આખું વર્ષ દર્શનાર્થીઓ આવે છે. એમાં વ્યાસ પૂર્ણિમાના દિવસે તો ભક્તોની સંખ્યા સેંકડોમાં પહોંચી જાય છે. લોકલ્સ તેમ જ સાઉથ ઇન્ડિયનોમાં આદ્ય વૈદિક ગુરુના આશિષ મેળવવાનું તેમ જ તેમની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. આ ટેમ્પલની નજીકમાં જ યમુનાજીના કિનારે એક ટેકરી પર નાનકડું દેવાલય છે. સફેદ ચૂનાથી ધોળાયેલું આ મંદિર મહર્ષિ વેદવ્યાસની ઓરિજિનલ જન્મભૂમિ હોવાનું મનાય છે. મંદિરમાં મહર્ષિની શુભ્ર મૂર્તિ છે, પરંતુ એ મંદિરની પછીતે આવેલો કડવો લીમડો ભાવિકોમાં વધુ પ્રિય છે, કારણ કે આ વૃક્ષના થડનો એક ભાગ ગણેશજીની સૂંઢના આકાર જેવો છે અને ભક્તો ખૂબ ભક્તિભાવથી એની પૂજા-પ્રદક્ષિણા કરે છે. અહીં પહોંચવા થોડી સીડી ચડવી પડે છે. બટ, એટલો પરિશ્રમ વર્થ છે, જ્યારે અહીંની શાંતિ તમને પવિત્રતાનો અહેસાસ કરાવે છે.

મુંબઈના લોકમાન્ય ટિળક ટર્મિનસથી ઊપડતી કુશીનગર એક્સપ્રેસ ૨૦થી ૨૨ કલાકની ટ્રેન-જર્ની બાદ ડાયરેક્ટ કાલપી સ્ટેશન ઉતારે છે, પણ જો જલદી-જલદી મહર્ષિ વેદવ્યાસ મંદિરે પહોંચવું હોય તો ફ્લાય ટુ કાનપુર. કાનપુરથી કાલપીનું ડિસ્ટન્સ ૭૮ કિલોમીટર છે. ઝાંસી પણ એક ઑપ્શન બની રહે. ટ્રેનમાં ઝાંસી પહોંચી ઝાંસી-કાનપુર હાઇવે પર ૧૫૨ કિલોમીટર ડ્રાઇવ કરો એટલે ઢૂંકડું આવે કાલપી. કાલપીમાં બહુ વાઉ હોટેલ્સ નથી. સામાન્ય ગેસ્ટહાઉસ જ છે, પંરતુ અહીંથી ૨૦-૨૫ કિલોમીટરના અંતરે આવેલા ઉરઇમાં ડીસન્ટ હોટેલ્સ મળી રહે છે. જોકે કાનપુર રહેવું વધુ સુગમ બની શકે છે. હા, પેટપૂજા માટે કાલપીમાં ઢાબા છે જ્યાં બુંદેલખંડ વાનગીઓથી લઈ પંજાબી ફૂડ મળી રહે છે.

મહર્ષિ વેદવ્યાસ પાંડવો અને કૌરવોના દાદા છે

ચાર વેદોનું વર્ગીકરણ, ૧૮ પુરાણોની રચના તેમ જ મહાભારતની મૌખિક કથા ગણેશજીને સંભળાવીને લખાવનાર વેદવ્યાસ મહર્ષિ પરાશરના પુત્ર હતા. વિષ્ણુપુરાણના રચયિતા મહાજ્ઞાની મહર્ષિ પરાશર એક દિવસ યમુના નદી પાસેથી જઈ રહ્યા હતા ત્યારે તેમણે નદી પાર કરવા માટે એક માછીમાર કન્યાની મદદ લીધી હતી. કાલી નામની એ યુવતીએ કાબેલિયતથી નદી પાર કરાવતાં ઋષિ એ મત્સ્યગંધા પર મોહિત થઈ ગયા અને કાલી પાસે જઈ  પ્રેમ પ્રદર્શિત કર્યો. ત્યારે એ યુવતીએ ત્રણ શરત મૂકી કે જ્યારે તેઓ કિનારા પર પહોંચશે એ પહેલાં તેને કોઈ જોઈ નહીં શકે એથી પરાશરજીએ પોતાની શક્તિથી એક દ્વીપ બનાવ્યો. એ સાથે જ યુવતીએ પોતાના શરીરમાંથી આવતી માછલીની દુર્ગંધને સુગંધમાં પરિવર્તિત થઈ જાય એવું વરદાન માગ્યું અને છેલ્લી શરતમાં તેણે માગ્યું કે સંતાન આવવા છતાં તેનું કૌમાર્ય અખંડ રહેશે તથા એ બાળક પિતા જેવું વિદ્વાન થશે, માછીમાર નહીં (અહીં ભિન્ન મતો પણ છે).

વેલ, પરાશર ઋષિએ આ ત્રણેય શરત માન્ય રાખી અને સમય જતાં એ માછીમાર યુવતીએ પુત્રને જન્મ આપ્યો અને શિશુનું નામ પાડ્યું કૃષ્ણ દ્વૈપાયન. એક મત પ્રમાણે બિયાસ નદીના (હાલમાં પંજાબ રાજ્યમાં આવી છે) કાંઠે ઋષિ પરાશર પુત્રે સંપૂર્ણ વેદોનું ચાર વેદમાં વર્ગીકરણ કરતાં કૃષ્ણ દ્વૈપાયના ઋષિ વેદવ્યાસ નામે ઓળખાયા. વેદવ્યાસના ચાર પુત્રો થયા; પાંડુ, ધૃતરાષ્ટ્ર, વિદુર અને સુખદેવ. એ રીતે ‘રિશ્તે મેં વેદજી કૌરવોં ઔર પાંડુઓં કે દાદા લગતે હૈં.’

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

કાલપી ઉપરાંત ઓડિશાના રાઉરકેલામાં પણ વેદવ્યાસજીનું મંદિર છે. કહેવાય છે કે અહીં બેસીને તેમણે મહાકાવ્ય મહાભારતની રચના કરી હતી. સ્થાનિક લોકો અહીં જનોઈ, વિવાહ જેવાં અનુષ્ઠાન કરવા આવે છે. એ ઉપરાંત અહીં મનુષ્યના અંતિમ સંસ્કારની વિધિ કરવાનું પણ ભારે માહાત્મ્ય છે.

હિમાચલ પ્રદેશના કુલ્લુના બિશલાધાર ગામનું વ્યાસ ઋષિ મંદિર પણ બહુ ફેમસ છે. કહે છે કે વેદવ્યાસ ઋષિ અહીં નિવાસ કરતા હતા. આ સ્થળે તેઓ લાંબા સમય માટે ગહનધ્યાન તેમ જ તપસ્યામાં લીન રહેતા હતા એથી સ્થાનિક લોકોના મતે આજે પણ આ ભૂમિ પર તેમની દિવ્ય સાધનાની અનુભૂતિ થાય છે.

વેદવ્યાસ મંદિર ઉપરાંત કાલપીમાં લોધી સુલતાનોના મકબરા ૮૪ ગુંબજ, લંકા મિનાર જેવાં દર્શનીય સ્થળો છે. તો કાલપીથી થોડા અંતરે આવેલો જગમનપુર કિલ્લો ખૂબસૂરત છે. ખાસ કરીને ચોમાસામાં કાલપી વિસ્તાર સોળે કળાએ ખીલી ઊઠે છે. કાલપીની બાજુમાં આવેલા રામપુરાનો કિલ્લો નિર્માણનાં ૬૦૦ વર્ષ બાદ પણ મજબૂત છે. બુંદેલખંડી વિરાસતનો અનુભવ લેવા ફોર્ટના કેટલાક ભાગને હોટેલમાં પરાવર્તિત કરવામાં આવ્યો છે. અહીં પણ પ્રાચીન હિન્દુ મંદિરો છે. કાલપીની મુલાકાત એકંદરે અનએક્સપ્લોર્ડ જગ્યાની વિઝિટની ફીલ આપે છે. એ સાથે જ પૂજનીય ગુરુની ભૂમિની સ્પર્શનાનો મોકો પણ મળે છે.

culture news religious places life and style