સત્ય બોલે, પ્રિય સત્ય બોલે અને ઠેસ ન પહોંચાડે એવું સત્ય બોલે તેને સાધુ કહેવાય

04 September, 2024 01:53 PM IST  |  Mumbai | Morari Bapu

જે સત્ય જ બોલે, પાછું પ્રિય સત્ય જ બોલે

પ્રતીકાત્મક તસવીર

ગ્રીસમાં ફિલસૂફોની પરંપરા હતી. એમાં સૌથી આદરણીય નામ એટલે સૉક્રેટિસ. આ સૉક્રેટિસનો શિષ્ય એટલે પ્લેટો. પ્લેટોના મહાન શિષ્યનું નામ હતું ઍરિસ્ટોટલ. ઍરિસ્ટોટલ એક વિદ્યાપીઠ ચલાવતો. એક દિવસ વિદ્યાપીઠમાં તે તેના વિદ્યાર્થીઓને પ્લેટોની વાણી સમજાવતો હતો. ઍરિસ્ટોટલ પ્લેટોના સંદર્ભમાં કંઈક બોલ્યો, કોઈ વાત કરી અને એવામાં એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે કહ્યું, ‘સાહેબ, આપ ભૂલ કરો છો. પ્લેટોએ આમ નહોતું કહ્યું, પણ પ્લેટોના ચોક્કસ શબ્દો આવા હતા...’

ઍરિસ્ટોટલે વાત સ્વીકારી લીધી અને જવાબ આપ્યો, ‘હશે ભાઈ.’ 
વાત આગળ ચાલી અને થોડી વાર થઈ ત્યાં પેલો વિદ્યાર્થી ફરી ઊભો થયો.
ઊભો થઈને તે વિદ્યાર્થી ફરી ઍરિસ્ટોટલને ટોકવા લાગ્યો. ફરીથી તેણે પ્લેટોના જે ચોક્કસ શબ્દો હતા એ કહેવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીને મન પ્લેટો બહુ મહાન હતા. તેના તરફ તેને ખાસ આકર્ષણ, તેના તરફ તેને ગુરુભાવ, જબરદસ્ત આદરભાવ. તેણે પ્લેટોને આખેઆખો ગોખી નાખ્યો હશે એટલે સ્વાભાવિક રીતે તે ઊભો થઈને વારંવાર ઍરિસ્ટોટલને ડિસ્ટર્બ કરે.

આખરે ઍરિસ્ટોટલે કંટાળીને તેને કહ્યું, ‘ભાઈ, પ્લેટો બહુ મહાન છે, મારા પણ આદરણીય છે, આઇ ઍગ્રી વિથ યુ; પણ મિત્ર, પ્લેટો મહાન છે તો સત્ય એના કરતાં પણ વધુ મહાન છે.’
હા, સાવ સાચી વાત. સત્ય એના કરતાં પણ વધારે મહાન છે. સત્યની આ મહાનતા સમજતા, જોતા પહેલાં સત્યનો અર્થ સમજવો જોઈએ, જાણવું જોઈએ કે સત્યનો અર્થ શો? 
મોટા ભાગના લોકોએ સત્યનો એટલો જ અર્થ કર્યો છે કે વાણીથી જે બોલવામાં આવે, જે સત્ય કહેવામાં આવે છે એ જ સત્ય છે. આ ઘણી સારી વાત છે. 
એમ છતાં કહેવું પડે કે આ વાત પૂર્ણ નથી, કારણ કે શ્રુતિમાં પાઠ આવે છે... 
‘એકમ સદ વિપ્રા બહુધા વદન્તિ’

કૃષ્ણશંકરદાદા કહેતા કે વાણી સત્યાત્મક, સ્નેહાતિક, શાસ્ત્રાતિક સૂત્રાત્મક હોવી જોઈએ. જે સત્ય જ બોલે, પાછું પ્રિય સત્ય જ બોલે, સાથે જ વળી વિચારીને બોલે કે મારું સત્ય ક્યાંક કોઈને ઠેસ તો નહીં પહોંચાડેને તેને જ સાધુ કહેવાય.

હું કહું છું તે જ સત્ય એમ નહીં. મમસ્ત્ય યુદ્ધનું કારણ બને છે. અમે જ સાચા - એમાંથી જ સંઘર્ષો પેદા થાય છે.

life and style culture news Morari Bapu