સનાતન ધર્મના સંરક્ષણ માટે શૌર્ય ઉપરાંત આકરી સાધના પણ નાગા સાધુઓના જીવનનો હિસ્સો છે

12 January, 2025 11:21 AM IST  |  Mumbai | Aashutosh Desai

આવતી કાલે પ્રયાગરાજના કુંભમેળામાં શાહી સ્નાન શરૂ થશે ત્યારે જાણીએ નાગા સાધુઓ વિશે

કુંભમેળો

જેમ કુંભમેળામાં નાગા સાધુઓનું મહત્ત્વ વધુ છે એમ નાગા સાધુઓના જીવનમાં પણ તપ અને સાધના પછી કુંભમેળાનું મહત્ત્વ પણ એટલું જ હોય છે. ભારતની આર્થિક સંપદા લૂંટવા આવતાં બાહ્ય પરિબળોથી ભારત અને ભારતીય સંસ્કૃતિનું જતન કરતી અનેક શૌર્યગાથાઓ નાગા સાધુઓના ઇતિહાસમાં વણાયેલી છે. જોકે નાગા સાધુ બનતાં પહેલાં તેમણે આકરી કસોટીઓમાંથી પાર પડવું પડે છે. માત્ર કુંભમેળા દરમ્યાન જ દેખા દેતા આ તપસ્વીઓ પર્વતની ચોટીઓ પર ગુફાઓમાં આકરી સાધના કરતા હોય છે. આજે ડૂબકી મારીએ નાગા સાધુઓના અખાડા, તેમની સાધના અને તપસ્યાના નિયમોના વિશ્વમાં

જે રીતે કુંભમેળો આખા વિશ્વમાં એકમાત્ર ભારતની જ ધરોહર અને મહાન સંસ્કૃતિનું ઉદાહરણ છે‍ એ જ રીતે નાગા સાધુઓ પણ એકમાત્ર ભારતમાં જ પોતાના ભવ્ય સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ સાથે જીવી રહ્યા છે. આવતી કાલે કુંભ મેળાનું પ્રથમ શાહી સ્નાન થશે. સૌપ્રથમ સ્નાનનો લહાવો નાગા સાધુઓ લેશે. ગયા અઠવાડિયે આપણે એ વિશે સવિસ્તર જાણી ગયા કે શા માટે કુંભ મેળામાં નાગા સાધુઓનું આગવું મહત્ત્વ છે અને શા માટે તેમને પ્રથમ સ્નાનનો હક મળ્યો છે.

તરાઇનના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની સેના પહોંચે એ પહેલાં કુરુક્ષેત્ર અને તારાવાડી વચ્ચે આવેલાં હિન્દુ મંદિરોને લૂંટતા બચાવવા નાગા સાધુઓએ ઘોરીની સેનાને ચોમેરથી ઘેરી વળ્યા અને તેમને ભાગવા માટે મજબૂર કરી દીધા.

આ યુદ્ધના અંતે નાગા સાધુઓના આવા ઉત્કૃષ્ટ યોગદાનનું સન્માન કરવાની શુભ ભાવના સાથે મહારાજ પૃથ્વીરાજ ચૌહાણે જાહેરાત કરી કે આજથી સનાતન હિન્દુ ધર્મના કુંભમેળામાં સૌથી પહેલાં સ્નાનનો અધિકાર માત્ર નાગા સાધુઓને હશે. નાગા સાધુઓ માત્ર સાધુ નથી, તેઓ ભારતની સનાતન સંસ્કૃતિનું ગૌરવપ્રદ સ્તંભ તરીકે સંરક્ષણ કરી રહ્યા છે એથી પહેલું સ્નાન નાગા સાધુઓ કરશે, ત્યાર બાદ અન્ય શ્રદ્ધાળુઓ. એ દિવસથી દરેક કુંભમેળામાં સૌથી પહેલાં સ્નાનનો અધિકાર નાગા સાધુઓનો જ રહ્યો છે. અર્થાત્, આ કોઈ નિયમ-કાનૂન નહીં પરંતુ સનાતન ધર્મના સિંહોને અપાયેલું અદકેરું સન્માન છે.  જોકે એવું નથી કે એ એક યુદ્ધ નાગા સાધુઓ લડ્યા અને તેમને સન્માન મળ્યું એટલે બધું પૂરું થઈ ગયું. નાગા સાધુઓની યશોગાથા તો એથીય અનેકગણી લાંબી છે, ઉત્કૃષ્ટ છે અને અત્યંત ગૌરવપ્રદ છે. વળી નાગા સાધુઓ માટે આ એકમાત્ર શાહી સ્નાન સંદર્ભે જ કુંભમેળો મહત્ત્વનો છે એવુંય નથી.

નાગા સાધુઓ કલાકો સુધી યોગના એક આસનમાં સ્થિર બેસવાની સાધના કરે છે.

સાધુત્વની એરણ પર તૈયાર થતો સનાતની સિંહ

આજે આપણે સાધુ-સંત, સંત-મહાત્મા, મુનિ-યોગી જેવા શબ્દો જોડમાં બોલતા હોઈએ છીએ, પરંતુ સનાતન હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આ દરેક માટે સ્પષ્ટ વર્ણન છે. સાધુ, સંત, મહાત્મા, યોગી, મુનિ એ દરેક અલગ-અલગ છે અને તેમની દરેકની અલાયદી ખાસિયત અને દરજ્જો હોય છે. નાગા સાધુ કોઈ પણ દૃષ્ટિએ સામાન્ય દુનિયાના કોઈ સામાન્ય વ્યક્તિ જેવા નથી, તેઓ વિશેષ છે. નાગા સાધુ બનવા માટેની કેટલીક શરતો અને નિયમપાલન તેમને આ વિશેષતા અર્પે છે. વાસ્તવમાં નાગા સાધુ બનવા માટેની પ્રક્રિયા કે સફર અત્યંત કઠણ છે જે પૂર્ણ થવામાં ક્યારેક વર્ષોનાં વર્ષ લાગી જાય એવું બને.

આપણે આગળ કહ્યું એમ, આદિ ગુરુ શંકરાચાર્યજીએ ધર્મ, સંસ્કૃતિ અને સમાજસુરક્ષા માટે સાધુઓ માટે અખાડા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવા અખાડામાં સાધુ બનવા માટે જાય ત્યારે તેમને સીધેસીધા સામેલ કરી લેવામાં આવે એવું નથી. સૌથી પહેલાં એ અખાડો પોતાની રીતે એ તપાસ કરે છે કે જે-તે વ્યક્તિ શા માટે સાધુ બનવા માગે છે. તે વ્યક્તિ અને તેના પરિવારનો આખો ઇતિહાસ અને તપાસ હાથ ધરાય છે. ત્યાર બાદ તેને નાગા સાધુઓના જીવનની કઠણાઈ વિશે જાણ કરવામાં આવે છે. તેને અવગત કરાવવામાં આવે છે કે નાગા સાધુ તરીકેનું જીવન સ્વીકાર્યા બાદ તેણે કઈ રીતે જીવન વ્યતીત કરવાનું રહેશે. ત્યાર બાદ જો અખાડાને લાગે કે તે વ્યક્તિ સાધુ બનવા યોગ્ય છે તો જ તેને પ્રવેશ આપવામાં આવે છે. અખાડામાં પ્રવેશ મળ્યા બાદ તેને સંપૂર્ણ બ્રહ્મચર્યની શિક્ષા આપવામાં આવે છે. ત્યાર બાદ તબક્કાવાર તેને તપ, બ્રહ્મચર્ય, વૈરાગ્ય, ધ્યાન, સંન્યાસ અને ધર્મના અનુસાશન તથા નિષ્ઠા જેવા અનેક પગથિયે ચકાસવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાં ૬ મહિનાથી લઈને ૧૨ વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે.

આટલા કઠણ તપ (ટ્રેઇનિંગ કહો કે શિક્ષા) બાદ જો અખાડાને લાગે કે હવે તે દીક્ષા આપવાલાયક થઈ ચૂક્યો છે તો તેને આગળની પ્રક્રિયા માટે તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા એટલે? સંસારની સૌથી મોટી કઠણાઈઓમાંની એક એમ કહો તો ચાલે. નાગા સાધુ તરીકેનું જીવન અપનાવવા આવેલા એ સાધક પાસે પોતાનું જ શ્રાદ્ધ કરાવવામાં આવે છે. તેનું મુંડન કરાવીને તેના પોતાના હાથે જ પોતાનું પિંડદાન થાય છે. આ પરીક્ષામાં જે સાધક ઉત્તીર્ણ થાય તેને જ આખરે ગુરુમંત્રની દીક્ષા આપીને સંન્યાસધર્મથી દીક્ષિત કરવામાં આવે છે. સાધક પોતે જ પોતાનું શ્રાદ્ધ કરે એનો અર્થ એ છે કે તે સાધુ હવે તેના સાંસારિક સંબંધોને તિલાંજલિ આપી રહ્યો છે. સંસાર સાથેનો પોતાનો તમામ પ્રકારનો નાતો-સંબંધ તે તોડી રહ્યો છે.  

કેટલાક અખાડા આ જ રીતે સ્ત્રીસાધકોને પણ નાગા સાધુ તરીકેની દીક્ષા આપે છે, પણ એનો અર્થ એવો જરાય નથી કે નાગા સાધુ તરીકે સ્ત્રી અને પુરુષોમાં નિયમનો કોઈ તફાવત છે. બન્ને માટે સાધુત્વના નિયમો એકસરખા હોય છે. માત્ર એક ફરક આ બન્ને સાધુઓ વચ્ચે હોય છે અને એ છે વસ્ત્રનો. મહિલા નાગા સાધ્વી પોતાના શરીર પર પીળું વસ્ત્ર લપેટીને પોતાનું જીવન વ્યતીત કરે છે. એ જ પીળું વસ્ત્ર પહેરીને તેણે સ્નાન પણ કરવાનું હોય છે. તેમને નગ્ન સ્નાન કરવાની પરવાનગી નથી હોતી અને સ્નાન બાદ પણ પીળું જ વસ્ત્ર ધારણ કરવાનું હોય છે. જ્યારે પુરુષોએ ભગવાં વસ્ત્ર ધારણ કરવાનાં હોય છે.

બ્રહ્મચારી તરીકેની સાધનાપરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ જે-તે સાધુએ મહાપુરુષ બનવા તરફની પોતાની સફરનો આરંભ કરવો પડે છે. એમાં તેના પાંચ ગુરુ હોય છે જે સનાતન ધર્મમાં પંચદેવતા તરીકે સ્થાપિત છે; ભગવાન શિવ, શ્રીહરિ વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશજી. તેમને આ તબક્કે ભસ્મ, રુદ્રાક્ષ વગેરે સાધુત્વની ચીજો ધારણ કરાવવામાં આવે છે જે એક દૃષ્ટિએ નાગા સાધુઓનાં આભૂષણો અથવા પ્રતીક સમાન છે. પોતાનું જ મુંડન કરાવી, અવધૂત સ્વરૂપે પોતાનું તર્પણ કરી પિંડદાનનું એ કાર્ય અખાડાના પુરોહિત દ્વારા કરાવવામાં આવે છે. ત્યાર બાદ આ સંસાર, પરિવાર, સગાંસંબંધી બધાં માટે તે સાધક મૃત્યુ પામી ચૂક્યો છે. આ કક્ષા પછી એ સાધુના જીવનનો એક જ ઉદ્દેશ હોય છે સનાતન અને વૈદિક ધર્મની રક્ષા કરવાનો.

નાગા સાધુઓ કાં તો જમીન પર સૂએ છે કાં પછી વૃક્ષ પર આવાં વિચિત્ર આસનોમાં સાધના કરે છે. 

આવા નાગા સાધુઓને વસ્ત્રપરિધાનની પરવાનગી નથી હોતી. તેઓ માત્ર ભગવા રંગનું એકમાત્ર વસ્ત્ર ધારણ કરી શકે છે એટલું જ નહીં, તેમને શરીર પર પણ માત્ર ભસ્મ લગાવવાની જ અનુમતિ હોય છે. ભસ્મ-વિભૂતિ અને રુદ્રાક્ષ તેમણે કાયમ માટે ધારણ કરવાં પડે છે. વળી તેઓએ શીશ પરથી શિખા એટલે કે ચોટલીનો પણ ત્યાગ કરવો પડે છે. આવા પ્રખર સાધુત્વના સાધક એવા નાગા સાધુઓએ ૨૪ કલાકમાં માત્ર એક જ વાર ભોજન કરવાનું હોય છે અને એ પણ ભિક્ષા માગીને. આ સંદર્ભના પણ સુનિયોજિત નિયમ છે. એક નાગા સાધુને વધુમાં વધુ ૭ ઘરેથી ભિક્ષા મેળવવાનો અધિકાર હોય છે. જો ૭ ઘરોમાં ભિક્ષા માગ્યા બાદ કોઈ ભિક્ષા ન મળે તો તે આઠમા ઘરે ભિક્ષા ન માગી શકે. એ દિવસે તેણે ભૂખ્યા જ રહેવું પડે છે. આવા કઠોર નિયમનું પાલન દરેકેદરેક નાગા સાધુ આજીવન કરતા હોય છે. દીક્ષા મેળવી ચૂકેલા દરેક સાધુએ પોતાના ગુરુ પાસેથી મળેલા ગુરુમંત્ર પર સંપૂર્ણ અને અતૂટ શ્રદ્ધા રાખવાની હોય છે, કારણ કે એ સાધુની ભવિષ્યની તમામ તપસ્યા એ એકમાત્ર ગુરુમંત્ર પર જ આધારિત હોય છે.

કુંભમેળા સિવાય આ નાગા સાધુઓ સામાન્ય જનતાથી એટલે કે તમારા-મારા જેવા લોકોની આબાદીથી સદંતર દૂર રહે છે. ક્યાંક ગુફાઓમાં કે કંદરાઓમાં કઠોર તપ સાથે પોતાનું જીવન વ્યતીત કરતા આવા નાગા સાધુઓ વિશે કહેવાય છે કે હિમાલયમાં અને હિમાલયની તળેટીમાં આજે પણ એવા અનેક મહાન નાગા સાધુઓ છે જેઓ ૧૦૦, ૧૫૦, ૨૦૦ વર્ષથી તપ-સાધના કરી રહ્યા છે અને તેઓ ક્યારેય સામાન્ય જનતા વચ્ચે આવતા નથી. જો ક્યારેક જવલ્લે કોઈક આવી જાય તો એ એક અસામાન્ય ઘટના તરીકે ગણાવી શકાય.                                                      

આવા પ્રખર સાધુત્વના ભેખધારી સનાતન ધર્મના સાધુઓ જેને આપણે નાગા સાધુ કહીએ છીએ તેઓ માત્ર સાધુ નહીં પરંતુ યોદ્ધાઓ છે. તેઓ અખાડામાં માત્ર તપસાધના જ નહીં, પરંતુ ક્રોધી અને બળવાન શરીરના સ્વામી એવા આ સાધુઓ યુદ્ધકળામાં પણ નિપુણતા પ્રાપ્ત કરે છે. જેને કારણે ઘણા નાગા સાધુઓ પોતાની સાથે તલવાર, પરશુ અથવા ત્રિશૂળ રાખે છે. આવા દરેક પ્રકારનાં શસ્ત્રો તેઓ યોદ્ધા હોવાની નિશાની છે.

આ જ એક કારણ છે કે નાગા સાધુઓએ પોતાની સાથે ચીમટો રાખવો આવશ્યક છે; કારણ કે ચીમટો હથિયાર, ઓજાર અને સાધુત્વની નિશાની પણ છે. નાગા સાધુઓ તેમને નમન કરનારને ચીમટાથી જ આશીર્વાદ આપે છે. જોકે હવે અનેક આધુનિક શસ્ત્રો આવી ચૂક્યાં હોવાને કારણે નાગા સાધુઓએ પોતાનો યોદ્ધા તરીકેનો એ મૂળભૂત અવતાર મહદંશે ત્યાગી દીધો છે.

નાગા સાધુઓ મોટા ભાગે જંગલ અને નિર્જન જગ્યાઓએ જ ભ્રમણ કરે છે.

આદિ ગુરુ શંકરાચાર્યજીએ મઠોની સ્થાપના કરી હતી એ જ રીતે અખાડાઓની રચનાની પણ પ્રેરણા આપી હતી. હાલના સમયમાં મુખ્યત્વે ૧૩ મુખ્ય અખાડા છે અને આ દરેક અખાડા લગભગ દરેક કુંભમેળામાં સક્રિય ભાગ લે છે, કારણ કે વાસ્તવમાં કુંભમેળો એ સાધુઓના મેળાવડાનું પણ એક પર્વ છે. પહેલાંના સમયમાં દરેક કુંભમેળા દરમ્યાન સાધુઓ વચ્ચે મીટિંગો થતી હતી, સાધુઓની મોટી-મોટી સભાઓનું આયોજન થતું હતું. એ દરેક ૧૩ મુખ્ય અખાડામાં સર્વોચ્ચ સ્થાને મહંતો હોય છે.

આટલી માહિતી છતાં આપણો સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ એટલી વિશાળ છે કે એમ કહેવું પડી રહ્યું છે કે આ માત્ર કેટલીક મૂળભૂત માહિતી છે. વિસ્તૃત કરવા જઈએ તો માહિતી અને વર્ણનો હજી આથી ક્યાંય વિશાળ છે. કેવી કરુણતા કહેવાય કે આટલી ભવ્ય સંસ્કૃતિ અને આટલો સમૃદ્ધ ધર્મવારસો હોવા છતાં અહિંસા પરમો ધર્મના સાવ ખોટા અને ઘૃણાસ્પદ સંસ્કારો અને ઘૂંટી આપણને એવી પિવડાવવામાં આવી કે પેઢીની પેઢીઓ ન માત્ર નમાલી પેદા થઈ, બલકે પોતાના અધિકારોનું રક્ષણ કરવાનું પણ ભૂલી ગઈ અને વિધર્મીઓના સતત આક્રમણ સામે નીડર થઈને સામનો કરવાને બદલે ભાગેડુ મનોવૃત્તિનું આધિપત્ય સ્વીકારતી થઈ ગઈ.

કુંભમેળો અને સાધુ સમાજની વિવિધ ઉપાધિ

કુંભમેળો કંઈકેટલીય દૃષ્ટિએ આ નાગા સાધુઓ સાથે જોડાયેલો છે. સમજો કે કુંભમેળો અને નાગા સાધુઓને એક અનેરો નાતો છે. જ્યારે પણ પ્રયાગમાં કુંભમેળાનું આયોજન થાય અને એમાં જો કોઈ સાધુને ઉપાધિ મળે તો તેને નાગા કહેવાય છે. ઉજ્જૈનના કુંભમેળામાં ઉપાધિ મેળવે એ સાધુને ખૂની નાગા કહેવાય છે. હરિદ્વારના કુંભમેળા દરમ્યાન ઉપાધિ મેળવનાર સાધુ કહેવાય છે, બર્ફાની નાગા અને મહારાષ્ટ્રના નાશિકમાં યોજાયેલા કુંભમેળામાં જે સાધુને ઉપાધિ મળે છે એ કહેવાય છે ચિખડિયા નાગા. આ રીતે દરેક ઉપાધિ મેળવેલા નાગા સાધુને તેમના નામ દ્વારા એ ઓળખ મળે છે કે તેમને ક્યાંના કુંભમાં નાગા સાધુ બનાવવામાં આવ્યા હતા. આ ઉપાધિ બાદ જે-તે નાગા સાધુને, અખાડાની આંતરિક ઉપાધિ અથવા પદભાર સોંપવામાં આવે છે જે કંઈક આ પ્રમાણે હોય છે ઃ કોટવાલ, પૂજારી, મોટા કોટવાલ, ભંડારી, કોઠારી, મોટા કોઠારી, મહંત અને સચિવ (સેક્રેટરી). આ બધામાં સૌથી મહત્ત્વપૂર્ણ પદ હોય છે સચિવ એટલે કે સેક્રેટરીનું. મોટા ભાગના નાગા સાધુઓ અખાડામાં કે આશ્રમોમાં રહેતા હોય છે. તો વળી તપસ્યાહેતુ તેઓ અનેક ઊંચા પર્વતો કે ગુફાઓમાં પણ પોતાનું સ્થાન બનાવતા હોય છે. ત્યાં રહીને તેઓ અત્યંત કઠોર તપસ્યામાં જીવન વ્યતીત કરતા હોય છે.

કુંભમેળામાં ભાગ લેતા મુખ્ય ૧૩ અખાડાઓ

. શ્રી નિરંજની અખાડા

. શ્રી જૂનાદત્ત અથવા જૂના અખાડા

. શ્રી મહાનિર્વાણ અખાડા

. શ્રી અટલ અખાડા

. શ્રી આહ્‍વાન અખાડા

. શ્રી આનંદ અખાડા

. શ્રી નાગપંથી ગોરખનાથ અખાડા

. શ્રી વૈષ્ણવ અખાડા

. શ્રી પંચાગ્નિ અખાડા

૧૦. શ્રી ઉદાસીન પંચાયતી મોટા અખાડા

૧૧. શ્રી ઉદાસીન નવા અખાડા

૧૨. શ્રી નિર્મલ પંચાયતી અખાડા

૧૩. શ્રી નિર્મોહી અખાડા

kumbh mela prayagraj uttar pradesh culture news life and style national news hinduism religion religious places columnists gujarati mid-day