તને સાચવે સીતા સતી, અખંડ સૌભાગ્યવતી

12 May, 2024 01:31 PM IST  |  Mumbai | Alpa Nirmal

ઉત્તર પ્રદેશ, બિહાર તેમ જ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરવાચૌથ તથા વટસાવિત્રીની જેમ પતિના દીર્ઘ આયુષ્ય માટે સીતાનવમી કરવાની પરંપરા છે. કહેવાય છે કે મહાલક્ષ્મીજીના અવતાર સીતામાતાનું વ્રત કરવાથી સૌભાગ્ય તથા સમૃ​દ્ધિની વૃ​દ્ધિ થાય છે

લવ-કુશ જન્મભૂમિ મંદિર

સીતામાતાનું ઓરિજિનલ જન્મસ્થળ કયું એ માટે જેમ વિવાદ ચાલે છે એનાથીયે વધારે અસમંજસ સીતા સમાહિત સ્થળ અને લવ-કુશની જન્મભૂમિ વિશે છે. ધર્મગ્રંથો અનુસાર શ્રી રામે ધોબીના કહેવાથી સગર્ભા પત્નીનો ત્યાગ કર્યો અને લક્ષ્મણ તેમને જંગલમાં કે વાલ્મીકિના આશ્રમમાં મૂકી આવ્યા એવો ઉલ્લેખ એકસમાન છે, પણ વાલ્મી​કિનો એ આશ્રમ કે જંગલ કયું એ સ્થળના પંદરથી વધુ દાવેદાર છે. પંજાબ-હરિયાણાની બૉર્ડર પાસે, રાજસ્થાન-મધ્ય પ્રદેશની સીમાને લાગીને, એ સિવાય મધ્ય પ્રદેશમાં બીજી બે જગ્યાએ, છત્તીસગઢમાં, બિહારમાં બે જગ્યાએ અને ઉત્તર પ્રદેશમાં તો ચારથી વધુ સ્થાનને સીતા સમાહિત સ્થળ માનવામાં આવે છે.

ખેર, આપણે અલ્પજ્ઞાની. આમાંથી કયું ક્ષેત્ર અસલ અને પૌરાણિક એ સાબિત કરવાની આપણી ક્ષમતા નથી. જોકે ૧૬ મેએ સીતાજયંતી છે એ નિમિત્તે આપણે જઈએ કાનપુર નજીક આવેલા બિઠૂરના વાલ્મીકિ આશ્રમે. યસ, આ સ્થળ પણ સીતા સમાહિત સ્થળ અને લવ-કુશની જન્મભૂમિ કહેવાય છે. ઉપરાંત વાલ્મીકિ ઋષિએ અહીં બેસીને મહાકાવ્ય રામાયણની રચના કરી હતી એમ પણ મનાય છે.

વૈશાખ સુદ નવમી જનકસુતાનો જન્મદિવસ. એટલે સીતાનવમી તરીકે ઊજવાય. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ તહેવાર બહુ પૉપ્યુલર નથી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહારમાં પ​રિણીત સ્ત્રીઓ પતિના દીર્ઘ આયુષ્યની કામના માટે સીતાનવમીનો ઉપવાસ કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે નહાઈ-ધોઈ સુહાગણનો શણગાર રચીને રામમંદિરમાં જાય છે; ત્યાં રામ, સીતા અને હનુમાનની પૂજા કર્યા બાદ ફૂલ, ફળ અને મીઠાઈનો ભોગ ધરે છે અને ગરીબ-જરૂરિયાતમંદ લોકોને ધન, કપડાં અને ભોજનનું દાન કરવા સાથે સીતાસ્તોત્ર તેમ જ ભજનના પાઠ કરે છે.

સતી સીતાના જન્મની કથા તો વિદિત જ છે. મિથિલાનગરીના રાજા જનકને ખેતર ખેડતાં ભૂમિમાંથી એક બાળકી મળી. તેને રાજા અને રાણી સુનયનાએ દીકરીની જેમ ઉછેરી. અત્યંત સ્વરૂપવાન તેમ જ હોશિયાર સીતાજીએ રમતગમતમાં શિવજીનું મેધાવી ધનુષ ડાબા હાથે ઊંચકી લીધું. એ જોઈને પિતાએ જાનકીને સુયોગ્ય વર સાથે વરાવવાનું ઠેરવ્યું. અયોધ્યા-નરેશના પુત્ર રામ તેમના ભાઈઓ અને ગુરુ સાથે મિથિલા આવ્યા અને ગુરુના કહેવાથી રામે શિવજીનું ધનુષ તોડ્યું. આથી જનકરાજાએ ભૂમિપુત્રી સીતાનાં લગ્ન રામ સાથે કરાવ્યાં. એ પછી રામને ૧૪ વર્ષનો વનવાસ થયો. ત્યાં સીતાજી પણ પતિ સાથે જંગલમાં ઘૂમ્યાં. એ દરમ્યાન લંકેશ રાવણે તેમનું અપહરણ કર્યું અને રામ-લક્ષ્મણે હનુમાનના નેતૃત્વમાં બંદરોની સેનાની મદદથી સીતાને રાજા રાવણની કેદમાંથી બચાવીને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો.

વનવાસ પૂરો થતાં રામ, લક્ષ્મણ અને જાનકી અયોધ્યા પાછાં આવ્યાં ત્યારે એક ધોબીનું મહેણું સાંભળીને રાજ્યધર્મને પ્રાથમિકતા આપી રામે પત્નીનો ત્યાગ કર્યો. રાણી સીતાએ રાજ્ય તથા પ્રિય પતિનું સન્માન બચાવવા સ્વયં અયોધ્યા છોડીને વનવાસ જવાનો ફેંસલો લીધો. આથી લક્ષ્મણ તેમને વનમાં મૂકી ગયા. વાલ્મીકિ ઋષિના આશ્રમમાં રહીને સીતામાતાએ બે પુત્રોને જન્મ આપ્યો. આ લવ-કુશ પિતા રામ જેવા જ તેજસ્વી તેમ જ પરાક્રમી હતા. પિતાએ કરેલા અશ્વમેધ યજ્ઞ દ્વારા ઉત્પન્ન થયેલા બળવાન ઘોડાને તેમણે વશમાં કરીને બાંધી દીધો હતો અને જ્યારે હનુમાન એ અશ્વ પાછો લેવા આવ્યા ત્યારે તેમણે કેસરીનંદનને પણ બાંધી દીધા. પોતાના પ્રિય ભક્ત હનુમાનને છોડાવવા રામ સેના લઈને એ વનમાં આવ્યા ત્યારે લવ અને કુશ શૂરવીરતાથી લડ્યા અને એ સમયે જ રામને ખબર પડી કે આ તેમના પુત્રો છે. મર્યાદાપુરુષોત્તમ રામે પત્ની સાથે કરેલા અયોગ્ય વર્તનની માફી માગી અને પાછા અયોધ્યા આવવાનું કહ્યું ત્યારે સીતાજીએ માનપૂર્વક એ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો અને ધરતીમાતાને પ્રાર્થના કરીને એના પેટાળમાં સમાઈ ગયાં.

તો મિત્રો, આ છે સીતામાતાની કહાનીની ઝલક. સીતાનવમી આવાં પવિત્ર, ત્યાગી અને વિરલ સતીનો જન્મદિવસ છે. સીતામાતાની જેમ જ પતિ પ્રત્યે પ્રેમ, ભક્તિ અને વફાદારી અભિવ્યક્ત કરવા સુહાગણ સ્ત્રી આ દિવસે વ્રત કરે છે. ઉપરાંત સીતામાતાને મા લક્ષ્મીનો અવતાર પણ કહેવામાં આવે છે. તેમની ભક્તિ સમૃદ્ધિ, ખુશી અને આધ્યાત્મિક કલ્યાણ કરાવે એ આશીર્વાદની કામના સાથે સીતાનવમીની ઉજવણી કરવામાં આવે છે.

વેલ, બિઠૂરનો વાલ્મીકિ આશ્રમ પણ આ દિવસે રંગબેરંગી સ્ત્રીઓના કલરવથી ગુંજી ઊઠે છે. બે પેઢીથી કાર્યરત અહીંના પંડિત દીક્ષિતજી ‘મિડ-ડે’ને કહે છે, ‘બિઠૂર તેમ જ આજુબાજુનાં ગામડાંમાંથી સેંકડો સૌભાગ્યવતી સ્ત્રીઓ અહીં પૂજા કરવા આવે છે. દરેક ગામમાં રામમંદિર હોય, પણ અહીં આવવાનું મહત્ત્વ અદકેરું એટલે છે કારણ કે આ એ જ પવિત્ર ધરતી છે જ્યાં ગૃહત્યાગ બાદ સીતામાતા ૧૨ વર્ષ જેટલો સમય રહ્યાં હતાં અને મહર્ષિ વાલ્મીકિએ અહીં બેસીને હિન્દુ ધર્મના પૂજનીય ગ્રંથ રામાયણની રચના કરી હતી.’

બિઠૂર પ્રાચીન સમયમાં બ્રહ્માવર્ત નામે ઓળખાતું. પુરાણોમાં ઉલ્લેખ છે કે સૃષ્ટિના દેવતા બ્રહ્મા અહીં પ્રગટ થયા હતા. અહીં જ ગંગા નદીના કાંઠે તેમણે સૌપ્રથમ શિવલિંગ સ્થાપિત કર્યું જે આજે બ્રહ્મેશ્વર મહાદેવ નામે ઓળખાય છે. ત્યાર બાદ આ સ્થાનેથી માટીમાંથી મનુષ્યો તેમ જ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું એવા આ બ્રહ્માવર્ત મીન્સ આજના બિઠૂર ગામે આવેલા આ આશ્રમ મંદિરના પરિસરમાં એક વૃક્ષ નીચે લૂંટારા વાલિયાને બ્રહ્મજ્ઞાન લાદ્યું અને તે લૂંટારામાંથી ઋષિ વાલ્મીકિ બન્યો હતો. મોટું ચોગાન ધરાવતા મંદિરમાં પ્રવેશતાં વાલ્મીકિ ઋષિનું મંદિર નજરે ચડે છે અને એની બાજુમાં એક શિવાલય છે. કહેવાય છે કે રામાયણ લખતાં પહેલાં વાલ્મીકિ ઋષિએ આ શિવજીની સ્થાપના કરી હતી. એ સાથે જ અહીં સીતામાતા અને લવ-કુશની નાની શ્યામલ મૂર્તિ છે જેમાં માતાએ બેઉ પુત્રોને તેડ્યા છે. એની બાજુના મંદિરમાં કાળા પથ્થરમાંથી નિર્મિત રામપરિવાર પણ છે અને હનુમાનજી પણ છે. સંકુલમાં જ એક સીતાકુંડ છે જેમાં અત્યારે થોડું પાણી ભરેલું છે, પણ કહે છે કે આ એ જ સ્થળ છે જ્યાં સીતામાતાનો પોકાર સાંભળીને ધરતીનું પેટાળ ફાટ્યું હતું અને માતા એમાં સમાઈ ગયાં હતાં. આ ઉપરાંત લવ-કુશ જન્મસ્થળ તેમ જ સીતા રસોઈ પણ અહીં છે. સીતા રસોઈના એન્ટ્રન્સ પાસે એક જીર્ણ ઘંટ બાંધવામાં આવ્યો છે. કોઈકના મતે એ પણ રામાયણકાળનો છે તો પંડિતજીના મતે એ ક્રા​ન્તિકારી નાનાસાહેબ પેશ્વાએ બંધાવેલો છે.

યસ, બિઠૂરે ભારતના સ્વાતંયસંગ્રામની લડાઈમાં બહુ અહમ્ ભૂમિકા ભજવી છે. મરાઠા શાસક પેશ્વા નાનાસાહેબે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપ વધતાં તેઓ છૂપા વેશમાં અહીં રહેતા. ખાસ કરીને ૧૮૫૭ના બળવા વખતે આ મંદિરના પરિસરમાં અનેક યોજનાઓ ઘડાઈ હતી અને એ વિપ્લવનાં મંગલાચરણ પણ અહીંથી જ થયાં હતાં. મંદિરનો હાઇલાઇટ પૉઇન્ટ અહીંનો દીપમાલિકા સ્તંભ છે. મરાઠા શૈલીના મંદિરમાં હોય એવો દીપ સ્તંભ પેશ્વાએ બનાવડાવ્યો હતો જેનો દીપક મૂકવા તો ઉપયોગ થતો, પરંતુ વૉચ ટાવર તરીકે વધુ યુઝ થતો. આર્કિટેક્ચરના અદ્ભુત નમૂના જેવા આ મિનારમાં કુલ ૩૬૫ નાના ગોખલા છે. ૬૫ દાદરા અને સાત સર્કલ ધરાવતી દીપમાલિકાને લોકલ લોકો સ્વર્ગની સીડી કહે છે. હવે તો એ જીર્ણ થતાં ઉપર જવા મળતું નથી, પરંતુ ટોચના સોપાનથી આખા બિઠૂરનો રમણીય નજારો દેખાય છે. જોકે દીપમંદિર જ નહીં, આખા મંદિરને મરમ્મતની જરૂર છે. જો થોડું ધ્યાન અપાય તો આ પૌરાણિક સ્થળની લાઇફ હજી વધી જાય એમ છે.

મુંબઈથી બિઠૂર માટે કાનપુર જવું ઇઝ ધ ઓન્લી ઑપ્શન. મુંબઈથી કાનપુરની ડાયરેક્ટ ફ્લાઇટ મળે છે. એ જ પ્રમાણે ટ્રેન દ્વારા પણ અહીં પહોંચાય છે. કાનપુર સેન્ટ્રલ સ્ટેશનથી ૨૪ કિલોમીટરના અંતરે આવેલા આ મંદિરે જવા ખાનગી અને સરકારી વાહનો મળી રહે છે. બિઠૂર ગામમાં જમવાનું અને ચા-પાણી મળી જાય. બાકી રહેવા માટે તો ચમડોં કા શહર કાનપુર જ બેસ્ટ ચૉઇસ છે.

પૉઇન્ટ ટુ બી નોટેડ 
 આગળ કહ્યું એ બ્રહ્મેશ્વર મહાદેવનાં દર્શન કરવાનું ભૂલતા નહીં. એ જ રીતે ગંગા નદી પર આવેલો બ્રહ્મેશ્વર ઘાટ બ્યુ​ટિફુલ છે. અહીંના ઘાટો પર થતું ગંગા નૌકાયન દિવ્યતાનો અહેસાસ કરાવશે. વાલ્મીકિ આશ્રમથી અઢી કિલોમીટર દૂર આવેલું ધ્રુવ ટીલા અનધર પૌરાણિક પ્લેસ છે. કહે છે કે રાજકુમાર ધ્રુવે અહીં વિષ્ણુ ભગવાનની કઠિન તપસ્યા કરી હતી અને ભગવાને પ્રસન્ન થઈને સપ્તર્ષિમાંથી એક તારાને ધ્રુવનું નામ આપ્યું હતું. આજે પણ આ ટીલા પર એ શાશ્વત આધ્યાત્મિક શક્તિની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત કાનપુરમાં રાધાકૃષ્ણ મંદિર, જૈન શ્વેતામ્બર ગ્લાસ મંદિર, ઝૂ, મ્યુઝિયમ તેમ જ નાનારાવ પાર્ક દર્શનીય છે. 

religious places kanpur uttar pradesh columnists gujarati mid-day