રથયાત્રાના દિવસે પુરી જવાનો પ્લાન નથી બન્યો? નો પ્રૉબ્લેમ, બહુડા યાત્રામાં જાઓ

30 June, 2024 01:08 PM IST  |  Mumbai | Alpa Nirmal

જગન્નાથજીની અષાઢી બીજની યાત્રા બહુ ફેમસ છે, પરંતુ અષાઢ સુદ દસમે તેમની પાછા મંદિર આવવાની યાત્રા વિશે વધુ વાતો થતી નથી:આ બહુડા યાત્રા ધમાકેદાર તો હોય જ છે, એ ઉપરાંત આ યાત્રા બાદ જગન્નાથજીના ‘સુનબેશા’નાં સુશોભિત દર્શન કરવાનો લહાવો પણ મળે છે

બહુડા યાત્રા

નાતન ધર્મ અનુસાર ચારધામની યાત્રા મનુષ્યનાં પાપ ખપાવે છે અને તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ અપાવી મોક્ષ બક્ષે છે. ચતુર્ધામ આપણી સંસ્કૃતિના ચાર યુગને રિપ્રેઝન્ટ કરે છે. બદરીનાથ સતયુગ છે, રામેશ્વર ત્રેતાયુગ, દ્વારકા દ્વાપરયુગ અને પુરી કલિયુગનું પ્રતિનિધિત્વ કરે છે. આઠમી સદીમાં હિન્દુ ધર્મનું પુનર્ગઠન કરનાર અને હિન્દુઓને નવેસરથી ધર્મપ્રણાલી દાખવનાર આદિ શંકરાચાર્યએ ભારત મહાદ્વીપના ચાર દિશાનાં પ્રમુખ બિંદુઓ પર આવેલી ભૂમિ, મંદિરો, ત્યાંની પવિત્રતા તેમ જ મહત્તાને અનુલક્ષીને ચાર તીર્થને ચારધામ ઘોષિત કર્યાં હતાં અને ત્યારથી દરેક હિન્દુઓ જીવનમાં એક વખત ચારધામની યાત્રા કરવાનો મનસૂબો સેવે છે.

આજે આવા અતિ પવિત્ર ચારધામમાંના એક જગન્નાથ પુરી તીર્થાટને જઈએ. તીર્થાટન ખરું પણ આજે આપણે કોઈ મંદિરની નહીં, ઉત્સવની માનસ ઉજવણી કરીશું. ઓડિશા રાજ્યના પૂર્વીય તટે, બંગાળના ઉપસાગરના કિનારે આવેલા જગન્નાથ પુરીની વાત થાય એટલે અહીંની અષાઢી બીજની રથયાત્રાની વાત થાય જ. બ્રહ્મપુરાણ, પદ્‍મપુરાણ, સ્કંદપુરાણ તેમ જ કપિલાસંહિતામાં પણ  રથયાત્રાનું વર્ણન છે. તો ગ્લોબલ ઇતિહાસમાં ૧૩મી સદીમાં યુરોપીય વેપારી અને નાવિકોએ તેમની ડાયરીમાં આ રથયાત્રાનો ઉલ્લેખ કર્યો છે.

જોકે આજે આપણે રથયાત્રાની નહીં, બહુડા યાત્રાની વાત કરવાની છે. શું છે બહુડા યાત્રા? એ કથા તો સર્વવિદિત છે કે જ્યેષ્ઠ પૂર્ણિમાના વિધવિધ ઔષધિયુક્ત જળના ૧૦૮ ઘડાથી સ્નાન કર્યા બાદ જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને તાવ આવી જાય છે અને ૧૫ દિવસ તેઓ આરામ કરે છે. એ દરમ્યાન તેમના કોઈ ઉત્સવ થતા નથી, તેઓ ૫૬ ભોગ આરોગતાં નથી કે નથી ભક્તોને દર્શન આપતાં. ૧૪, ૧૫ કે ૧૬ (અકૉર્ડિંગ હિન્દુ તિથિ) દિવસ કાઢો પીને અને સાદો આહાર આરોગીને જગન્નાથ ભાઈ-બહેન સાથે ક્વૉરન્ટીનમાં રહે છે. સ્વસ્થ થયા બાદ અષાઢી શુક્લ બીજના દિવસે તેઓ હવાફેર માટે નિજ મંદિરથી ગુંડીચા મંદિર જાય છે અને ત્યાં ૭ દિવસ રહે છે. અષાઢી દસમ સુધી અહીં રહી તાજા-માજા થયા બાદ પ્રભુ પોતાનાં ભાઈ-બહેન સાથે પાછા નિજ મંદિર આવે છે... એ છે બહુડા યાત્રા.

પ્રભુ જાય છે એ રથયાત્રા જેવી જાજરમાન હોય છે એવી જ બહુડા યાત્રા પણ ધમાકેદાર હોય છે. ઢોલ, વાજાં, શરણાઈ, કીર્તન, મંત્રોચ્ચાર સહિત લાખો ભક્તોની હાજરીમાં ભગવાન જગન્નાથ તેમના ૪૫ ફુટ ઊંચા અને ૧૬ પૈડાંના નંદીઘોષ રથમાં, ભાઈ બલભદ્ર ૧૪ પૈડાંના ૪૪ ફીટ ઊંચા તાલધ્વજ રથમાં તેમ જ દર્પદલન નામના ૧૨ પૈડાં અને ૪૩ ફુટ ઊંચા રથમાં બિરાજી સુભદ્રા સહિત તેઓ જ્યારે પાછા આવે છે ત્યારે ભક્તોને પ્રભુ ખરેખર તાજા-માજા અને ફ્રેશ થઈ ગયાનું અનુભવાય છે.

આ યાત્રામાં પણ ઓડિશાના રાજવંશ દ્વારા છેરા પહરાનું અનુષ્ઠાન થાય છે તેમ જ અન્ય વિધિઓ પણ થાય છે અને હાજર રહેલા ભાવિકોનો ઉમંગ ચરમસીમાએ હોય છે, કારણ કે તેમના ભગવાન પાછા આવી રહ્યા છે. આ દિવસે પણ અહીં લાખો શ્રદ્ધાળુઓ ઊમટે છે. રિમઝિમ તો ક્યારેક ધોધમાર વરસાદમાં ભીંજાતા યાત્રાળુઓ ભગવાનની એક ઝલક મેળવવા આતુર હોય છે, તેમના રથના અંશને અડવા તલપાપડ હોય છે. ત્રણ કિલોમીટરની આ યાત્રા ૮થી ૧૦ કલાક ચાલે છે અને મંદિરના પ્રાંગણમાં સિંહદ્વાર પર પહોંચી આ રથ પર જ ત્રણેય સહોદરોને ‘સુનોભેષ’નો શણગાર કરવામાં આવે છે. એ દર્શન કરી ભક્તો ધન્ય થઈ જાય છે.

‘સુનોભેષ’ કે ‘સુનબેશા’નો અર્થ છે ભગવાનને મસ્તકથી ચરણ સુધી ભિન્ન-ભિન્ન સુવર્ણ અલંકારો પહેરાવવા. એ વિધિ પાછળની કથા એવી છે કે ઈ. સ. ૧૪૬૦માં ત્યાંના રાજા કપિલેન્દ્રદેવ દક્ષિણ ભારતનાં અનેક રાજ્યો સાથે યુદ્ધમાં વિજયી થઈ ત્યાંથી ૧૬ હાથીગાડી ભરી સોનું, હીરા, કીમતી આભૂષણો લૂંટીને લાવ્યા હતા (એ વખતે પ્રથા એવી હતી કે વિજેતા રાજા જે-તે પરાસ્ત રાજ્યના રાજખજાનાનો માલિક થાય). એ સઘળા દાગીના, ઝવેરાત કપિલેન્દ્રદેવે જગન્નાથજીનાં ચરણોમાં સમર્પિત કરી દીધાં અને પૂજારીઓને તાકીદ કરી કે હવેથી રથયાત્રા વખતે ભગવાનને આનો સુનબેશા ચડાવવો. ત્યારથી બહુડા દસમી/એકાદશીએ જગન્નાથજી, સુભદ્રાજી, બલરામજીને માથાથી પગ સુધી સોનાનાં આભૂષણો ધારણ કરાવાય છે. અષાઢી દસમ સિવાય કાર્તકી, પોષ અને ફાગણ પૂનમ તેમ જ દશેરાના દિવસે પણ ત્રણેય પ્રતિમાઓને સુનોભેષમાં તૈયાર કરવામાં આવે છે. જોકે એ મંદિરની ભીતર તેમના સિંહાસન પર થાય છે,

જ્યારે આ એકાદશીએ આ વિધિ મંદિરની બહાર થાય છે. ભક્તગણોને ભગવાનનો સુનબેશા વધુ નજીકથી જોવા મળે છે. અફકોર્સ એ ટાઇમે હેવી સિક્યૉરિટી રહે છે છતાં નંદલાલા વધારે સમીપ હોય છે.

આમ તો જગન્નાથ અને બલભદ્રજીના હાથ અપૂર્ણ છે તેમ જ સુભદ્રાજીના તો હાથ બન્યા જ નથી, પણ આ શણગારમાં બેઉ બંધુઓની મૂર્તિ પર કનકના હાથના નકાબ મુકાય છે તેમ જ કાનુડાના જમણા હાથમાં સોનાનું સુદર્શનચક્ર, ડાબા હાથમાં ચાંદીનો શંખ એ જ રીતે બલભદ્રજીના એક હાથમાં સુવર્ણ હળ અને બીજા હાથમાં ગોલ્ડન ગદા અપાય છે.  દરેક મૂર્તિને પહેરાવવામાં આવતાં હાથ-પગનાં બીબાં, નાનો-મોટો મુગટ, મોરપંખ, મયૂરચંદ્રિકા, ચૂલપત્તી, કુંડલ, બિંદી, વિભિન્ન માળાઓ, કમળ તેમ જ ચક્ષુ પણ ૧૦૦ ટચ સુવર્ણનાં હોય છે. એ ઉપરાંત જગતના નાથના માથે ચળકતો મોટો હીરો અને સુભદ્રાજીને નીલમ પણ ચડાવાય છે. કહેવાય છે કે ભગવાનના આવા સંપૂર્ણ સુનબેશા ૧૫૦થી વધુ વિભિન્ન ડિઝાઇનનાં છે. જોકે એમાંથી હાલમાં ૨૦ કે ૩૦ સેટનો ઉપયોગ થાય છે અને રેગ્યુલર અહીં આવતા ભક્તોને એ ઉત્સુકતા રહે છે કે આ વખતે ભગવાનને કઈ ડિઝાઇનનાં આભૂષણો ચડાવાશે (જોકે હાલમાં પ્રભુના આ રત્નભંડારનો વિવાદ ચાલી રહ્યો છે).

આખી રાત બહાર રહ્યા બાદ બીજે દિવસે દેવશયની એકાદશીએ ભગવાનને વિધિવત્ સ્નાન કરાવ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે એ પછી અહીં થાય છે નીલાદ્રિ વિજય તથા રસગુલ્લા ભોગ.

કહેવાય છે કે કળિયુગના આ એકમાત્ર પૂર્ણબ્રહ્મ ભગવાન જગન્નાથની નવ કલેવર પ્રથાનો આરંભ થયો ત્યારથી અહીં નીલાદ્રિ વિજય અને રસગુલ્લા ભોગની પરંપરા નિભાવાય છે. કથા અનુસાર ભગવાન પોતાનાં ભાઈ-બહેન સાથે પત્ની લક્ષ્મીજીને લીધા વગર, અરે કહ્યા વગર ગુંડીચા મંદિર (તેમના જન્મસ્થળે) જતા રહ્યા હતા. માતા લક્ષ્મી તેમને શોધતાં-શોધતાં હેરા પંચમી (અષાઢ સુદ પાંચમ)ના દિવસે ગુંડીચા દેવાલય ગયાં ખરાં, પરંતુ પ્રભુએ દ્વાર ન ઉઘાડ્યાં એથી મા લક્ષ્મી પાછાં આ મંદિરે આવી ગયાં અને પતિથી રિસાઈ ગયાં. એકાદશીએ જ્યારે પ્રભુ પાછા આવ્યા ત્યારે રૂઠેલી પત્નીને મનાવવા રસગુલ્લાનો ભોગ ધર્યો અને લક્ષ્મીજી રીઝી ગયાં.

અષાઢ સુદ એકાદશીએ માતા લક્ષ્મીને રસગુલ્લાનો ભોગ ધરાવાય છે અને એનો પ્રસાદ ભક્તજનોમાં વહેંચવા લાખોની સંખ્યામાં મંદિરમાં અન્ય ભોગની સાથે રસગુલ્લા બનાવાય છે.
સો, તીર્થાટનપ્રેમીઓ, અષાઢી બીજનો રથયાત્રાનો પ્લાન ન બન્યો હોય તો ડૂ નૉટ ગેટ અપસેટ. ૧૫ જુલાઈએ યોજાનારી બહુડા યાત્રા દરમ્યાન પુરી જાઓ. રથયાત્રાનો માહોલ તો મળશે, બોનસમાં સુનબેશાનાં દર્શન પણ થશે અને રસગુલ્લાનો પ્રસાદ પણ મળશે.

life and style culture news Rathyatra gujarati mid-day