કુરુક્ષેત્રના સ્થાણુ મહાદેવનાં દર્શન કરવા જાઓ ત્યારે કોશિશ કરજો કે મધ્યાહ્‍ને ત્યાં પહોંચાય

25 August, 2024 01:28 PM IST  |  Haryana | Alpa Nirmal

કહેવાય છે કે દરરોજ બપોરે ૧૨ વાગ્યાની આસપાસના ૫૦ મિનિટના અભિજિતકાળમાં અહીં આવેલા સ્થાણુ સરોવરમાં વિશ્વના દરેક પ્રાચીન તીર્થનાં તથા પૂજનીય નદીઓનાં જળ સંમેલિત થાય છે. એનું આચમન, દર્શન, પૂજા કરવાથી મનુષ્ય પાપકર્મથી મુક્ત થાય છે

સ્થાણુ મહાદેવ મંદિર

હરિયાણા રાજ્યનું કુરુક્ષેત્ર ઓરિજિનલી રાજા કુરુનું સામ્રાજ્ય. કૌરવો અને પાંડવોના આ વડીલના નામથી જ આ ક્ષેત્રનું નામ પડ્યું છે. વામનપુરાણ કહે છે કે રાજા કુરુની તપસ્યા, ક્ષમાભાવ, પવિત્રતા, દયાભાવ, ભક્તિ, દાનવીરપણું અને સત્યનિષ્ઠા જેવા ગુણોથી પ્રભાવિત થઈ ખુદ વિષ્ણુજીએ આ ભૂમિને વરદાન આપ્યું હતું કે ‘આ ક્ષેત્ર રાજવી કુરુના નામથી ઓળખાશે અને અહીં જેનું મૃત્યુ થશે તેને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મળશે.’

શ્રી નારાયણનાં આ બન્ને વરદાન આજે પણ વૅલિડ છે. પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સાથે સરહદો શૅર કરતો ૪૮ સ્ક્વેર કિલોમીટરનો ભૂમિખંડ કુરુક્ષેત્રના નામે ઓળખાય છે અને આ ક્ષેત્રના મુખ્ય સ્થાન થાનેશરમાં મુક્તિની પ્રતીક્ષા કરતા અનેક વૃદ્ધજનો, ઋષિ-મુનિઓ જોવા મળે છે. ૫૦૦૦થી પણ અધિક વર્ષો પૂર્વે સ્થપાયેલું કુરુક્ષેત્ર કુરુ રાજાના વંશજો બાદ અનેક રાજાઓની જાગીર બન્યું. હિન્દુસ્તાનની તવારીખ કહે છે કે ચોથી શતાબ્દીમાં મૌર્ય રાજ્યવંશ, ગુપ્ત સામ્રાજ્ય, પુષ્યભૂતિ રાજાઓ જેવા મહારથીઓએ અહીં શાસન કર્યું. એમાંય છઠ્ઠી સદીમાં હર્ષવર્ધન રાજાના રાજ્યકાળમાં તો સમસ્ત કુરુક્ષેત્ર ઝળહળા હતું. એ રાજા થાનેસરના ધાર્મિક-આધ્યાત્મિક મહત્ત્વથી એટલા પ્રભાવિત હતા કે તેમણે થાનેસરને જ પોતાના રાજ્યની રાજધાની બનાવી દીધી હતી. જોકે એ પછી તોમર વંશ અને બંગાળના રાજવીઓ આ ધરતીને સાચવી શક્યા નહીં અને દસમી સદીમાં તો મહમૂદ ગઝનીએ અહીં તબાહી મચાવી હતી. એ પછી પાંચસો-છસ્સો વર્ષ આ ધરતી મોગલોના તાબામાં રહી. અકબર રાજગાદીએ આવતાં પ્રદેશનો થોડો વિકાસ થયો અને ફરી અહીં અધ્યાત્મનાં બ્યુગલ ફૂંકાયાં. એ પછી ૧૭મી-૧૮મી સદીમાં મહારાષ્ટ્રના રાજવીઓએ અહીં ઝંડો ફરકાવ્યો અને એ દરમ્યાન જ બન્યું હાલમાં ઊભેલું સ્થાનેશ્વર મહાદેવનું વિરાટ દેવાલય.

હા, આપણે તીર્થાટને જ છીએ અને સ્થાનેશ્વર મહાદેવની જ માનસયાત્રા કરવાની છે, પરંતુ કુરુક્ષેત્રના ઇતિહાસની વાત પહેલાં એટલે છેડી જેથી ખબર પડે કે આટલા સત્તાપલટા, દરેક સત્તાબદલી વખતે થતાં ભીષણ યુદ્ધો, લોહિયાળ ક્રાન્તિ થયા પછી પણ સૃષ્ટિનું આ પહેલું શિવલિંગ અડીખમ રહ્યું, અચલ રહ્યું, અભેદ રહ્યું.

યસ, આ શિવલિંગ વિશ્વના પહેલા શિવજીના લિંગ સ્વરૂપનો વિગ્રહ છે જે બ્રહ્માજીએ સ્વયં સ્થાપ્યો છે. વામનપુરાણમાં કથા છે કે ‘એક વખત બ્રહ્માજી અને વિષ્ણુમાં વાદ થયો કે બેઉમાં શ્રેષ્ઠ કોણ? એ વાદે વિવાદનું સ્વરૂપ પકડતાં બ્રહ્માંડમાં એક મોટો સ્તંભ પ્રગટ થયો જે હતા મહેશ અને તેમણે એલાન કર્યું કે અનંત બ્રહ્માંડમાં તેઓ જ સર્વશ્રેષ્ઠ છે. જોકે એ સ્તંભ તો પછી નષ્ટ થયો, પણ બ્રહ્માજીને જ્યારે કહેવામાં આવ્યું કે હવે સૃષ્ટિનું નિર્માણ કરો ત્યારે કોઈક કારણસર એ કાર્ય આગળ નહોતું વધતું. ત્યારે બ્રહ્માજીએ આશુતોષને લિંગવિગ્રહના સ્વરૂપે અહીં સ્થાપ્યા, તેમનો રુદ્રાભિષેક કર્યો અને સૃષ્ટિની રચનાનું કાર્ય આગળ વધ્યું. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશે સંકલ્પ કર્યો કે અમે ત્રણેયમાંથી કોઈ પણ એક અહીં સદાય હાજર રહીશું.’

મંદિરના પરિસરમાં ડગ મૂકતાં સાચે જ એવી અનુભૂતિ થાય કે આ સ્થાન પર પરમાત્માની હાજરી છે. મોટા ગેટમાંથી પ્રવેશ કરતાં એક બાજુ નાનું સરોવર નજરે ચડે છે જેની મધ્યમાં શિવજીની વિરાટ મૂર્તિ છે. આ સ્થાણુ સરોવર વિશે ત્યાંના પંડિતજી કહે છે કે મન્વંતર યુગ પૂર્ણ થતાં સમગ્ર સૃષ્ટિ જલમગ્ન પણ અહીંથી જ થશે એથી એ સ્થળને વિષ્ણુજીનું નાભિકમળ પણ કહેવાય છે. સરોવરની સામે વિશાળ વડનું વૃક્ષ છે એ પણ એટલાં વર્ષો પૂર્વેનું મનાય છે. મંદિરમાં અંદર પ્રવેશતાં જ લાંબી પરસાળમાં ત્રણ હૉલ છે. એમાં પહેલા હૉલમાં રાધા-કૃષ્ણ, રામ-જાનકી અને લક્ષ્મણ-હનુમાનજી તથા ગણેશજીની નૂતન પ્રતિમાઓ છે. વચ્ચેનો હૉલ પવિત્ર શિવલિંગનું ગર્ભગૃહ. સ્થાનેશ્વર મહાદેવના લિંગની પછીતે મા ભવાની રૂપે પાર્વતી માતા છે. ગોળ ગુંબજયુક્ત શિખર ધરાવતા શિવાલયના ગર્ભગૃહમાં રંગબેરંગી ડિઝાઇન અને નાનાં આરસપહાણનાં ભીંતચિત્રો છે. પુરાણોમાં વિદિત છે કે ખુદ ભોલેનાથે અહીં લાંબો સમય તપસ્યા કરી હતી અને સ્થાયી રહેવાનું વચન આપ્યું હતું. એ નાતે અહીંના ભોલેભંડારી કહેવાયા સ્થાણુ મહાદેવ. વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્રજી અને દધીચિએ પણ અહીં તપસ્યા કરી છે. મંદિરના પંડિતજી કહે છે, ‘દધીચિ તો અહીંથી જ દક્ષ રાજાએ યોજેલા મહાયજ્ઞમાં ગયા હતા.’

એ પછી દ્વાપરયુગમાં રાવણે આ સ્થાને સાધના કરી છે. ઇન ફૅક્ટ શિવભક્ત રાવણ તો પોતાની સાથે યક્ષો, રાક્ષસો, ઋષિ, નાગ, વિદ્યાધરો, અપ્સરાઓ વગેરે જેવા ૧ લાખ લોકોને અહીં લાવ્યા હતા અને લાંબો સમય અહીં રહ્યા હતા. એ પછી વેદ વ્યાસજી વામનપુરાણમાં જણાવે છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પૂર્વે શ્રીકૃષ્ણ પાંચેય પાંડવો સહિત અહીં આવ્યા હતા અને શિવલિંગની ભક્તિભાવ વડે પૂજા કરીને વિજયી થવાના આશીર્વાદ માગ્યા હતા. ત્યારે મહાદેવે પ્રગટ થઈને કહ્યું હતું, ‘યતો ધર્મસ્તતો જય’ અર્થાત્ જ્યાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ચિત છે. શ્રીકૃષ્ણ, પાંડવો ઉપરાંત જે-જે રાજા, સૈનિકો મહાભારતના યુદ્ધમાં નરસંહાર જોઈને વિચલિત થતા તેઓ અહીં આવતા અને શંભુનાથ પાસેથી શક્તિ મેળવીને પાછા સમરાંગણે જતા. એ પછી તો કુરુક્ષેત્રના ઇતિહાસ-ભૂગોળમાં ઘણી ઊથલપાથલ થઈ (જે આપણે આગળ જોઈ) છતાં અહીં આદિલિંગની પૂજા-અર્ચના થતી રહી.

પાણીપતના ત્રીજા યુદ્ધ વખતે મરાઠા રાજા સદાશિવભાઉ કુરુક્ષેત્રના વિસ્તારમાં આવ્યા ત્યારે સ્થાણુ મહાદેવનું મહત્ત્વ જાણી અહીં દર્શનાર્થે આવ્યા અને ભોલેનાથના આ ભક્ત રાજાએ મહાદેવનું મંદિર બંધાવ્યું. જોકે એ પછી અંગ્રેજો પણ આવ્યા અને અનેક આંતરિક બળવાઓ પણ થયા, પરંતુ એ દેવાલય ટકી રહ્યું અને કૈલાસવાસીની પૂજા થતી રહી.

શિવજીના ગર્ભગૃહ પછીના હૉલમાં શ્રી શક્તિદેવીઓનાં બેસણાં છે. સાંઈબાબાની મૂર્તિ છે અને બાલાજીને સમર્પિત અલાયદું નાનકડું મંદિર છે. તેની જોડે જ એક ઓટલા પર શનિદેવ સ્થાપિત થયા છે. શનિવારે સ્થાનિક લોકોની અહીં ખાસ્સી ભીડ જોવા મળે. હવે વાત કરીએ મોટા ચોરસ કુંડની. સ્થાણુ સરોવર તરીકે જાણીતું આ જળાશય શિવલિંગ જેટલું જ પાવન અને પ્રાચીન છે. કહેવાય છે કે બ્રહ્માજીની સાતમી પેઢીના વંશજ રાજા બાનનો કુષ્ઠરોગ અહીંના જળમાં નાહવાથી મટી ગયો હતો તેમ જ અભિજિત મુહૂર્ત દરમ્યાન આ સરોવરમાં સમસ્ત સૃષ્ટિનાં તીર્થજળ, સરિતાનાં, સમુદ્રનાં જળ સમાહિત થાય છે એથી એનું અદકેરું માહાત્મ્ય છે. માન્યતા મુજબ કુરુક્ષેત્રના મોસ્ટ પાવરફુલ ગણાતા બ્રહ્મ સરોવરનો જળસ્રોત આ જ છે.

સરોવરની પાછળની બાજુ
હરિ-હરની વિશાળ પ્રતિમા છે જેના અડધા ભાગમાં વિષ્ણુ અને અડધા ભાગમાં શંકરજી છે. જમણી બાજુ વિષ્ણુજીના એક હસ્તમાં તુલસીમાળા અને બીજા હાથમાં સુદર્શનચક્ર છે. તો ભોલેબાબાનું રૂપ ડાબી બાજુ છે જે એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં રુદ્રાક્ષમાળા ધારણ કરીને બેઠા છે. આ હરિ અને હરનું સ્વરૂપ દોઢેક વર્ષ પહેલાં જ અહીં મુકાયું છે અને ભક્તોમાં ખાસ્સું લોકપ્રિય થઈ રહ્યું છે.

મુંબઈથી કુરુક્ષેત્ર સુધી જવા માટે ડાયરેક્ટ ટ્રેનો છે જે ૨૫થી ૩૦ કલાક લે છે, પરંતુ તમારે ઝડપથી આ ધર્મક્ષેત્રે પહોંચવું હોય તો મુંબઈથી દિલ્હી ફ્લાય કરો અને પાટનગરથી કુરુક્ષેત્ર જવા માટે અઢી કલાકની રેલ-જર્ની કરો. કુરુક્ષેત્ર અને દિલ્હીનું ડિસ્ટન્સ ૧૫૫ કિલોમીટર છે જે સરકારી પરિવહન સેવા અને ટૅક્સી દ્વારા પણ તય કરી શકાય છે. થાનેસરમાં ઢંગની ગણાય એવી જૂજ હોટેલો છે. હા, મીડિયમ રેન્જની પણ ઘણી હોટેલો છે. હરિયાણા એ પંજાબ અને ઉત્તર પ્રદેશનો જુડવા ભાઈ જેવો જ છે એટલે અહીં પંજાબી રોટી-શાક બધે મળી રહે છે. ઉપરાંત શહેરની આજુબાજુ ફરવા છકડા જેવી મોટી રિક્ષા અને નાજુક ઈ-રિક્ષા હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે જવું સહેલું બની રહે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

મહાશિવરાત્રિએ સ્થાનેશ્વર મહાદેવના દરબારમાં હજારો ભક્તો બાબાને ભેટવા આવે છે. એ દિવસે અહીં મોટો મેળો ભરાય છે. સૌથી સુપર્બ વાત એ છે કે ભક્તોને બાબાના આદિ વિગ્રહ સ્પર્શ દર્શન કરવા મળે છે. મધ્યાહ્‍ન સુધી શિવલિંગ પર કોઈ મહોરું કે બીબું હોતું નથી. કુરુક્ષેત્રનું બ્રહ્મ સરોવર જગવિખ્યાત છે. સૂર્યગ્રહણના દિવસે અહીં સ્નાન કરવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અતિ વિરાટ સરોવરની ફરતે સુંદર તથા પાકો ઘાટ બનાવાયો છે તેમ જ મહિલાઓ માટે વસ્ત્રો બદલવાની સુવિધા પણ છે. આ જ સરોવરની થોડી અંદર ગુલાબી પથ્થરનું કારીગીરીયુક્ત મહાદેવાલય છે, જ્યાં સર્વેશ્વરનાથ બિરાજે છે. સરોવરના બીજા છેડે એક દ્વીપ પર અર્જુનને ગીતાપાઠ સંભળાવતી શ્રીકૃષ્ણની કાંસ્યમૂર્તિ છે એ પણ દર્શનીય છે અને ખરેખર જ્યાં ગીતા બોલાઈ હતી એ સ્થળ પણ અહીંથી નજીકમાં જ છે, ડોન્ટ મિસ. થાનેસરમાં મા ભદ્રકાળીની શક્તિપીઠ છે, અહીં દેવી ભગવતીની જમણી પિંડી પડી હોવાનું કહે છે અને કહે છે કે કૃષ્ણ અને બલરામજીનું મુંડન પણ અહીં જ કરવામાં આવ્યું હતું.

columnists gujarati mid-day haryana life and style religious places