ઉત્તરાખંડના પહાડોના સૌંદર્ય વચાળે કાર્તિકેયના અસ્થિ-સમર્પણનું સ્થાન

10 November, 2024 02:26 PM IST  |  Uttarakhand | Alpa Nirmal

ઉત્તરાખંડનાં ચારેચાર ધામનાં કપાટ શીતકાલમાં ભલે બંધ થઈ જતાં હોય છે, પરંતુ બદરીનાથ અને કેદારનાથ વચ્ચે વસેલા કાર્તિક દેવનું મંદિર બારેમાસ ખુલ્લું રહે છે.

બદરીનાથ અને કેદારનાથ વચ્ચે વસેલા કાર્તિક દેવનું મંદિર બારેમાસ ખુલ્લું રહે છે

ઉત્તરાખંડનાં ચારેચાર ધામનાં કપાટ શીતકાલમાં ભલે બંધ થઈ જતાં હોય છે, પરંતુ બદરીનાથ અને કેદારનાથ વચ્ચે વસેલા કાર્તિક દેવનું મંદિર બારેમાસ ખુલ્લું રહે છે. શુક્રવારે કાર્તિક પૂર્ણિમા છે એ નિમિત્તે જઈએ રુદ્રપ્રયાગ નજીક કનકચૌરી ગામ પાસેના એક પહાડની ચોટી પર આવેલા કાર્તિક સ્વામી મંદિરે

કારતક સુદ પૂનમ સનાતન ધર્મનો અતિપવિત્ર દિવસ ગણાય છે. આ શુભ દિવસ સાથે રુદ્રાવતાર મહેશ, સૃષ્ટિના ચાલક વિષ્ણુજી તથા રાધા-કૃષ્ણ, તુલસીમૈયા અને વિષ્ણુજી તથા શિવપુત્ર કાર્તિકનુંયે કનેક્શન છે. એ ઉપરાંત જૈનધર્મીઓનું ચાતુર્માસ એ દિવસે પૂર્ણ થાય છે અને કાર્તિક પૂર્ણિમાએ તેમના શ્રદ્ધેય તીર્થ શેત્રુંજયની યાત્રા કરવાનું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. પઘડીધારી સિખ સમુદાય માટે તો આ દિવસ પ્રકાશનું પર્વ છે, કારણ કે એ દિવસે ગુરુ નાનકનો જન્મદિન છે. ઉત્તર ભારતમાં કારતક મહિનાની પૂનમે દેવોની દિવાળી છે તો દક્ષિણ ભારતમાં તેમના પ્રિય મુરુગન સ્વામીનો બર્થ-ડે.

યસ, મુરુગન સ્વામી એટલે જ કાર્તિકેય, એટલે જ સુબ્રમણ્યમ, એ જ સ્કંદ, એ જ કુમાર. ભારતના નૉર્થ ઇન્ડિયન સ્ટેટ, ઈવન ગુજરાત તેમ જ મહારાષ્ટ્રમાં પણ કાર્તિક સ્વામીની પૂજા-અર્ચના બહુ પ્રચલિત નથી. તેઓ ભોલેનાથના પુત્ર છે એથી વધુ આપણને તેમનો પરિચય નથી, પરંતુ દેશનાં દક્ષિણી રાજ્યોમાં કાર્તિક સ્વામી લવિંગ લૉર્ડ છે. પેલી વાર્તા સાંભળી છેને કે એક વખત શિવ-પાર્વતીજીએ ગણપતિ અને કાર્તિકેયમાંથી કોના વિવાહ પહેલાં કરવા એ માટે બેઉ પુત્રોને સમસ્ત સૃષ્ટિની ત્રણ (કોઈ શાસ્ત્ર ૭ કહે છે) પ્રદક્ષિણા કરવાનું કહ્યું અને શરત રાખી કે જે પહેલો આવશે તેનાં લગ્ન પહેલાં કરાવવામાં આવશે. તો માતા-પિતાની આજ્ઞા ‘સર આંખો પર’ રાખી કાર્તિકજી તો નીકળી પડ્યા સૃષ્ટિની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન મયૂર પર સવાર થઈને અને વિચાર્યું કે મારા ભાઈ ગજાનનનું વાહન તો મૂષક છે. એના પર બેસી ગણપતિ ક્યારે આ શરત પૂરી કરશે. હું જ પહેલો થઈશ, પણ નિયતિનો ખેલ જુદો હતો. બુદ્ધિશાળી વક્રતુંડે ટ્રિક વાપરી અને પૃથ્વીને બદલે તેમણે શંકર-પાર્વતીજીની જ પ્રદક્ષિણા કરી અને સાથે કહ્યું કે મારે માટે તો તમે મારાં માતા-પિતા જ બ્રહ્માંડ છો. દીકરાની આ ચેષ્ટાથી ભોલેનાથજી તો ખુશ થઈ ગયા અને એકદંતને રિદ્ધિ-સિદ્ધિ સાથે પરણાવી દીધા.

આ બાજુ કાર્તિકેય સ્વામી મોર પર અસવાર થઈ ચક્કર લગાવી રહ્યા હતા ત્યારે તેમને નારાયણના ભક્ત નારદમુનિ મળ્યા અને તેમને ભાઈનાં લગ્નનાં વધામણાં આપ્યાં. સ્કંદ કુમાર તો સઘળી બીનાથી અજાણ હતા, પણ ગણપતિની એ ચાલાકીથી નારાજ થઈને કૈલાશ છોડી દક્ષિણ ભારતની શ્રીશૈલમ પહાડી પર ચાલ્યા ગયા અને અહીં જ કાયમી વસવાટ કર્યો.

 આથી જ દક્ષિણ ભારતીય ભક્તો માટે કાર્તિકેય લાડકા દેવ છે, કારણ કે તેઓ તેમના પ્રદેશમાં વસે છે અને સ્થાનિક લોકોનો એક સમુદાય એમ પણ માને છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે શંકર-પાર્વતી પોતાના પુત્રને મળવા શ્રીશૈલમ આવે છે અને તેમના માનમાં કારતકી પૂનમે અહીં વિશેષ પૂજા તેમ જ દીપદાનમ રૂપે ભવ્ય ઉજવણી થાય છે. જોકે આ માન્યતાનું કોઈ પ્રમાણ નથી, પરંતુ એ હકીકત છે કે મુરુગન સાઉથ ઇન્ડિયન ભાવિકોના મોસ્ટ ફેવરિટ ગૉડ છે.

વેલ, આટલું વાંચ્યા પછી તમને થશે કે આપણે દક્ષિણ ભારતના કોઈ કાર્તિકેય મંદિરની માનસયાત્રા કરીશું. યસ, ભારતનાં સાઉથ રાજ્યોમાં એક સે બઢકર એક સુબ્રમણ્યમ મંદિરો છે, પરંતુ આજે તો આપણે જવાનું છે હિમાલયની બરફીલી ચોટીઓથી ઘેરાયેલી કૌંચ પહાડીઓની એક ચોટી પર જ્યાં એક માન્યતા પ્રમાણે આજે પણ કાર્તિકેયનાં હાડકાંઓનું અસ્તિત્વ છે.

હવે આ મંદિરની સ્ટોરી પર ફોકસ કરીએ.  

આગળ જાણ્યું કે ગોરાંદે અને મહાદેવે કયા પુત્રનાં લગ્ન પહેલાં કરવાં એ વિવાદનો હલ લાવવા માટે બેઉને પૃથ્વીલોકનાં ચક્કર લગાવવાનું કહ્યું હતું, પરંતુ એક પૌરાણિક કથા કહે છે (કદાચ એ જ વધુ સાચું હશે, કારણ કે લગ્ન જેવા દુન્યવી કાર્ય માટે મહાન પિતાના બે તેજસ્વી પુત્રો વચ્ચે આવી સામાન્ય હરીફાઈ થોડી કરાવાય) કે ધાર્મિક યજ્ઞ કે પૂજા કરતી વખતે સૌપ્રથમ કોને યાદ કરવા, કોને પ્રથમ આહુતિ આપવી, કાર્તિકેયને કે ગણેશને, એ બાબતે દેવતાગણોમાં ભારે અવઢવ હતી. એ પહેલી લઈ તેઓ મહાદેવ પાસે આવ્યા અને કૈલાશનાથે બેઉ પુત્રોને સૃષ્ટિની પરિક્રમા કરવાનું કહ્યું. તો કોઈ શાસ્ત્ર એમ પણ કહે છે કે બ્રહ્માજીએ આપેલું જ્ઞાનફળ કયા પુત્રને ખવડાવવું એ માટે ભોલેનાથે પુત્રોની આ પરીક્ષા લીધી હતી.

ખેર, આ મુદ્દે જેમ ભિન્ન-ભિન્ન માન્યતા છે એ જ રીતે એ વાતમાં પણ મતમતાંતર છે કે કાર્તિકેયજી નારાજ થઈને આર્ય ભૂમિના દક્ષિણી છેડા પર જતા રહ્યા કે સર્મપણરૂપે કૌંચ પહાડી પર જઈને ઉગ્ર તપશ્ચર્યા કરીને માતાને પોતાના શરીરનું માંસ અને પિતાને હાડકાં સમર્પિત કર્યાં.

હા, આ જ છે આજનું તીર્થાટન પ્લેસ. કાર્તિકેયની અસ્થિ-સમર્પણનું આ સ્થળ દરિયાની સપાટીથી ૩૦૫૦ મીટરની ઊંચાઈએ, બાદલોની બાંહોમાં વસેલું છે. દેવભૂમિ ઉત્તરાખંડની હસીન વાદિયાં વચ્ચે આવેલું કાર્તિક સ્વામી મંદિર આસ્થાળુઓમાં તો ખરું જ, પણ ટ્રેકર્સમાં પણ જાણીતું છે.

અહીં મંદિર કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ કનકચૌરી ગામના રહેવાસીઓ કહે છે કે ‘હમ યહાં દેઢસો-દોસો સાલોં સે પૂજા કરતે હૈં.’ અલબત્ત સોશ્યલ મીડિયાના પ્રસારથી આ દેવાલય વધુ પ્રખ્યાત બન્યું છે અને એમાંય છેલ્લાં પાંચ-છ વર્ષોમાં તો દેશ-વિદેશથી અનેક યાત્રાળુઓ કાર્તિક સ્વામીને મથ્થા ટેકવા આવે છે. મંદિરના પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘વિશેષ તો મંદિરનું લોકેશન ખૂબ અદ્ભુત છે. એક બાજુ નંદાદેવી પર્વત, બીજી બાજુ ત્રિશૂલ ચોટી અને ત્રીજી બાજુ ચૌખંભાની પર્વત-શૃંખલાઓની વચ્ચે આ મંદિર પણ એક પર્વતના શિખરે ઉન્નત ઊભું છે. વળી બદ્રીનાથ-કેદારનાથ યાત્રાએ આવતા યાત્રાળુઓ, ખાસ કરીને યુવાન ભાવિકો અહીં વધુ આવે છે. કારણ કે મંદિર સુધી પહોંચવા માટે ૩ કિલોમીટરની ચડાઈ ચડવાની છે.’

વાત તો સાચી છે. ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદરીનાથ એ ચારધામની યાત્રામાં રુદ્રપ્રયાગ મેઇન જંક્શન છે. કેદારનાથથી બદરીધામ જવું હોય કે વાઇસ-અ-વર્સા, રુદ્રપ્રયાગ આવવું જ પડે અને ત્યાંથી કનકચૌરી ગામ ફક્ત ૪૦ કિલોમીટર દૂર છે. ભાવિકોના આવાગમનને કારણે નાનકડા પહાડી ગામથી થોડું ઠીકઠાક નગર બનેલું કનકચૌરી ગામ હવે પ્રવાસીઓમાં ફેમસ છે. અહીં બીજું તો ખાસ જોવાલાયક નથી એટલે મોટા ભાગના યાત્રીઓ અહીં આવી ચા-પાણી પી સીધા મંદિર જવા કૂચ કરે છે.

ગામની વચ્ચોવચ પસાર થતી કેડીઓથી શરૂ થતી ચડાઈ સહેલી નથી અને અઘરીય નથી, મોડરેટ કહી શકાય. ડુંગરની ધારે-ધારે બુરાંશનાં લાલટાક ફૂલોનાં વનોમાંથી પસાર થતાં-થતાં શ્વાસ પણ ફૂલે છે અને પગ પણ દુખે છે અને એમાંય મંદિર પહોંચવાની છેલ્લી ૮૦ સીડીઓ જોઈને તો મોતિયા મરી જાય. બટ, બૉસ જ્યારે આ બધી કસોટી પાર કરીને ટૉપ પર પહોંચો છો ત્યારે વાદળો અને પહાડ પરથી આવતી ઠંડી લહેરખીઓ તન-મનમાં એવી સમાઈ જાય છે કે મોઢામાંથી સરી જ પડે, ‘ગર ફિરદૌસ બર રૂએ જર્મી અસ્ત, હમી અસ્તો હમી અસ્તો’ અર્થાત્ ધરતી પર જો ક્યાંય સ્વર્ગ હોય તો એ અહીં જ છે, અહીં જ છે.

એક મોટા પરિસરમાં કાર્તિક સ્વામીની અસ્થિઓ ધરાવતું નાનું મંદિર છે. મંદિરમાં ક્લિયર કોઈ મૂર્તિ નથી. એક મોટું પાષાણ જેવું છે, જેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. હા, મુખ્ય મંદિર પહેલાં જ ખુલ્લી જગ્યામાં બજરંગબલીની વિરાટ પ્રતિમા છે જેનાં દર્શન કરતાં ભાવિકોનો થાક છૂમંતર થઈ જાય. કાર્તિકદેવના દેવળની પછીતે તેમનાં
પિતાશ્રી-માતાજીનાં નાનાં નૂતન મંદિર છે. જોકે નોટિસેબલ છે, પરિસરના ગેટથી લઈ ચારેય તરફ બાંધેલી લોખંડની કમાનો પર સેંકડો ઘંટડીઓ અને બાંધેલી પાતળી નાની ધજાઓ છે જે સાબિતી આપે છે કે અહીં આવતા ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે.

મુંબઈથી દેહરાદૂન કે હરિદ્વાર પહોંચવા અનેક ટ્રેનો અને ફ્લાઇટ સર્વિસ છે, તો હરિદ્વાર-હૃષીકેશથી ઈવન રાજધાની દેહરાદૂનથી પ્રાઇવેટ વાહનો અને સરકારી બસ સાવ સસ્તામાં રુદ્રપ્રયાગ પહોંચાડી દે છે. રુદ્રપ્રયાગથી કનકચૌરી જવા શૅરિંગમાં જીપ જેવાં વાહનો પણ મળી રહે છે. પ્રાઇવેટ ટૅક્સી પણ કરી શકો છો અને રેન્ટ પર બાઇક પણ લઈ શકાય છે. પહાડીની ધારે-ધારે ચાલતા ગોળાકાર રસ્તા પરથી મુસાફરી કરતાં ચોક્કસ ખ્યાલ આવે કે કાર્તિકેયે પણ આ જ રીતે પૃથ્વીની પરિક્રમા કરી હશે! ખેર, દોઢેક કલાકની જર્ની મંદિરની તળેટીના ગામે ઉતારે છે. ત્યાંથી પાણીની બૉટલ, થોડો નાસ્તો વગેરે લઈને એક-સવા કલાકની ચડાઈ કરો એટલે તમે પહોંચશો વિશ્વના સૌથી ઊંચા કાર્તિકેય મંદિરે.  મંદિરની નજીકમાં પૂજાપો-પ્રસાદ વેચતી નાની-નાની હાટડીઓ છે. બાકી ચા-પાણી બિસ્કિટ જેવું મળી જાય છે. અન્ય કોઈ સુવિધા નથી.

સમ યુઝફુલ પૉઇન્ટ્સ
રસ્તો પથરાળ અને ઊબડખાબડ છે એથી ચડતી વખતે આરામદાયક સ્પોર્ટ્સ શૂઝ પહેરવાં હિતાવહ રહેશે. આખા રસ્તે સૅનિટેશનની સુવિધા પણ નથી.

પહાડોમાં મોડા બપોરે વરસાદનું એકાદ ઝાપટું પડી જાય છે, સીઝન હોય કે નહીં. એટલે દર્શન કરી વહેલા પાછા અવાય એ રીતે ચડાઈની શરૂઆત કરવી. જોકે મંદિર પરિસરથી સૂર્યોદય જોવાનો લહાવો અદ્ભુત છે એથી અનેક ભાવિકો એ પ્રમાણે વહેલી સવારે ચડવાની શરૂઆત કરી દે છે.

મંદિર બારે મહિના સૂર્યોદયથી સાંજે ૪-૫ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ભક્તો આખું વર્ષ અહીં આવે જ છે, પણ પ્રકૃતિપ્રેમી અને પહાડપ્રેમીઓ ખાસ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં કાર્તિક સ્વામીની યાત્રા કરે છે. અહીં બરફવર્ષા તો થાય છે અને એની મજા તો છે જ, સાથે વેધર સાફ હોય તો મંદિરની ટોચથી દેખાતો હિમાચ્છાદિત હેમાળો મનોરમ મનોરમ... 

રહેવા માટે બેસ્ટ ઑપ્શન રુદ્રપ્રયાગ છે, પરંતુ હવે, કનકચૌરીની આસપાસ પણ થોડાં હૉલિડે હોમ ખૂલ્યાં છે. એ રીતે દરેક જગ્યાએ ફૂડ પણ મળી રહે છે. 

તોફાની અલકનંદા અને નટખટ મંદાકિની નદીનું સંગમસ્થળ રુદ્રપ્રયાગનો અલગ રુત્બો છે. એની અનુભૂતિ કરવા એકાદ-બે રાત અહીં પણ રહેવાય.

uttarakhand kedarnath badrinath religious places religion culture news hinduism columnists life and style