કપિલ ઠાકરઃ વારસાને સાચવતો માણસ

29 March, 2019 06:33 PM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

કપિલ ઠાકરઃ વારસાને સાચવતો માણસ

મેગેઝિન સાથે કપિલ ઠાકર(મધ્યમાં)

આમ તો વારસો કે પછી હેરિટેજ સાઈટ્સ એટલે એવી જગ્યાઓ જેની સાથે ઈતિહાસ જોડાયેલો હોય. એવી જગ્યાઓ જે આપણને આપણા ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી હોય. પરંતુ આવી જગ્યાઓમાં મોટા ભાગના લોકોને રસ ઓછો પડે છે. હા, જો ખૂબ જ જાણીતી જગ્યા હોય તો ટુરિઝમ પ્લેસ તરીકે તે કામ કરી શકે છે, પરંતુ નવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં સંશોધકો સિવાય ભાગ્યે જ કોઈને રસ પડતો હશે.

વારસો મહત્વનો છે, કારણ કે ભૂતકાળમાં જે તે સમયમાં કોઈ જ ટેક્નોલોજી વગર આ મોન્યુમેન્ટ્સ બન્યા છે એટલે તે ખાસ છે. તેની બનાવટ, બનાવવાની શૈલી ખાસ છે. અને તેના પર અભ્યાસ થવો જરૂરી છે, જેથી આગામી પેઢી તેના વિશે જાણી શકે. પણ, ગુજરાતની ખૂબ જ ઓછી હેરિટેજ પ્લેસિસ જાણીતી છે, કે પછી ખૂબ જ ઓછી એવી જગ્યાઓએ જેના પર કામ થયું છે. એટલે આવી જ વારસાગત જગ્યાઓને સાચવે છે, તેના વિશે જાગૃતિ ફેલાવે છે કપિલ ઠાકર.

કપિલ ઠાકર પોતે હેરિટેજ લવર છે. તેઓ હેરિજેટ એન્ડ કલ્ચરલ રિસર્ચ નામની NGO ચલાવે છે. આ એનજીઓ દ્વારા તેઓ ગુજરાતની વણખેડાયેલી ઐતિહાસિક જગ્યાઓ શોધે છે, લોકોને તેના વિશે માહિતી આપે છે અને તેનું સંવર્ધન કરે છે. એક રીતે કહીએ તો આખા સમાજની દરેક લોકોની જે જવાબદારી છે તે કપિલ ઠાકર એકલા હાથે પૂરી કરી રહ્યા છે. કારણ કે વારસો તેમનો પહેલો પ્રેમ છે.  

ઉરસદની વાવ પર મુલાકાતીઓ સાથે કપિલ ઠાકર

આ પ્રવૃત્તિમાં રસ પડવાની કપિલ ઠાકરની પ્રક્રિયા પણ જાણવા જેવી છે. આમ તો કપિલ મૂળ બનાસકાંઠાના દાંતીવાડા જિલ્લાના છે. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી ઈતિહાસ વિષયમાં એમએ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. 2007માં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ દરમિયાન તેમણે અભ્યાસના ભાગરુપે ઉત્તર ગુજરાતની વાવ પર રિસર્ચ કર્યું. ત્યારે વાવની સ્થિતિ જોઈને તેઓ હલબલી ઉઠ્યા. અને બસ ત્યારથી જ કપિલને લાગ્યું કે જો આપણે આ ઐતિહાસિક જગ્યાઓ જાળવીશું જ નહીં તો ભવિષ્યની પેઢી તેના પર રિસર્ચ કેવી રીતે કરશે. ભવિષ્યમાં આપણે વિશ્વને વારસા તરીકે શું બતાવીશું ? બસ આ બે સવાલોએ કપિલ ઠાકરને વારસા માટે કામ કરવા પ્રેર્યા. અને સફર શરૂ થઈ.

પોતાના ધ્યેય સુધી પહોંચવા કપિલ ઠાકરે 2008માં હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્સ એનજીઓ શરૂ કરી, પણ તેઓને હજી લોકોમાં અવેરનેસ કેવી રીતે લાવવી, લોકો સુધી વાત કેવી રીતે પહોંચાડવી એ સવાલ છે. આખરે તેનો જવાબ મળ્યો મેગેઝિન 'અતુલ્ય વારસો'ના સ્વરૂપે. આ મેગેઝિન વિશે કપિલ ઠાકર કહે છે કે અમારો વિચાર લોકો સુધી પહોંચે, મારી જેમ હેરિટેજ ક્ષેત્રે કામ કરતા લોકોની વાત વધુ લોકો જાણે, વારસા વિશે લોકો જાણી શકે તેના માટે આ મેગેઝિન શરૂ કર્યુ હતું. આ ત્રિમાસિક મેગેઝિન હાલ વારસાની રસનીતરતી ભરપૂર માહિતી સાથે આખા ગુજરાતમાં પહોંચે છે.

જો કે કપિલ અહીંથી જ નથી અટક્યા. પોતાને ગમતા વારસાને સાચવવા તેમણે ઈનિશેટિવ પણ લીધું છે. કપિલ ઠાકરની એનજીઓએ ગાંધીનગર નજીક ઉવારસદની વાવ એડોપ્ટ કરી છે. તેઓ જ આ વાવની જાળવણી કરે છે. તેમની ઈચ્છા અહીં સ્ટેપવેલ ઈન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવાની છે, જે ગુજરાતની જુદા જુદા પ્રકારની વાવ પર કામ કરી શકે.

આ ઉપરાંત કપિલ ઠાકર ગુજરાત ભરની 35 જેટલી હેરિટેજ સાઈટ્સ ક્લીન કરાવી ચૂક્યા છે, જ્યાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા હોય કે પછી જે લોકોની નજરથી દૂર રહીને માત્ર ખંડેર બની ગઈ હોય. આવી સાઈટ્સને ચોખ્ખી કરાવી કપિલ ઠાકર લોકો મુલાકાત લઈ શકે તે સ્થિતિમાં લાવી ચૂક્યા છે.

કપિલ ઠાકરનું કહેવું છે કે જે ઐતિહાસિક જગ્યાઓ જાણીતી છે, તેના પર બધા જ કામ કરે છે. પરંતુ જે વારસા વિશે લોકોને ખબર જ નથી તેનું શું ? અમારુ કામ અજાણી જગ્યાઓ શોધી તેના વિશે જાગૃતિ ફેલાવવાનું છે. અને તેઓ આ કામ કરી ચૂક્યા છે વડગામની વાવ માટે કપિલ ઠાકરે બનાસકાંઠાના વડગામમાં જમીનમાં દટાઈ ગયેલી ઐતિહાસિક વાવ શોધી છે. ખોદકામ કરતા આ વાવના કુલ 5 માળ મળી આવ્યા છે. જેના વિશે સ્થાનિકોને કોઈ જ માહિતી નહોતી.

કપિલ લોકોને કરાવે છે અતુલ્ય વારસાનો પરિચય

તો કપિલ અને તેમની NGO સોમનાથ મંદિર, અંબાજી, પાટણ, વડનગર, કપડવંજ જેવી જાણીતી જગ્યાઓનો વારસો સાચવવાનું પણ કામ કરે છે. આ જાણીતી જગ્યાઓની આસપાસ આવેલા ઐતિહાસિક સ્થળોની લોકો મુલાકાત લેતા થાય એ માટે તેણે ટી પાર્ટીનો કન્સેપ્ટ શરૂ કર્યો છે. કપિલની એનજીઓ ઐતિહાસિક સ્થળો પર ટી પાર્ટી યોજે છે. જેનો ઉદ્દેશ્ય છે હેરિટેજ પર કામ કરતા લોકોનું નેટવર્કિંગ વધે, આવા લોકો એકબીજાને મળીને મદદ કરી શકે અને ખાસ તો સામાન્ય લોકો પોતાની આસપાસના વારસાને જાણી શકે. અત્યાર સુધી તેઓ ગુજરાતમાં અમદાવાદ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, વડોદરા, ભૂજ અને મુંબઈ સહિતના સ્થળે કુલ 22 ટી પાર્ટીનું આયોજન કરી ચૂક્યા છે. જેમાં 1 હજારથી વધુ હેરિટેજ લવર્સ જોડાયા છે.

વારસો સાચવવાના કામમાં નોંધપાત્ર પ્રદાન બદલ તેમનું સન્માન પણ થઈ ચૂક્યુ છે. કપિલ ઠાકરને અત્યાર સુધી સંસ્કાર ભારતી, પાલનપુર વિદ્યામંદિર અને બનાસકાંઠાના કલેક્ટર તરફથી પુરસ્કાર મળી ચૂક્યા છે.  જો કે કપિલને આટલેથી અટકવું નથી તેમનું સપનું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરનું એક એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર બને, જ્યાં આવીને વિશ્વના વારસા રસિકો ગુજરાતના અને ભારતના વારસા વિશે અભ્યાસ કરી શકે. આ ઉપરાંત તેઓ ગુજરાતની દરેક હેરિટેજ સાઈટ્સના મોન્યુમેન્ટને વિક્સાવવા પણ ઈચ્છે છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ અજાણી વાવની અજાણી વાતો (ભાગ - 2)

પોતાનું જીવન જ ઐતિહાસિક જગ્યાઓને સાચવવા માટે સમર્પિત કરી ચૂકેલા કપિલ કહે છે કે  વારસો સાચવવાની ફરજ ફક્ત સરકારની નથી. સરકારે ચોક્કસથી જવાબદારી લેવી જ પડે. પરંતુ સ્થાનિકોની મદદ સિવાય ક્યારેય હેરિટેજ જાળવી શકાય નહીં. એટલે આપણી જાગૃતિ પણ મહત્વની છે.

ahmedabad gujarat