27 October, 2024 07:47 AM IST | Mumbai | Alpa Nirmal
જાગેશ્વરબાબા
ભારતના ઇતિહાસને જાણવો હોયને તો દેવભૂમિ ઉત્તરાખંડ પહોંચી જવાનું. આ રાજ્યમાં પાંચ હજાર, બે હજાર, એક હજાર વર્ષો પૂર્વેનાં પ્રાચીન અને પૌરાણિક સેંકડો મંદિરો અને સ્થાનો છે. સનાતન ધર્મનો ઇતિહાસ, પરંપરા, એસેન્સનો પમરાટ ફેલાવતાં એ પવિત્ર સ્થળોનાં દર્શન તનને તો તૃપ્ત કરે છે પણ મનને પણ એ એરામાં લઈ જાય એવી જાગૃત વાઇબ્સ ધરાવે છે.
અલ્મોડા પાસે આવેલું જાગેશ્વર એમાંનું જ એક તેજસ્વી સ્થાન છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદરીનાથ એ ચાર ધામ બાદ પાંચમા ધામ તરીકે પુજાતા જાગેશ્વરની ભૂમિના છેડા છેક શૈવકાળને અડે છે. કહેવાય છે કે આ શિવજીની તપોસ્થળી હતી. સતીના આત્મદહન બાદ યોગેશ્વરજી કૈલાસ પર્વત ગયા જ નહીં, તેમણે અહીં દીર્ઘ કાળ સુધી કઠિન તપસાધના કરી. આથી આ ગામ યોગેશ્વર તરીકે પણ ઓળખાય છે. અગેઇન આ સ્થળની મહત્તાની જ વાત આગળ વધારીએ તો બ્રહ્માના માનસ પુત્ર સપ્તર્ષિ એટલે અત્રિ, ભારદ્વાજ, ગૌતમ, મહર્ષિ, જમદગ્નિ, કશ્યપ, વશિષ્ઠ અને વિશ્વામિત્ર ઋષિઓ પણ પોતાની પત્નીઓ સહિત અહીં રહેતા હતા અને તેમણે પણ લાંબો સમય સુધી અહીં તપ, ધ્યાન, હવન, જપ કર્યાં છે. એમ પણ કહેવાય છે કે શ્રીરામના પુત્રો લવ-કુશે અજ્ઞાનતાવશ પિતાજી સાથે યુદ્ધ કર્યું અને એનું પ્રાયશ્ચિત્ત કરવા તેમણે આ ધરતી પર જ યજ્ઞ કરાવ્યો હતો જેમાં ત્રણેય લોકના ઋષિઓ, દેવી-દેવતાઓ હાજર હતાં. મંદિર સમૂહના એક મંદિરમાં ધખતી ધૂણી જોઈ શકાય છે અને કહે છે કે એ લવકુશે કરાવેલા યજ્ઞ સમયથી પ્રજ્વલિત છે. સો, ઇટ ઇઝ પ્રૂવ્ડ કે આ ભૂમિ અત્યંત પાવન છે.
જાગેશ્વરધામમાં ૧૨૪ મંદિરો છે એ ક્યારે બન્યાં, કોણે નિર્માણ કરાવ્યાં એના વિશે ભારે મતમતાંતર છે. એક વર્ગ માને છે કે સ્થાનિક કત્યુરી વંશના રાજવીઓએ મંદિરો બનાવડાવ્યાં, તો કેટલાક આસ્થાળુઓ કહે છે એ શાસકોએ તો ફક્ત મંદિરો મેઇન્ટેન કરાવ્યાં. હા, મુખ્ય મંદિરની દીવાલો પર દૈવીય ભાષામાં અમુક લખાણો છે પરંતુ એ એટલાં ઘસાઈ ગયાં છે કે એને ઉકેલવાં શક્ય નથી બન્યાં. વૈજ્ઞાનિકોએ અહીંના પથ્થરોની કાર્બન ડેટિંગ કરીને તેમ જ મંદિરોના એક્સપર્ટો, મંદિર અને દેરીઓની બાંધકામ શૈલી પરથી કહે છે કે આ મંદિરો સાતથી બારમી સદીમાં બન્યાં હોવાં જોઈએ. તેમનું માનવું છે કે એવું પણ બની શકે કે થોડાંક દેવાલયો પહેલાં બન્યાં હોય, થોડાં પછીથી. અને એ સમયે જૂનાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાયો હોય. એ શક્યતા પણ ખરી. ખેર, જવા દો હવે એ વાતો. એમાં ચોળીને ચીકણું કરી સમય નથી બગાડવો. આપણે તો ઊપડીએ જાગેશ્વર ધામ.
અરે, આ નિર્માણની પંચાતમાં તમને કહેવાનું રહી જ ગયું કે જાગેશ્વર ધામ કુલ ૧૨૪ મંદિરોનો સમૂહ છે. મુખ્ય મંદિરમાં મૃત્યુંજય બિરાજે છે અને તેમની કથા એ છે કે આ લિંગમથી જ શંકરને લિંગ સ્વરૂપે પૂજવાનું શરૂ થયું. એનીયે કથા જાણવા જેવી જ છે અને આપણે એ કરીશું પણ ખરા જ, પણ હમણાં નહીં. હમણાં તો જય બાબા કુબેર દેવદિવાળી છે ભાઈ અને દિવાળીએ તેમનાં જ ગીત ગવાય. અને કુબેરજીની જ કથા કરાય.
સો, મિત્રો આ ૧૨૪ મંદિર સમૂહમાં જ એક મંદિર છે કુબેર મહાદેવનું. હા, ભાઈ હા, અહીં કુબેર ભોલેબાબાના રૂપે કુબેરેશ્વર લિંગમ્ તરીકે જ પૂજાય છે. કુબેરની મૂર્તિ નથી પરંતુ આગળ કહ્યુંને કે અહીંના કુબેર દેવ એવા પાવરફુલ છે કે ભક્તો માને છે કે તેમનાં દર્શન કરતાં દેવ દર્શનાર્થીઓને કરોડપતિ બના દેતે હૈં. એટલે જ વર્ષના અંતિમ ત્રણ દિવસ અહીં શ્રદ્ધાળુઓની લાંબી-લાંબી કતાર હોય છે.
જાગેશ્વર ધામ ટેમ્પલ કૉમ્પ્લેક્સ સાડાત્રણ કિલોમીટરમાં વિસ્તરેલું છે. એટલે મુખ્ય મંદિરથી કુબેર મંદિર ઑલમોસ્ટ ૬૦૦-૭૦૦ મીટર દૂર છે. જે થોડી ચડાઈ બાદ આવે છે. પરંતુ એ સીડીઓ, ચડતાં-ઊતરતાં પરિસરની આજુબાજુ રક્ષક તરીકે ઊભેલા દેવદાર, ઓક, પાઇનનાં વૃક્ષોમાંથી આવતી ફૉરેસ્ટ ફ્રૅગ્રન્સ માણી શકાય છે. ચહેકતાં પહાડી પક્ષીઓ અને બાજુમાં જ વહેતી જટાગંગા (લોકલ્સ જેને જટ્ટગંગા કહે છે)નો મંદ-મંદ કલકલાટ, મુલાકાતીઓને દેવભૂમિમાં આવ્યાનો મસ્ત અહેસાસ કરાવે છે. એટલા માટે જ યાત્રાળુને મેઇન ગેટથી કુબેર મંદિર જરાય આઘું નથી લાગતું.
હવે ભૂલોકોની સમસ્ત સંપત્તિના સ્વામી કુબેર મંદિરની વાત કરીએ. ચોખ્ખા ચોરસ ચોગાનમાં ઊભેલું દશાનનના ભ્રાતાનું મંદિર અન્ય નાની દેરીઓથી થોડું મોટું છે. એનાં નાનાં પ્રવેશદ્વારથી સહેલાઈથી કુબેરની સમીપ પહોંચી બાબાની પૂજાઅર્ચના કરી શકાય છે. બટ દિવાળીમાં ગર્ભગૃહના દ્વાર પર જ પૂજારી બેઠા હોય છે એટલે લિંગમની સ્પર્શના નથી થતી. પણ બાકીના દિવસોમાં એ એવું ખાલી હોય છે કે એમ જ લાગે કે જલેબી ને ફાફડા, કુબેર બાપા આપડા.’
કહેવાય છે કે આ ભૂમિ પર ખુદ કૈલાસનાથે અને સપ્ત ઋષિએ એટલીબધી સાધના કરી હતી કે અહીંની ધરતી અતિ શક્તિશાળી થઈ ગઈ. અને જે અહીં આવતા, જે માગણી કરતા એ અહીંના મૃત્યુંજય મહાદેવ, કુબેરજી ફળીભૂત કરતા. શુભ તેમ જ માંગલિક માગણીઓ તો ઠીક પણ ભૂમિના આવા પ્રતાપી પ્રભાવને કારણે કેટલાક લોકો નાપાક મુરાદો લઈને પણ અહીં આવતા અને ભોલેનાથ એ પણ સાકાર કરતા.
આદિ શંકરાચાર્યને આ વાતની જાણ થઈ આથી તેમણે અહીં આવી સાધના કરી અને આ ભૂમિની શક્તિ થોડી સુષુપ્ત કરી જેથી બદઇરાદાધારી એનો ફાયદો ન ઉઠાવે.
આમ આ ભૂમિ સત્ત્વશીલ છે, ફળદાયી છે એ પ્રાચીન શ્રદ્ધાને કારણે કુબેરદેવ સાથે પણ માન્યતા જોડાઈ કે બાબાનાં દર્શનથી ધનની આપદ્દાઓ દૂર થાય છે, જે હજી પણ જોડાયેલી છે. આથી દીપાવલી તથા અન્ય સમયમાં આવતા મોટા ભાગના દર્શનાર્થીઓ આસ્થાથી અહીંના ગર્ભગૃહની કે મંદિરના પરિસરની થોડી માટી પોતાની સાથે લઈ જાય છે અને પૈસા રાખવાના સ્થાનમાં રાખે છે. આ વિધિને સ્થાનિકો અર્જી લગાના કહે છે. (આખિર પૈસૈ કિસકો નહીં ચાહિએ?)
કેટલાક ભક્તો અહીંની માનતા પણ રાખે છે. માનતા રાખનારને પૂજારી મંત્રોચ્ચાર બોલી પીળા કપડામાં વીંટાળેલો ચાંદીનો સિક્કો આપે છે. એ તિજોરીમાં રાખવાથી પણ ધનસંપદાની કમી નથી રહેતી, ભક્તોનું કામકાજ ચાલવા લાગે છે અને આવક વધવા લાગે છે. મનોકામના પૂર્ણ થતાં ભાવિક અહીં આવી બાબાને ખીરનો ભોગ ધરાવે છે.
સદીઓ પહેલાં જ્યારે ભારતમાં જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી થી બસેરા ત્યારે પૂજારીઓ અહીં આવતા દરેક ભક્તને કુબેરદેવના પ્રસાદ તરીકે ચાંદીનો સિક્કો આપતા હતા, જે હવે મૉડિફાય થઈ અમુક તમુક રકમની દક્ષિણા આપ્યા બાદ મળે છે. જોકે ફ્રી પ્રસાદ ભલે ન મળે, ભક્તોની કુબેરદેવ પ્રત્યેની આસ્થા હજી પેલા પીળાં કપડાંમાં વીંટળાયેલા સિક્કાની જેમ અકબંધ અને સચવાયેલી છે. દિવાળીના પર્વમાં દુલ્હન જેવા શણગાર રચતું આ શિવાલય સમસ્ત વિસ્તારમાં રોનક ફેલાવી દે છે અને બાકીના દિવસોમાં પણ અહીં દર્શનાર્થે આવતા ભક્તો ભલે બધાં ૧૨૪ મંદિરોનાં દર્શન ન કરે, કુબેરજીને પાયલાગણ કરવા અચૂક જાય છે.
૨૧મી સદીમાં એક સ્થળેથી બીજા સ્થળે જવું બહુ રહેલું બની ગયું છે. હવાઈ, રેલ, સડક, દરેક સેવાઓ ડે બાય ડે અપગ્રેડ થતી રહે છે. એ ન્યાયે મુંબઈથી ૧૮૦૦ કિલોમીટર દૂર આવેલું જાગેશ્વર ધામ પણ હવે ઢૂંકડું થઈ ગયું છે. ફ્લાઇટમાં જવું હોય તો મુંબઈથી જાઓ પંતનગર હવાઈ અડ્ડે. અને ત્યાંથી ૧૫૦ કિલોમીટરની પહાડી રોડ જર્ની જે ફ્લાઇટ ટાઇમ કરતાં વધુ ટાઇમ લે છે. પણ નો વરી, રસ્તા ઘુમાવદાર છે છતાં સ્મૂધ છે. ટ્રેન મારફત મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી ઉત્તરાખંડનું લાસ્ટ સ્ટેશન કાઠગોદામનો ઑપ્શન છે જ્યાંથી ૧૧૬ કિલોમીટરના અંતરે કુબેરદેવનું મંદિર.
વેઇટ, રેલવે મંત્રાલયથી તાજા-તાજા ન્યુઝ આવ્યા છે કે બાંદરાથી ઉત્તરાંચલના લાલકુઆં સુધી સુપરફાસ્ટ ટ્રેન શરૂ થઈ છે જે આપણા હોમટાઉનથી ફક્ત ૨૫ કલાકમાં કુમાઉં રીજનમાં પહોંચાડી દેશે અને લાલકુઆંથી ૫ કલાકમાં ૧૩૮ કિલોમીટરનું અંતર કપાય એટલે જય જાગેશ્વર.
બાલમિઠાઈના શહેર અલ્મોડાથી જાગેશ્વર ૩૬ કિલોમીટર જ છે. એટલે ભારતના ભિન્ન-ભિન્ન પ્રદેશોથી આવતા યાત્રિકો અલ્મોડા રહેવાનું પ્રિફર કરે છે. અહીં દરેક બજેટની હોટેલ્સ પણ મળી રહે છે અને જાતજાતનું જમવાનું પણ. જોકે કેટલાક પ્રકૃતિપ્રેમીઓ ઇકો રિસૉર્ટ કે હોમસ્ટેમાં રહેવાનું પણ પસંદ કરે છે. તેમને માટે આ રૂટ પર સો મૅની ઑપ્શન છે. એમ તો જાગેશ્વરમાંય રહેવા-જમવાની સુવિધા છે, પરંતુ લિમિટેડ.
ગયા વર્ષે ૧૩ ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાગેશ્વરધામના દર્શનાર્થે ગયા હતા અને ગયા મે મહિનામાં મિસ્ટર ખિલાડી અક્ષય કુમારે પણ મૃત્યુંજય બાબાની પૂજાઅર્ચના કરી હતી.