જે તળેટી પર કદમ મૂકવા તૈયાર નથી તે શિખરે પહોંચતો નથી

14 October, 2024 03:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો. શિખર સર કરીને તે પોતાની જાત પર જીત મેળવતો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

એક પર્વતારોહક જ્યારે પર્વતના શિખરને સર કરે છે ત્યારે તે પર્વતના શિખર પર જીત નથી મેળવતો. શિખર સર કરીને તે પોતાની જાત પર જીત મેળવતો હોય છે. કારણ કે પર્વત પર ચડવાનું શરૂ કરતાં પહેલાં પોતાની જાત માટે મનમાં તેને શંકા હોય છે કે હું શિખર સુધી પહોંચી શકીશ ખરો? તેના મનમાં અવિશ્વાસ હોય છે કે આ શિખર સુધી પહોંચવું અઘરું છે અને કદાચ તો નહીં જ પહોંચું. અને પહોંચતાં પહેલાં જ મારે પાછા ફરવું પડશે, પણ જ્યારે તે ઉપર પહોંચી જાય છે ત્યારે તેને લાગે છે કે તે બહુ મોટો જંગ જીતી ગયો અને આમ તે પોતાના પર વિજય મેળવે છે.

આવું જ અધ્યાત્મના માર્ગ પર કદમ માંડવા માગતા સાધકનું હોય છે. એ સાધકની મન:સ્થિતિ પણ એવી જ હોય છે જેવી પેલા શિખર કરવા નીકળેલા પર્વતારોહકની હોય છે. સતત અવિશ્વાસ, સતત અવઢવ અને સતત મનમાં ભય સાથે તે આગળ વધતો હોય છે. હું નિયમિત રેસ્ટોરાંમાં જનારો, આ તપ કરી શકીશ ખરો? ટીવી સામે બેસીને વિકારી દૃશ્યો જોનારો હું શું બ્રહ્મચર્યનું પાલન કરી શકું? એકેક રૂપિયા માટે ગમે તેની સાથે ઝઘડવા તૈયાર થઈ જતો હું, લાખોનું દાન કરવા તૈયાર થઈ જાઉં? 

આવી શંકા-કુશંકા, ભય-અવિશ્વાસ વચ્ચે અટવાતો સાધક જ્યારે ‘યા હોમ’ કરીને કૂદી પડે છે અને ધર્મારાધના કરવામાં તે સફળ બનીને રહે છે ત્યારે એનો આત્મવિશ્વાસ એટલી હદે વધી જાય છે કે પછી અન્ય કોઈ પણ ધર્મસાધનાની વાત આવે ત્યાં છલોભલ વિશ્વાસ સાથે અને ભરપૂર ઉત્સાહ સાથે એ ધર્મસાધનામાં જોડાઈને જ રહે અને એમાં એ સાંગોપાંગ પાર ઊતરીને જ રહે છે, પણ આમાં મહત્ત્વની શરત છે, શરૂઆત કરવાની. જો તમે પર્વતની તળેટી પર પણ કદમ મૂકવા તૈયાર થતા નથી તો પછી પર્વતના શિખરે પહોંચવાની બાબતમાં તમારે નાહી નાખવાનું જ રહે. જો તમે ધર્મસાધના શરૂ કરવા જેટલું પણ સત્ત્વ ફોરવવા તૈયાર નથી તો પછી ઊંચી ધર્મસાધના કરી લેવાનાં અરમાનો પર તમારે પૂર્ણવિરામ જ મૂકી દેવાનું રહે. 

આ જે વિચારધારા છે એ વિચારધારા જ માણસને જીવન માણવાને બદલે જીવનભર માગતા કરી દે છે અને અને માણસ જ્યારે માગતો થઈ જાય ત્યારે તે પરવશ થઈને રહે, જે ઈશ્વરને ક્યારેય મંજૂર નથી માટે પરવશ નહીં થાઓ અને જીવનને આધ્યાત્માના રસ્તે માણવાનું શરૂ કરો.

 - જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

culture news life and style religion Trekking news mumbai