અશાંતિથી ભાગી જનારને નહીં પણ અશાંતિ સામે જઈને બાથ ભીડનારને જ શાંતિ મળે

09 July, 2024 07:55 AM IST  |  Mumbai | Swami Satchidananda

અંગ્રેજોના રાજ્યની ભારતમાં સ્થાપના થઈ એ સમયે આપણે ત્યાં અશાંતિ અને અવ્યવસ્થા હતી

પ્રતીકાત્મક તસવીર

અહિંસા મહાન છે, પણ એ સમર્થની હોય તો અને તો જ. જો જંગલનો સિંહ અહિંસાનું વ્રત ધારણ કરે તો એનું ચિત્ર સમાચારપત્રમાં આવે. જોકે એ વાત જુદી છે કે સિંહ મોટા ભાગે ઓછામાં ઓછો હિંસક હોય છે. મેં આફ્રિકાનાં જંગલોમાં અસંખ્ય વાર સિંહોનું અધ્યયન કર્યું છે. ચાર-પાંચ દિવસે જ્યારે ભૂખ લાગે ત્યારે એ માત્ર એક જ પશુને મારતો હોય છે. એમાં પણ નાનાં બચ્ચાં પર એ ભાગ્યે જ પંજો ઉપાડતો હોય છે. એની નજીકમાં, હજારો હરણ, સાબર, સસલાંઓને નિર્ભ્રાંત ચરતાં મેં જોયાં છે અને એ પછી પણ સિંહ નિરાંતે ઊંઘતો હોય છે. પોતાના સામર્થ્યને કારણે જ સિંહ શાંતિથી ઘસઘસાટ ઊંઘતો હોય છે. બીજી તરફ જુઓ તમે. દેડકા, ચકલાંને જોજો તમે. આખો દિવસ હાડકાં વિનાની ઇયળો જેવાં ક્ષુદ્ર જંતુઓને માર્યા કરશે અને પરસ્પરમાં લડ્યા કરશે. ચકલાંને વળી શાન્તિ કેવી? નાનાં-નાનાં તણખલાં માટે લડ્યા કરવું, ચેં-ચેં-ચેં કર્યા કરવું અને એક તાળીનો અવાજ થાય તો પણ ફુરરર કરીને ભાગી જવું. એનું નામ ચકલાં! બનવું તો સિંહ જેવા બનવું અને સિંહની છાતી સાથે રહેવું. નાની વાતમાં ઘુર​કિયાં કરવાનો સ્વભાવ શ્વાનનો છે, સિંહનો નહીં.

અશાંતિથી ભાગી જનારને શાંતિ નથી મળતી, પણ અશાંતિની સામે જઈને બાથ ભીડનારને શાંતિ મળે છે. આવો ભડવીર જ હજારોને શાંતિ આપે છે. અંગ્રેજોના રાજ્યની ભારતમાં સ્થાપના થઈ એ સમયે આપણે ત્યાં અશાંતિ અને અવ્યવસ્થા હતી. પ્રજા માટે સૌથી મોટો ત્રાસ પીંઢારાઓનો હતો. અત્યંત ક્રૂર તથા નીચ પ્રકૃતિના આ પીંઢારાઓ હજારોની સંખ્યામાં ટોળે વળીને ગામો અને નગરો પર ત્રાટકતા, પ્રજાને લૂંટતા અને ખૂબ મારઝૂડ કરતા. સૌથી અસહ્ય જંગલિયત તેમની એ હતી કે તેઓ જુવાન અને રૂપાળી બહેન-દીકરી-વહુઓ-માતાઓને તેમના જ ઘરના માણસોની સામે નગ્ન કરીને બળાત્કાર કરતા. આવા બળાત્કારોને જોવા અને અનુમોદવા ઘરના માણસોને ફરજ પાડતા. સિસિલી જેવા ટાપુઓમાં તો આ નીચતા કરતી વખતે સ્ત્રીના પતિ કે દીકરીના બાપને હસતા મોઢે પંખા વતી હવા નાખતાની ફરજ પાડતા!

ભારતની પ્રજા વર્ષોથી પીંઢારાઓના ત્રાસને સહન કરતી ફફડતી. અહીં હજારો યોગીઓ, હજારો સિદ્ધો અને ચમત્કાર બતાવનારા અસંખ્ય સાધુબાવાઓ હતા. તેઓ શ્રદ્ધાળુ કે અંધશ્રદ્ધાળુ ભક્તોની આગળ તો શક્તિપાત કરી બતાવતા, પણ આ પીંઢારાઓ અને ગઝનીઓ આગળ તેમના શક્તિપાતને લકવો લાગી જતો અને પૂર્વનાં કર્મો કહીને મુશ્કેલીથી દૂર થઈ જતા. જોકે અંગ્રેજોએ એ પ્રજાને ઝબ્બે કરીને લાખો બહેન-દીકરી-વહુઓ-માતાઓને આશ્વાસન આપ્યું. આશ્વાસનકારક કામ કરનારા હંમેશાં લોકોના હૃદયમાં સ્થાન પામે છે.

culture news life and style columnists